Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:ઑબ્સેશનઃ આટલું વહાલ તે કદી હોતું હશે?

    6 days ago

    પાર્થ દવે મ્યુઝિક સ્ટોરમાં બેઅર નામનો એક છોકરો કામ કરે છે. તેની સાથે નિક્કી, ઈઆન અને સારાહ પણ કામ કરે છે. નિક્કી, બેઅરની બાળપણની મિત્ર છે. બેઅરને નિક્કી ગમે છે. બેઅર અને નિક્કી આ બંને મુખ્ય પાત્રો છે. ઈઆન, બેઅરનો સારો મિત્ર છે. શરૂઆતમાં જ બેઅર, નિક્કીને કઈ રીતે પોતાના મનની વાત કરે તે ઈઆન મસ્તીમાં શિખવાડે છે. ‘ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં, ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં’ - મરીઝસાહેબ વર્ષો પહેલાં આ કહી ગયા, પણ બેઅરભાઈમાં એક ટકો પણ હિંમત નથી. તે નથી કહી શકતો. એમાં ગિફ્ટ શૉપમાં ભાઈ ‘વન વિશ વિલો’ નામક વસ્તુ ખરીદે છે. તે એક લાકડી છે, જે તોડીને વિશ માગવાની છે. બેઅર માંગે છે તેને જે જોઈએ છે તે, અને શરૂઆત થાય છે આસક્ત ને રોગગ્રસ્ત પ્રેમની! છેલ્લા મહિનાથી દુનિયાભરના થિએટરોમાં લોકોને ડરાવી રહેલી ‘ઑબ્સેશન’ ફિલ્મનો આ બેઝિક પ્લૉટ છે. અંગ્રેજી ને વર્લ્ડ સિનેમાના રસિયાઓએ આ ફિલ્મ જોઈ હશે અથવા એ વિશે ક્યાંક વાંચ્યું હશે. વાંચ્યું એટલે હશે કે 26 વર્ષના યૂ-ટ્યૂબરે આ ફિલ્મ બનાવી છે અને માત્ર સાડા સાત કરોડમાં બનાવી છે અને અધધધ એક હજાર કરોડ ઉપર આ ફિલ્મે કમાણી કરી છે! રાઇટર – ડિરેક્ટર – એડિટર એવા એ યૂ-ટ્યૂબર ભાઈનું નામ કરી બર્કર (Curry barker) છે. કરી બર્કર ટિકટૉકવાળી જનરેશનના છે. તેમણે ટિક ટોક અને યૂ-ટ્યૂબ માટે શરૂઆતમાં સ્કેચિસ (શૉર્ટ વિડીયોઝ) બનાવ્યા. 2023માં હૉરર શૉર્ટ ફિલ્મ ‘ધ ચેર’ બનાવી અને તેને યુટ્યુબમાં 10 મિલ્યન કરતાં વધુ લોકોએ જોઈ. તેના એક વર્ષ બાદ બર્કરે ‘મિલ્ક ઍન્ડ સિરિયલ’ નામની 62 મિનિટની હૉરર ફિલ્મ બનાવી. ‘ફાઉન્ડ ફૂટેજ’ ટેક્નિકથી બનેલી ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન માટે કરી બર્કર એક વર્ષ સુધી ફર્યા, અંતે આખી ફિલ્મ યૂ-ટ્યૂબ પર રિલીઝ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ વાઇરલ થઈ! દરમિયાન ‘ધ ચેર’ ફિલ્મ જોઈને પ્રોડ્યૂસર જેમ્સ હેરિસે, કરી બર્કરનો સંપર્ક કર્યો અને આ ફિલ્મને ફુલ લેન્થ ફિચરમાં કન્વર્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. કરી બર્કરે તેની બદલે બીજી હૉરર ફિલ્મ બનાવવાની વાત કરી. તે ફિલ્મ એટલે ‘ઑબ્સેશન’! *** ‘ઑબ્સેશન’નું ફિલ્મમાં બંને મુખ્ય પાત્રોનો અભિનય અફલાતૂન છે. સિનેમૅટોગ્રાફી અને હૉરર ફિલ્મને છાજે તેવું તેનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મજબૂત છે. એ સિવાય પણ ફિલ્મના ટેક્નિકલી પાસા યોગ્ય જ હોવાના, તેના કારણે જ ફિલ્મનો ‘ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રિમિયર થયો અને ત્યારથી ફિલ્મ અને બર્કરભાઈનું નસીબ બદલાયું. હવેના સાડા ત્રણસો શબ્દોમાં વાત કરવી છે ફિલ્મમાં એવું તો શું છે કે જેના કારણે મોટા ભાગના યુવાનો ફિલ્મ સાથે કનેક્ટ થઈ રહ્યા છે. બેઅર પેલી સ્ટિક તોડીને માગે છે કે, ‘નિક્કી મને દુનિયામાં અન્ય કોઈપણ કરતાં વધુ પ્રેમ કરે.’ આ દરેક મનુષ્યની મૂળભૂત લાગણી છે કે કોઈક તેને ચાહે. આ દૃશ્ય પહેલા ફિલ્મમાં નિક્કી સ્ટ્રેટ ફૉર્વડ બેઅરને પૂછે છે, ‘હું તને ગમું છું?’ ત્યારે બેઅર નથી બોલી શકતો. અને તે એમ નથી માગતો કે મને હિંમત મળે કે હું નિક્કી સમક્ષ મારું હૃદય ઠાલવી શકું. કે હું સાચું બોલી શકું. તે પ્રેમ મેળવવા નથી ઈચ્છતો, બલ્કે પ્રેમ પર કબ્જો જમાવવા ઈચ્છે છે! આ છે મૂળ વાત. આખી ફિલ્મમાં નિક્કીનું પાત્ર એક્ટિવ લાગે છે. તેના થકી લોકો ડરે અને હસે છે, પણ ખોતરતા – પડદા ઉઘાડતા બેઅરના પાત્રની મનઃસ્થિતિ ખૂલે છે. નિક્કી બેઅરના પ્રેમમાં આસક્ત થઈ જાય છે. તીવ્ર પ્રેમ સાથે તીવ્ર ઈર્ષ્યા આવે છે. કરી બર્કર એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ‘હું વિચારતો હતો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે આટલી હદે આસક્ત થઈ જાય તો તેની અસર કેવી ભયાનક અને વિચિત્ર થાય. દરમિયાન મેં ‘ધ સિમ્પસન્સ’ (અમેરિકન ઍનિમેટેડ સિટ-કૉમ શૉ) નો એક એપિસોડ જોયો, જેના થકી મને આ વિચાર વાર્તારૂપે કહેવાનો રસ્તો દેખાણો. એ એપિસોડ બાદ મને સૂઝ્યું કે ‘ઇચ્છા’ને કેન્દ્રમાં રાખીને વાર્તા કરી શકાય!’ નિક્કી એ રીતે વર્તે છે કે તેના પર રીતસરનું વશીકરણ થયું હોય. કોઈ અલૌકિક શક્તિના કેદમાં હોય છે તે. પણ તે બાજુ ઊંડાણમાં ફિલ્મ નથી જતી, કેમ કે મૂળ વાત તે નથી. મૂળ વાત છે એટલો પ્રેમ પણ સારો નહીં કે જેમાં પોતાની જાત ભુલાઈ જાય. એ પ્રેમ કરનાર માટે પણ સારું નહીં, અને જેને પ્રેમ કરો છો તેના માટે પણ સારું નહીં! કરી બર્કરની થિએટરમાં રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ છે. આ અગાઉ તેમણે શૉર્ટ ફિલ્મ અને વિડીયોઝ બનાવ્યા. પણ આટલા મોટા સ્કેલની ફિલ્મ ઍડિટ કરવાનો અનુભવ તેમનો પહેલી વારનો હતો. બર્કરની આગામી ફિલ્મ ‘એનિથિંગ બટ ઘોસ્ટ્સ’ જોવા મળશે. હા, હૉરર તેમનું ફેવરિટ ઝૉન્ર છે! ફિલ્મમાં એકાદ-બે વખત ઑબ્શેસ નિક્કીની અંદર રિઅલ નિક્કી દેખાય છે – તે દૃશ્યો અફલાતૂન ફિલ્માવાયાં છે. માઇકલ જૉહ્ન્સન અને ઇન્દે નવરાટ્ટેએ કાબિલેદાદ કામ કર્યું છે. }(શીર્ષક પંક્તિઃ સુરેશ દલાલ)
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:ઓર્ગેનિક ડેવલપમેન્ટ: કુદરતી રીતે વનસ્પતિ વિકસે તેમ વિકસવું
    Next Article
    ડૂબકી:કાફ્કાએ લખેલી કોકરોચ કથા - મેટામોર્ફોસિસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment