Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:મિટિંગાઇટીસ, સાવ નવો રોગ

    11 hours ago

    ભાગ્યેશ જહા તમે ધ્યાનથી જોઇ ના શકતા હોવ તો આ રોગ છે એવો ખ્યાલ ના આવે. આ એક અત્યંત ગુપ્ત છતાં પ્રગટ, વ્યાપક છતાં વ્યક્તિગત અને લક્ષણો વિનાનો વિલક્ષણ રોગ છે, એનું નામ છે, ‘મિટિંગાઇટીસ’. આ ડાયાબિટીસના કુળનો હોવા છતાં એને માપવાનાં સાધનો ઉપલબ્ધ ન હોવાથી લોકો એને જાણતા નથી. ઘણા અલ્પજ્ઞાનીઓ આ રોગ સરકારી અધિકારીઓને થાય છે એવું ઉતાવળું જજમેન્ટ આપતા હતા, પણ હવે કોર્પોરેટ અને મલ્ટિનેશનલમાં કામ કરતા ઇસમોમાં આવાં સૂક્ષ્મ લક્ષણો જોવા મળતાં એની સર્વવ્યાપક હાજરીનો વૈશ્વિક સ્વીકાર થયો છે. થોમસ નામના મનોવૈજ્ઞાનિકે હમણાં એક ખાનગી યુનિવર્સિટીના અત્યંત ખાનગી પરિસંવાદને સંબોધતાં જાહેરમાં જણાવ્યું છે કે ‘ઘણા લોકો કોરોના પછીના (કોવિડોત્તર) સમયમાં જોવા મળતી વિશિષ્ટ માનસિક બીમારી કે વિચિત્રવર્તનવિજ્ઞાન નામનાં નવાં મનોવલણોના અભ્યાસમાં આ રોગ પકડાયો છે. જો કે આને વૈશ્વિક રોગચાળો (Global epidemic) જાહેર કરવા માટે એક બેઠક(અર્થાત્ મિટિંગ)યોજાઇ હતી, પણ એ બેઠકના અધ્યક્ષસ્થાને આવનારા મહાનુભાવ આગળના અઠવાડિયે પાંચ દિવસમાં સત્તાવીસ મિટિંગમાં હાજરી આપવાને લીધે ‘ડિપ્રેશન’ની દવા લીધી હોવાને લીધે ગેરહાજર રહ્યા હતા. આ મિટિંગના એજન્ડા પર ‘કૉન્ફિડેન્શિયલ; સેનિટી સેન્સિટિવ’ એવું લખેલું હોવાને લીધે દુનિયાની અનેક જર્નલો અને અનૌપચારિક જૂથો તેમજ સોશિયલ મીડિયાના સ્વયંસંસ્થાપિત સમાજહિતચિંતકોમાં ભારે ચકચાર સિવાય ચર્ચામાં ચાલી રહ્યો છે. જોકે, જેમને આ ‘મિટિંગાઇટીસ’ ફાઇલ મળી છે એવા ભારતીય મનોવૈજ્ઞાનિક વિનુકાકાને સંકોચ સાથે પૂછ્યું ત્યારે એમણે જણાવેલું, ‘આ ડાયાબિટીસ જેવો સંભળાતો હોવા છતાં એક વિશિષ્ટ મનોવલણ ધરાવતો તથાકથિત રોગ છે. તથાકથિત એટલા માટે કે આ રોગની મજા, વિચિત્રતા અને વિશિષ્ટતા એવી છે કે આને જે રોગ જાહેર કરે એણે પોતે પણ આવી જ કોઈ મિટિંગમાં બેસવું પડે. આ રોગ એટલો બધો હાઇબ્રિડ છે કે નૉર્મલ માણસો અને આ લક્ષણધારી સજ્જનોને અલગ પાડી ઓળખી બતાવવા અઘરા છે. આજે આની કેટલીક છૂટીછવાઇ લાક્ષણિકતાઓ જે અમે મહામહેનતે એકઠી કરી છે એ વિશ્વકલ્યાણની વિશુદ્ધ વિભાવનાને કારણે ‘શૅર’ કરીએ છીએ. એક અતિધાર્મિક પણ મિટિંગમહારથીએ અમને જણાવ્યું છે કે સ્વર્ગમાં ‘મોક્ષાર્થીઓ’ ફાઇનલ કરવા માટે પણ મિટિંગ બોલાવવી પડે છે. કોઇ અજાણ્યા શાસ્ત્રમાં તો એવું જણાવ્યું છે કે મિટિંગ પોતે અપવિત્ર કે ઍબ્નૉર્મલ હોતી નથી, પણ કેટલીક વિશિષ્ટ રીતે વિચિત્રતા ધરાવતી વ્યક્તિઓ પોતાની વિશિષ્ટ શક્તિને કારણે આ મિટિંગાઇટીસ (જેને કેટલાક મનોવૈજ્ઞાનિકો ‘મિટીસ’ એવા ટૂંકા નામથી ઓળખે છે)ના વાઇરસ પેદા કરતા હોય છે. આવી શક્તિ અચાનક પ્રાપ્ત કરવી‌ મુશ્કેલ છે પણ કેટલાક લોકો કોઇ પણ સ્થિતિ કે સમસ્યાને ગૂંચવી નાખવાનાં વર્ષોના અનુભવને લીધે આ ‘મિટીસ-લક્ષણો’ પ્રાપ્ત કરે છે. આ રોગ અથવા ડિસ-ઑર્ડર (અહીં સરળતા માટે મેન્ટલ ડિસઓર્ડર એવું વાંચી શકાય) કેટલાક લોકો ‘મિટિંગ એ મોક્ષનું દ્વાર છે’ એવી આધુનિક કહેવત બનાવીને વહેતી કરે છે. આ મિટિંગમાં ઝંડા નહીં પણ એજન્ડા હોય છે. ઘણા વિદ્વાનો એવું માને છે કે એજન્ડા એટલે એવા મુદ્દા જેની ઉપર ચર્ચા કરવી હંમેશાં જરૂરી નથી હોતુ.‌ દરેક મિટિંગમાં એક અધ્યક્ષ હોય છે જેને આપણે આ ચર્ચા માટે પીઠાસીન અધિકારી કહેશું. ખરેખર મિટિંગને મિટિંગ તરીકે ના જોવી જોઈએ પણ આધ્યાત્મિક રીતે એને વિશ્વરૂપ દર્શન નો એક પ્રયોગ ગણવો જોઈએ. સંસારના ત્રિગુણાત્મક સ્વરૂપને સમજવું હોય તો મિટિંગ ઉપયોગી થઈ શકે. મિટિંગની ખુરશીઓમાં વિવિધ મુદ્રાઓમાં બેસતા મનુષ્યને જોવાથી ખ્યાલ આવે છે કે આ મિટિંગ કેટલી બધી મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિઓથી સંપન્ન થાય છે. કશું ન લખવું હોય તેમ છતાં પણ પેન ખોલીને બેઠેલા કોઈ મહાનુભાવ, કશું વાંચ્યા વિના ખૂબ જ બોલવા માગતા કોઈ મહામાનવ ખાલીશંકર, પોતાની હોશિયારીને સાબિત કરવા માટે વારંવાર બોલતા આકાંક્ષીબેન કે પીઠાસીન અધિકારી સામે સતત જોયા કરતા કોઈ શૂન્યવાદી તત્વજ્ઞાની જેવા મનુષ્ય આજે પણ અભ્યાસનો વિષય છે. હવે મિટિંગના સ્વરૂપ જ્ઞાન વિશે કેટલીક બાબતોને ઝીણવટપૂર્વક સમજવી જોઈએ. જેમકે ઘણા લોકો મિટિંગમાં ઊંઘી જતા હોય છે. હવે આ ઊંઘી જતા હોય છે એવો સાંસારિક શબ્દપ્રયોગ ખરેખર તો ઉતાવળે પ્રગટ થતી અણસમજ છે. ખરેખર તો પોતાના ચૈતન્યમાં સરી પડતા કોઈ જાગૃત વ્યક્તિ પોતાના ચર્મચક્ષુને ખુલ્લા ના રાખી શકે, એટલે કે કોઈ ઢોળાવ પર ઢળી પડતા હોય એવી રીતે પાંપણો બંધ થઈ જતી હોય એ કોઈ મિટિંગની જાદુઈ ક્ષણનું પરિણામ હોય છે. એને નેગેટિવ અર્થમાં લેવાના બદલે શરીર અને મનને એક સાથે આરામ આપનાર મિટિંગને એક આશીર્વાદ તરીકે જોવી જોઈએ. હવે મિટિંગમાં એક નવું પ્રાણી ઉમેરાયું છે, તે છે સ્ક્રીનદર્શક સમાંતર ચિંતક મહાનુભાવ. ઘણા લોકોને એ જ વખતે મેસેજ લખવાનો સમય મળતો હોય છે, ક્યારેક તો હાજર રહેલા સૌની સાથે સહાનુભૂતિ જીતવા માટે પીઠાસીન અધિકારી પણ સ્ક્રીનદર્શન કરતા હોય છે. સમય બાબતમાં બેદરકાર રહીને મિટિંગ ચલાવવી, શરૂ કરવી, પૂરી કરવી એ બધું હવે લલિતકલા કક્ષાની ઊંચાઈએ પહોંચ્યું છે, કારણકે કલાકો સુધી ચર્ચા કર્યા પછી કોઈ એક વ્યક્તિ જવાબદારીપૂર્વક એને ‘મિનિટસ્’માં રૂપાંતરિત કરે છે. આવા મિટિંગાઇટીસ ઓળખી શકવા પ્રભુ તમને જાગૃતિ આપે. ૐ ઇતિ. }
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:સ્નેહ, સંવેદના અને ગરીબી વચ્ચે ઝૂલતું પિતૃત્વ!
    Next Article
    વિસ્મય:એક ભેજાબાજની લાલચે જ્યારે હિન્દ પર યુરોપિય પ્રજાનાં આક્રમણનો પાયો નાખ્યો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment