Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:કાફ્કાએ લખેલી કોકરોચ કથા - મેટામોર્ફોસિસ

    6 days ago

    કોકરોચ જનતા પાર્ટી’ વિશેના સમાચાર પ્રસરવા લાગ્યા ત્યારે ઘણા વાચકોને વિશ્વના મહાન લેખક ફ્રાન્ઝ કાફ્કાની અદભુત નોવેલા કે દીર્ઘ વાર્તા ‘મેટામોર્ફોસિસ’ યાદ આવી હશે. એ કથાનો આરંભ વિચિત્ર ઘટનાથી થાય છે. ગ્રેગોર સામસા નામનો માણસ એક સવારે જાગે છે ત્યારે એ પોતાને એક મોટા જીવડા – કીડામાં રૂપાંતરિત થયેલો જુએ છે. કાફ્કાએ એ કયું જીવડું છે એની સ્પષ્ટતા કરી નથી. શક્ય છે કે એ કોકરોચ –વંદો – પણ હોય. ગ્રેગોર પોતાને જીવડાને રૂપમાં જોઈ પહેલાં તો ડરી જાય, પછી વિચારે છે કે એની આ સ્થિતિ હંગામી છે, એ બહુ જલદી એના મૂળ સ્વરૂપમાં આવી જશે. પરંતુ એવું બનતું નથી. એ પલંગ પરથી ઊતરવાનો પ્રયત્ન કરે છે. જીવડાની જેમ ઊંધો પડ્યો હોવાથી સહેલાઈથી ઊતરી શકતો નથી. એવી સ્થિતિમાં પણ એને એની નોકરીની ચિંતા થાય છે. એ ટ્રાવેલિંગ સેલ્સમેન છે. એનું કામ લોકોને મળવાનું છે. કોઈ એને જીવડાના સ્વરૂપમાં સ્વીકારશે નહીં. એ પોતે પણ એનું કામ કરી શકશે નહીં. આમ પણ એને એનું કામ ગમતું નહોતું, પરંતુ પિતાનું દેવું ઉતારવા અણગમતી નોકરી ફરજિયાત કરવી પડતી હતી. એ કામ પર જઈ શક્યો નથી એટલે એની ઑફિસનો મેનેજર ઘેર તપાસ કરવા આવે છે. ગ્રેગોર એના રૂમમાંથી જ મેનેજર અને પરિવારના સભ્યોને પરિસ્થિતિ સમજાવવા કશુંક બોલે છે. જીવડા જેવા અવાજમાં એ શું બોલે છે એ કોઈ સમજી શકતું નથી. એથી એ મહામહેનતે બહારના રૂમમાં આવે છે. મહાકાય જીવડાને જોતાં જ અને એ ગ્રોગર છે એનો ખ્યાલ આવતાં જ મેનેજર ડરીને નાસી છૂટે છે. પિતા, માતા અને બહેન ગ્રેટે પણ એને આ સ્વરૂપે બહાર આવેલો જોઈ ગભરાઈ જાય છે. પિતા એને રૂમમાં પાછો ધકેલે છે. ત્યાર પછી પિતા એની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરવા લાગે છે. એક વાર ખૂબ ગુસ્સે થઈ એ ગ્રેગોર પર સફરજનો ફેંકે છે, ગ્રોગર જખમી થાય છે. એક સફરજન એના શરીરમાં ઘૂસી જાય છે અને સડવા લાગે છે. છેવટ સુધી એનો જખમ મટતો નથી. એને એના રૂમમાં જ પૂરી દેવામાં આવે છે. કોઈ એની પાસે જતું નથી, એની સાથે વાત પણ કરતું નથી. શરૂઆતમાં બહેન ગ્રેટે એના પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. ખાવાનું મૂકી જાય છે. ધીરેધીરે બહેન નોંધે છે કે ગ્રેગોરને માત્ર વાસી અને સડેલો ખોરાક જ ભાવે છે. ગ્રેગોર આખો દિવસ જમીન પર, દીવાલ પર અને સિલિંગ પર જીવડાની જેમ ફર્યા કરે છે. એને હરવાફરવા માટે વધારે જગ્યા મળે તે માટે બહેન અને મા એના રૂમનું બધું ફર્નિચર બીજા રૂમમાં લઈ જાય છે. એક સોફો જ ત્યાં રાખે છે, જેથી રૂમમાં કોઈ આવે તો ગ્રોગોર એની નીચે સંતાઈ શકે. જોકે ફર્નિચર ખસાવી નાખવામાં આવ્યું એ ગ્રોગોરને ગમ્યું નથી. એને ભય છે કે એ રોજ જોતો તે ફર્નિચર દેખાશે નહીં તો એ માનવ તરીકેનો પોતાનો ભૂતકાળ ભૂલી જશે. પરિવારમાં ગ્રેગોર એકલો જ કમાતો હતો. એની આવક બંધ થવાથી પરિવાર મુશ્કેલીમાં આવી જાય છે. પિતા કામ શોધી લે છે, મા સિલાઈકામ કરે છે, બહેન ગ્રેટે પણ નોકરી કરવા લાગે છે. એક સમયે જેની આવક પર નિર્ભર હતાં એ જ કુટુંબીજનો માટે ગ્રેગોર હવે અસહ્ય બોજો બની જાય છે. ગ્રેટેને ભાઈની સંભાળ રાખવાનું કામ બોજારૂપ લાગે છે. જીવડું બની ગયેલો ગ્રોગર ઘરમાં હોય એ સ્થિતિ તેઓ સહન કરી શકતા નથી. સમાજમાં બદનામી થવાનો ભય લાગે છે. એક દિવસ ગ્રેટે માતાપિતાને કહે છે કે આ કીડો એનો ભાઈ ગ્રેગોર નથી. એનાથી છુટકારો નહીં મેળવીએ તો બધાંનું જીવન ખેદાનમેદાન થઈ જશે. ગ્રેગોર સમજી જાય છે કે એ ઘરમાં બધાંને અળખામણો થઈ પડ્યો છે. શરીરથી કીડો બની ગયો છે, પરંતુ માનવીય લાગણીઓ, સંવેદનશીલતા, પીડા, અપમાન વગેરે ભાવો એ અનુભવી શકે છે. બહેનની અસંવેદનશીલ વાત સાંભળીને માનસિક અને શારીરિક રીતે થાકેલો ગ્રેગોર ભીતરથી સંપૂર્ણપણે તૂટી જાય છે. હવે એ વધારે અપમાન, અવહેલના, તિરસ્કાર સહન કરી શકે તેમ નથી. પિતાએ ફેંકેલા સફરજનનો જખમ પણ વકર્યો છે. એને પૂરતું પોષણ મળ્યું નથી. આ બધાં કારણોસર રૂમમાં પુરાયેલો ગ્રેગોર રાતના સમયે મૃત્યુ પામે છે. બીજે દિવસે રૂમ સાફ કરવા આવેલી કામવાળી બાઈ એને મરેલો જુએ છે. બધાં સાથે મળીને એના મૃતદેહનો નિકાલ કરી દે છે. ગ્રેગોરના અવસાનથી ઘરમાં કોઈને આઘાત લાગતો નથી, બલ્કે તેઓ રાહત અનુભવે છે. તેઓ એમના કામમાંથી એક દિવસની રજા લઈ ખુલ્લી જગ્યામાં ફરવા જાય છે. એમના સારા ભવિષ્યના વિચાર કરે છે. પૈસા બચાવવા માટે નાના ઘરમાં રહેવા જવાનો નિર્ણય લે છે. ગ્રેટે હવે દેખાવડી યુવતી બની ગઈ છે, માતાપિતા એનું લગ્ન કરવાનો વિચાર કરે છે. જે દીકરો એમના પરિવારની કરોડરજ્જુ સમાન હતો, જેની આવક પર ઘર ચાલતું હતું, એનું મૃત્યુ પરિવારના સુખદ ભવિષ્યનો માર્ગ બને એ કરુણતા હચમચાવી નાખે છે. ‘મેટામોર્ફોસિસ’ વાર્તા 1915માં પ્રકાશિત થઈ હતી. આજે સો વર્ષથી વધારે સમય પછી પણ આ વાર્તા એનાં સાહિત્યિક મૂલ્ય અને વિવિધ અર્થઘટનોની સાથે આજના સમયને સ્પર્શતા મહત્ત્વના મુદ્દા તરફ આપણું ધ્યાન ખેંચે છે. દેશ અને સમાજ સામાન્ય લોકોને અને યુવાપેઢીને તુચ્છ, નગણ્ય, સૂગ ચઢે એવા કીડા માનવા લાગે ત્યારે ઘણાં ગંભીર પરિણામ આવી શકે છે. ઘણા દેશોમાં પ્રવર્તતી બેરોજગારી, આર્થિક અસમાનતા અને પારિવારિક ઉદાસીનતા પર પણ આ વાર્તા વેધક પ્રકાશ પાડે છે.
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:ઑબ્સેશનઃ આટલું વહાલ તે કદી હોતું હશે?
    Next Article
    માનસ દર્શન:‘રામચરિતમાનસ’નું પંચામૃત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment