Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:જા, ચબરખી સત્યની લઈને જીવનને શોધજે, સ્વપ્નનાં થોથાપણાથી આંખને પજવીશ ના!

    1 week ago

    પોરબંદરની પ્રાથમિક શાળા. થાનકી સર કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા, એક વર્ગખંડમાંથી અવાજ સંભળાયો: ‘મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું.’ એ વાતમાં શંકા નહીં કે ગાનારનો અવાજ સૂરીલો હતો, ભલે એમાં એક બાળસહજ કોમળતા હતી, પૌરૂષી ઘાંટી હજી ફૂટી ન હતી, પણ ગાનાર છોકરો રાગમાં ગાઈ રહ્યો હતો. એ વાતમાં પણ દલીલને અવકાશ ન હતો કે ખોટા સમયે આ ગરબો ગવાઈ રહ્યો હતો, કારણ કે નવરાત્રિનો તહેવાર નજીકમાં હતો. પણ જો વાંધો હોય તો એ એક જ બાબતનો હતો: ‘અત્યારે શાળાના સમયે, ચાલુ ક્લાસે કોઈ છોકરો મોટા અવાજે ગરબો ગાતો હતો?’ થાનકી સાહેબ બરડાઈ બ્રાહ્મણ. શિક્ષક તરીકે ઉત્તમ પણ શિસ્તના ગજબના આગ્રહી પણ ખરા. એમણે વર્ગખંડના બારણા પાસે જઈને અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે ડોકિયું કર્યું. જે દ્રશ્ય જોવા મળ્યું એ તો વધારે આઘાત આપનારું હતું. પાંચમા ધોરણમાં ભણતો રણમલ નામનો છોકરો વર્ગખંડના આગળના ખુલ્લા લંબચોરસ ભાગમાં નાના વર્તુળમાં રીતસર ગરબે ઘૂમી રહ્યો હતો. ગાનાર પણ એ જ, ઘૂમનાર પણ એ જ અને જોનાર? જોનાર વર્ગના તમામ વિદ્યાર્થીઓ. શિક્ષક ગેરહાજર હતા. કદાચ રજા ઉપર હશે અથવા આવવા માટે મોડા પડ્યા હશે. રણમલે શિક્ષકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને એનું ‘સોલો પરફોર્મન્સ’ ચાલુ કરી દીધું હતું. ગુરુ ગયા ગોકળ અને પાછળ બધું મોકળ! થાનકી સાહેબનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. વર્ગખંડમાં દાખલ થઈને તેમણે રણમલનો કાન પકડ્યો. ડાબા હાથ વડે કાન પકડ્યો, આમળ્યો અને પછી જમણા હાથ વડે રણમલના ભરાવદાર ગાલ ઉપર એક તમાચો મારી દીધો. સાથે શાબ્દિક ઠપકો પણ આપ્યો, ‘શાળામાં ભણવા આવે છે કે ગરબા કરવા? તું તો બગડેલો છે જ પણ બીજા વિદ્યાર્થીઓને પણ બગાડી રહ્યો છે. કોણ છે તારા ક્લાસટીચર? મારે એમની પાસે તારી ફરિયાદ કરવી પડશે.’ રણમલ પોરબંદર પંથકની ખમીરવંતી, સ્વમાની, લડાયક કોમનો દીકરો હતો. પાતળા, સોટી જેવા દેહ ઉપર રતુંબડા ગાલ ધરાવતો ઘાટીલો ચહેરો હતો, પાણીદાર આંખો હતી જે સમય આવ્યે આગ પણ વરસાવી શકતી હતી. એકવડિયા શરીરના રૂંવે-રૂંવેથી શક્તિની ધારાઓ ફૂટતી હતી. આખી શાળામાં એક પણ વિદ્યાર્થી એની સામે બાખડી બાંધવાની હિંમત ધરાવતો ન હતો. જે શિક્ષકોને એ વાતની ખબર હતી કે રણમલની જ્ઞાતિ કઈ છે, એનો સમાજ કયો છે અને એના લોહીમાં વહેતાં વટ, વચન અને વેર કેવાં તીવ્ર છે એ શિક્ષકો ક્યારેય એને ઠપકો આપવાની ચેષ્ટા પણ કરતા ન હતા. બાપડા થાનકી સાહેબ એવી ચેષ્ટા નહીં પણ ઘટના આચરી બેઠા. રણમલના ગાલ પર તમાચો મારી બેઠા. તે ક્ષણે તો રણમલ ચૂપ રહ્યો, સમસમીને પાટલી પર બેસી ગયો પણ મનમાં એણે નક્કી કરી લીધું, ‘ઘરે જઈને બાપુને વાત કરું, પછી બીજા દિવસનો સૂરજ આથમતાં પહેલાં મારા બાપુ આ માસ્તરના શરીરના કટકા ન કરી નાંખે તો હું મારી માના પેટનો નહીં.’ એકાદ કલાકમાં આખી શાળામાં વાત ફેલાઈ ગઈ. બીજા શિક્ષકોને ખબર પડી. બધાંએ એક જ સલાહ આપી, ‘હેડમાસ્તરને કહીને પોલીસ પ્રોટેક્શન માંગો. શક્ય હોય તો બીજા ગામ કે શહેરમાં બદલી કરાવી નાંખો. ત્યાં સુધી શાળામાં ન આવશો. જેટલી હક્ક-રજાઓ ભેગી થઈ હોય તે બધી એકસામટી વાપરી નાખો.’ બીજા દિવસે આમાંનું કશું જ ન બન્યું. રણમલ જાણે કંઈ ન બન્યું હોય તેમ શાળામાં આવ્યો, ક્લાસરૂમમાં બેઠો, પૂરી એકાગ્રતાથી ભણ્યો અને શાળાનો સમય પૂરો થયો ત્યારે ઘરે ચાલ્યો ગયો. થાનકી સાહેબે પણ ન રજા મૂકી, ન ટ્રાન્સફર માટે અરજી કરી. મામલો એવી રીતે દટાઈ ગયો જાણે ઘટના બની જ ન હોય! પૂરાં પંદર વર્ષ પસાર થઈ ગયાં. રણમલ શાળાનું શિક્ષણ પૂરું કરીને હાઈસ્કૂલમાં ભણવા માટે ચાલ્યો ગયો. પછી એ ક્યાં ગયો, એનું શું થયું એ વિષે થાનકી સાહેબને ક્યારેય કંઈ જાણવા ન મળ્યું. પંદર વર્ષના અંતરાલ બાદ થાનકી સાહેબ પણ જુવાન નહોતા રહ્યા. શરીર ઢીલું પડ્યું હતું, સ્નાયુઓ શિથિલ થયા હતા, ઘરેથી શાળાએ જતી વખતે સાઈકલ પર બેસતા ત્યારે હેન્ડલ ધ્રૂજતું હતું. એવામાં એક દિવસ સામેથી આવતી મોટરબાઈક એક ટ્રકને ઓવરટેક કરવાના પ્રયાસમાં થાનકી સાહેબની સાઈકલની બરાબર સામે આવી ગઈ. બાઈકસવારનું અનુમાન ખોટું પડ્યું, થાનકી સાહેબનો કાબૂ કમજોર સાબિત થયો, એક જોરદાર અકસ્માત સર્જાઈ ગયો. બાઈકને કંઈ નુકસાન ન થયું, સાઈકલ દૂર ફેંકાઈ ગઈ. બાઈકસવારને કંઈ ન થયું, શિક્ષક દૂર ઉછળી પડ્યા. જમણા હાથ ઉપર વજન આવી ગયું, હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. થાનકી સાહેબ ઊભા થવા ગયા, ન થઈ શકાયું. રસ્તેથી પસાર થતા મોટા ભાગના માણસો એમને ઓળખતા હતા. સાહેબને ઘોડાગાડીમાં સુવડાવીને હોસ્પિટલ ભેગા કર્યા, ઘરે જાણ કરી. પરિવારજનો દોડી આવ્યા. (ઘોડાગાડી એટલા માટે કે આ ઘટના આશરે પચાસ વર્ષ પહેલાંની છે. રણમલને તમાચો મારવાની ઘટના આજથી લગભગ પાંસઠ વર્ષ પહેલાંની.) સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ન હતા. મેડિકલ ઓફિસરે સલાહ આપી, ‘પેશન્ટના હાથ પર ઓપરેશન કરવું પડશે. બહુ ખરાબ ઇજા થઈ છે. ઓપરેશન અહીં નહીં થઈ શકે. પેશન્ટને જામનગરની ઈરવિન હોસ્પિટલમાં લઈ જાઓ.’ થાનકી સાહેબ અસહ્ય દુખાવા સાથે વાહનમાં સૂતાં-સૂતાં ઈરવિનમાં પહોંચ્યા. તે જમાનામાં પોરબંદરથી જામનગર જવા માટેનો રસ્તો અત્યંત ખરાબ હતો. સાજાં હાડકાં પણ ભાંગી જાય તેવો! એવા રસ્તા પર થઈને ભાંગેલા હાડકાંવાળા થાનકી સાહેબ જામનગર પહોંચ્યા. દીકરો કેસપેપર કઢાવી આવ્યો. ઇમર્જન્સી કેસ તરીકે નર્સે ડૉક્ટરને કોલ મોકલ્યો. થોડી વારમાં એક યુવાન, તરવરીયો, હેન્ડસમ સર્જન પેશન્ટને તપાસવા માટે હાજર થયો. શી એની પર્સનાલિટી? એના તીખા નાક-નક્શ ધરાવતા ચહેરા પર ધારદાર પાતળી, વંકાયેલી મૂછ શોભતી હતી. આવી શાનદાર મૂછ માત્ર બે કોમના પુરુષોના મોં ઉપર જ શોભે. આવતાંવેંત ડૉક્ટરે પેશન્ટનો ચહેરો જોયો, પછી પૂછ્યું, ‘કોણ? થાનકી માસ્તર તો નહીં?’ ‘હા સાહેબ, હું એ જ.’ સાહેબે કણસતા અવાજમાં જવાબ આપ્યો, ‘તમે?’ ‘હું ડૉ. રણમલ. પોરબંદર. પ્રાથમિક શાળા. પાંચમું ધોરણ.’ ડૉ. રણમલે જમણા હાથ તરફ ઈશારો કર્યો અને પૂછ્યું, ‘આ એ જ હાથ છે ને જેનાથી તમે મને તમાચો માર્યો હતો?’ સાહેબ ડરી ગયા, ‘હા સાહેબ, મારા આ જ હાથથી એ પાપ થઈ ગયું હતું. મને માફ કરી દો સાહેબ, મારો હાથ કાપી ન નાખશો, હું અપંગ થઈ જઈશ સાહેબ.’ ડૉ. રણમલે કહ્યું, ‘સાહેબ, પહેલાં તો તમે મને ‘સાહેબ’ કહેવાનું બંધ કરો. અને આ હાથનો તો મારા જીવન પર મોટો ઉપકાર છે. આ હાથે મારું જીવન બદલી નાખ્યું. તે દિવસે જો તમે મને તમાચો ન માર્યો હોત તો આજે હું સર્જન બનીને તમારી સામે ન ઊભો હોત. આ હાથને તો મારે બચાવવો જ રહ્યો.’ તપાસતાં પહેલાં દર્દીનો હાથ ચૂમતા કોઈ સર્જનને તમે જોયો છે? તે દિવસે ઈરવિન હોસ્પિટલની દીવાલોએ આવું દૃશ્ય જોયું. ડૉ. રણમલ અત્યારે વિદેશમાં છલકાતી તિજોરી અને ઊભરાતી જિંદગી સાથે નિવૃત્તિની મજા માણી રહ્યા છે. થાનકી સાહેબે થોડા દિવસો પહેલાં જ આયુષ્યના એકાણું વર્ષ પૂરાં કર્યાં. ગુરુ અને શિષ્ય આજે પણ એકબીજાને વિસર્યા નથી.- શીર્ષકપંક્તિ : સૌરભ પંડ્યા
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:શું અમેરિકામાં રહેતાં સંતાનો માતા-પિતાને સ્પોન્સર કરી શકે?
    Next Article
    ક્રાઇમ સિક્રેટ:તિહાડ જેલની સુરક્ષાને પડકાર ફેંકનારો સ્મગલર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment