Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂતિયા ડિમોલિશનની ચંડાળ ચોકડી સામે એક્શન ક્યારે?:સુરતમાં કોંગ્રેસના ધરણામાં મહિલાને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાઈ, દીકરીએ કહ્યું- હાર્ટ પેશન્ટ છે કંઈ થયુ તો અહીં જ દફનાવીશું

    1 week ago

    સુરતના રાંદેર રોડ પર આવેલા નાસીરનગર ખાતે થયેલા વિવાદાસ્પદ 'ભૂતિયા ડિમોલેશન'ને આજે પૂરા 14 દિવસ થઈ ગયા છે. આટલું જ નહીં, આ ગંભીર પ્રકરણની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ તપાસ કમિટી બનાવ્યાને પણ 70 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી આ ગંભીર ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના મામલે જવાબદાર ચાર મુખ્ય અધિકારીઓ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર જયાંક જીવન રામજીવાલા (રામજી), રોડ વિભાગના સુજલ પ્રજાપતિ (સેજ), SOGના DCP રાજદિપસિંહ નકુમ અને PI અતુલ સોનારા સામે કોઈ જ કડક પગલાં લેવાયા નથી. બીજી બાજુ, આ કાળઝાળ ગરમીમાં 100 જેટલા નિર્દોષ પરિવારોના લોકો પોતાના ઘર તૂટી જતાં ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર બન્યા છે. કમિશનર એમ. નાગરાજન કહી રહ્યા છે કે ડિમોલિશન પાલિકાએ કર્યું નથી, તો સવાલ એ થાય છે કે તમામ પુરાવા હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં તંત્રના હાથ કેમ ધ્રુજી રહ્યા છે? આ બધા વચ્ચે ગઇકાલે સુરત કોર્પોરેશનમાં મીડિયા સાથે ગેરવર્તણુક કરનાર લાલગેટના PSI એસ.એ.અસારીની ટ્રાફિકમાં બદલી કરી દેવાઈ છે. સાથે જ મીડિયા સાથે ઝપાઝપી કરનાર 5 માર્શલની પણ બદલી કરી દેવાઈ છે. ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્રની આ શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે, ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસે પણ પીડિતોને ન્યાય અપાવવા માટે મેદાને આવી પ્રતીક ધરણા શરૂ કર્યા છે. જેને પગલે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન સામે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કાર્યપાલક ઇજનેર જયાંક જીવન રામજીવાલા (રામજી) રહસ્યમય રજા પર નાસીરનગરમાં જે સમયે જેસીબી મશીનો ગરીબોના ઘર તોડી રહ્યા હતા, તે સમયે ત્યાં સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક એન્જિનિયર જયાંક જીવન રામજીવાલા પોતે હાજર હતા. આ ઘટના બાદ વિવાદ વકરતાં જ તેઓ ગમે તે કારણોસર અચાનક રહસ્યમય રીતે લાંબી રજા પર ઉતરી ગયા છે. તેમણે 30 મેના રોજ ડિમોલિશન બાદ મીડિયા સમક્ષ એવું સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે, મનપા દ્વારા કોઈ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓ અને વીડિયો ફૂટેજ સાક્ષી પૂરે છે કે તેઓ ત્યાં હાજર હતા અને તેમની નજર સામે જ મશીનો ઘર તોડી રહ્યા હતા. જો મનપાએ સત્તાવાર ઓર્ડર કર્યો ન હતો, તો રામજીવાલા ત્યાં કયા હેતુથી ઊભા હતા અને તેમણે ગેરકાયદેસર થઈ રહેલા ડિમોલિશનને અટકાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? આ મૌન જ તેમની સંડોવણી તરફ સીધો ઈશારો કરે છે. રોડ વિભાગના સુજલ પ્રજાપતિ (સેજ) અચાનક અંડરગ્રાઉન્ડ મનપાના અન્ય એક જવાબદાર અધિકારી અને રોડ વિભાગના એન્જિનિયર સુજલ પ્રજાપતિ (સેજ) પણ ઘટનાસ્થળે શંકાસ્પદ રીતે હાજર મળી આવ્યા હતા. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ કામગીરી સેન્ટ્રલ ઝોનની હતી, તો રોડ વિભાગમાં ફરજ બજાવતા સુજલ પ્રજાપતિ ત્યાં ડિમોલેશનની કાર્યવાહીમાં શું કરી રહ્યા હતા? તેઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટપણે ઘટનાસ્થળે સક્રિય દેખાઈ રહ્યા છે. આમ છતાં તેમની સામે આજદિન સુધી કોઈ ખાતાકીય પગલાં લેવાયા નથી. આ વિવાદ બાદ તેઓ છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે 'અંડરગ્રાઉન્ડ' થઈ ગયા છે. તેઓ પોતાની ઓફિસમાં આવતા નથી અને જો ક્યારેક ભૂલેચૂકે આવે તો પણ ક્યારે નીકળી જાય છે તેની કોઈને ખબર પડતી નથી, જે દર્શાવે છે કે પાલિકાના આ ભ્રષ્ટ બાબુઓ કાયદાના સકંજાથી બચવા ભાગી રહ્યા છે. DCP નકુમ અને PI સોનારા કેમ વહેલા પહોંચ્યા? આ સમગ્ર પ્રકરણમાં માત્ર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની જ લૂલી ભૂમિકા નથી, પરંતુ સુરત પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક રાંદેર પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ પહોંચે તે પહેલાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના DCP રાજદિપસિંહ નકુમ સ્થાનિક પોલીસ કરતાં પણ વહેલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસઓજીના જ આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘટનાના એક દિવસ પહેલાં જ એક વોટ્સએપ ગ્રુપમાં સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે, કાલે નાસીરનગરમાં ડિમોલિશનની કાર્યવાહી થવાની છે. એસઓજીના પીઆઇ અતુલ સોનારા પણ ડીસીપી નકુમ સાથે ત્યાં અંગત રસ ધરાવતા હોય તેમ હાજર હતા. આ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ સત્તાવાર ઓર્ડર વિના ડિમોલિશનના સ્થળે કેમ હાજર હતા અને કોના ઈશારે ગરીબોના આશિયાના છીનવવામાં મદદ કરી રહ્યા હતા, તેની નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે. જમીન દસ્તાવેજોમાં મોટું કૌભાંડ, જગ્યા ખુલ્લી હતી તો તંત્ર કેમ ગયું? આ ભૂતિયા ડિમોલિશન પાછળ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું મોટું આયોજનબદ્ધ કૌભાંડ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મળતી માહિતી અને સત્તાવાર દસ્તાવેજો મુજબ, જે જગ્યા પર ડિમોલિશન થયું તે આસપાસની કુલ 13,234 ચોરસ મીટર જગ્યા માટે પૂર્વ કમિશનર વતી સપ્ટેમ્બર-2015માં જ મૂળ જમીનમાલિકના નામે વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો છે. આ સરકારી દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જગ્યા સંપૂર્ણપણે 'ખુલ્લી' છે. વધુમાં, સિટી સર્વે વોર્ડ-7 નોંધ નંબર-1267/1થી નોંધાયેલી 4187.25 ચો.મી. જગ્યા અને 1267/2થી નોંધાયેલી 4551.45 ચો.મી. ક્ષેત્રફળની જગ્યાનો વેચાણ દસ્તાવેજ નવેમ્બર-2025ના રોજ થયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો સરકારી ચોપડે આ જગ્યા વર્ષોથી ખુલ્લી જ હતી, તો પછી પાલિકાના અધિકારીઓ ત્યાં કયું 'ડિમાર્કેશન' કરવા કે કયો 'રોડ ખુલ્લો' કરવા ગયા હતા? આ દસ્તાવેજો જ સાબિત કરે છે કે ત્યાં વસેલા ગરીબોને હટાવવા માટે તંત્રએ ખોટું બહાનું બનાવ્યું હતું. અધિકારીઓના વિરોધાભાસી નિવેદનોથી પાલિકાની ભ્રષ્ટ નીતિ ઉઘાડી પડી આ મામલે પાલિકાના ઉચ્ચ વડાઓ પોતાની ચામડી બચાવવા માટે રોજ નવા અને વિરોધાભાસી નિવેદનો આપી રહ્યા છે, જેનાથી શંકા વધુ ઘેરી બની છે. 9 જૂનના રોજ કમિશનરે તપાસ સમિતિનું ગઠન કર્યુ હોવા છતાં હજુ સુધી તેના કોઈ ઠેકાણા નથી. સેન્ટ્રલ ઝોનના વડા (ઝોનલ ચીફ) આશિષ નાયકે એક વિચિત્ર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, પાલિકાની ટીમ ત્યાં કોઈ ભૂતિયા ડિમોલિશન કરવા નહોતી ગઈ, પરંતુ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવા ગઈ હતી. જ્યારે બીજી તરફ, પગ તળે રેલો આવતા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને ગુરુવારે સાંજે ફેરવી તોળતા કહ્યું કે, કોઈ પણ ઘટના થાય તેની સાચી વાસ્તવિકતા જાણવા તપાસ કમિટી નીમવામાં આવી છે, રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરાશે. ઝોનલ ચીફ કહે છે કે કાર્યવાહી કાયદેસર હતી, અને કમિશનર કહે છે કે અમે ડિમોલિશન કર્યું જ નથી! આ વિરોધાભાસ જ સાબિત કરે છે કે પાલિકાની અંદર કંઈક મોટું રંધાયું છે. ઉચ્ચ સ્તરીય તપાસની ધારાસભ્ય વિનુ મોરડિયાની માગ આ ગંભીર મુદ્દો 6 જૂને સંકલન બેઠકમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની રજૂઆત સાથે ભારે ગાજ્યો હતો. ધારાસભ્ય વિનુ મોરડિયાએ ગુરુવારે ફરી એકવાર પાલિકા શાસકો સામે આકરું વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આ ડિમોલિશન મુદ્દે પાલિકાના જુદા જુદા અધિકારીઓ દ્વારા અલગ-અલગ જવાબો આપવામાં આવી રહ્યા છે, જે સીધી શંકા પ્રેરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ જણાય આવે છે કે આ ડિમોલિશન કોઈ ચોક્કસ બિલ્ડર કે ભૂમાફિયાના અંગત લાભાર્થે અથવા હિતાર્થે કરવામાં આવ્યું છે. તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. 14 દિવસ થવા છતાં જો તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ રામજી, સેજ, નકુમ અને સોનારાને છાવરવાનું બંધ નહીં કરે, તો આગામી દિવસોમાં આ મામલે મોટું જનઆંદોલન છેડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગરીબોના આશિયાના ઉજ્જડ, બિલ્ડરના પ્રોજેક્ટને ‘અભયદાન’ નાસીરનગર ભૂતિયા ડિમોલિશનના ગ્રાઉન્ડ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રવાસી બિલ્ડરો દ્વારા અહીં ત્રણ મોટા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે, જેમાં સ્થાનિક તંત્રની બેધારી નીતિ છતી થઈ છે. આ ત્રણ પ્રોજેક્ટ્સ પૈકીના એક, 'પાલિયા એલીગન્સ' બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ આજે પણ કોઈપણ રોકટોક વગર ધમધમી રહ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય જનતા માટે કાયદાનો કોરડો વીંઝતું તંત્ર આટલા મોટા ગેરકાયદેસર બાંધકામો સામે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? માત્ર ત્રણ મીટરના અંતરે ડિમોલિશન આ સમગ્ર ડિમોલેશન પાછળનો અસલી ખેલ હવે સામે આવ્યો છે. 'પાલિયા એલીગન્સ' બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનથી માત્ર ત્રણ મીટરના નજીવા અંતરે આવેલા તમામ ગરીબ પરિવારોના મકાનોને નિર્દયતાથી તોડી પાડવામાં આવ્યા છે. આ ગરીબોના આશિયાના છીનવી લેવા પાછળનો મુખ્ય હેતુ બિલ્ડરના પ્રોજેક્ટ માટે ભવ્ય મેન ગેટ અને પહોળો રસ્તો બનાવવાનો હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગથી માત્ર બેથી ત્રણ મીટર દૂર આવેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા સ્થાનિક પીડિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાસીરનગરમાં કોંગ્રેસના પ્રતીક ધરણા નાસીરનગર ખાતે આજે કોંગ્રેસ પક્ષે એક વિશાળ વિરોધ પ્રદર્શન અને પ્રતીક ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગેરકાયદેસર ડિમોલિશન સંદર્ભે પીડિતોને ત્વરિત ન્યાય મળે અને આ સમગ્ર કૌભાંડ પાછળના અસલી જવાબદારોને કડક સજા થાય તે મુખ્ય માગ સાથે યોજાયેલા આ જન ન્યાય પ્રતીક ધરણામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. તુષાર ચૌધરીની આગેવાનીમાં વિરોધ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ કોંગ્રેસના સંખ્યાબંધ હોદ્દેદારો, કાર્યકરો અને નાસીરનગરના સેંકડો સ્થાનિક પીડિત રહીશો કાળઝાળ ગરમીમાં ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ખાનગી બિલ્ડરોનો હાથો બનીને ગરીબોના આશરા છીનવી રહ્યા છે. ‘નોટિસ આપ્યા વગર જબરદસ્તી ડિમોલિશન’ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જે પ્રકારનું કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જબરજસ્તીથી જે ડિમોલિશન કરવામાં આવ્યું અને ડિમોલિશન પણ સુરતના ઇતિહાસમાં પહેલ વહેલી વાર પત્રકારો દ્વારા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે 'ભૂતિયા ડિમોલિશન'. આ ભૂતિયા ડિમોલિશન કોને કહેવાય? કે જેમાં કોઈ જવાબદારી લેવા પણ તૈયાર નથી એવા લોકો દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું. ‘કોઈ જવાબદારી લેવા તૈયાર નથી’ આ જે રહીશો છે એ લોકોને કોઈ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી, એટલે સુપ્રીમ કોર્ટે જે ધારાધોરણ અપનાવ્યા છે એની પણ સતત અવગણના કરવામાં આવી છે. અને જ્યારે તમે કોઈનું પણ ડિમોલિશન કરો, સામે ચોમાસું હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે એ લોકો ક્યાં રહેશે, ક્યાં જમશે, ક્યાં ઊંઘશે એ પણ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો આ પ્રકારે અને ત્યારબાદ પણ દસ-દસ દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી. પોલીસ તંત્ર પણ એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત આપ્યો નથી. જ્યારે વીડિયોમાં અધિકારી પણ દેખાય છે અને પોલીસ ખાતાવાળા લોકો પણ દેખાય છે. તો શા માટે એ લોકોએ આ કર્યું? ‘પીડિતોને ખોટી રીતે બેઘર કર્યા’ શા માટે કાર્યપાલક ઈજનેર બીજે દિવસે રજા પર ઉતરી ગયા? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબી પૂરા પાડેલા એ અંડરગ્રાઉન્ડ થઈ ગયો? એટલે ક્યાંક ને ક્યાંક આ બિલ્ડરની સાંઠગાંઠમાં આ લોકોનો ભોગ લેવાયો છે અને આ લોકોને ખોટી રીતે બેઘર કરવામાં આવ્યા છે, એના વિરોધમાં અમે આજે અહીંયા બેઠા છીએ. ‘ગાંધીનગરથી તપાસ સમિતિ બનવી જોઇએ’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આની પૂરી તપાસ ગાંધીનગર ખાતેથી તપાસ સમિતિ નિમીને થવી જોઈએ. અને જે પણ કોઈ પોલીસ ખાતાનો જવાબદાર વ્યક્તિ હોય કે મહાનગરપાલિકાનો જવાબદાર અધિકારી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમે માંગણી કરી છે. ‘તપાસ સમિતિના સભ્યો સામે જ તપાસ ચાલે છે’ મહાનગરપાલિકાની તપાસ સમિતિ એક નાટક છે. એમાં જે તપાસ સમિતિના સભ્યો છે એની સામે જ તપાસ ચાલે છે, હવે એ લોકો નવી તપાસ શું કરવાના? તપાસ સમિતિ જ નથી, એક કાગળ પર બનાવેલી સમિતિ છે. એને એ લોકોનો કોઈ અધિકાર નથી કે એ લોકો આ સાચી તપાસ કરી શકે અને એમાં કોઈ તથ્ય બહાર આવવાનું પણ નથી. એટલા માટે જ અમે ગાંધીનગરથી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની માંગણી અમે કરી છે. મહિલાને ચક્કર આવી જતા હોસ્પિટલ ખસેડાયા નાસીરનગરમાં જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે નાસીરનગરના રહેવાસી શહેનાઝ નામના 60 વર્ષના મહિલાને ચક્કર આવી જતા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની દીકરીએ જણાવ્યું હતું કે વધારે પડતું ટેન્શન લઈ લેવાથી હોસ્પિટલ લઈ જવાયા છે. તેમને હાર્ટના પેશન્ટ છે જો તેમને કંઈ થશે અથવા તો મરી જશે તો તેમને અહીં જ દફનાવવામાં આવશે, કારણકે આ જગ્યા અમારી છે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    'પોલીસ ફરિયાદ કરશો તો આત્મહત્યા કરીને તમારું નામ લખી દઈશ':41 વર્ષની મહિલા સાથે લિવ-ઇનમાં રહેતા યુવકની હેરાનગતિથી કંટાળી માતા-પુત્રીએ અભયમની મદદ માગી
    Next Article
    પોરબંદરમાં પહેલીવાર વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ:LCBએ સાધનો, રો મટીરીયલ્સ અને દારૂ ભરેલી 38 પેટીઓ જપ્ત કરી, દારૂ બનાવવા ડેલો ભાડે લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment