Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસતી ગણતરી માટે સોસાયટીમાં પ્રવેશ ન અપાતા પોલીસ બોલાવવી પડી:અધિકારીએ કહ્યું- લોકો સહકાર નહીં આપે તો કાયદાકીય પગલાં લેવાશે, સહકાર આપવા અપીલ

    4 days ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી વસ્તીગણતરીની કામગીરી ચાલી રહી છે. એક તરફ તંત્ર પહેલાથી જ પૂરતા કર્મચારીઓની ભારે અછતનો સામનો કરીને જેમ-તેમ કામગીરી આગળ ધપાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ કેટલાક લોકોની અજ્ઞાનતા અને સોસાયટીના પદાધિકારીઓનો અસહકાર તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ગઈકાલે જ શહેરના પાલ વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ સોસાયટીઓમાં વસ્તીગણતરી માટે ગયેલા સર્વેયરોને અટકાવવામાં આવ્યા હતા. સોસાયટીના પ્રમુખ અને સિક્યોરિટી દ્વારા ઊભા કરાયેલા આ વિવાદ બાદ આખરે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્રણ સોસાયટીઓમાં વસતી ગણતરી માટેના સ્ટાફને રોકાતા વિવાદ મળતી વિગતો અનુસાર, પાલ વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીઓમાં જ્યારે વસ્તી ગણતરી કરનારા સર્વેયરો પોતાના નિયત સરકારી સમય મુજબ પહોંચ્યા, ત્યારે સોસાયટીના પ્રમુખ અને ત્યાંના સિક્યોરિટી સ્ટાફ દ્વારા તેમને મુખ્ય ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. સોસાયટીના તંત્ર દ્વારા એવો અજીબોગરીબ આગ્રહ અને શરત રાખવામાં આવી હતી કે, સોસાયટીમાં રહેતા તમામ લોકોની વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને અને તેમના આપેલા સમય પર જ સર્વે માટે સોસાયટીની અંદર આવવું. રાષ્ટ્રીય કાર્યક્રમ અવરોધાય તેવા આ વિચિત્ર વલણની સાથે એટલું જ નહીં, સરકારી નિયમ મુજબ વસ્તીગણતરી થઈ ગયા બાદ ઘરની બહાર માર્કર વડે નિશાન કરવાની જે કાયદેસરની પ્રક્રિયા છે, તેની સામે પણ સોસાયટીના પદાધિકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સર્વેયરોને એવો નિર્દેશ આપ્યો હતો કે તેઓ માર્કરના બદલે સ્ટીકર લઈને આવે અને સ્ટીકર લગાવે. સર્વેયરો દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું મહત્વ સમજાવીને વારંવાર નમ્રતાપૂર્વક સમજાવટ કરવામાં આવી હોવા છતાં, સોસાયટીના પ્રમુખ પોતાની જીદ પર અડગ રહ્યા હતા અને અંદર પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સોસાયટીમાં પ્રવેશ ન અપાતા પોલીસ બોલાવવી પડી સોસાયટીના અસહકાર અને વધતા વિવાદને જોતા, ફિલ્ડ પર હાજર સર્વેયરોએ તાત્કાલિક આ બાબતની જાણ પોતાના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. વસ્તીગણતરી જેવા મહત્વના રાષ્ટ્રીય કાર્યમાં આ પ્રકારે અવરોધ ઊભો થતો જોઈને ઉચ્ચ અધિકારીઓએ મામલાને ગંભીરતાથી લીધો હતો અને પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સૂચના અને કડક વલણના પગલે તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની કાયદેસરની દખલગીરી અને કડક સમજાવટ બાદ જ સોસાયટીના સત્તાધીશો નરમ પડ્યા હતા અને આખરે સર્વેયરોને વસ્તીગણતરી માટે સોસાયટીની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. વસ્તીગણતરીની કામગીરીમાં સ્ટાફની અછતનો પ્રશ્ન શરૂઆતથી જ વહીવટી તંત્રને સતાવી રહ્યો છે. અગાઉ શિક્ષકો અને ત્યારબાદ બેંકર્સ સહિતના વિવિધ એસોસિએશનો અને યુનિયનો દ્વારા આ કામગીરીના અતિશય ભારણ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને પોતાની પડતર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા જેમ-તેમ કરીને અને મધ્યસ્થી કરીને આ વિવાદોને થાળે પાડીને માંડ-માંડ કામ શરૂ કરાવવામાં આવ્યું છે, ત્યાં હવે ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય જનતા અને સોસાયટીઓના અસહકારને કારણે સર્વેયરોમાં ભારે કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા હાલમાં વસ્તીગણતરીની કામગીરીને વેગ આપવા અને નવો સ્ટાફ મેળવવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. પરંતુ તંત્ર સામે બીજો મોટો પડકાર એ છે કે સરકારી કર્મચારીઓનો એક મોટો વર્ગ ગમે તેવા બહાના બતાવીને આ મહત્વની સરકારી ફરજમાંથી છટકવા માટેના આંતરિક પ્રયાસો પણ જોરસોરથી કરી રહ્યો છે. એક તરફ કર્મચારીઓની કામચોરી અને બીજી તરફ લોકોનો આવો બિનજરૂરી અસહકાર, આ બંને પરિબળોને કારણે નિયત સમયમર્યાદામાં વસ્તીગણતરીની કામગીરી પૂર્ણ કરવા સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. વસતી ગણતરી માટે સ્ટાફને રોકાશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા વસ્તીગણતરી 2027ની કામગીરી હાઉસ લિસ્ટિંગની કામગીરી ચાલુ છે. આ કામગીરી અંતર્ગત સુરત શહેરમાં આશરે 15,000 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે. આમાં ઘરે ઘરે જઈને વસ્તી ઘરોની ગણતરી કરવાની હોય છે. આ ગણતરી દરમિયાન હાલમાં અમોને જે અડચણ આવે છે એ મુખ્યત્વે કર્મચારીઓમાં નીરસતા છે કામગીરી પ્રત્યે, તે ઉપરાંત જે કોઈ કર્મચારી વસ્તી... ઘરોની ગણતરી કરવા માટે જાય છે સોસાયટી કે ઘરોમાં, ત્યારે લોકો દ્વારા કે સોસાયટી પ્રમુખ દ્વારા આ વસ્તીગણતરી કર્મચારીઓને સહકાર આપવાના બદલે તેઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આથી મારી સુરત શહેરના નાગરિકોને અને જે તે સોસાયટીના પ્રમુખ, મંત્રીઓ કે જે કોઈ હોદ્દેદારો છે તેઓને નમ્ર અપીલ સાથે વિનંતી કરવાની થાય છે કે વસ્તીગણતરી એક કાયદાકીય જોગવાઈ છ.,આ કામગીરી હેઠળ આવનાર ગણતરીદારોને તમે ચકાસી શકાય છે, પરંતુ તેઓને ફરીથી આવો, કાલે આવજો, પરમદિવસે આવજો આવી રીતે એ લોકોને ધરમધક્કા નહીં કરાવતા તાકીદે વસ્તીગણતરી કામગીરીમાં સહકાર મળે એવી અપેક્ષા સાથે નમ્રતાથી અપીલ કરું છું. આ રીતે જે તે ગણતરીદારોને વસ્તીગણતરી કે ઘર ગણતરી કરવા માટે વંચિત રાખવા કે તેઓને સહકાર નહીં આપવો સજાને પાત્ર બને છે.તો મારી સુરત શહેરની જનતાને ફરીથી એકવાર અપીલ સાથે નમ્રતાથી વિનંતી કરવાની થાય છે કે જો કોઈ વસ્તીગણતરીદાર તમારા ઘરે વસ્તીગણતરી માટે આવે છે તો તેને પૂરતો સહકાર આપવા વિનંતી. તેઓને જરુર વગર ધરમધક્કા નહીં કરાવવામાં આવે, તેઓને પૂરતો સહકાર આપવામાં આવે, તેમની સાથે માન-મર્યાદા પૂર્વક વર્તન કરવામાં આવે, અણછાજતું વર્તન નહીં કરવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી છે.
    Click here to Read More
    Previous Article
    અંતે, રાજકોટનો સાંઢિયા પૂલ ખુલ્લો મૂકાયો:દરરોજ 1 લાખ વાહનચાલકોનો સમય-ઈંધણ બચશે; જામનગર તરફ જનારાને મોટો ફાયદો
    Next Article
    રણુજ બેંકને ₹2 કરોડ, પાટણ સંઘને ₹5 લાખ નફો:વાર્ષિક સભામાં અહેવાલો મંજૂર, ખાતર વિતરણ પ્રક્રિયા પર ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment