Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:સહુ ‘જુદાં’ છે, એબ્નોર્મલ કશું નથી

    3 दिन पहले

    મોસમની જેમ માણસનો મિજાજ પણ બદલાય છે. પીપળાના લાલ-કૂણાં પાન પહેલાં આછા લીલાં, પછી લીલા, પછી ઘાટા લીલા અને છેલ્લે પીળાં થાય છે, એવી જ રીતે પ્રત્યેક ઉંમર સાથે માણસના મનનો રંગ પણ બદલાય છે. ટીનએજ અથવા કિશોરાવસ્થા બહુ નાજુક અને અઘરી ઉંમર છે. ભારતીય સમાજમાં વ્યક્તિએ મોટાભાગના નિર્ણય એ જ સમયમાં કરવા પડે છે જ્યારે એની સમજણ અને ભવિષ્ય વિશે વિચારવાની શક્તિ સાવ કૂણી અને અધૂરી હોય છે. કારકિર્દી હોય કે મિત્રોની પસંદગી, એ ઉંમરે માણસ ભાગ્યે જ યોગ્ય નિર્ણય કરી શકે. કિશોરાવસ્થામાં જો ખોટા મિત્રો મળે તો વ્યક્તિને ખોટા રસ્તે જતાં વાર નથી લાગતી. જેની સજા એણે લગભગ આખી જિંદગી ભોગવવી પડે છે. ટીનએજમાં થયેલો પ્રેમ ક્યારેક જીવનભરનો ઘાવ બની જાય છે, તો ક્યારેક ટીનએજના પ્રેમમાં અણસમજુ રીતે લેવાયેલો નિર્ણય જીવનભરનો બોજ બની જાય છે. છોકરો હોય કે છોકરી, ટીનએજમાં પ્રવેશેલું સંતાન મોટાભાગે એકલવાયુ અને ચૂપ રહેવા લાગે છે. એના રહસ્યો અને વાત સંતાડવાની પ્રવૃત્તિ વધતી જાય છે. નાની-નાની વાતમાં જુઠું બોલે અથવા ક્યારેક નાની-મોટી ચોરી કરે, ક્યારેક એ હદે વિરોધ કરે કે આપણને નવાઈ લાગે. માની ન શકાય એ હદે ચિડિયા અને અગ્રેસિવ થઈ જાય છે. એના બદલાતા હોર્મોન, માનસિકતા અને એની સાથે જોડાયેલા એને ઉઠતા પ્રશ્નોના જવાબ એને મળતા નથી. મનમાં થઈ રહેલા ફેરફાર એને સમજાતા નથી. આઠ-નવ વર્ષના છોકરાને ‘ગર્લ્સ’ સાથે રમવું ગમતું નથી, પરંતુ ચૌદ-પંદર વર્ષના છોકરાને છોકરીઓનું આકર્ષણ થાય છે. બીજી તરફ શરીરમાં થતા ફેરફાર વિશે છોકરીઓ પણ સભાન થવા લાગે છે. એમના વસ્ત્રપરિધાનથી શરૂ કરીને ફેશન સુધીની દરેક બાબતમાં સજાગ થાય છે. બીજી છોકરીઓ સાથે સરખામણી થવા લાગે છે અને છોકરાઓનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન પણ બહુ સ્વાભાવિક રીતે થવા લાગે છે. આ બધું સહજ અને સામાન્ય છે, પરંતુ જ્યારે આવું ન થાય ત્યારે માતા-પિતાએ સજાગ થવું જોઈએ. ટીનએજ કે કિશોરાવસ્થામાં આવતા સહજ બદલાવ ન થાય ત્યારે એના કારણોમાં ઉતરીને બાળકની માનસિકતા સમજવી બહુ જરૂરી છે. કિશોરવયના છોકરાને છોકરીનું આકર્ષણ ન થાય, એ જ ઉંમરની છોકરી સુંદર દેખાવાનો પ્રયત્ન કરવાને બદલે કેરલેસ હોય, વાળ કે ત્વચાની કાળજી કરવાને બદલે છોકરાની જેમ બેફિકર અને બિન્દાસ વર્તે કે એને ફક્ત પુરુષોના જ કપડાં ગમતા હોય તો આજના સમયમાં જાગૃત થવું જરૂરી છે. માતા-પિતાએ એ પણ સમજી લેવું જોઈએ કે બદલાતા સમય સાથે બાળકોમાં વધુ સભાનતા અને સમજણ આવી છે. હજી ગઈ પેઢી સુધી પોતાની પસંદગી વિશે સભાન નહોતા એવા ઘણા લોકો હવે સ્વયંને સમજવા અને ઓળખવા લાગ્યા છે. ક્યારેક આપણા સંતાનમાં આવી કોઈ જુદી પસંદગી દેખાય તો એ વિશે શરમ અનુભવવાને બદલે ખુલ્લા હૃદયે સંતાન સાથે વાત કરવી જોઈએ. જગતમાં કશું ખોટું અન સાચું હોતું જ નથી, ફક્ત ‘જુદું’ હોય છે. જે માતા-પિતા આ વાત સમજી શકે છે એમને એટલું પણ સમજાય જ છે કે જે અને જેવું હોય તેવું પણ એ એમનું સંતાન છે અને એને પ્રેમ કરવો, હૂંફ આપવી, સ્વીકારથી વર્તવું અને સંવાદ કરવો એ માતા-પિતાની મહત્ત્વપૂર્ણ જવાબદારીનો હિસ્સો છે. મોટાભાગના માતા-પિતાને ગૅ અથવા લેસ્બિયન બાળક પરત્વે શરમનો અનુભવ, ગુસ્સો કે નિરાશા થાય છે. ટીનએજમાં પોતાની પસંદગી થોડી-થોડી સમજવા લાગેલું બાળક પણ કદાચ આ વાત સમજે અને જાણે છે તેથી એ મોટી ઉંમર સુધી પોતાની પસંદગી માતા-પિતાને જણાવતા ડરે છે. ક્યારેક બાળક મૂંઝવણમાં હોય છે. એને પોતાની પસંદગી વિશે ચોક્કસ ખાતરી કે સમજણ ન હોય એમ પણ બને. કોઈ બહેનપણી કે મિત્ર સાથે માણેલો કોઈ અનુભવ કે પરાણે કરાવવામાં આવેલી અનુભૂતિ એને ગમી હોય અથવા એને કારણે અપમાન કે લઘુતાગ્રંથિ અનુભવતા હોય ત્યારે એમના બદલાયેલા વર્તનની નોંધ લઈને એમની સાથે સ્વસ્થતાપૂર્વકનો સંવાદ ઘણીવાર એમને ખોટે રસ્તે જતાં અટકાવી શકે છે. ઘરમાં કોઈ મિત્રની, સગાંની અવર-જવર વખતે જો યુવાન દીકરી ડરી જતી હોય, આઘી-પાછી થતી હોય કે છૂપાવવાનો પ્રયત્ન કરતી હોય-એમને ઘેર જવાનું જીદપૂર્વક ટાળતી હોય તો એ વાતની નોંધ લેવી. સાવ નાના દીકરો કે દીકરી પણ જ્યારે કોઈનો વિરોધ કરે કે સ્પષ્ટ અણગમો અભિવ્યક્ત કરે ત્યારે એ વિશે વ્હાલથી, પટાવીને એમને પૂછવું ખૂબ જરૂરી છે. આજના માતા-પિતા પાસેથી સમજણ અને જાણકારીની અપેક્ષા તો રાખી જ શકાય, તેમ છતાં પોતાને આધુનિક અને ભણેલા ગણાવતાં માતા-પિતા પણ ઘરમાં જ્યારે અનિચ્છનિય બનાવ બને ત્યારે વાત પર પડદો પાડી દેવા તત્પર હોય છે. જ્યારે એમનાં સંતાનની પસંદગી ‘જુદી’ હોય ત્યારે એ વાતને છૂપાવવા કે સંતાનને ધમકાવા, બ્લેકમેઈલ કરવા સુધી જતા માતા-પિતા એક સાદી કુદરતી બાબત સમજવાને બદલે આવી પસંદગીને રોગ કે માનસિક વિકૃતિ માને ત્યારે આપણને માતા-પિતાની અને સમાજની સમજ પરત્વે પ્રશ્નો થવા લાગે છે. આપણો સમાજ વસ્ત્રો કે ઘરની સજાવટ વિશે, પ્રવાસ કે જીવનશૈલી વિશે ગમે તેટલો મોડર્ન થયો હોય, પરંતુ મોટાભાગના લોકોની માનસિકતા હજી પચાસ વર્ષ પાછળ ચાલે છે. સંતાનની અલગ પસંદગી કે એમના જુદા વિચારોને સાંભળવાને બદલે મોટાભાગના માતા-પિતા રડારોળ કરીને પોતે શું પાપ કર્યાં એવા બધાં મૂર્ખતાપૂર્ણ સવાલો પૂછીને સંતાનને પીડા આપવા સિવાય કંઈ કરી શકતા નથી. દીકરી કે દીકરો લગ્ન કરવાની ના પાડે, એમાં ચોંકી જવાને બદલે એમની સાથે વાત કરીને એ શું ઈચ્છે છે એ સમજવું જરૂરી છે. કેટલીક વાર સાવ સહજ રીતે કારકિર્દી કે અન્ય કારણોસર લગ્ન ટાળતાં સંતાનો ઉપર માતા-પિતા બિનજરૂરી, અર્થહિન શંકાઓ કરે છે. સંતાનની વાત સમજવાને બદલે સમાજને શું જવાબ આપશે એ વિશે જે માતા-પિતા વધુ ચિંતિત હોય એમણે એક વાત સમજી લેવી જોઈએ... માતા-પિતા માટે સંતાન અને સંતાન માટે માતા-પિતા, એથી મહત્ત્વનું કોઈ હોઈ શકે જ નહીં.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:પપ્પાના મિત્રની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, પણ મારે આ વાત એને કઇ રીતે કહેવી?
    Next Article
    સજાવટ:કિચન આઈલેન્ડ: આધુનિક રસોડાનું નવું હાર્દ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment