Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સિંહો માટે ઇન્દિરા ગાંધીએ ડેમનો પ્રોજેક્ટ રદ કરાવ્યો હતો':રાજભા ગઢવી મામલે નિવૃત્ત વન અધિકારી લાલઘૂમ, કહ્યું- આમ ને આમ ગીર ખતમ થઇ જશે

    1 day ago

    - આજે ગીરને ટૂરિસ્ટ પ્લેસ બનાવી દેવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં હોટલ્સ, હોમ સ્ટે અને રિસોર્ટ બનાવી દેવાયા છે. આનાથી મોટા પાયે મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. ગીરની આસપાસ જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તેના કારણે સિંહો વધારે સેફ જગ્યા શોધવાના ચક્કરમાં ટેરેટરીમાંથી બહાર આવી જાય છે. આવું ને આવું ચાલશે તો ગીરના કિંગ સાથે ક્રોમ્પ્રોમાઇઝ જેવી સ્થિતિ થશે. - મારા મતે હવે ગીરના સિંહો માટે અન્ય સુરક્ષિત સ્થળ શોધવું જરૂરી છે. - એકવાર જે કોઇ બહાર વસવાટ કરવા માટે જતું રહ્યું છે તેને ફરીથી અંદર વસવાટ કરવા માટે કોઇ અધિકારીએ મંજૂરી ન આપવી જોઇએ. અધિકારી પાસે આવા કોઇ પાવર નથી. (જાણીતા કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે ગીર જંગલમાં વસવાટની મંજૂરીના સંદર્ભમાં) - અશોકકુમાર શર્મા રિટાયર્ડ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ભારતીય ફોરેસ્ટ સર્વિસની 1978ની બેચના અને 2013માં રિટાયર્ડ થયેલા આ એ અધિકારી છે જેમના શિરે એક સમયે આખા ગુજરાતના વનવિભાગની જવાબદારી હતી. બેબેસિયા વાયરસથી સિંહના થયેલા મોતના આંકડા અને રાજભા ગઢવીને અપાયેલી મંજૂરી મામલે થોડા સમયથી વનવિભાગ વિવાદમાં સપડાયો છે ત્યારે આ નિવૃત્ત અધિકારીએ વનવિભાગ અને સરકારની નીતિની ઝાટકણી કાઢી છે. રાજભા ગઢવીને જે મંજૂરી આપવામાં આવી તે કાયદેસર છે કે ગેરકાયદેસર? કેમ મંત્રીઓથી લઇને અધિકારીઓ આ બાબતે જવાબ આપવાનું ટાળે છે? માલધારીઓ માટે પુનઃ વસવાટની જે પોલિસી હતી તે ખરેખર શું હતી? બેબેસિયા વાયરસથી મૃત્યુ પામેલા સિંહોના આંકડા કેમ છુપાવાઇ રહ્યાં છે? ભવિષ્યમાં સિંહોને બચાવવા માટે પ્લાન બી શું હોવો જોઇએ? આ તમામ મુદ્દાઓ અંગે દિવ્ય ભાસ્કરે અશોકકુમાર શર્મા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના કાર્યકાળમાં બનેલા કિસ્સાઓ કહેવાની સાથોસાથ સનસનીખેજ ખુલાસા પણ કર્યા છે. શરૂઆત રાજભા ગઢવીને અપાયેલી મંજૂરીના વિવાદથી. ભૂતકાળમાં રાજભા ગઢવી અને તેના પરિવારે નેસ છોડી દીધો હતો. તેમના પિતાએ વનવિભાગને અરજી કરીને માલધારી તરીકે ફરીથી જંગલમાં વસવાટની મંજૂરી માગી હતી. જેને વર્ષ 2023માં ધારી ગીર પૂર્વ વનવિભાગે ફગાવી દીધી હતી. આના પછી રાજભા ગઢવી અને તેમના કાકાએ ફરીથી અરજી કરતાં વર્ષ 2026માં વનવિભાગે તેમને મંજૂરી આપી દીધી છે. જેના કારણે વિવાદ વકર્યો છે. હવે બીજા માલધારીઓ પણ મેદાને પડ્યા છે અને નેસડામાં વસવાટ કરવાની મંજૂરી અપાય તેવી માંગ કરી છે. રાજભાને મંજૂરી આપવાનો નિર્ણય ખોટોઃ અશોકકુમાર શર્મા રાજભાને અપાયેલી મંજૂરી અંગે અશોકકુમાર શર્માએ કહ્યું કે, આ ખૂબ જ ખોટું થયું છે. જેટલું ઝડપથી તેને ઠીક કરી શકાય તેમ કરવું જોઇએ. આ બાબતમાં રાજભા ગઢવી કેટલા ઈમ્પોર્ટન્ટ છે એ હું નથી જાણતો પણ તેમની જગ્યાએ કોઇ બીજું હોત અને તેને મંજૂરી અપાઇ હોત તો તે પણ ખોટું જ હોત. 'આમને આમ ગીર ખતમ થઇ જશે' આ નિર્ણયનો દુરૂપયોગ થવાનો ડર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, એકવાર જે કોઇ બહાર વસવાટ કરવા માટે જતું રહ્યું છે તેને ફરીથી અંદર વસવાટ કરવા માટે કોઇ અધિકારીએ મંજૂરી ન આપવી જોઇએ. અધિકારી પાસે આવા કોઇ પાવર નથી. આ તો એક રીતે યોજનાને પલટાવી દેવામાં આવી છે. આવામાં જે માલધારીઓ બહાર રહે છે તે પણ મંજૂરી માંગશે કે અમને પણ અંદર રહેવા દેવામાં આવે. આવું ક્યાં સુધી ચાલતું રહેશે? આમ ને આમ તો ગીર ખતમ થઇ જશે. એ સમયે કરેલી બધી જ મહેનત પર પાણી ફરી જશે. થોડા દિવસો પહેલાં વન મંત્રી અર્જુન મોઢવાડિયાને જ્યારે રાજભાને અપાયેલી મંજૂરી અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે માઇક કાઢીને ચાલતી પકડી હતી અને કંઇપણ બોલવાનું ટાળ્યું હતું. મંત્રીને વોટ બેંકની ચિંતાઃ અશોકકુમાર શર્મા આ ઘટના અંગે તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ ઘટનામાં મંત્રી અને પોલિટિકલ વ્યક્તિ એટલા માટે નથી બોલી રહ્યાં કેમ કે તેમને વોટ બેંક સંભાળવાની છે. માલધારીઓની મોટી વોટ બેંક છે. આ નિર્ણય પોલિટિકલ પ્રેશરમાં લેવાયો હોય તેમ લાગી રહ્યું છે. જે રીતે અર્જુન મોઢવાડિયાએ આ બાબતે જવાબ આપવાનું ટાળ્યું તેના પરથી લાગે છે કે તેઓ પણ આ વાતથી માહિતગાર તો છે જ. તેમની ઓફિસને પણ કોપી માર્ક કરવામાં આવી છે. તેમની ઓફિસને મંજૂરીની કોપી માર્ક કરવાની શું જરૂર હતી? આ એટલા જ માર્ક કરાઇ કે તમારી ઇચ્છા કે તમારા તરફથી જે હુકમ આવ્યો છે તેનો નિકાલ પોઝિટિવ રીતે લાવી દેવાયો છે. શું તમારા સમયે પણ આવા પોલિટિકલ પ્રેશર આવતાં હતા તે અંગે પૂછતાં અશોકકુમાર શર્માએ કહ્યું, એ સમયે જો તમે સારું કામ કરતાં હો તો ઉપલા લેવલથી સપોર્ટ મળતો હતો. રાજકારણીઓ ક્યારેય જનતાને નારાજ કરવા માંગતા નથી હોતા. આવું એ સમયે પણ જોવા મળતું. પણ અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પોતાના કર્મચારીઓને પૂરતો સપોર્ટ કરતા હતા. માલધારીઓ અંગેની યોજના શું હતી તેની માહિતી પણ તેમણે આપી. તેમણે કહ્યું, મારા મતે માલધારીઓના પુનઃવસન માટેની યોજના 1972-73ના વર્ષમાં બનાવવામાં આવી હતી. આ યોજના માલધારીઓની લાઇફ સ્ટાઇલ અને કલ્ચરને સમજીને સારી રીતે બનાવવામાં ન આવી હોય એવું મારું માનવું છે. એ સમયે પણ મારું આ જ માનવું હતું. માલધારીઓને જ્યાં ખેતીવાડી માટે જમીન અપાઇ હતી તે ગામના લોકોએ તેમને સ્વીકાર્યા નહોતા અને વિરોધ કર્યો હતો. 'ખેતીવાડી કરવી તે માલધારીઓના હાથની વાત નહોતી. તેમના ડીએનએમાં એ વાત નથી. તેઓ હંમેશા માલઢોર ચરાવીને જ ગુજરાન ચલાવતા હતા. કેટલાક માલધારીઓ તો પોતાના માલ ઢોર લઇને ખોટી રીતે ફરી પાછા ગીરના જંગલમાં જ વસી ગયા હતા. આ જ કારણે આ યોજના ફેલ થઇ હતી.' માલધારીઓને ખેતીની જમીન અને ઝૂંપડાં અપાયા હતા તેમણે આગળ કહ્યું કે, 1982માં ગીરમાં મારૂં પોસ્ટિંગ થયું હતું. આ સમયે માલધારી પુન:વસવાટ યોજના લગભગ તેના અંત તરફ હતી. મને આજે પણ યાદ છે કે એ સમયે અમે માલધારીઓને તેમની ઘરવખરી જંગલમાંથી લઇને જવા દેવા માટેના ટ્રાન્ઝિટ પાસ ઇશ્યૂ કરતાં હતા. જંગલમાં વસતા મોટા ભાગના માલધારીઓને સિંહની ટેરેટરીમાંથી બહાર વસવાટ માટે સેટલ કરી દેવાયા હતા. તેમને ખેતી માટે જમીન અને રહેવા માટે ઝૂંપડાં પણ બનાવી આપ્યા હતા. સરકારે 1985માં યોજના બંધ કરી દીધી યોજનાના ઉદ્દેશ અને તેને બંધ કરવા પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, આ યોજના બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે સિંહોની સંખ્યામાં વધારો થાય એ સાથે જ તેમને તેમનો નેચરલ ખોરાક ચિત્તલ અને સાંભર મળી રહે. મને યાદ છે કે એ સમયે ઘણા માલધારીઓ એવા હતા જે પોતાની 4-4 પેઢીઓથી વસવાટ કરતાં હતા. જ્યારે કેટલાક બિનકાયમી વસવાટ પણ કરી રહ્યાં હતા પણ ગેરકાયદેસર માલધારીઓને પુનઃવસવાટનો લાભ મળી શકે તેમ નહોતો. એ સમયે ઘણાં કારણોસર સરકારને પણ લાગ્યું કે આ યોજના સફળ નહીં થાય એટલે 1985ના વર્ષમાં યોજના બંધ કરી દીધી હતી. પહેલાનાં સમયમાં સિંહો ભાગ્યે જ પોતાની ટેરેટરી છોડીને જંગલની બહાર જોવા મળતાં હતા. જ્યારે આજે સિંહો ટોળાં સાથે હાઇવે સુધી આવી જાય છે. આના કારણ અંગે તેમણે કહ્યું, એ સમયે આપણાં સિંહો ગીર વિસ્તારમાં જ રિસ્ટ્રીક્ટેડ હતા. ક્યારેક કોઇ એકલ દોકલ કિસ્સો બનતો કે સિંહો જંગલની બહાર આવ્યાં હોય. એ સમયે સિંહોને ત્યાંથી બરડામાં વસવાટ કરાવવાની યોજના હતી પણ તેમાં કંઇ થઇ શક્યું નહોતું. આમ સરળ રીતે કહીએ તો સિંહોનું ટેરેટરીમાંથી બહાર નીકળવું રેર હતું. સિંહ જંગલની બહાર આવતા હોવાનું કારણ શું? તેમણે વધુમાં કહ્યું, ગીરમાં હવે સિંહો પોતાની ટેરેટરીમાંથી બહાર આવી રહ્યાં છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. હાલ ગીરની આસપાસ સારૂં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. બીજી તરફ પ્રોટેક્શન અને મેનેજમેન્ટ સારૂં થઇ રહ્યું હોવાના કારણે સિંહોની સંખ્યા વધી રહી છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગીરની આસપાસ જે પણ ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તેના કારણે સિંહો વધારે સેફ જગ્યા શોધવાના ચક્કરમાં ટેરેટરીમાંથી બહાર આવી જાય છે. આવું ને આવું ચાલશે તો ગીરના કિંગ સાથે ક્રોમ્પ્રોમાઇઝ જેવી સ્થિતિ થશે. થોડા દિવસ પહેલાં પાલિતાણામાં એક સિંહ યાત્રાળુની બેગ લઇને ભાગી ગયો હતો. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, અમે ક્યારેય આ રીતે સિંહોને રખડતા નથી જોયા અને ક્યારેય આવી કલ્પના પણ નહોતી કરી. મારા મતે હવે ગીરના સિંહો માટે અન્ય સુરક્ષિત સ્થળ શોધવું જરૂરી છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન બનેલા કિસ્સાઓ પણ ભાસ્કર સાથે શેર કર્યાં. કિસ્સો 1 ગીરમાં 1982માં મારૂં પોસ્ટિંગ થયું ત્યારે એક ઘટના બની હતી. જાંબૂડી નેસના માલધારીઓએ 2 સિંહને ઝેર આપીને મારી નાંખ્યા હતા. તેના નખ કાઢીને બોડીને સળગાવી દીધી હતી. આ સમયે તેની તપાસ ચાલી રહી હતી. આ ઘટનામાં 4 માલધારીઓની ધરપકડ કરીને સજા ફટકારાઇ હતી. આવો જ એક કિસ્સો 1983માં બન્યો હતો જેમાં પણ સિંહને ઝેર આપીને મારી નખાયો હતો. કિસ્સો 2 ગીરમાં એક કિસ્સો એવો બન્યો હતો જેમાં માલધારીના 14 વર્ષના દીકરા પર સિંહણે હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધો હતો. એ સમયે આ પ્રકારના કિસ્સાઓ એકદમ ઓછા બનતાં હતા. કિસ્સો 3 એ સમયે એક મોટા આશ્રમનું દબાણ થયું હતું. જ્યારે તેને હટાવાયો ત્યારે અમારા ડિપાર્ટમેન્ટે અમને સપોર્ટ આપ્યો હતો. એ સમયે અશોક ભટ્ટ તપાસ માટે પણ આવ્યાં હતા. તેમણે સરકારમાં જઇને ભલે જે રજૂઆત કરી હોય પણ સરકારે અમને ફૂલ સપોર્ટ કર્યો હતો. એ સમયે અમારા ડિપાર્ટમેન્ટમાં ઉપરથી છેક નીચે સુધીના બધા લોકો સારા હતાં. એ સમયે અમને કોઇ પણ વાતમાં ના કહેવામાં ડર નહોતો લાગતો. જ્યાં અમારે ના પાડવી પડતી ત્યાં અમે મક્કમતાથી ના પાડી દેતા. કિસ્સો 4 1986માં રણથંભોરમાં માલઢોરને ચરવા માટેની એક અધિકારીએ મંજૂરી આપી દીધી હતી. એ સમયે દુષ્કાળ પડ્યો હતો. અધિકારીએ લીધેલા નિર્ણયની વાત રાજીવ ગાંધી સુધી પહોંચી હતી. જેના પછી એ અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ સરકારનો રેકોર્ડ છે કે તેણે ફોરેસ્ટ, એન્વાયર્મેન્ટ અને વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટે હંમેશા કામ કર્યું છે. કિસ્સો 5 1980માં ઇન્દિરા ગાંધીનો પ્રવાસ હતો. આ દરમિયાન દાંતરડી ડેમ બનવાનો હતો. તે વખતે રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. ગીરમાં જે જગ્યાએ દાંતરડી ડેમ બનવાનો હતો ત્યાં ઇન્દિરા ગાંધી આવ્યાં ત્યારે તેમણે કહ્યું હતું કે અરે વાહ ઇતના અચ્છા ડેન્સ ફોરેસ્ટ હૈં યહાં પર. આ દરમિયાન અમારા એસ.કે સિન્હાના નામના અધિકારી તેમની સાથે ગાડીમાં બેઠા હતા. તેમણે કહ્યું કે આ નજારો થોડાક જ દિવસો માટે છે. કેમ કે અહીંયા ડેમ બનવાનો છે જેથી આ ડેન્સ ફોરેસ્ટ તેમાં સમાઇ જશે. ત્યારે તરત જ ઇન્દિરા ગાંધીએ માધવસિંહને કહ્યું હતું કે, તમે જરા આ બાબતે જુઓ અને મને રિપોર્ટ આપો કે અહીં શું થવા જઇ રહ્યું છે. માધવસિંહે રિપોર્ટ પણ કર્યો હતો કે અહીં ડેમ બનવા જઇ રહ્યો છે ત્યારે ઇન્દિરા ગાંધીએ ત્યાં ને ત્યાં જ એ યોજનાને રદ કરી નાંખી હતી. આજની તારીખે પણ દાંતરડી ડેમના ફાઉન્ડેશનના સ્ટોન એવા ને એવા પડ્યાં છે. આટલી સેન્સિટીવિટી હતી પણ આજે હું જોઇ રહ્યો છું કે વિકાસના નામે નોન સ્ટોપ બધું ચાલી રહ્યું છે. આજે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ જેવું કંઇ છે જ નહીં. કિસ્સો 6 1988માં RFOના પગાર બાબતે કર્મચારીઓએ હડતાળ કરી હતી. જે અંદાજે 42 દિવસ સુધી ચાલી હતી. અધિકારીઓ હડતાળ પર હોવાના કારણે માલધારીઓના ઢોર જંગલમાં પ્રવેશ કરતાં હતા. આ સમાચાર અખબારના ફ્રન્ટ પેજ પર છપાયા હતા. એ પછી તેની વિગતો રાજીવ ગાંધી સુધી પહોંચાડાઇ હતી. એ સમયે તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા તેમણે ઓસ્ટ્રેલિયાથી આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. જે હડતાળ બંધ થવાનું નામ નહોતી લેતી તેનો અંતે નિકાલ આવ્યો અને પગારમાં વધારો કરાયો હતો. પણ આજના સમયે હું જોઇ રહ્યો છું કે સરકાર હડતાળનો કોઇ જવાબ જ નથી આપતી. આજની સરકાર કરતાં એ સમયની સરકાર વધારે જવાબદારી ભરેલી હતી. વાયરસથી સિંહના મોત મામલે તેમણે સ્ટ્રેટેજીમાં કચાશ રહી ગઇ હોવાનું કહ્યું. તેઓ કહે છે કે, મારા મતે તો હાલમાં બેબેસિયા વાયરસના કારણે જે કંઇ પણ થયું તેમાં ઓવરઓલ મેનેજમેન્ટ જવાબદાર છે. હાલમાં સ્ટાફ કેટલું કામ કરી રહ્યો છે ગ્રાઉન્ડની હકીકત શું છે એ તો મને નથી ખબર પણ એટલું ખબર પડે કે મેનેજમેન્ટની સ્ટ્રેટેજીમાં ચોક્કસથી કંઇક કમી રહી ગઇ છે. જેને છુપાવવી પડી રહી છે. આ બાબત સારી નથી. સિંહોનું સ્થળાંતર કરવું જોઇએઃ અશોકકુમાર શર્મા બેબેસિયા જેવા રોગોથી સિંહોનું અસ્તિત્વ મટી ન જાય અને સુરક્ષિત રહે તે માટે પ્લાન બી શું હોવો જોઇએ એ અંગે તેમણે કહ્યું, આપણે આપણાં એટિટ્યૂડમાં થોડો બદલાવ લાવવાની જરૂરિયાત છે. સિંહ એ માત્ર ગુજરાતનું ગૌરવ નથી એ સમગ્ર હિન્દુસ્તાનનું અને માનવ જાતનું ગૌરવ છે. તેને તો આપણે બચાવવા જ પડશે. આપણે એવું કહીએ કે સિંહો ગુજરાતથી બહાર ન જવા જોઇએ એ નેરો એપ્રોચમાં બદલાવ લાવવો પડશે. વારંવાર આવા બનાવ બની રહ્યાં છે તેમાંથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે. માની લઇએ કે કુનોમાં તૈયારીઓ નથી તો બીજી જગ્યા શોધો કે જ્યાં સિંહો સરળતાથી રહી શકે. તેમણે ઉમેર્યું કે, જો આપણે અહીં ચિત્તા લાવીને તેને સેટલ કરી શકીએ તો સિંહોને અન્ય જગ્યાએ એક્સપાન્ડ કરવામાં શું વાંધો છે? આજે ગીરની ટોપોગ્રાફીને હેવોક કરી દેવામાં આવી છે. આનાથી મોટા પાયે મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. 80ના દાયકામાં તો માત્ર 40 હજાર જેટલા ટૂરિસ્ટ આવતાં હતા જ્યારે આજે લાખોની સંખ્યામાં લોકો અહીં આવી રહ્યાં છે. આ પણ વાંચો રાજભા ગઢવીની વગ સામે વનવિભાગના નિયમો ટૂંકા પડ્યા ગીરમાં માલધારી તરીકે વસવાટની તરત મંજૂરી આપી, 2023માં તેમના પિતાની આવી જ અરજી ફગાવી હતી ગીરના સિંહોની સલામતીના સરકાર ઘણા દાવા કરે છે. પણ કલાકારોની વગ સામે અધિકારીઓ કેવી રીતે નતમસ્તક થઈને જાય છે અને ગીરની સુરક્ષા માટે બનાવેલા નિયમોને નેવે મૂકી દેવાય છે તેનો જીવતો જાગતો પુરાવો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યો છે. જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી આ વિવાદના કેન્દ્રમાં છે. થોડા દિવસો પહેલાં રાજભાએ વનવિભાગમાં અરજી કરી હતી. તેમણે અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ અને આ સાથે જ વનવિભાગની બેવડી નીતિનો પર્દાફાશ થયો. કારણ કે રાજભાના જ પિતાએ 3 વર્ષ પહેલાં કંઈક આવી જ અરજી કરી હતી, અને આ જ વિભાગે સજ્જડ કારણો ધરીને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવ્ય ભાસ્કર પાસે આ બન્ને અધિકારીઓના લેખિત નિર્ણયના ડોક્યુમેન્ટ્સ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    જમીન પર ભમરડાંની જેમ ગોળ-ગોળ ફરતું રહ્યું હેલિકોપ્ટર:2 ટુકડા થયાં, જમીન અને હેલિકોપ્ટરની વચ્ચે અથડાતો રહ્યો પાયલટ, ચીનમાં શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માત
    Next Article
    'હવે અમારી પાસે શું પાવર હોય?':દીકરી પર હુમલો થતાં બોમ્બે HCના ગુજરાતી મૂળના રિટાયર્ડ જજની લાચારી, દાઉદી વોરા ધર્મગુરૂ અંગે ચુકાદો આપ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment