Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકલન બેઠકમાં ગરમાવો:પોલીસ કમિશનર સામે ટ્રાફિક, પાણી માફિયા અને અશાંત ધારાની ફાઈલોનો ખડકલો, ધારાસભ્યો દ્વારા આક્રમક રજૂઆત

    1 day ago

    સુરત શહેરની કાયદો-વ્યવસ્થા, ટ્રાફિકની બદહાલ સ્થિતિ અને આમ જનતાને મૂંઝવતા ગંભીર મુદ્દાઓને લઈને શુક્રવારે અઠવાલાઇન્સ સ્થિત પોલીસ ભવન ખાતે એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શહેરના પાંચ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારની લોકસમસ્યાઓને લઈને પોલીસ પ્રશાસન સામે અત્યંત તીખી રજૂઆતો કરી હતી. બેઠકમાં મુખ્યત્વે શહેરમાં વણસેલી ટ્રાફિક વ્યવસ્થા, રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ, સક્રિય બનેલા પાણી માફિયા અને અશાંત ધારા કાયદા હેઠળ મહિનાઓથી વિલંબમાં પડેલી ફાઈલોનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જનતાની પરેશાનીઓનો ઉકેલ પ્રાથમિકતાના ધોરણે આવવો જોઈએ. હજીરા-ઈચ્છાપોર હાઈ-વે પર મોતનું પાર્કિંગ અને કેનાલમાંથી પાણી ચોરીનો મુદ્દો ગાજ્યો ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈએ બેઠક દરમિયાન હજીરા, ઈચ્છાપોર અને ભેસાણ રોડની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે પોલીસ કમિશનરને જણાવ્યું કે રાત્રિના સમયે આ મુખ્ય માર્ગોની સાઈડમાં ભારે વાહનો (ટ્રક અને ટ્રેલર) ગેરકાયદેસર અને આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. આ બેદરકારીના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ધારાસભ્ય દેસાઈએ આવા વાહનચાલકો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે સરકારી નહેર (કેનાલ)ની સાઈડમાં ગેરકાયદે ખોદકામ કરી બોરિંગ બનાવી લાખો લીટર પાણીની ચોરી કરતા ટેન્કર માફિયાઓ સામે પણ કડક ઝુંબેશ ચલાવવા આગ્રહ કર્યો હતો. પોલીસ સ્ટેશનોમાં 6-8 મહિનાથી પેન્ડિંગ ફાઈલો પર અરવિંદ રાણાના આકરા સવાલ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ બેઠકમાં અશાંત ધારા કાયદાના અમલીકરણમાં થઈ રહેલા વહીવટી વિલંબ અને ઢીલી નીતિ પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોલીસ કમિશનર સમક્ષ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હિન્દુ વિસ્તારોમાં મિલકતોની ખરીદી અને ટ્રાન્સફર માટે કરવામાં આવેલી અસંખ્ય અરજીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ધૂળ ખાઈ રહી છે. પોલીસ તપાસ અને વેરિફિકેશનના નામે આ ફાઈલોને કારણ વગર પેન્ડિંગ રાખવામાં આવે છે, જેનાથી સામાન્ય જનતાને ભારે આર્થિક અને માનસિક પરેશાની ભોગવવી પડે છે. ધારાસભ્ય રાણાએ આ તમામ પેન્ડિંગ અરજીઓનો સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા પોલીસ પ્રશાસનને આદેશ આપવા રજૂઆત કરી હતી. કાંતિ બલર અને વિનુ મોરડિયાએ વ્યક્ત કરી નારાજગી શહેરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ અને સવારના સમયે સ્થાનિક લોકોને થતી હાલાકી અંગે ધારાસભ્ય કાંતિ બલર અને વિનુ મોરડિયાએ સંયુક્ત રીતે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પોલીસ કમિશનરને માહિતગાર કર્યા કે વહેલી સવારે રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતી લક્ઝરી બસોના ચાલકો નિયમોને નેવે મૂકીને કાન ફાડી નાખે તેવા 'પ્રેશર હોર્ન' વગાડે છે. આ અસહ્ય અવાજને કારણે સ્થાનિક રહીશો, ખાસ કરીને વડીલો, બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોની ઊંઘ બગડે છે અને તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. બંને ધારાસભ્યોએ માંગ કરી છે કે વહેલી સવારે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવે અને આવા બસ ચાલકો સામે દંડાત્મક પગલાં લેવાય. સાથે જ ચાર રસ્તા અને ત્રણ રસ્તા પરના ટ્રાફિક જામના કાયમી ઉકેલની પણ માંગ કરી હતી. ઉધનાના ટ્રાફિક અને પાંડેસરાના ગેરકાયદે બોરિંગ સામે કાર્યવાહીનું સૂચન ઉધના વિસ્તારમાં દિવસેનદિવસે જટિલ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈને ધારાસભ્ય મનુ પટેલ બેઠકમાં ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ઉધનાના મુખ્ય સર્કલ અને ચાર રસ્તા પર લાગતા કલાકો લાંબા જામ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ધારાસભ્ય પટેલે પાંડેસરા જીઆઈડીસી (ઔદ્યોગિક વિસ્તાર)નો એક મોટો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, ત્યાંની ઔદ્યોગિક એકમોમાં બોરિંગ દ્વારા ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ ખેંચીને ટેન્કરો મારફતે મોટા પાયે સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે વેપારથી ગ્રાઉન્ડ વોટર લેવલ નીચે જઈ રહ્યું છે. તેમણે પોલીસ અને વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચન આપ્યું કે આ પાણી માફિયાઓ સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરી આ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે. જનસમસ્યાઓના નિવારણ માટે ટૂંક સમયમાં શરૂ થશે વિશેષ ઝુંબેશ ધારાસભ્યોની આ તીખી અને તથ્યો સાથેની રજૂઆતો સાંભળ્યા બાદ પોલીસ કમિશનરે બેઠકમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓને અત્યંત ગંભીરતાથી લીધા હતા. તેમણે ઉપસ્થિત તમામ ધારાસભ્યોને ખાતરી આપી હતી કે પોલીસ વિભાગ જનતાની સુરક્ષા અને સુવિધા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. કમિશનરે સ્થળ પર જ હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા કે, હાઈ-વે પર ગેરકાયદે પાર્કિંગ કરતા ભારે વાહનોને ક્રેનની મદદથી તાત્કાલિક હટાવવામાં આવે. આ ઉપરાંત અશાંત ધારાના પેન્ડિંગ કેસોની સમીક્ષા કરી તેનો ઝડપી નિકાલ કરવા, વહેલી સવારે લક્ઝરી બસોના પ્રેશર હોર્ન સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજવા અને ઉધના-પાંડેસરા વિસ્તારમાં પાણી માફિયા તથા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને ત્વરિત એક્શન પ્લાન બનાવવા આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત પાલિકામાં હવે ખુરશીની નવી લડાઈ:મેયર પદ ગુમાવનારા કોર્પોરેટરો હવે 12 સમિતિઓ કબજે કરવા ગોડફાધરોના શરણે
    Next Article
    રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સફર:ઈ વેસ્ટ જાગૃતિના સંદેશ સાથે 2 બાઇકર્સનું સાહસ, 18 હજાર કિલોમીટરની 18 દેશની યાત્રાનો શનિવારથી પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment