Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બંધબારણે બેઠક, 'કમલમ'માં કાર્યકરો સાથે સંવાદ અને સ્વ. જનક કોટકનાં પરિવારને સાંત્વના પાઠવી

    5 days ago

    વર્ષ 2027ની ચૂંટણીને લઈને ભાજપનાં દિગ્ગજ નેતા એક પછી એક રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક યોજી હતી. અને તેમના ઘરે ભોજન પણ લીધું હતું. આગામી ચૂંટણીમાં પાટીદારોને રીઝવવા ભાજપ દ્વારા આ માસ્ટર સ્ટ્રોક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પહેલા વિશ્વકર્માએ સ્વ. જનક કોટકનાં પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. તેમજ ભાજપ કાર્યાલ ખાતે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, વિશ્વકર્માએ કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક યોજી રાજકોટમાં ભાજપના પ્રદેશ નેતૃત્વ દ્વારા એક મોટો માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો છે. વિધાનસભાની આગામી ચૂંટણીના 1 વર્ષ પહેલાં ભાજપે પાટીદાર કાર્ડ અપનાવવાનું શરૂ કરી દીધું છે, જેના ભાગરૂપે કડવા પાટીદાર અગ્રણી અને સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણીને પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રી સહિતના નેતૃત્વએ પ્રભાવિત કર્યા છે. સ્વ. જનક કોટકનાં ઘરેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મૌલેશ ઉકાણીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મૌલેશ ઉકાણી સાથે એક ખાનગી બેઠક યોજી હતી. આ ખાસ મુલાકાત દરમિયાન પ્રદેશના નેતાઓએ ઉકાણી પરિવાર સાથે ભોજન પણ લીધું હતું. આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ, હવે પ્રદેશ અધ્યક્ષે સિદસર ઉમિયાધામના પ્રમુખ સાથે મુલાકાત કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્ષ 2027ની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે આ વ્યૂહાત્મક બેઠક યોજવામાં આવી હોવાનું મનાય છે. મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાથે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને સાંસદ પરસોતમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આમ, વિધાનસભાની ચૂંટણીના 1 વર્ષ અગાઉથી ભાજપે પાટીદાર મતદારોને રીઝવવા માટેના પોતાના પત્તા ખોલવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્વ. જનકભાઈ કોટકનાં પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. અને જણાવ્યું હતું કે, જનકભાઈ પક્ષના એક અત્યંત નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધી ભાજપની ભવ્ય અને ઐતિહાસિક યાત્રાના સાક્ષી રહ્યા હતા. પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને પક્ષની વિચારધારાને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલે. આ તકે સ્વ. જનકભાઈ કોટકના પુત્ર અમિત કોટકે જણાવ્યું હતું કે, તેમના પિતાની છબી રાજકોટના રાજા તરીકેની જ રહી છે. વર્ષ 1975માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી લઈને વર્ષ 2015 સુધી તેઓ સતત કોર્પોરેટર તરીકે અવિરત ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પોતાના જીવનના 50 વર્ષ સતત સમાજ સેવા માટે જ સમર્પિત કર્યા હતા અને પિતાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર સામાન્ય જનતાની સેવા કરી હતી. અમિત કોટકે વધુમાં જણાવ્યું કે, તેમના પિતા વર્ષ 1965માં કચ્છી સત્યાગ્રહમાં પણ જેલમાં ગયા હતા અને દેશમાં લદાયેલી કટોકટીના સમયમાં ભાવનગર જેલવાસ ભોગવીને સતત લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. રાજકીય ક્ષેત્ર સિવાય તેમણે સિવિલ હોસ્પિટલમાં ખરા અર્થમાં 40 વર્ષ સુધી નિઃસ્વાર્થ અને અદ્ભુત સેવા આપી હતી. રાજકોટથી કોઈ અજાણ્યા કે ગરીબ વ્યક્તિના મૃતદેહને અન્ય રાજ્યમાં મોકલવાનો હોય ત્યારે પોલીસ સ્ટાફ કે અન્ય લોકો સીધા જનકભાઈ કોટકનો જ સંપર્ક કરતા હતા. તેમણે પક્ષના અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને અનેક ગરીબોના મૃતદેહોને છેક બિહાર અને યુપી સુધી નિઃશુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ ગરીબોના સાચા બેલી બન્યા હતા. આ દુઃખદ પ્રસંગે સાંસદ પુરષોત્તમ રૂપાલા, ભાજપના શહેર પ્રમુખ માધવ દવે તથા રાજકોટ શહેર ભાજપના અન્ય સ્થાનિક હોદ્દેદારો પણ પ્રદેશ અધ્યક્ષ સાથે પરિવારની મુલાકાત લેવા અને સંવેદના વ્યક્ત કરવા માટે હાજર રહ્યા હતા. રૂપાલા સાથે સ્વ. જનકભાઈનો ખૂબ જ જૂનો, પાયાનો અને નિકટનો પરિચય હતો, જેથી સમગ્ર પરિવારે આ મુલાકાત બદલ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો. અમિત કોટકે અંતમાં ખૂબ ભાવુક થઈને જણાવ્યું હતું કે, તેમના પિતાનું અવસાન રાજકોટ શહેર માટે એવી મોટી ખોટ છે કે 'ન ભૂતો ન ભવિષ્યતિ', આવા પ્રજાસેવક વ્યક્તિ ફરી મળવા અશક્ય છે. મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક બાદ જગદીશ વિશ્વકર્મા રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સંગઠન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે 2027ની વિધાનસભા ચૂંટણી અંગે તમામને માર્ગદર્શન આપ્યું હતું. જોકે અહીં પ્રથમ મીડિયાને પ્રવેશ કરવા માટેની મનાઈ કરાઈ હતી. જગદીશ વિશ્વકર્મા કાર્યાલય આવ્યા ત્યારે મીડિયાનાં એકપણ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના મહત્વના પ્રશ્નો જેવા કે ખેડૂતો અને સુરત ડીમોલેશન મામલે મૌન સેવ્યું હતું. મીડિયાકર્મીઓનાં હોબાળા બાદ અંતે મીડિયાને મિટિંગના ફોટા વિડીયો લેવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ મિટિંગ પૂર્ણ થયા બાદ જગદીશ વિશ્વકર્મા પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની આ બેઠકમાં તમામ આગેવાનોનાં મોબાઈલ પણ બહાર રાખવામાં આવ્યા હતા. અલગ-અલગ પીળા કવારમાં આ તમામનાં મોબાઈલ ટોકન નંબર સાથે રાખી દેવામાં આવ્યા હતા. અને મિટિંગ પૂર્ણ થયા બાદ બધાને મોબાઈલ પરત આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનનાં લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ગુપ્ત રીતે બેઠક યોજવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પુરુષોત્તમ માસ પૂર્ણાહુતિ, પોથીજીની શોભાયાત્રા:સોમવતી અમાસના પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું
    Next Article
    સુરેન્દ્રનગરના વોર્ડ 11માં વિકાસકાર્યોનો પ્રારંભ:નવા સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment