Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:‘રામચરિતમાનસ’નું પંચામૃત

    6 days ago

    રામચરિતમાનસ’માં જેટલા સંસ્કૃતમાં શ્લોક છે; સાતેય સોપાનમાં મંગલાચરણના જે શ્લોક છે; પછી ‘રુદ્રાષ્ટક’ સંસ્કૃતમાં છે; એક-બે સ્તોત્ર લોકસંસ્કૃતમાં છે, વન્યસંસ્કૃતમાં છે; ત્યાં સંસ્કૃત અધિક માત્રામાં છે પરંતુ એની સાથે દેહાતી શબ્દો પણ જોડી દેવામાં આવ્યા છે. શુદ્ધ સંસ્કૃતમાં મંગલાચરણ છે. અન્ય સ્તોત્ર સંસ્કૃતમાં છે અને ‘માનસ’ પૂરું થાય છે ત્યારે સંસ્કૃતમાં જ એનું સમાપન કરવામાં આવ્યું છે. એ સંસ્કૃતના શ્લોક અને સ્તોત્ર ઘૃત છે, ઘી છે. ભગવાન વશિષ્ઠજી સંસ્કૃત ગિરાને ‘ઘૃતમ્‌‍ ગિરા’ કહે છે. તો સંસ્કૃતના મંત્ર ઘૃત છે, ઘી છે. સંસ્કૃત એવું ઘી છે કે જેમાંથી બધા દોષ નીકળી ચૂક્યા છે. ઘીની આખી પ્રક્રિયા ગાયથી શરૂ થાય છે. ગાય સુધી આપણે ન જઈએ તો ચાલો, દૂધથી લો. કેટલી કેટલી અશુદ્ધિઓ જાય પછી શુદ્ધ ઘીની પ્રાપ્તિ થાય છે! જો ગાય રોગિષ્ઠ હોય તો દૂધ દૂષિત થાય છે. એ જ દૂધમાંથી ઘી બનાવવા માટે ઘણા દોષો કાઢવા પડે છે. પછી દૂધમાં ખટાશ-છાશ નાખી દો તો એક બીજો દોષ ઉમેરાય છે. તુલસીદાસજીએ તો ‘રામચરિતમાનસ’માં ખટાશને કપટ કહ્યું છે. દૂધ જેવો ધવલ માણસ હોય પરંતુ થોડી કપટની ખટાશ એના કાનમાં નાખી દો તો એ માણસ અસમંજસ થવા લાગે છે, ડામાડોળ થવા લાગે છે. પછી એનું દહીં થઈ જાય તો દહીંમાં જે ખટાશ છે એ પણ એક દોષ છે. ત્યાર બાદ જે નવનીત-માખણ ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી બીજી ખટાશ પણ નીકળી જાય છે. ગાયનું ઘી મોટે ભાગે આપને પીળા રંગનું જોવા મળશે. ભેંસનું ઘી હશે એ થોડું નીલવર્ણું થઈ જશે. શુદ્ધ ઘીની મહેક જ એક વિશેષ પ્રકારની મહેક હોય છે. એને શ્લોક કહેવામાં આવ્યા છે. એવા શ્લોક કે જેમાં વ્યાકરણદોષ ન હોય. સંસ્કૃતમાં જેને દોષ માનવામાં આવે છે એમાંથી એક પણ દોષ ન હોય એવા શ્લોક ઘૃત છે. ‘માનસ’ની ચોપાઈઓ દૂધ છે. જેવી રીતે ગાયના ચાર આંચળને દોહવામાં આવે છે. ચોપાઈનો મતલબ છે કામદુર્ગાના ચાર આંચળ. તો ચોપાઈઓ દૂધ છે. સોરઠા છે એ દહીં છે. ‘રામચરિતમાનસ’માં જે છંદ છે એ ખૂબ જ સુંદર છે, મધુર છે. ઘણા રાગોમાં છંદ ગાવામાં આવે છે અને સાહિત્યિક દૃષ્ટિએ પણ ગોસ્વામીજીએ છંદોના કંઈ ઓછા પ્રયોગો નથી કર્યા. કેટલી બધી છંદસૃષ્ટિ તુલસીએ કરી છે! અને એ છંદ મધુર છે. ‘માનસ’માં આવતા નાના-મોટા છંદ એ મધુર મધ છે. દોહા છે એ સાકર છે. આ છે તુલસીના ‘રામચરિતમાનસ’નું પંચામૃત- ઘી, દૂધ, દહીં, મધ અને સાકર. દશાવતારમાં ભગવાન રામનો અવતાર સાતમો અવતાર છે. પોતાના ઈષ્ટનો અવતાર સાતમા ક્રમ પર થયો છે એટલા માટે એક દૃષ્ટિએ જોઈએ તો તુલસીને સાતનો અંક બહુ જ પ્રિય છે. ‘માનસ’નાં સાત સોપાનોમાં તુલસીએ પ્રબંધ રચ્યું. ‘સપ્ત પ્રબંધ સુભગ સોપાના.’ તુલસીએ એટલા માટે ‘બાલકાંડ’માં મંગલાચરણની સંખ્યા પણ સાત રાખી છે. પાર્વતી ભગવાન શિવને જે પ્રશ્નો પૂછે છે એ સાત છે. તુલસીએ સાત મંત્રોમાં પ્રારંભમાં મંગલાચરણ કર્યું. વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ મંગલાનાં ચ કત્તારૌ વન્દે વાણીવિનાયકૌ. પછી શ્લોકને લોકહૃદય સુધી પહોંચાડવા માટે તુલસીદાસજીએ પ્રાકૃત ભાષામાં સોરઠા લખ્યા. થોડી અવધિ, થોડી ભોજપુરી, થોડા વ્રજભાષાના શબ્દો છે. ગાય કાળી હોય તો પણ દૂધ ક્યારેય કાળું નથી હોતું, દૂધ તો શ્વેત જ હોય છે. સત્ય, પ્રેમ, કરુણા કોઈ પણ ભાષામાં પ્રસ્તુત થાય, સાર તો શ્વેત જ હોય છે. તો તુલસીએ સાત શ્લોકમાં મંગલાચરણ કર્યું. પછી પાંચ સોરઠામાં પાંચ દેવોની સ્તુતિ કરી. ગણેશની, વિષ્ણુ ભગવાનની, સૂર્યદેવતાની, મા દુર્ગાની અને ભગવાન મહાદેવની. આપણે આ પાંચ દેવોના ઉપાસક છીએ; પંચ વિચારોને આપણે આત્મસાત્‌‍ કરીએ છીએ. ગણેશ એટલે વિવેક, દુર્ગા એટલે શ્રદ્ધા, શિવ એટલે વિશ્વકલ્યાણનો સંકલ્પ, વિષ્ણુ એટલે દૃષ્ટિ, વિચાર બધાંની વિશાળતા અને સૂર્ય એટલે પ્રકાશમાં જીવવાનો સંકલ્પ. આ પાંચ વિચારને પંચદેવ માનો. લોકો સુધી એ વાત પહોંચે એટલા માટે તુલસીદાસજી પાંચ સોરઠામાં એ વાત લઈ આવ્યા અને પછી ગુરુવંદનાનો પ્રારંભ કરતાં કહે છે – બંદઉં ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ. ગુરુની વંદના, જેને વ્યાસપીઠ ‘માનસ-ગુરુગીતા’ કહે છે, એવા ગુરુદેવની વંદના ગોસ્વામીજીએ કરી. પ્રથમ પ્રકરણમાં ગુરુવંદના છે, ગુરુમહિમા છે.} (સંકલનઃ નીતિન વડગામા)
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:કાફ્કાએ લખેલી કોકરોચ કથા - મેટામોર્ફોસિસ
    Next Article
    માય સ્પેસ:કોઈ મરજીથી શરીર વેચે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment