Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:ઓર્ગેનિક ડેવલપમેન્ટ: કુદરતી રીતે વનસ્પતિ વિકસે તેમ વિકસવું

    6 days ago

    હસમુખ પટેલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં હું એક નવા અંગ્રેજી શબ્દના પરિચયમાં આવ્યો છું. આ શબ્દ છે: ‘ઓર્ગેનિક ડેવલપમેન્ટ’. આ શબ્દ સાંભળું ત્યારે કંઈક અંશે તેનો ભાવ પકડાય પણ તેને વ્યાખ્યાયિત ન કરી શકું. હમણાં હમણાં મારા મનમાં તે બરાબર ઉકેલાયો. ઓર્ગેનિક ડેવલપમેન્ટ એટલે ઝાડ કે વનસ્પતિ જે રીતે વિકસે છે તે રીતનો વિકાસ. તેમાં કોઈ આગોતરું આયોજન કે ડિઝાઇન ન હોય. જેમ જેમ સંજોગો ઊઘડતા જાય તેમ તેમ તેનો લાભ લઈ તેની સાથે અનુકૂલન સાધતાં સાધતાં વિકસવું. ધરતીમાં પડેલાં બીજને ખબર નથી કે આ વર્ષે ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે થશે? કેટલો થશે? સૂરજ કેટલો તપશે? કેવો વાયરો વાશે? જ્યારે જે મળે તેનો લાભ લઈને બીજમાંથી છોડ ને છોડમાંથી વૃક્ષ ને વૃક્ષમાંથી બીજ ને બીજમાંથી વૃક્ષની પ્રક્રિયા ચાલ્યા કરે છે. સમગ્ર સૃષ્ટિનું નિર્માણ આ જ રીતે થયું છે. શું આપણને તેમાં રસ છે ખરો? આપણને તો બધું જ ડિઝાઇન્ડ જોઈએ. સવારે ઊઠીએ ત્યારે આખા દિવસનું આયોજન કરીએ, અઠવાડિયા, મહિના ને વરસનું પણ આયોજન હોય. કંપનીઓ પાંચ-દસ વર્ષનું આયોજન કરે. સરકારી શાળાઓમાં વાર્ષિક કેલેન્ડર હોય. તેમાં દરેક દિવસે શું કરવાનું તે નક્કી હોય. ખાનગી શાળાઓમાં તો આના કરતાં પણ જડબેસલાક વ્યવસ્થા હોય છે. શું આયોજન કરવું ખરાબ કે ખોટું છે? આયોજન ખરાબ બાબત નથી પણ આયોજનની બહાર કશું ન કરાય તે વિચાર ચિંતાજનક છે. તે આપણને બદલતા પર્યાવરણ સાથે કામ કરવા અક્ષમ બનાવે છે. બદલાતા પર્યાવરણનો લાભ લેતાં અટકાવે છે. તેને કારણે કેટલીય સંભાવનાઓ મૂરઝાઈ જાય છે. કોઈ શાળાને સારી પ્રવૃત્તિ સૂચવીએ તો કહેશે અમારું કેલેન્ડર નિશ્ચિત છે, તેની બહાર કંઈ કરી શકાય તેમ નથી અથવા તો અમારા નિયામક કે સંચાલકને પૂછવું પડે. આવા શિક્ષકને શિક્ષક કહેવાય કે શ્રમયોગી! એવો શ્રમયોગી કે જેનું જીવન એકવિધ હોય, જેના જીવનમાં સર્જનાત્મકતાનો અવકાશ ન હોય. કોઈ સંસ્થાને વૃક્ષારોપણ કરવા વિનંતી કરીએ તો જવાબ મળે કે અમારા આર્કિટેકને પૂછવું પડે. સંસ્થામાં જઈએ તો ખબર પડે કે નિષ્ણાત સ્થપતિએ બગીચામાં સિમેન્ટ કોંક્રિટનું જંગલ બનાવ્યું હોય. અમારા ગામના વનવિભાગના બગીચામાં વૃક્ષો અને તળાવ પણ છે તેનો આનંદ છે પણ દરવાજામાં જ પ્લાસ્ટિકનું મસમોટું વૃક્ષ ખૂંચે છે. કાલ માર્કસે મૂડીવાદની એક બહુ જ મહત્ત્વની બાબત તરફ ધ્યાન દોર્યું હતું. મૂડીવાદે કામ કરનારનો તેના કામ સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. જેને કારણ માણસ મજૂર બની ગયો અને કર્મ કામ/વૈતરું. જેથી માણસને કામ કરવા માટે મજબૂર કરવો પડે છે. પહેલાં તે કામમાં આનંદ લેતો, હવે આનંદનાં સાધનો શોધવાં પડે છે. જેને લીધે મનોરંજનનો ઉદ્યોગ વિકસ્યો. આને વિકાસ કહેવાય? ઓર્ગેનિક ડેવલપમેન્ટ એટલે વનસ્પતિ જે રીતે જીવે છે અને વિકસે છે તેવું, તેમાં સંજોગો સાથે તાદાત્મ્ય હોય, સંઘર્ષ નહીં. તેમાં આનંદ હોય, સર્જનાત્મકતા હોય, એકવિધતા નહીં. પરિસ્થિતિ પીરસવામાં ન આવે, આપણી સામે ઊઘડે ને વિસ્મય જન્માવે. તેમાં નવીનતા હોય. 1929ના ડિસેમ્બરમાં રાવી તટે લાહોરમાં કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ને તે અંગે લડતનો શો કાર્યક્રમ કરવો, તેનો નિર્ણય ગાંધીજી પર છોડ્યો. એકાદ માસ પછી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીને અમદાવાદમાં મળ્યા ત્યારે તેમણે ગાંધીજીને કાર્યક્રમના સ્વરૂપ વિશે પૂછ્યું. ગાંધીજીએ જવાબ આપ્યો, ‘મને હાલ કંઈ સૂઝતું નથી. ઈશ્વર સુઝાડશે તે મુજબ કરીશું.’ ઈશ્વરે તેમને મીઠાનો સત્યાગ્રહ સુઝાડ્યો. તેમણે આ કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે પંડિત મોતીલાલ નેહરુએ પત્ર લખ્યો કે આમ મીઠું બનાવવાથી આઝાદી થોડી મળે? ગાંધીજીએ જવાબ આપ્યો, ‘આઝમાકે દેખો.’ બધાની પાસે દરિયા કિનારો ન હતો. કોઈએ ઘરે ચૂલા પર મીઠાવાળું પાણી ઉકાળી મીઠું બનાવ્યું. તે કામ માટે મોતીલાલજી જેલમાં ગયા. આખા દેશમાં ભાતભાતના કાર્યક્રમ થયા. સૌએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું. દાંડીમાં ચપટી મીઠું ઉઠાવ્યા પછી તેમની ધરપકડ ન થઈ ત્યાં સુધી ગાંધીજીએ આજુબાજુનાં ગામડાઓમાં એક માસથી વધુ રોકાઈ ભાતભાતના કાર્યક્રમો કર્યા. પાંચ દાયકાથી લાંબા આઝાદી આંદોલનમાં કિસાન, મજૂર, મહિલાથી માંડીને ગાંધીજી સુધીના લોકો પોતપોતાની રીતે યોગદાન આપી શક્યા, પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહ્યા. દેશ ગુલામીમાંથી આઝાદ જ ન થયો, આઝાદીને વધુ યોગ્ય થવાની દિશામાં પણ ડગલાં માંડ્યા. માણસ બદલાયો, માહોલ બદલાયો, વિશ્વ બદલાયું. આ છે ઓર્ગેનિક ડેવલપમેન્ટનો જાદુ. ગાંધીજીએ સમયે સમયે કાર્યક્રમો આપ્યા, તેની દોરવણી કરી પણ તેમાં આયોજનની ગુલામી નહોતી. આયોજન જરૂર કરીએ તેના ગુલામ ન બનીએ. આયોજનનો સાધન તરીકે ઉપયોગ કરીએ સાધ્ય કે લક્ષ્ય ન બની જાય તેની કાળજી રાખીએ. }
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:ઈરાનમાં મિસાઇલ ફૂટે, ભારતમાં શેર તૂટે
    Next Article
    મૉન્ટાજ:ઑબ્સેશનઃ આટલું વહાલ તે કદી હોતું હશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment