Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​મનપા જનરલ બોર્ડ બેઠકમાં પ્રી-મોન્સૂન અને ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હોબાળો:નરસિંહ મહેતા સરોવર અને ટાઉનહોલ મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા, ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ કરવા માંગ, શાબ્દિક યુદ્ધથી માહોલ ગરમાયો

    एक दिन पहले

    જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક ભારે ગાજવીજ સાથે સંપન્ન થઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, પ્રી-મોન્સૂનની નબળી કામગીરી, સરકારી નાણાંનો દુરુપયોગ અને વિવિધ પ્રોજેક્ટ્સમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ પક્ષે શાસક પક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. જનરલ બોર્ડની શરૂઆતથી જ વાતાવરણ ગરમાયું હતું અને વિપક્ષે લોકહિતના પ્રશ્નો મુદ્દે શાસકો સામે મોરચો માંડ્યો હતો. દિવ્યાંગ ડ્રાઈવરોની ભરતીથી લઈને પાયાની સુવિધાઓના અભાવ સુધીના અનેક મુદ્દાઓ પર સભાગૃહમાં ભારે ચર્ચા અને હોબાળો જોવા મળ્યો હતો. દિવ્યાંગોને ડ્રાઇવર ભરતી મંજૂર ​બેઠકમાં ડ્રાઈવરોની ભરતી પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગતા અંગે ગંભીર ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે જેઓ ઓર્થોપેડિક દિવ્યાંગતા ધરાવતા હશે અને જેમની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હશે, તેમની જ આ પદ પર ભરતી કરવામાં આવશે. આ મુદ્દે વિપક્ષે એવી માંગ કરી હતી કે દિવ્યાંગ ડ્રાઈવરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને મહાનગરપાલિકાના પદાધિકારીઓના વાહનોના ડ્રાઈવર તરીકે નિયુક્ત કરવા જોઈએ. જોકે, શાસક પક્ષે આ બાબતે જણાવ્યું હતું કે તમામ ભરતી પ્રક્રિયા સરકારના પ્રવર્તમાન નિયમો અને ધારાધોરણો મુજબ જ પારદર્શક રીતે કરવામાં આવશે. આ દીર્ઘ ચર્ચાના અંતે સભાગૃહ દ્વારા સર્વાનુમતે ડ્રાઈવરની ભરતીને મંજૂરી આપવામાં આવી હતી. ચોમાસા પૂર્વેની કામગીરી માત્ર કાગળ પર જ બતાવવામાં આવી: કોર્પોરેટર મંજુલાબેન ​ચોમાસાની ઋતુ નજીક હોવા છતાં પ્રી-મોન્સૂન કામગીરીના મુદ્દે વિપક્ષે શાસકોને આડે હાથ લીધા હતા. વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટર મંજુલાબેને આક્ષેપ કર્યો હતો કે ચોમાસા પૂર્વેની કામગીરી માત્ર કાગળ પર જ બતાવવામાં આવી છે. તેમણે કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરતા સવાલ કર્યો હતો કે વોકળા અને ગટર સફાઈ માટે વાપરવામાં આવેલા બે કરોડ રૂપિયા ક્યાં વપરાયા તેનો કોઈ વિગતવાર હિસાબ નથી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કઈ કઈ જગ્યાએ કઈ કામગીરી કરવાની છે તેની કોઈ ચોક્કસ વિગતો શાસકો પાસે ઉપલબ્ધ નથી. ખોટા દેકારા કરવાના બદલે રૂબરૂ કામગીરી જોઈ જવી જોઈએ: બાંધકામ સમિતિના ચેરમેન આ સવાલોના જવાબમાં બાંધકામ સમિતિના ચેરમેન બોઘરાએ બચાવ કરતા કહ્યું હતું કે મહાનગરપાલિકાના હેલ્પલાઈન નંબર પર સફાઈ અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જ્યારે કમિશનરે જણાવ્યું હતું કે તેમણે પોતે સ્થળ પર જઈને કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું છે. આ દરમિયાન શૈલેષ દવેએ વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું હતું કે ખોટા દેકારા કરવાના બદલે રૂબરૂ આવીને કામગીરી જોઈ જવી જોઈએ, કારણ કે તેમના વોર્ડમાં સૌથી વધુ વોકળા હોવા છતાં નિયમિત સફાઈ થાય છે. ટેન્ડર પ્રક્રિયા વગર જ અમુક એજન્સીઓને કઈ રીતે કામ સોંપી દેવાયું: અદ્રેમાન પંજા ​નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને ત્યાં તાજેતરમાં બનેલી ઘટનાઓ વિશે પણ વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. કોર્પોરેટર અદ્રેમાન પંજાએ સરોવરની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ટેન્ડર પ્રક્રિયા વગર જ અમુક એજન્સીઓને કઈ રીતે કામ સોંપી દેવામાં આવ્યું. સરોવરમાં માછલીઓના કરુણ મોતના મુદ્દે રાવણ પરમારે પૂછ્યું હતું કે જો સામાન્ય નાગરિક દ્વારા જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડવા બદલ એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હોય, તો આટલી મોટી સંખ્યામાં માછલાં મરી ગયા તે બદલ કોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ચાર્જ ન લેવાની મેયરની જાહેરાત છતાં ત્યાં કોર્પોરેશનનો કોઈ માણસ હાજર નથી અને ગેરકાયદે ઉઘરાણું થાય છે. આ ઉપરાંત शहरની ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા અંગે પણ વિપક્ષે ફોટા બતાવીને રજૂઆત કરી હતી અને ગર્ભિત આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વિપક્ષે હસ્નાપુર ડેમમાંથી પાણીની નવી લાઈનના જોડાણનો મુદ્દો ઉઠાવ્યો ​અન્ય પાયાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન હસ્નાપુર ડેમમાંથી પાણીની નવી લાઈનનું જોડાણ ક્યારે થશે તેવો સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ વર્ષે ચોમાસું લંબાઈ જશે તો નાગરિકોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે. રાવણ પરમારે સૂચન કર્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ પાસેથી મોંઘા ભાવે પાણી વેચાતું લેવાના બદલે મનપાના પોતાના સ્ત્રોતમાંથી પાણી મેળવવામાં આવે તો મોટો આર્થિક ખર્ચ બચાવી શકાય તેમ છે. શાસક પક્ષે આ પ્રોજેક્ટ હાલ મંજૂરી અને પ્રક્રિયા હેઠળ હોવાનું કહી વહેલી તકે પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત વિપક્ષે છેલ્લા 3 વર્ષથી ઓડિટ અહેવાલ રજૂ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને બીપીએમસી એક્ટ મુજબ દરેક કોર્પોરેટરને હિસાબ મેળવવાનો અધિકાર હોવાનું યાદ અપાવ્યું હતું, જેના પર કમિશનરે વહેલી તકે અહેવાલ આપવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની પૂર્ણ ક્ષમતા કરવા માંગ ​શહેરની આરોગ્ય સુવિધાઓ અને અન્ય વિકાસ કામો અંગે પણ ચર્ચા થઈ હતી. દોઢ કરોડના ખર્ચે બનેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી અંગે આરોગ્ય અધિકારી ડો. ડેડાણીયાએ જણાવ્યું હતું કે હાલ માત્ર પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે અને એફએસએસએઆઈની અંતિમ માન્યતા મળ્યા બાદ અન્ય કામગીરી શરૂ થશે, ત્યાં સુધી સેમ્પલ વડોદરા મોકલવામાં આવે છે. વિપક્ષે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ બાબતમાં વડોદરાથી રિપોર્ટ આવવામાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી લેબોરેટરી તાત્કાલિક પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવા માંગ કરી હતી. કરાર આધારિત કર્મચારીઓના પગાર મામલે શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ આ ઉપરાંત વોર્ડ નંબર 6 માં સફાઈ કામદારોની અછત પૂરી કરવા સખી મંડળમાંથી બહેનોને મોકલવાની રજૂઆત પર સેક્રેટરીએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. બંધ પડેલા ટાઉનહોલ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે જૂના ટાઉનહોલનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવવાને કારણે તેને તોડીને તે જ જગ્યાએ નવો સુવિધાસભર ટાઉનહોલ બનાવવાની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બેઠકના અંતે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાના મુદ્દે અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના પગાર વધારા અને મોંઘવારી ભથ્થાના મુદ્દે પણ શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ થયું હતું. શાસક પક્ષ માત્ર પાંચ જ મિનિટમાં આખી બેઠક સમેટી લેવા માંગતો હતો: નેતા વિપક્ષ ​વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જનરલ બોર્ડની કામગીરી બાદ શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા જનતાના હિત માટે 16 મહત્વના પ્રશ્નો અને 15 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. પરંતુ શાસક પક્ષ માત્ર પાંચ જ મિનિટમાં આખી બેઠક સમેટી લેવા માંગતો હતો કારણ કે તેમને જૂનાગઢની જનતાના પાયાના પ્રશ્નો સાંભળવામાં કે લોકઉપયોગી કામો કરવામાં કોઈ જ રસ નથી. ‘સિટી બસ સર્વિસ શરૂ કરવામાં શાસકોની 5 વર્ષની નિષ્ફળતા’ તેમણે પ્રી-મોન્સૂન કામગીરીની સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં શહેરના માર્ગો બિસ્માર હોવાની અને વોકળાની સફાઈ ન થઈ હોવાની આકરી ટીકા કરી હતી. સરોવરમાં ભ્રષ્ટાચાર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેન્ડરમાં ચોક્કસ એજન્સીઓનું સેટિંગ, સિટી બસ સર્વિસ શરૂ કરવામાં શાસકોની 5 વર્ષની નિષ્ફળતા અને ફિલ્ટર પ્લાન્ટના અભાવે લોકોને મળતા દૂષિત પાણીના મુદ્દે તેમણે કમિશનર સમક્ષ ધારદાર રજૂઆતો કરી હોવાનું ઉમેર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવા કમિશનરની ખાતરી બાદ જનતાના આ પ્રશ્નોનું વહેલી તકે હકારાત્મક નિરાકરણ આવશે. ​બીજી તરફ, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ શાસક પક્ષ વતી તમામ આક્ષેપોને નકારી કાઢતા વિપક્ષની રજૂઆતોને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં દિવ્યાંગ લોકોની રોજગારી માટે લાઈનમેન અને ડ્રાઈવરની ભરતી પ્રક્રિયાના સત્તાવાર સિલેબસને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે, જે એક આવકારદાયક પગલું છે. કાળવા ચોક સ્થિત જૂના ટાઉનહોલનો સ્ટ્રક્ચરલ સેફ્ટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી નાગરિકોની સુરક્ષા ખાતર ત્યાં નવો આધુનિક ટાઉનહોલ બનાવવાનું આયોજન કરાયું છે અને તેની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે, તેથી વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શહેરના તમામ 1 થી 15 વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે અને જ્યાં પણ નાની-મોટી ક્ષતિઓ કે માટી બેસી જવાની સમસ્યા છે ત્યાં એન્જિનિયરો અને કોર્પોરેટરોના સંકલનથી તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે. શહેરમાં પ્રી-મોન્સૂનની 85 ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને બાકી રહેલી કામગીરી પણ ચોમાસા પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવશે જેથી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન આવે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સભામાં 7 મુદ્દા મંજૂર:વેરા વ્યાજમાં 90% માફી આપતી OTS યોજનાને લીલી ઝંડી
    Next Article
    TET પરીક્ષા મુક્તિ માટે શિક્ષકોનું રાજપીપળામાં પ્રદર્શન:સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment