Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:એક ભેજાબાજની લાલચે જ્યારે હિન્દ પર યુરોપિય પ્રજાનાં આક્રમણનો પાયો નાખ્યો

    12 hours ago

    ધૈવત ત્રિવેદી ઈતિહાસની દેવીનું હાસ્ય બહુ માર્મિક હોતું હશે, બાકી એક ખાનવાનું યુદ્ધ હારવાથી આવડા મોટા દેશની સમૂળી નિયતિ બદલાઈ જાય? પણ એવું બન્યું. બાબર પોતાના મંગોલ પૂર્વજો પાસેથી ‘તુલુગમા’ વ્યૂહ શીખ્યો હતો અને તેની પાસે તોપ હતી. ફક્ત આ બે કારણથી રાણા સાંગાનો પરાજય થયો અને હિન્દની ધરતી પર લાંબા મુઘલ શાસનના મંડાણ થયા. હિન્દનો સમૂળો ઈતિહાસ બદલાઈ ગયો. પણ આજના ઈરાનની ભૂમિ પરથી તગેડાયેલો બાબર સલામત ભૂમિની શોધમાં હિન્દ ભણી આવ્યો અને મુઘલ વંશનો પાયો નખાયો એ ઘટનાનાં બીજ તો લગભગ 100 વર્ષ પહેલાં જ નખાઈ ચૂક્યાં હતાં અને તેમાં નિમિત્ત બન્યો હતો એક આદમી, જેને હિન્દુસ્તાન સાથે સ્નાનસૂતકનોય નાતો ન હતો. મુઘલો પછી ભારત યુરોપિય પ્રજાને આધીન રહ્યું અને તેનાં પાયામાં હતું એક વિધાન, જે આપણે ઈતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ભણ્યાં છીએઃ ઈ. સ. 1453માં તુર્કોએ રોમના તાબાનું કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લેતા યુરોપિયનોને હિન્દ તરફ જતો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. એ ફરજ પડી એટલે કોલંબસ, બાર્થોલોમ્યુ ડાયસ જેવા સાગરખેડુઓએ સાહસયાત્રા આરંભી અને એ ક્રમમાં છેવટે વાસ્કો ડી ગામા કાલિકટ બંદરે પહોંચ્યો એ સાથે પોર્ટુગીઝ, સ્પેનિયાર્ડ, અંગ્રેજ, ફ્રેન્ચનાં ધાડાં હિન્દની સુવર્ણભૂમિ લૂંટવા આવી ચડ્યાં, પરંતુ આ બધાંની પાછળ એક આદમી જવાબદાર હતો. એણે જો મુઠ્ઠીભર સોનાની લાલચે પક્ષપલટો ન કર્યો હોત તો તુર્કો કદી કોન્સ્ટેન્ટિનોપોલ જીતી જ શક્યા ન હોત અને તો યુરોપિયનો પણ ભારત પર આફત બનીને ત્રાટક્યા ન હોત! તેનું નામ ઓર્બાન. હંગેરિયન મૂળનો એ આદમી ભેજાબાજ લુહાર હતો. અનેકવિધ ધાતુઓ સાથે પનારો પાડીને ઓર્બાને એક એવા નળાકારની રચના કરી, જેની પછવાડે બારૂદ ઠાંસીને પલીતો ચાંપવામાં આવે તો નળાકારની અંદર ભરેલો પત્થર-ધાતુનો વજનદાર ગોળો સેંકડો મીટર દૂર ફંગોળાઈને ફાટે અને પારાવાર નુકસાન વેરે. આ તદ્દન નવતર શસ્ત્રની વિશેષતા એ કે દુશ્મનની નજીક જવું જ ન પડે અને કિલ્લાની તોતિંગ દીવાલો સુધ્ધાં સલામત અંતરેથી તોડી શકાય. ઓર્બાને સૌથી પહેલાં સંપર્ક સાધ્યો સમ્રાટ કોન્સ્ટેન્ટાઈન (બીજા)નો, જે બાયઝેન્ટાઈન તરીકે ઓળખાતા મહાન રોમન સામ્રાજ્યના પૂર્વ છેડાનો સમ્રાટ હતો. રોમન સામ્રાજ્ય એટલું તો વિરાટ હતું કે તેનાં બે હિસ્સા પાડવા પડતા હતા. કાલચક્રની અવિરામ ગતિનો એ બહુ જ મહત્ત્વનો પડાવ છે, પણ એની વાત ફરી ક્યારેક. ઓર્બાન જ્યારે કોન્સ્ટેન્ટાઈન પાસે પહોંચ્યો ત્યારે બાયઝેન્ટાઈન સામ્રાજ્ય અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યું હતું છતાં સમ્રાટનો વળ છૂટતો ન હતો કારણ કે સમગ્ર નગર એક હજાર વર્ષ પહેલાં સમ્રાટ થિયોડોસિયસે બનાવડાવેલી અભેદ દીવાલોથી રક્ષાયેલું હતું. ઈ. સ.ની પાંચમી સદીના આરંભે બનેલી એ દીવાલોય કેવી? કોન્સ્ટેન્ટિનોપોલ નગરના રક્ષણ માટે શહેર ફરતી 20 મીટર પહોળી અને 7 મીટર ઊંડી ખાઈ. તેમાં છલોછલ પાણી ભરવામાં આવે. કાળના ખપ્પર જેવાં ડાચાં ફાડીને ફરતા મગર પણ તેમાં હોય, જેથી કોઈ તરીને આવવાની હિંમત ન કરી શકે. ખાઈની ધાર પર 8 મીટર ઊંચી અને 2 મીટર પહોળી દીવાલ, જેના બુરજ પરથી તીરંદાજ નિશાન તાકીને જ બેઠા હોય. એ બીજી રક્ષણાત્મક હરોળ સાંકડા ગલિયારા મારફતે ત્રીજી દીવાલ સાથે જોડાયેલી હોય. એ દીવાલ 12 મીટર ઊંચી, 6 મીટર પહોળી અને નિયમિત અંતરે 20 મીટર ઊંચા બુરજ પર બેઠેલા મારકણા તીરંદાજ. સદીઓ સુધી આ ગજબનાક દીવાલોએ બાયઝેન્ટાઈન સામ્રાજ્યનું બાહ્ય આક્રમણો સામે રક્ષણ કર્યું હતું. પહાડ જેવી એ દીવાલોએ જ દુનિયાભરના સામ્રાજ્યોને રક્ષણ માટે તોતિંગ કિલ્લાઓની પ્રેરણા આપી હતી. ચિત્તોડનો વિખ્યાત કિલ્લો એ થિયોડિસિયસ વોલની જ નાનકડી પ્રતિકૃતિ છે. આવી દીવાલો હેઠળ રક્ષાયેલ સામ્રાજ્યના સમ્રાટ તરીકે કોન્સ્ટેન્ટાઈને ઓર્બાનની દરખાસ્ત નકારી કાઢી. દુશ્મનોનાં ધાડાં હુમલાઓ લઈને આવતાં હતાં. નવા નવા મારકણા બનેલા તુર્કોનો સૌથી મોટો ભય હતો. નવતર શસ્ત્રની જરૂર તો હતી જ, પણ આટલી વિશાળ માત્રામાં ધાતુ એકઠી કરવી અને ઓર્બાનને તેનું મહેનતાણું ચૂકવવું... સમ્રાટને એ બેય ખર્ચ આકરા લાગ્યા અને તેણે ઓર્બાનને પાછો ધકેલ્યો. સમ્રાટને ત્યારે ખબર ન હતી, તેણે ઓર્બાનને નહીં, એક હજાર વર્ષ જૂની રોમન વિરાસતની તકદીરને ધક્કો માર્યો હતો. સમ્રાટે નકાર્યો એટલે પોતાની કાબેલિયતના નકારથી ઘવાયેલો ઓર્બાન પહોંચ્યો બાયઝેન્ટાઈન સામ્રાજ્યના કટ્ટર શત્રુ મહેમુદ પાસે. ઉસ્માનના વંશનો મહેમુદ ત્રણ-ત્રણ પેઢીથી કોન્સ્ટેન્ટિનોપોલ જીતવાનું ખ્વાબ સેવતો હતો. તેણે ઓર્બાનને મોં માગ્યું વળતર આપ્યું. માગ્યું એટલું લોખંડ, કાંસું, તાંબું, જસત સુલભ કરાવી દીધું. આજે એડ્રિઆનોપોલ તરીકે ઓળખાય છે એ નગર ત્યારે એડ્રિને હતું. એડ્રિને શહેરની ભાગોળે બનાતના ઊંચા તંબુ બાંધીને ધાતુ ગાળવાની ફાઉન્ડ્રી તૈયાર કરી આપી, જ્યાં ફક્ત ત્રણ મહિનામાં ઓર્બાને મહાકાય તોપ તૈયાર કરી નાખી, જે યુદ્ધનો જ નહીં, સમગ્ર વિશ્વનો ઈતિહાસ બદલવામાં નિમિત્ત બનવાની હતી. 8 મીટર લાંબી અને 80 સેન્ટિમીટરનો વ્યાસ ધરાવતી આ તોપ 500 કિલોના પત્થર-ધાતુના ગોળા મહત્તમ 2 કિલોમીટરના અંતરે દાગી શકતી હતી પરંતુ તેનું વજન હતું 20 ટન, યાને 400 કિલો. એડ્રિનેથી કોન્સ્ટેન્ટિનોપોલના રણમેદાન સુધી આ તોપને લઈ જવાના ભગીરથ પ્રયાસમાં 60 જેટલાં શક્તિશાળી બળદોએ હાંફીને દમ તોડી દીધો. સેંકડો શ્રમિકોએ પણ બાવડાની નસો ફૂલીને ફાટી જાય ત્યાં સુધી બળ કર્યું. રસ્તામાં આવતાં પુલો અને સાંકડી પગદંડીઓ પણ રાતોરાત સમારકામ કરીને મજબૂત કરવી પડી. પરંતુ મહાપ્રયત્ને રણમેદાન સુધી પહોંચી ગયેલી તોપોએ પછી એવો ચમત્કાર બતાવ્યો જે આજેય ઈસ્તંબુલ તરીકે ઓળખાતા એ મહાનગરના કિલ્લાની દીવાલો પર તોતિંગ ગાબડાં તરીકે જોવા મળે છે. લગાતાર 1123 વર્ષ સુધી અડીખમ રહેલું એક મહાકાય સામ્રાજ્ય એ નવતર શસ્ત્ર, બારૂદના ધડાકામાં ફૂંકાઈ ગયું અને એ બારૂદના ધડાકાએ જ એક એવાં સામ્રાજ્યનું ઘડતર કર્યું જે બીજાં 623 વર્ષ સુધી અડીખમ રહેવાનું હતું. *** અમરત્વ પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં ચીનીઓએ બારૂદનો આવિષ્કાર કર્યો અને આરંભે ધડાકાના જોરે દૂર સુધી ફંગોળાતાં તીર, ભાલા તૈયાર કર્યાં. પછી તો અવનવા પ્રયોગો થતા રહ્યા અને એક એવી જણસ પણ બની, જે અત્યાધુનિક તોપ, મોર્ટાર, રોકેટ કે તમામ પ્રકારની બંદૂકોની આદ્ય માનવામાં આવે છે. ચીનના હેઈલિંગજિયાંગ પ્રાંતમાંથી મળેલી એ સૌથી જૂની ગન આજેય મ્યુઝિયમમાં સચવાયેલી છે. ઈ. સ. 1288માં બનેલી એ ગનનું વજન ફક્ત સાડા ત્રણ કિલો હતું. એ જ ગનમાંથી પ્રેરણા લઈને બરાબર 165 વર્ષ પછી ઓર્બાને 20 ટન વજનનો મહાકાય અને વિધ્વંસકારી દસ્તો તૈયાર કર્યો તેમ અવશ્ય કહી શકાય કારણ કે બારૂદનો આવિષ્કાર ચંગેઝખાનના સમયમાં મધ્ય એશિયા સુધી વિસ્તરી ચૂક્યો હતો. પરિણામે નવતર સંશોધનોનો વ્યાપ પણ વધ્યો હતો. કોન્સ્ટેન્ટિનોપોલ સામેનાં યુદ્ધમાં તોપની પ્રચંડ સફળતા જોયા પછી ઓટોમાન તુર્કોએ અનેક તોપો તૈયાર કરાવી. પછી તો યુરોપિય દેશોએ પણ અવનવા આવિષ્કારો કર્યા. શસ્ત્ર નવું હતું, અકસીર અને ઘાતક હતું એટલે યુદ્ધોની પરંપરાગત પ્રણાલી પણ બદલાઈ. આલીશાન કિલ્લાઓનો આખો દૌર ખતમ થઈ ગયો. બાહુબળ, બહાદુરી અને હિંમત જેવા યોદ્ધાઓના મૂળભૂત ગુણોનુંય પુનઃ મૂલ્યાંકન થયું, કારણ કે હવે શત્રુ સન્મુખ જવાની, જીવને જોખમમાં મૂકવાની જરૂર જ રહી ન હતી. ખેર, એ વખતે ભારત શું કરતું હતું? એ ભારત જ્યાં અગ્નેયાસ્ત્રોનાં સૌથી જૂનાં પ્રમાણો હતાં. રામાયણનો એ શ્લોક સૌથી પ્રાચીન પ્રમાણ મનાય છે જેમાં કહેવાયું છેઃ અગ્નેયમસ્ત્રં ચિક્ષેપ રાક્ષસેન્દ્રજિઘાંસયા. આતતાયીને ત્રાહિમામ પોકારાવે એવાં અગ્નેયાસ્ત્રોનો એ ઉલ્લેખ ભારતમાં કાગળ પર જ કેમ રહી ગયો? }(વધુ આવતા રવિવારે)
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:મિટિંગાઇટીસ, સાવ નવો રોગ
    Next Article
    અપડેટ:અમેરિકાએ રાતોરાત બે AI મોડલ પર પ્રતિબંધ કેમ લગાવ્યો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment