Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો છે કે નહીં એ ખબર કેમ પડશે?

    6 days ago

    લલિત ખંભાયતા જમણી તરફ ગ્રાફિકમાં ટાંકેલા બંને વિધાનો છેલ્લા બે મહિનામાં આવેલાં છે. ઇરાન અને અમેરિકા બંને પક્ષ દ્વારા આવાં વિધાનો વારંવાર કરવામાં આવ્યાં છે. અમેરિકા તરફથી ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા છે, ક્યારેક એના વિદેશ મંત્રી તો ક્યારેક યુદ્ધ મંત્રી. ઇરાન તરફથી ક્યારેક રાષ્ટ્રપતિ, ક્યારેક વિદેશ સચિવ તો ક્યારેક રિવોલ્યૂશનરી ગાર્ડના પ્રવક્તા. પણ બંને દેશો પોતપોતાનાં વિધાનો પુનરાવર્તિત કરી રહ્યા છે. ઇરાનને પરમાણુ બોમ્બ ન બનાવવા દેવો એ અમેરિકા-ઇઝરાયેલ વગેરે દેશોની ઝંખના છે. પોતાનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ ચાલુ રાખવો એ ઇરાનની મહેચ્છા છે. સમસ્યા એ છે કે ઇરાનના વિધાન પર અમેરિકા, ઇઝરાયેલ, યુરોપના કેટલાક અમેરિકા તરફી દેશોને ભરોસે નથી. ઇરાન પરમાણુ ઊર્જા માટે પ્લાન્ટ ચલાવે અને તેમાંથી અણુબોમ્બ બનાવી નાખે તો પછી ત્યારે કરીશું શું? અણુબોમ્બ બનાવવો જેટલો કઠિન અને જટિલ છે એટલી જ જટિલ તેની હાજરી પારખવી છે. એટલે કોઇ દેશ પાસે પરમાણુ બોમ્બ છે કે નહીં એ આસાનીથી જાણી શકાતું નથી. એવી કોઈ ચોક્કસ રીત નથી કે પરમાણુ હથિયાર હોવાની ખબર પડી આવે. જાણકારીની વિવિધ રીતો છે. જેમ કે... ધડાકો કરીને પરમાણુ હથિયાર એ હાથીના દાંત છે, દેખાડવાના હોય ચાવવા ઉપયોગ કરવાનો ન હોય. એટલે પરમાણુ હથિયારો છે એમ જગતને જાણ કરવાની હોય એ વાપરાવાનાં ન હોય. 1945ના જાપાન હુમલા પછી ક્યાંય પરમાણુ હથિયારનો વપરાશ નથી થયો. બીજી તરફ દુનિયાના દેશોએ પરમાણુ બોમ્બ બનાવાનું બંધ પણ નથી કર્યું. અમેરિકા (1945), રશિયા (1949), યુ. કે. (1952), ફ્રાન્સ (1960), ચીન (1964), ઇઝરાયેલ (1967), ભારત (1974), પાકિસ્તાન (1998) અને ઉત્તર કોરિયા (2006) એમ વિવિધ સમયે વિવિધ દેશોએ પરમાણુ હથિયારો બનાવી લીધાં છે. આ બધા દેશો પાસે પરમાણુ હથિયારો છે એ બતાવવા તેમણે પરીક્ષણો કર્યાં છે. ઇઝરાયેલને બાદ કરતા દરેક દેશે જરૂર મુજબ એક કે અનેક ધડાકા કર્યા છે. ધડાકા પછી સત્તાવાર જાણ પણ કરવામાં આવતી હોય છે. ઇઝરાયેલે સત્તાવાર રીતે ક્યારેક કહ્યું નથી કે અમારી પાસે પરમાણુ શસ્ત્રો છે, પરંતુ જ્યારે લિસ્ટ જાહેર થાય ત્યારે ના પણ પાડી નથી. ઇરાને કોઈ પરીક્ષણ કર્યું નથી, તો પછી તેની પાસે પરમાણુ હથિયાર છે એમ કેમ માની લેવું? તપાસ કરીને પરીક્ષણ કરે તો જ પરમાણુ હથિયાર હોય એ માની લેવું એ તો બહુ મોડું થયું ગણાય. પોતાને જગતના જમાદાર માનતા અમેરિકા જેવા દેશો તો એમ ઇચ્છે છે કે પરમાણુ બોમ્બ બનાવાનો જ નથી, તો પછી પરીક્ષણ કરવાનો સવાલ જ ક્યાં આવે. બનાવવાનો જ નથી.. એ વાતનો અમલ કેમ કરવો? એ અમલ કરવા માટે આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થા બનાવાઇ છે, નામ છે: ‘ધ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી’ (IAEA). દુનિયાના દેશો પરમાણુ હથિયારો ન બનાવે એ માટે 1970થી ટૂંકમાં એનટીપી કહેવાતી ન્યૂક્લિયર નોન-પ્રોલિફિકેશન ટ્રીટી (પરમાણુ હથિયારોનો ખડકલો ન કરવો એવી સંધિ) અમલમાં છે. જે દેશોએ એ સંધિ પર સહી કરી હોય ત્યાં ‘એટમિક એનર્જી એજન્સી’ના સભ્યો જઈને તપાસ કરી શકે છે. ઇરાને સહી કરી છે, ત્યાં તપાસ થઈ છે. કંઈ ખાસ મળ્યું નથી. મળ્યું નથી એનો અર્થ એ નથી કે એમની પાસે પરમાણુ હથિયારની સામગ્રી નથી, કેમ કે તપાસ કરવા માટે એજન્સીના ઇન્સ્પેક્ટરોએ કુલ યુરેનિયમનો જથ્થો, એમાંથી કેટલાનું શુદ્ધિકરણ થયું, કેટલું ક્યાં વપરાયું એ બધી વિગતો ભેગી કરી સરવાળો કરવો પડે. ઇરાને ઘણાં સ્થળોએ આંતરરાષ્ટ્રીય એજન્સીને એન્ટ્રી આપી જ નથી. ત્યાં પરમાણુ સામગ્રી છે કે કેમ એ ખબર નથી પડતી. માટે ઇરાન પાસે પરમાણુ હથિયાર છે એમ પણ એજન્સી નથી કહેતી, નથી એમ પણ નથી કહેતી! યુરેનિયમનું શુદ્ધિકરણ પરમાણુ બોમ્બ કે પરમાણુ ઊર્જા બંને માટે જરૂરી તત્ત્વ યુરેનિયમ છે. કુદરતી રીતે મળતાં યુરેનિયમથી બોમ્બ બની ન જાય કે ઊર્જા પેદા ન થાય. તેનું શુદ્ધિકરણ કરવું પડે. જો યુરેનિયમમાંથી ઊર્જા મેળવવી હોય તો તેના કુલ જથ્થામાંથી 3-5 ટકા શુદ્ધિકરણ (એનરિચમેન્ટ) કરીએ એટલે કામ ચાલી જાય. જો યુરેનિયમનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા કરવો હોય તો 90 ટકા એનરિચમેન્ટ જોઈએ. શુદ્ધિકરણ તો બંને કેસમાં કરવું પડે. તો બહારના દેશોને કે તપાસકર્તાને ખબર કેમ પડે કે કોઈ પ્લાન્ટમાં એનરિચ થતું યુરેનિયમ 90 ટકા સુધી નથી પહોંચતું? યુરેનિયમ શુદ્ધ કરવા સેન્ટ્રિફ્યુજ નામનાં સાધનોની જરૂર પડે. એક પ્રકારે સંખ્યાબંધ વલોણાં ગોઠવ્યાં હોય એવાં એ સાધનો છે. જો મોટા વિસ્તારમાં પાસપાસે અનેક સેન્ટ્રિફ્યુજ હોય તો સમજવું પડે કે એ ઊર્જા માટે યુરેનિયમ શુદ્ધ કરે છે. એમાં શુદ્ધિકરણ ઓછું, જથ્થો વધારે મહત્ત્વનો હોય છે. જો સેન્ટ્રિફ્યુજની ગોઠવણી એકદમ પાસપાસે અને થપ્પામાં હોય તો સમજવું કે એ હથિયાર માટે કાચો માલ તૈયાર કરે છે. એમાં જથ્થો નહીં, શુદ્ધિકરણ મહત્ત્વનું હોય છે. એજન્સીના કે અન્ય આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓ પરમાણુ પ્લાન્ટમાં આવે ત્યારે ઘણી વિગતો તપાસે. પણ એ સેન્ટ્રિફ્યુઝની ડિઝાઈન જોઈને સમજી જાય કે આ ચૂલો સળગાવાની સામગ્રી છે કે સરહદો સળગાવાની! ઉપરાંત બીજું પરિબળ સમય છે. એક પરમાણુ બોમ્બ બનાવવા માટે 25 કિલોગ્રામ યુરેનિયમ હોવું જોઈએ એવો આંતરરાષ્ટ્રીય ધારો છે. એટલું યુરેનિયમ શુદ્ધ કરવામાં 2-4 અઠવાડિયાંથી વધારે સમય લાગે નહીં. જ્યારે ઊર્જા પેદા કરવાનું યુરેનિયમ શુદ્ધ કરવામાં મહિનાઓ લાગે. માટે પ્લાન્ટ કામ કરે છે અને કેટલા સમયમાં પરિણામ આપે છે, તેના આધારે પણ ખ્યાલ આવી શકે કે એ યુરેનિયમનો શું ઉપયોગ કરશે? અલબત્ત, બધા દેશોમાં કે બધા પ્લાન્ટ્સમાં સમય સરખો નથી હોતો. માટે કોઈ દેશ ખરેખર પોતાના પ્લાન્ટમાં શું કરે છે એ અંદર જઈને તપાસ કર્યા વગર કહી ન શકાય. દરેક જગ્યાએ અંદર એન્ટ્રી મળતી નથી એટલે ઇરાન પાસે પરમાણુ હથિયાર છે, તૈયાર કરી શકાય એવી સામગ્રી છે, નથી વગેરે જેવા ચુકાદા આંતરરાષ્ટ્રીય મંચ પર ફંગોળાતા રહે છે. જેમ્સ બૉન્ડને કામે લગાડો ભારતના જેમ્સ બૉન્ડ કહેવાતા વર્તમાન સુરક્ષા સલાહકારને પાકિસ્તાની પરમાણુ પ્રોજેક્ટની માહિતી મેળવવા કામ સોંપાયું હતું. એ માટે સાતેક વર્ષ પાકિસ્તાનમાં રહ્યા. પણ એમ પાકિસ્તાનમાં રહેવા માત્રથી તો એના પરમાણુ પ્રોજેક્ટની માહિતી મળી ન જાય. એટલે એ માટે તેમણે પરમાણુ પ્લાન્ટ બહાર વાળ કાપવાની દુકાન કરી હતી. પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ અહીં વાળ કપાવે એ વાળ ભેગા કરી ભારત મોકલ્યા હતા અને એની તપાસ પછી જ જાણી શકાયું કે પાકિસ્તાનનો પરમાણુ પ્રોગ્રામ કયા તબક્કે પહોંચ્યો છે. જાસૂસી એ સૌથી વિશ્વાસુ રસ્તો છે, કેમ કે કોઈ દેશ પોતાના પરમાણુ પ્રોજેક્ટ વિશે એક હદથી વધારે ખૂલીને માહિતી આપે જ નહીં. અમેરિકાની ‘સીઆઈએ’ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી), ઇઝરાયેલની ‘મોસાદ’ વગેરે જાસૂસી સંસ્થાઓ ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખીને બેઠી છે. 1981માં ઇઝરાયેલે ‘ઓપરેશન ઓપેરા’ લૉન્ચ કરીને ઇરાકના ચણાઈ રહેલા પરમાણુ પ્લાન્ટને ધ્વસ્ત કરી નાખ્યો હતો. ત્યારથી ઇરાક આજ સુધી પરમાણુ પ્રોગ્રામ આગળ ધપાવી શક્યું નથી. પાડોશી દેશમાં થયેલા અનુભવથી ઇરાને ધડો લીધો. પોતાના પરમાણુ કાર્યક્રમ એક જ સ્થળે રાખવાને બદલે આખા દેશમાં વહેંચી દીધો. માટે ઇઝરાયેલ-અમેરિકા ગમે તેવી નજર રાખે, ગમે તેવી વૉચ રાખે, ઉપગ્રહોની તસવીરોનું સતત અવલોકન કરે તો પણ એક હદથી વધારે ઇરાનના પરમાણુ કાર્યક્રમને બ્રેક મારી શકે એમ નથી. ખબર પડે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવે છે તો પણ ઇરાકમાં થયો એવો હુમલો ઇરાનમાં ન થઈ શકે. હુમલો કરવો તો ક્યાં કરવો એ પણ મોટો પ્રશ્ન આવે. ઇરાનની ઘણીખરી સામગ્રી તો પેટાળમાં બંકરો બનાવી રાખી છે. જાસૂસોએ જે માહિતી ભેગી કરી છે એ એવી છે કે ઇરાને યુરેનિયમ શુદ્ધ કરી રાખ્યું છે. હવે તેમાંથી બોમ્બ બનાવે એટલી જ વાર છે. જો એક વખત બોમ્બ બનાવે તો પછી પશ્ચિમી દેશોના દાબમાં જરાય રહે નહીં. પશ્ચિમી દેશોને એ બરાબર ખબર છે, પણ ઇરાન પાસે ખરેખર પરમાણુ હથિયાર છે કે નહીં એ કોઈને ખબર નથી. ધારો કે ખરેખર છે તો એનો પુરાવો જગત સમક્ષ રજૂ કરી શકાય એમ નથી. }
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:સાહેબ એટલે પ્રતિષ્ઠિત પુરુષ
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:આત્મખોજની દીવાદાંડી : ‘સિદ્ધાર્થ’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment