Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "પાણી નહીં મળે તો અમે રાજીનામું આપી દેશું":​માંગરોળમાં પાણીની વિકરાળ અછત: રોષે ભરાયેલી જનતાએ સભ્યોના ઘરો ઘેર્યા, 'પાણી આપો નહિતર રાજીનામું લો'ની ચીમકીથી રાજકારણ ગરમાયું,ભાજપ ના જ સદસ્યોએ રાજીનામાની ઉચ્ચારી ચીમકી

    2 days ago

    ​માંગરોળ શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ હવે અત્યંત ગંભીર અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સામાન્ય રીતે લોકશાહીમાં પ્રજા પોતાના પ્રશ્નોને લઈને નેતાઓ અને વહીવટી તંત્ર સામે હાથ જોડતી જોવા મળતી હોય છે, પરંતુ માંગરોળ નગરપાલિકામાં હાલ તેનાથી તદ્દન ઉલટી જ પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીની ભયંકર તંગીથી કંટાળેલી જનતાનો આક્રોશ એ સ્તરે પહોંચ્યો છે કે, લોકો હવે પોતાના જ ચૂંટેલા પ્રતિનિધિઓના ઘરો બહાર ખાલી બેડાં લઈને પ્રદર્શન કરી રહ્યા છે. આ જનરોષના કારણે ભીંસમાં મુકાયેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષના નગરપાલિકા સભ્યોએ હવે તંત્રથી કંટાળીને પોતાના હોદ્દા પરથી સામૂહિક રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ​ચૂંટણી સમયે જે નેતાઓ મતદારોના ઘરે-ઘરે જઈને હાથ જોડીને મતોની ભીખ માંગતા હતા, આજે એ જ મતદારો પાણીના પ્રશ્ને આ સભ્યોના ઘરોની બહાર ધામા નાખીને બેઠા છે. જનતા હવે કાઉન્સિલરોને સીધેસીધી ધાકધમકી આપી રહી છે કે, "જો તમે અમને પીવાનું પાણી પૂરું પાડી શકતા ન હોવ, તો ખુરશી ખાલી કરો અને રાજીનામું ધરી દો!" મતદારોના આ ઉગ્ર વિરોધ અને ઘેરાવના કારણે લોકપ્રતિનિધિઓ ભારે લાચારી અનુભવી રહ્યા છે. તંત્રની બહેરાશ અને વહીવટી ઉદાસીનતાના કારણે પ્રજાના રોષનો ભોગ સભ્યોને બનવું પડી રહ્યું છે, જેના કારણે તેઓ હવે હોદ્દો છોડવા પણ તૈયાર થઈ ગયા છે. માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સભ્ય રમેશભાઈ પરમારે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અમે વહીવટી તંત્ર પાસે માંગરોળ માટે 4 MLD પાણીની રજૂઆત કરી હતી, પરંતુ અમને વાસ્તવિકતામાં માત્ર 2 MLD પાણી જ મળી રહ્યું છે. પૂરતું પાણી ન મળવાના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન છે અને રોષે ભરાયેલા લોકો અમારા ઘરે ખાલી બેડા લઈને આવી પહોંચે છે. મતદારો અમને ધાકધમકી આપી રહ્યા છે કે જો તમારાથી કામ ન થતું હોય તો રાજીનામા આપી દો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાણીની આ અછતને દૂર કરવા માટે અમે રાતના બે-બે વાગ્યા સુધી કૂવાઓ પર જઈએ છીએ અને ત્યાંથી વ્યવસ્થા ગોઠવવા મથીએ છીએ. અમે ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છીએ, છતાં અમને માત્ર ખોટા વાયદા જ આપવામાં આવે છે કે 4 MLD પાણી અપાય છે. જો આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિયમિત નિરાકરણ નહીં આવે, તો અમે મતદારોના હિતમાં નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશું. નગરપાલિકાના મહિલા સભ્ય વર્ષાબેન નરેન્દ્રભાઈ હોદારે તંત્ર આડે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માંગરોળમાં પાણીના ગંભીર મામલે ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી આ સમસ્યાનો કોઈ કાયમી હલ નીકળ્યો નથી. માંગરોળ ભૌગોલિક રીતે દરિયા કિનારે આવેલું હોવાથી અહીં ખારા પાણીનો મોટો સોર્સ ઉપલબ્ધ છે અને પાણીની કોઈ કમી નથી, પરંતુ તે પાણી પીવાલાયક નથી. લોકોને મીઠા પીવાના પાણીની જ મોટી આફત છે. તંત્રની નીતિ રીતિ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, વહીવટી સ્તરે કોઈ એવા જવાબદાર ચીફ ઓફિસર કે મોટા સાહેબ નથી જે આ જટિલ સમસ્યાનું કાયમી સમાધાન લાવી શકે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે, ત્યારે વહીવટી તંત્ર માત્ર નાના કર્મચારીઓને વાંધો જોવા માટે સ્થળ પર મોકલી દે છે. આ કર્મચારીઓ આવે છે, પ્રોબ્લેમ છે તેવું સ્વીકારે છે અને જતા રહે છે, પણ મુખ્ય સમસ્યાનું કોઈ નિવારણ લાવતું નથી. જો અમારી આ વ્યાજબી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો મારે પણ સભ્યપદેથી રાજીનામું આપી દેવું છે. માંગરોળ નગરપાલિકાના ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લા મિયાએ જણાવ્યું હતું કે માંગરોળ નગરપાલિકા પાસે પોતાના ચાર મુખ્ય કૂવાઓ આવેલા છે, જે અત્યાર સુધી ઉનાળો શરૂ થયો ત્યાં સુધી શહેરમાં બરાબર પાણી સપ્લાય આપતા હતા. પરંતુ ઉનાળાના છેલ્લા તબક્કામાં કૂવાઓમાં પાણીના તળ સાવ ઊંડા ઉતરી ગયા છે અને પાણી ડૂબ થઈ ગયું છે. આવી કટોકટી ઊભી થતાં અમે તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી હતી અને સરકારે અમને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવેજ બોર્ડ મારફતે રોજનું 4 MLD પાણી આપવાની બાંહેધરી આપી હતી. જો કે, માંગરોળની અસલી જરૂરિયાત રોજની 7 MLD પાણીની છે. આ સરકારી બાંહેધરી સામે હાલ આપણને માત્ર 1 થી 1.5 MLD પાણી જ ઉપરથી મળી રહ્યું છે, જેના કારણે પાણીની ભારે અછત સર્જાઈ છે. ​તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાના કારણે વીજળીનો કાપ અને પાવર લોડશેડિંગની સમસ્યા પણ વધી ગઈ છે. વીજળી ગુલ થવાના કારણે વોટર સપ્લાયની આખી લાઈન ખાલી થઈ જાય છે, અને ફરીથી લાઈન ભરીને પાણી સપ્લાય ચાલુ કરવામાં કલાકોનો સમય બગડે છે, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. સામાન્ય રીતે 10 થી 15 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ આવી જતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે આ મુશ્કેલી વધુ વણસી છે. જો સમયસર વરસાદ આવી ગયો હોત, તો પ્રજાને આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત. છતાં પણ, નગરપાલિકાના તમામ કાઉન્સિલરો, ચીફ ઓફિસર અને એન્જિનિયરોની ટીમ પ્રજાની પરેશાની દૂર કરવા કટિબદ્ધ છે અને રાત-દિવસ ફૂલ મહેનત કરી રહી છે. સ્થાનિક પીડિત રહીશ પ્રેમિલાબેન ગોશિયાએ જણાવ્યું હતું કે અમારી ગલીમાં છેલ્લા છ-છ મહિનાથી નળ કનેક્શન નખાવેલા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તેમાં એક વાર પણ પાણી આપવામાં આવ્યું નથી. નળમાં મોટર લગાવીને ખેંચવા છતાં પાણીનું એક ટીપું આવતું નથી. અમે આ બાબતે અબ્બુભાઈ, ક્રિષ્નાબેન સહિતના સ્થાનિક સભ્યોને ત્રણ-ચાર વાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. નેતાઓ અમને એવું કહીને ટાળે છે કે 'જ્યારે પહેલો વરસાદ પડશે ત્યારે પાણી આવશે' અથવા 'જ્યારે નવો ટાંકો બનશે ત્યારે પાણી મળશે'. પ્રજાનો સવાલ એ છે કે ટાંકો ક્યારે બનશે? અને વરસાદ આવે ત્યારે તો પાણી કુદરતી રીતે મળવાનું જ છે, અમારે તો અત્યારે વરસાદ વગર પીવાના પાણીની તાતી જરૂરિયાત છે. શહેરમાં પાંચથી આઠ દિવસે પાણી આવે છે, પણ અમારી ગલી સાવ વંચિત છે. અમારે મોંઘા ભાવના પ્રાઇવેટ પાણીના ટેન્કરો બહારથી પૈસા આપીને મંગાવવા પડે છે. આટલી અસુવિધા હોવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ કરવેરો ઉઘરાવવા માટે સમયસર આવી જાય છે અને અમારે વેરો ભરવો પડે છે, પણ પાણી મળતું નથી. અમારી વહેલી તકે માંગ છે કે નગરપાલિકાના સભ્યો અમને પૂરતું પાણી પૂરું પાડે. માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર રામજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, માંગરોળ શહેરમાં કુલ નવ વોર્ડ આવેલા છે. આ તમામ વિસ્તારો માટે દૈનિક ધોરણે 7 MLD પાણીની સામાન્ય જરૂરિયાત રહે છે, અને નિયમિત દિવસોમાં અમે દર પાંચ દિવસે પાણી વિતરણ કરતા હોઈએ છીએ. પરંતુ ચાલુ વર્ષે ઉનાળાના સમયગાળા દરમિયાન નગરપાલિકાના પોતાના સોર્સ સમાન ચાર મુખ્ય કૂવાઓમાં પાણી સાવ ખૂટી ગયું છે. આથી અમે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે GWSSB પાસે 7 MLD પાણીની માંગણી કરી હતી.સામે પક્ષે GWSSB ના સોર્સમાં પણ ઉપરથી પાણીની આવક ઓછી હોવાને કારણે, તેમણે અમને રોજના 4 MLD પાણી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હાલ સરેરાશ માત્ર ૨ MLD ની આસપાસ જ પાણી મળી રહ્યું છે. આ અંગે અમે GWSSB ના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ અને માંગરોળની પ્રજાને સમયાંતરે પૂરતો જથ્થો મળી રહે તે માટે વધુ પાણી છોડવા વિનંતી કરી છે. ​નગરપાલિકાના સભ્યો દ્વારા લાઈનમાંથી વચ્ચેથી પાણી ચોરી થવાના આક્ષેપો અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ બાબતે અમે GWSSB ના અધિકારીઓનું ધ્યાન દોરીશું અને તપાસ કરવા કહીશું. જો તેમની મેઈન લાઈનમાં ક્યાંય પણ પાણીની ચોરી કે ગેરકાયદેસર કનેક્શન માલુમ પડશે, તો તે વિભાગ ત્યાં કાયદેસરની એક્શન લેશે. આ ઉપરાંત જો નગરપાલિકાના પોતાના સ્થાનિક વિસ્તારમાં ક્યાંય પણ પાણીની ચોરી કે આવી પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવશે, તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ​નગરપાલિકાના સભ્યોની આ રાજીનામાની ચીમકી અને જનતાનો આક્રોશ એ સાબિત કરે છે કે માંગરોળમાં પાણીની સમસ્યા કાગળ પરના આંકડા કરતાં જમીની સ્તરે ઘણી વધારે ગંભીર છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે વહેલી તકે જાગીને પ્રજાની તરસ છિપાવે છે કે પછી સભ્યોના રાજીનામા બાદ મામલો વધુ ઉગ્ર બને છે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર પોલીસે ₹2.59 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો:રતનપર બાયપાસ નજીક અવાવરુ જગ્યાએથી દારૂનો જથ્થો મળ્યો
    Next Article
    'કોંગ્રેસના કપટથી ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે':પ્રવીણ રામે કહ્યું-ગાંધીનગર સુધી મંજૂરી ન માગી ખેડૂતોને ગુમરાહ કર્યા; 27મીએ સુરેન્દ્રનગરમાં AAPનું કિશાન મહાપંચાયતનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment