Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે અમારી પાસે શું પાવર હોય?':દીકરી પર હુમલો થતાં બોમ્બે HCના ગુજરાતી મૂળના રિટાયર્ડ જજની લાચારી, દાઉદી વોરા ધર્મગુરૂ અંગે ચુકાદો આપ્યો હતો

    1 day ago

    વિચારો કે આ કેવું રિટાયરમેન્ટ છે? રિટાયરમેન્ટ બાદ અમે બધા પણ સામાન્ય નાગરિક બની જઇએ છીએ. હવે અમારી પાસે શું પાવર હોય? અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રિટાયરમેન્ટનો મતલબ આ હશે. બોમ્બે હાઇકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલના આ શબ્દોમાં એક પિતાની વેદના અને ન્યાયતંત્રની સુરક્ષા સામે ઊભો થયેલો મોટો સવાલ છૂપાયેલો છે. ગુજરાતી મૂળના જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને છેલ્લા 10 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. હદ તો ત્યારે થઇ જ્યારે લંડનમાં રહેતી તેમની પુત્રી પર હુમલો થયો. આની પાછળનું કારણ બીજું કંઇ નહીં પણ વર્ષ 2024માં દાઉદી વોરા સમાજના ધર્મગુરુના ઉત્તરાધિકાર અંગે તેમણે આપેલો એક ચુકાદો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રિટાયર્ડ જસ્ટિસે પોતાની વ્યથા ઠાલવતા લંડનથી લઇને મુંબઇ સુધી તેમની સાથે બનેલી ઘટનાઓનો ખુલાસો કર્યો છે અને ભારત-યુકે બન્ને દેશની એજન્સીઓ સમક્ષ ન્યાયની માગ કરી છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલ કોણ છે? તેમણે 1987થી 2013 સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી. જૂન, 2013માં તેઓ બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા હતા. તેમણે સિવિલ કેસ અને ઇન્ટરનેશનલ લો સિવાય અન્ય કોઇ કેસની પ્રેક્ટિસ નથી કરી. પિતા સિવિલ એન્જિનિયર, દાદા ICS અધિકારી તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. દાદા નડિયાદના વતની હતા અને ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ) અધિકારી હતા. તેમનું પોસ્ટિંગ બદલાતું રહેતું હતું. 2 ટર્મ સુધી તેઓ બોમ્બેના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમના પરિવારમાંથી કાયદા ક્ષેત્રે કોઇ સંકળાયેલું નથી. કેસ અને ચુકાદો શું હતો? જસ્ટિસ ગૌતમ પટેલે વર્ષ 2024માં દાઉદી વોરા સમાજના ઉત્તરાધિકારના વિવાદ અંગે ચુકાદો આપ્યો હતો. જેમાં તેમણે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વોરા સમુદાયના કાયદેસરના 53મા દાઇ-અલ-મુતલક (ધર્મગુરૂ) જાહેર કર્યા હતા. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના સાવકા ભાઇ ખુઝૈમા કુતુબુદ્દીન અને બાદમાં તેમના પુત્ર તાહિર ફખરુદ્દીન તરફથી આ કેસ કોર્ટમાં દાખલ કરાયો હતો. આ ચુકાદા પછી રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલની લંડનમાં રહેતી પુત્રી પર હુમલો થયો હતો. સાથે જ જસ્ટિસ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. આ અંગે લંડનમાં અને મુંબઇમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કેસના 12 હજારથી વધુ ડોક્યુમેન્ટ્સ હતા કેસ અંગે વાત કરતાં રિટાયર્ડ જસ્ટિસ ગૌતમ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મેં પચ્ચીસેક વર્ષ વકીલાત કરી છે. એ પછી 2013 માં જજશિપની ઓફર આવી. મેં હા પાડી. 2024 સુધી હું બોમ્બે હાઇકોર્ટમાં જજ હતો. 2014 થી 2024 એમ 10 વર્ષ સુધી આ કેસ મારી પાસે હતો. દાઉદી વોરા કોમ્યુનિટીમાં સક્સેસન અંગેનો સિમ્પલ કેસ છે. ‘એમના રિવાજ અને પ્રિન્સિપાલ અનુસાર એમના લીડર કોણ બની શકે? તેનો કેસ હતો. 200 થી 250 કલાકના ઓરલ એવિડેન્સ, 12 થી 13 હજાર ડોક્યુમેન્ટ્સ હતા. ઘણી દલીલો થઇ. 23 એપ્રિલ, 2024ના રોજ મેં વાદી વિરૂદ્ધ નિર્ણય આપ્યો હતો. જેની સામે તેમણે અપીલ કરી છે. એ અપીલ અત્યારે હાઇકોર્ટે એડમિટ કરી છે, પેન્ડિંગ છે. મેં મારું કામ કરી નાખ્યું. હવે તે કેસ સાથે મારે કોઇ લેવાદેવા નથી. મારી ફરજ પૂરી કરી.’ યૂટ્યુબ પર માફી માગવાનું કહેવાયું લંડનમાં તેમની પુત્રી સાથે બનેલી ઘટના અંગે વાત કરતાં તેઓ કહે છે કે, 2024 પછી કંઇ ન થયું. મારી દીકરી યુકેમાં લંડન નજીક રહે છે. ઓગસ્ટ, 2025માં એના ઘરમાં કોઇએ ઘૂસવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા. એમને બહાર કાઢવામાં આવ્યા. અમને ત્યારે કોઇ વિચાર ન આવ્યો. 3 સપ્ટેમ્બરે મારી દીકરી અને જમાઇને પોસ્ટમાં બે કવર મળ્યાં હતા. જેમાં બે પાનાંનો પત્ર અને 2 એસડી કાર્ડ હતા. જેમાં લખ્યું હતું કે વી આર પાવરફૂલ ગીલ્ડ ઓફ દાઉદી વોરા કોમ્યુનિટી મેમ્બર્સ. અપીલ મેં જો હોગા વો હોગા. મગર આપ યૂટ્યુબ પે જાઇએ ઓર કહીએ કે મેને જો જજમેન્ટ દિયા થા વો ગલત હૈ. વો પ્રતિવાદી કે ઇશારે પે કીયા. એપ્રિલમાં પુત્રી પર હુમલો થયો આના 2 દિવસ પછી આવો જ પત્ર તેમને મુંબઇમાં મળ્યો હતો અને એપ્રિલ મહિનામાં લંડનમાં તેમની પુત્રી પર હુમલો થયો હતો. તેમણે જણાવ્યું કે, 2 દિવસ બાદ આવો જ લેટર મને મુંબઇમાં મળ્યો. મે ગામદેવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી. સપ્ટેમ્બરમાં પોલીસ પ્રોટેક્શન હતું. એમાં કંઇ ન થયું. એપ્રિલમાં મારી દીકરી સ્કૂલમાં બાળકોને મૂકવા ગઇ હતી. પરત આવતા એમના ઘરથી થોડે જ દૂર હતી ત્યારે એક અજાણ્યા માણસે એને પાછળથી પકડી લીધી. એ પાછળ ફરી તો વારંવાર એના નાક પર હુમલો કર્યો. જેના કારણે દીકરીના નાકનું હાડકું ભાંગી ગયું. ઘણું લોહી નીકળ્યું. આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. ફરીથી ધમકી ભરેલો પત્ર મળ્યો દીકરી પર હુમલો થતાં ગૌતમ પટેલ અને પરિવાર લંડન પહોંચ્યો હતો. જ્યાં 5 જૂને તેમને ફરીથી ધમકીભરેલો પત્ર મળ્યો. તેઓ કહે છે કે, અમે કનેક્શન જોડતા હતા કે આ એ જ મામલો હોવો જોઇએ. થોડા દિવસો પછી અમે પણ લંડન પહોંચ્યા. 5 જૂને એવો જ લેટર ફરી આવ્યો. જેમાં લખ્યું હતું કે, જુઓ તમે અમારી ડિમાન્ડ પૂરી નથી કરી. હવે તમે પરિણામ જોઇ લેજો. It involves cremation of you and your family members. મતલબ આ ક્લિયર ડેથ થ્રેટ છે. આ પણ અમે પોલીસને કહ્યું હતું. 'અમે જજ બનીએ ત્યારે સંવિધાન પર શપથ લઇએ છીએ. જેનું કંઇ મહત્વ હોય છે. અમે કહીએ છીએ કે વિધાઉટ ફીયર ઓર ફેવર, અફેક્શન ઓર ઇલ વિલ એ ઘણા મહત્વના શબ્દો છે. સામાન્ય વસ્તુ નથી. હું માનું છું કે એ ફક્ત હું ન્યાયમૂર્તિ કે ન્યાયાધીશ છું ત્યાં સુધી જ નહીં પણ જિંદગીભર અમારી સાથે હોય છે. હું સામાન્ય જજ હતો. બીજા પણ ઘણા જજ છે. હાઇકોર્ટમાં 900 જેટલા જજ હશે. બધા પોતાની રીતે કામ કરે છે. એમાંથી જ હું એક હતો.' મામલો હાઇ કમિશનમાં પહોંચ્યો આ ઘટના બાદ તેમની પુત્રીએ લંડન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાઇ કમિશન સાથે પણ વાત કરી છે. જસ્ટિસ પટેલ કહે છે કે, અમે માંગણી કરી છે કે બન્ને દેશોમાં આ અંગે પૂછપરછ અને કાર્યવાહી થવી જોઇએ કારણ કે ધમકી તો મને આપી છે. હું ભારતીય નાગરિક છું પરંતુ હુમલો ઇંગ્લેન્ડમાં થયો છે. બન્ને જગ્યાએ આ થયું છે. જેથી બંને દેશની એજન્સીઓએ ભેગા મળીને તપાસ કરવી જોઇએ. અહીંયાની પોલીસે શું કાર્યવાહી કરી છે એ અંગે હું તમને અત્યારે કંઇ કહી નહીં શકું. મારી દીકરીનો દોષ શું? જસ્ટિસ ગૌતમ પટેલ દીકરી પર થયેલા હુમલાની ઘટના અંગે પ્રશ્ન ઉઠાવતા તેઓ કહે છે કે, અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ. પોતાનું કામ કરીએ છીએ. મારી દીકરીનો મારા કામ સાથે કોઇ સંબંધ નથી પરંતુ હુમલો મારી દીકરી પર થાય છે. એ તો બિલકુલ માસૂમ છે. આ કેસમાં એનું શું ઇનવોલ્વમેન્ટ છે? એનો શું દોષ છે? એણે ન તો જજમેન્ટ લખ્યું છે કે ન તો એ વાંચ્યું છે. આ હુમલાને તેમણે જ્યુડિશરી પરનો હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું, પહેલીવાર હુમલો થયો ત્યારે કોઇ આઇડિયા જ નહોતો કે આની પાછળ કોણ છે? કેમ આવું કરે છે? શું જોઇએ છે? મને કંઇ જ ખબર નથી. મને એમાં કોઇ રસ પણ નથી. આ બંધ કરો. આ ફક્ત મારી ઉપર નહીં પણ આખી જ્યુડિશરી પર હુમલો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જાણ કરી આખા મામલે તેમણે બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ વાત કરી છે. તેઓ કહે છે કે, હું હાઇકોર્ટનો જજ હતો. મારી ફરજમાં આવે છે કે એક્ટિંગ ચીફ જસ્ટિસ બોમ્બે હાઇકોર્ટ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આનાથી વાકેફ કરું.મારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય લોકો સાથે વાત થઇ છે પણ એ વિષે હું કંઇ નહીં બોલી શકું કે શું વાત થઇ છે. CJI જે કંઇ કરી શકે છે એ કરશે. મને એમના પર ભરોસો છે. એ પણ અમારી સિસ્ટમના છે, જ્યુડિશરીના હેડ છે અને એમની પાસે પાવર છે. વ્યથા ઠાલવતાં તેમણે કહ્યું કે, રિટાયરમેન્ટ બાદ અમે બધા પણ સામાન્ય નાગરિક બની જઇએ છીએ. હવે અમારી પાસે શું પાવર હોય? અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રિટાયરમેન્ટનો મતલબ આ હશે. વિચારો કે આ કેવું રિટાયરમેન્ટ છે? 'આવું થશે તો કોણ જજ બનશે?' તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે જો આવું જ ચાલશે તો કોણ જજ બનશે? આ ક્યાં સુધી ચાલશે? મારી વાત તો છોડો. મારા પર હુમલો થાય કે નહીં એ અલગ વાત છે પણ આ આપણા દેશ માટે, જ્યુડિશરી માટે, બધા જજ માટે આ ખરાબ છે. કોણ જજ બનશે? શું કામ બનશે? જજ હોય તો એ કેસ કેમ લેશે? એ ડર બધા જજના મનમાં પેસી જશે. હાઇકોર્ટના 800 જજ, સુપ્રીમ કોર્ટના 23 જેટલા જજ છે. હજારો ડિસ્ટ્રિક્ટ જજ છે. એમનું શું? એમની પાસે પણ કઠિન કેસ આવે છે, સેન્સિટિવ કેસ આવે છે. આરોપીઓની પકડવાની માંગ કરતાં તેઓ કહે છે કે, આ ફક્ત મારી વાત નથી. આ ઘણી મોટી વાત છે. આની પાછળ જે પણ લોકો છે એ પકડાવા જ જોઇએ અને સંદેશ જવો જોઇએ કે આ નહીં ચાલે. હિન્દુસ્તાનમાં જ્યાં સુધી સંવિધાન છે ત્યાં સુધી આ બધું નહીં ચાલે. ભારત અને યુકેની સુરક્ષા એજન્સીઓ આ મામલે કેવા કડક પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    'સિંહો માટે ઇન્દિરા ગાંધીએ ડેમનો પ્રોજેક્ટ રદ કરાવ્યો હતો':રાજભા ગઢવી મામલે નિવૃત્ત વન અધિકારી લાલઘૂમ, કહ્યું- આમ ને આમ ગીર ખતમ થઇ જશે
    Next Article
    ખેડુતવાસમાં પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા સાથે શખ્સ ઝડપાયો:67 હજારનો જથ્થો જપ્ત, દારૂ સપ્લાય કરનાર સહિત બે સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment