Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂંફ:બાળવિકાસમાં સર્વ એન્ડ રિટર્ન

    4 days ago

    ધર્માંશુ વૈદ્ય પરોઢના પાંચ વાગ્યાની નીરવ શાંતિમાં જ્યારે બે વર્ષનું નાનકડું બાળક જાગે છે, ત્યારે તે માત્ર પથારીમાંથી જ નથી ઊઠતું, પણ પોતાની આસપાસના આખા બ્રહ્માંડને ઢંઢોળે છે. એના મુખમાંથી સરી પડતો અવાજ કે એનું અચાનક ફેંકાયેલું સ્મિત એ શૂન્યમાં પછડાઈને પાછું નથી આવતું, પણ અસ્તિત્વમાં ઓગળીને રંગો વેરે છે. આ અવસ્થા દરમિયાન જ સર્વ એન્ડ રિટર્ન નામની રોચક પ્રક્રિયાનો આરંભ થાય છે. આ પ્રક્રિયા ખરેખર તો આપણી કાળી માટીના તત્વજ્ઞાનમાં વણાયેલી ચેતનાની જ જીવંત આપ-લે છે. આ પ્રક્રિયા મુજબ બાળક જ્યારે કોઈ ચેષ્ટા કરે- ચાહે તે આંગળી ચીંધવાની હોય કે કાલીઘેલી ભાષામાં કંઈક કહેવાની હોય- ત્યારે તે વાસ્તવમાં પોતાની આસપાસના વિશ્વ તરફ ડગલું માંડે છે. સામે પક્ષે, જ્યારે કોઈ જાગૃત પિતા કે માતા એની આંખોમાં આંખો પરોવીને હસીને કે બોલીને તેનો ઉષ્માભર્યો પ્રતિભાવ આપે છે, ત્યારે તે રિટર્ન કરે છે. આ માત્ર બે જીવો વચ્ચેનો સામાન્ય સંવાદ નથી, પણ બાળકના મગજમાં લખાતું ભાવનાનું મહાકાવ્ય છે. આ પ્રત્યેક આદાન-પ્રદાન વખતે બાળકના મગજમાં સેંકડો નવા ચેતાકોષો (Neurons) એકબીજા સાથે જોડાય છે. મગજનું આ અદ્ભુત સ્થાપત્ય કોઈ ઈંટો કે સિમેન્ટથી નહીં, પણ સ્પર્શ, અવાજ અને સ્મિતની પારદર્શક સંવેદનાઓથી ચણાય છે. આજના યાંત્રિક સમયમાં આપણે માની લીધું છે કે બાળકના મગજનો વિકાસ મોંઘી પ્રિસ્કૂલની કોઈ રંગબેરંગી સ્ક્રીન સામે બેસવાથી થશે. પણ હકીકત એ છે કે આ બધો રંગીન ઝળહળાટ બાળકની આંખોને આંજી શકે છે, પરંતુ તેના મગજના તંતુઓને ઝંકૃત કરી શકતો નથી. બાળકને ભણાવવાની ઉતાવળમાં આપણે એની નૈસર્ગિક યાત્રાને ખરાબે ચડાવી દઈએ છીએ. કેટલીક વાર બાળક પિતા ઑફિસથી આવે એટલે એને દિવસ દરમિયાન કશુંક નવું કર્યું હોય તે બતાવવા હોંશે ચડે છે. એ પપ્પા-પપ્પા કરી એમનું ધ્યાન ખેંચવા કોશિશ કરે છે, પણ પપ્પા ફોનમાં રિલ્સ જોઈને ફ્રેશ થવામાં પડ્યા છે. આવા કિસ્સામાં બાળક જીવંત પ્રતિભાવથી વંચિત રહી જાય છે, જેના પરિણામે એના મગજનો આંતરિક નકશો થોડોક અધૂરો અને વેરાન રહી જાય છે. તકલીફ એ છે કે માનવીય મગજના આ અત્યંત નાજુક આર્કિટેક્ચરમાં કોઈ શોર્ટકટ ચાલતો નથી. બાળકના જ્ઞાનાત્મક વિકાસને કોઈ માઇક્રોવેવ ઓવનમાં રાતોરાત પકવી શકાતો નથી. તે અત્યંત ધીમી, જૈવિક અને પવિત્ર પ્રક્રિયા છે. બાળકની દરેક નાની હિલચાલને ઝીલી લેવી અને તેને એટલા જ ઉત્સાહથી પાછી વાળવી, એ બાળકના ભાવિ અને સ્વસ્થ વ્યક્તિત્વનો સૌથી મજબૂત પાયો છે. આ આખીય પ્રક્રિયા કોઈ ટેનિસ કોર્ટ પર નહીં, પણ ઘરના આંગણામાં કે હૂંફાળી પથારીમાં રમાય છે. વાલીએ એ સમજવાનું છે કે એમની સંપૂર્ણ એકાગ્રતા અને સમય એ જ બાળકના વિકાસશીલ મગજનો ઉત્તમ અને સાત્વિક ખોરાક છે. પીપરમિન્ટ: બાળકને પ્રેમ રોજ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    કસરત:રોજ 10, 000 પગલાં ચાલવું જરૂરી છે?
    Next Article
    કાવ્યાયન:જલ પર ઉદય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment