Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:આત્મખોજની દીવાદાંડી : ‘સિદ્ધાર્થ’

    6 दिन पहले

    અજયસિંહ ચૌહાણ આજે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની ભૌગોલિક અને વૈચારિક રેખાઓ વધુ ધૂંધળી બની છે. પશ્ચિમી જગત અતિ-ભૌતિકવાદ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ની દોડ અને વ્યક્તિગત એકલતાથી ઘેરાયેલું છે. બીજી તરફ પૂર્વીય દેશો પશ્ચિમની આર્થિક અને તકનિકી પ્રગતિનું આંધળું અનુકરણ કરી રહ્યાં છે. અનેક યુદ્ધો મોં ફાડીને ઊભાં છે. આવા સમયે યાદ આવે છે જર્મન-સ્વિસ લેખક હરમાન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’. આ કૃતિના ગુજરાતી ભાષામાં અનેક અનુવાદો થયા છે. એમાં શિરીષ પંચાલ દ્વારા 2023માં થયેલો અનુવાદ મહત્ત્વનો છે. શિરીષ પંચાલ ગુજરાતી ભાષાના મહત્ત્વના સર્જક, વિવેચક, સંપાદક અને અનુવાદક છે. એમની એ સજ્જતાનો લાભ આ અનુવાદને મળ્યો છે. કથાનાયક સિદ્ધાર્થ એક તેજસ્વી અને સ્વરૂપવાન યુવાન છે. તેની પાસે જ્ઞાન અને વૈભવ બધું જ છે. છતાં તેનું મન અસ્વસ્થ છે. તેને પરંપરાગત વિધિઓ, વેદના મંત્રો કે વડીલોના ઉપદેશોથી આત્મસંતોષ મળતો નથી. સત્ય અને જ્ઞાનની શોધ માટે તે પોતાના પરમ મિત્ર ગોવિંદ સાથે ઘરબાર છોડીને નીકળી પડે છે. ઘર છોડ્યા પછી બંને મિત્રો જંગલમાં કઠોર તપસ્યા કરતા શ્રમણોને મળે છે. સિદ્ધાર્થ ઉપવાસ, દેહદમન અને મનને કાબૂમાં રાખવાની કળા શીખે છે, પણ તેને સમજાય છે કે આ માત્ર સંસારથી ભાગવાની રીતો છે. સાચું જ્ઞાન નથી. તેઓ ગૌતમ બુદ્ધના આશ્રમે પહોંચે છે. બુદ્ધના ઉપદેશથી પ્રભાવિત થઈને ગોવિંદ બૌદ્ધ સંઘમાં જોડાઈ જાય છે. પરંતુ સિદ્ધાર્થ બુદ્ધનો ઉપદેશ સ્વીકારવાની ના પાડે છે. તેનું માનવું છે કે બુદ્ધને જે જ્ઞાન મળ્યું તે તેમના પોતાના અનુભવથી મળ્યું છે. ઉપદેશથી તે બીજાને ન મળી શકે. એ પોતાના આત્માના અવાજને અનુસરતો એકલો આગળ વધે છે. પશ્ચિમી જગતનું સૂત્ર ‘જાતને ઓળખો’ તેનો જીવનમંત્ર બની જાય છે. સિદ્ધાર્થ સંસારના અનુભવો તરફ વળે છે. મોટા નગરમાં આવે છે, જ્યાં તેની મુલાકાત રૂપરૂપના અંબાર જેવી વારાંગના કમલા સાથે થાય છે. કમલા તેને પ્રેમ અને શારીરિક સુખમાં તરબોળ કરે છે. ધીમે ધીમે સિદ્ધાર્થ અઢળક પૈસા, જુગાર અને વિલાસના મોહમાં ડૂબી જાય છે. વર્ષો વીતતાં તેને સમજાય છે કે આ ભૌતિક સુખો તેના આત્માને મારી રહ્યા છે. એક રાત્રે તે બધું જ છોડીને ચૂપચાપ નગરની બહાર નીકળી જાય છે. નિરાશા અને ગ્લાનિથી ભરેલો સિદ્ધાર્થ નદી કિનારે આવે છે અને આત્મહત્યા કરવાનો વિચાર કરે છે, પણ નદીના વહેણમાંથી તેને પવિત્ર ધ્વનિ ‘ૐ’ સંભળાય છે. જે તેને નવું જીવન આપે છે. ત્યાં તેને શાંત અને પરમ જ્ઞાની નાવિક વાસુદેવ મળે છે. સિદ્ધાર્થ વાસુદેવ સાથે જ રોકાઈ જાય છે અને નાવિકનું કામ શરૂ કરે છે. બંને મિત્રો નદીને ગુરુ માને છે. નદી પાસેથી અદભુત પાઠ શીખે છે કે નદી ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું એકસાથે જ જીવે છે. સમય એક ભ્રમ છે અને જગતની બધી જ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. વર્ષો પછી ગૌતમ બુદ્ધના નિર્વાણના સમાચાર સાંભળીને કમલા બૌદ્ધ સંઘ તરફ જઈ રહી હોય છે. રસ્તામાં તેને સાપ કરડે છે. મરતાં પહેલાં તે સિદ્ધાર્થને તેનો પુત્ર (બાળ સિદ્ધાર્થ) સોંપતી જાય છે. સિદ્ધાર્થ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરે છે. પણ, પુત્ર બળવાખોર અને સંસારી છે. તે પિતાથી કંટાળીને ભાગી જાય છે. સિદ્ધાર્થ પુત્રના મોહમાં તણાઈને તેને શોધવા મથે છે; ત્યારે તેને પોતાના પિતાની વેદના સમજાય છે. પુત્રના વિરહની આ પીડા સહન કરીને સિદ્ધાર્થનો છેલ્લો મોહ પણ ઓગળી જાય છે. વાસુદેવ પોતાનું કાર્ય પૂરું થતાં વિદાય લે છે. અંતમાં સિદ્ધાર્થનો જૂનો મિત્ર ગોવિંદ તેને નદી કિનારે મળે છે. ગોવિંદને સિદ્ધાર્થના મુખ પર પરમ શાંતિ અને બુદ્ધત્વના દર્શન થાય છે. સિદ્ધાર્થ બોધિજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત આત્મા બની જાય છે. નવલકથાનું શીર્ષક વાચતાં જ આપણને ભગવાન બુદ્ધ યાદ આવે. પરંતુ લેખકનો આ શીર્ષક પાછળનો સંકેત ઘણો ઊંડો છે. ભારતીય સંસ્કૃતિમાં ‘સિદ્ધાર્થ’ એટલે જેણે પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે તે. રસપ્રદ વાત એ છે કે આખી કથામાં આ નામ ત્રણ વિશિષ્ટ વ્યક્તિઓનો નિર્દેશ કરે છે. પહેલા ગૌતમ બુદ્ધ જેઓ જગતના મુક્તિદાતા છે. બીજો આ કૃતિનો મુખ્ય નાયક સિદ્ધાર્થ જે પોતાના અસ્તિત્વની શોધમાં નીકળેલો યુવાન છે. ત્રીજો સિદ્ધાર્થ-કમલાનો પુત્ર જે કથાના ઉત્તરાર્ધમાં નાયકની કસોટીરૂપ બને છે. આ ત્રણેય પાત્રોના માધ્યમથી લેખકે માનવચેતનાના વિકાસના વિવિધ તબક્કાઓ વર્ણવ્યા છે. છેલ્લે, જ્યારે સિદ્ધાર્થ ગોવિંદને પોતાની નજીક બોલાવે છે, ત્યારે ગોવિંદને સિદ્ધાર્થના મુખમાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનની જેમ સમગ્ર બ્રહ્માંડ, જીવન-મૃત્યુ, સુખ-દુઃખ એકસાથે વહેતું દેખાય છે અને તેને પ્રતીતિ થાય છે કે આ જ સાચો જાગ્રત પુરુષ છે. પશ્ચિમી જગતને પૂર્વીય દર્શન અને આધ્યાત્મિકતાની અનોખી ઓળખ કરાવનાર હરમાન હેસ કવિ, સમર્થ નવલકથાકાર અને ચિત્રકાર હતા. હેસ નાઝીવાદના કટ્ટર વિરોધી હતા અને તેમણે ટોમસ માન જેવા દેશવટો પામેલા મિત્રોને પણ મદદ કરી હતી. તેમના સાહિત્યિક યોગદાન અને ખાસ કરીને ‘ધ ગ્લાસ બીડ ગેમ’ માટે 1946માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પશ્ચિમના વિદ્વાનોના મતે હરમાન હેસે ‘સિદ્ધાર્થ’માં કેવળ ભારતીય સંસ્કૃતિનું અનુકરણ નથી કર્યું; પરંતુ પૂર્વના રહસ્યવાદ અને પશ્ચિમના બુદ્ધિવાદ-મનોવિજ્ઞાનનો સુંદર સમન્વય કર્યો છે. જે સ્થળ-કાળની સીમાઓ ઓળંગીને પ્રત્યેક યુગના મનુષ્યની કથા બની જાય છે. આ જ કારણ છે કે આ કૃતિ માનવજાતને આત્મખોજની પ્રેરણા આપતી રહે છે. }
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો છે કે નહીં એ ખબર કેમ પડશે?
    Next Article
    લઘુકથા:શોક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment