Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઇમ સિક્રેટ:તિહાડ જેલની સુરક્ષાને પડકાર ફેંકનારો સ્મગલર

    1 week ago

    રાજ ભાસ્કર ડૅનિયલ કેસ - 2 અમેરિકન સ્મગલર ડૅનિયલ હેલી વોલકોટ ભારતમાં હથિયારોની સ્મગલિંગ કરતા પકડાયો અને તિહાડ જેલમાં બંધ હતો. તેનું પ્રાઇવેટ પ્લેન ‘પાઈપર અપાચે’ જપ્ત કરાયું હતું અને દિલ્હીના સફદરજંગ એરપોર્ટમાં પડ્યું હતું, પણ એણે એવી રમત રમી કે 23 સપ્ટેમ્બર, 1963ના રોજ પાંચ સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલોની નજર સામે જ પોતાનું જપ્ત થયેલું પ્લેન ઉડાડીને ફરાર થઈ ગયો. ભાગતી વખતે એણે પ્લેન તિહાડ જેલની ઈમારત પર ઉડાડ્યું અને કેદી મિત્રો માટે મોંઘીદાટ સ્વિસ ચોકલેટ, બિસ્કિટ અને વિદેશી સિગારેટનાં હજારો પેકેટોનો વરસાદ કર્યો. એ પછી એણે પોતાનું પ્લેન સીધું પાકિસ્તાન તરફ ઉડાડી મૂક્યું. પાકિસ્તાને ડૅનિયલને આશરો આપ્યો. ડૅનિયલે પ્રેસ કોન્ફરન્સમાં ભારતની ટીકા કરતા કહ્યું, ‘ભારતની લાલફીતાશાહી અને ભ્રષ્ટ તંત્રએ મને મહિનાઓ સુધી ખોટી રીતે પકડી રાખ્યો હતો, પણ મારા પ્લેનની સ્પીડ એમના કાયદા કરતાં ઘણી વધારે છે.’ આ નિવેદને આખી દુનિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓની છબી ખરડી નાખી હતી. ડૅનિયલનો જન્મ અમેરિકાના ટેક્સાસમાં થયો હતો, પણ તેને લંડનની ભવ્યતા વધુ પસંદ હતી એટલે ત્યાં પહોંચ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે અમેરિકન નેવી જોઈન્ટ કરી હતી. યુદ્ધ બાદ તે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યો અને અમીર છોકરી સાથે લગ્ન કર્યાં. પછી પોતાની એરલાઈન કંપની ‘ટ્રાન્સ એટલાન્ટિક એરવેઝ’ શરૂ કરી. આ કંપની શરણાર્થીઓને એક દેશથી બીજા દેશમાં પહોંચાડવાનું કામ કરતી હતી, પણ ધીરે ધીરે ડૅનિયલે કિંમતી જંગલી જાનવરોનું સ્મગલિંગ શરૂ કરી દીધું. 1962માં અફઘાનિસ્તાનમાં રેલવેના બાંધકામ માટે ભારત સરકાર અને એર ઇન્ડિયાને મોટા કાર્ગો પ્લેન્સની જરૂર હતી. ડૅનિયલ પાસે તેનો મોટો કાફલો હતો. એર ઇન્ડિયાએ તેને અફઘાનિસ્તાનથી ભારત સામાન પહોંચાડવાનો કોન્ટ્રેક્ટ આપ્યો. આ ડીલ માટે ડૅનિયલ દિલ્હી આવતો. દરમિયાન તેને ખબર પડી કે ભારતના કેટલાક રાજા-મહારાજાઓ હજુ પણ છૂપી રીતે વિદેશી હથિયારો અને સોનાં માટે તરસતા હતા. તેણે કાર્ગો પ્લેન્સની આડમાં હથિયારો અને સોનાંનું સ્મગલિંગ શરૂ કર્યું, પણ સપ્ટેમ્બર 1962માં અશોકા હોટલના દરોડામાં 1766 કારતૂસ સાથે તે પકડાઈ ગયો. તિહાડ જેલમાં બંધ રહ્યો અને 23 સપ્ટેમ્બર, 1963ના રોજ સફદરજંગ એરપોર્ટ પરથી પોતાનું પ્લેન લઈને લંડન ભાગી ગયો. ત્યાં ફરી પોતાનું સ્મગલિંગનું સામ્રાજ્ય જમાવ્યું. એક વર્ષ બાદ તેણે બીજું કાવતરું ઘડ્યું. 8 જૂન, 1964ના રોજ કેપ્ટન મેકલિસ્ટર સાથે મળીને ફરી પાકિસ્તાનના કરાચીથી ઉડાન ભરી. તેની પાસે નકલી પાસપોર્ટ હતો, જેમાં નામ હતું પીટર જોન ફિલ્બી. તેનો ઈરાદો મુંબઈના કિનારે પ્લેન લેન્ડ કરીને લાખોની સ્વિસ ઘડિયાળો ખપાવવાનો હતો, પણ એ મનસૂબા પર પાણી ફરી વળ્યું અને ધરપકડ થઈ. પોલીસની પૂછપરછમાં ખંધા ડૅનિયલે ખોટું બોલતા કહ્યું, ‘અમે અમૃતસરથી ઉડાન ભરી હતી, રસ્તો ભટકી ગયા અને ફ્યૂઅલ પતી ગયું એટલે લેન્ડિંગ કરવું પડ્યું.’ પછી તેમને લોકલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા. ડૅનિયલે ત્યાં પણ પોતાની જાળ બિછાવતાં કહ્યું, ‘સાહેબ, પ્લેનમાં અમારો બહુ કિંમતી સામાન છે, મહેરબાની કરીને ત્યાં પોલીસ પહેરો ગોઠવી દો જેથી કોઈ ચોરી ના થાય.’ મેજિસ્ટ્રેટ એની વાતમાં આવી ગયા અને વ્યવસ્થા કરી આપી, પણ એ જ રાત્રે બંને પ્લેનમાંથી કિંમતી સામાન લઈને ભાગી છૂટ્યા અને લંડન પણ પહોંચી ગયા. ડૅનિયલ લંડન પહોંચી ગયો, પણ તેની સાથે રહેલા પાઈલટ મેકલિસ્ટરને હવે ડર લાગવા માંડ્યો હતો. આથી એક દિવસ તે લંડનની સ્વિસ એમ્બેસીમાં પહોંચ્યો અને ધડાકો કરતા કહ્યું, ‘સાહેબ, જે માણસ પીટર જોન ફિલ્બી બનીને તમારી સાથે ફરે છે, એ અસલમાં ડૅનિયલ હેલી વોલકોટ જ છે, એ જ ઇન્ટરનેશનલ સ્મગલર જેને ભારત શોધી રહ્યું છે!’ લંડન પોલીસે ડૅનિયલની અટકાયત કરી. ભારત સરકારને સંદેશો મોકલવામાં આવ્યો. સીબીઆઈ અને ઇન્ટેલિજન્સની ટીમ લંડન દોડી. લંડનની કોર્ટમાં કેસ ચાલ્યો, પણ ડૅનિયલના વકીલોએ એવી કાયદાકીય ગૂંચ ઊભી કરી કે લંડને તેને ભારતને સોંપવાની મનાઈ કરી દીધી. ડૅનિયલ ફરીથી આઝાદ થઈ ગયો, પણ પાપનો ઘડો ક્યારેક તો ભરાય જ છે. 1967માં ડૅનિયલ શ્રીલંકાના રસ્તે મદ્રાસમાં સ્મગલિંગનો માલ ઉતારવા માટે નકલી ડોક્યુમેન્ટ સાથે ફ્લાઈટમાં બેઠો, પણ આ વખતે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સજાગ હતી. એ એરપોર્ટ પર ઉતર્યો અને ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો કે તરત જ સાદા ડ્રેસમાં ઊભેલા એક અધિકારીએ તેને પકડી લીધો. તેના પર 16 વર્ષ જૂના બળાત્કાર (અન્ય કેસના સંદર્ભમાં), સ્મગલિંગ, રડાર ઉલ્લંઘન અને નકલી પાસપોર્ટના અનેક કેસ ચાલ્યા. કોર્ટે તેને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી. 7 વર્ષ પછી તે છૂટ્યો ત્યારે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. આખરે 2000ની સાલમાં અમેરિકામાં ડ્રગ્સના એક શૂટઆઉટમાં એ માર્યો ગયો, પણ આજેય તેને તિહાડ જેલમાંથી ભાગનારા અને જેલ પર ચોકલેટ અને સિગારેટોનો વરસાદ કરનારા ગુનેગાર તરીકે લોકો યાદ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:જા, ચબરખી સત્યની લઈને જીવનને શોધજે, સ્વપ્નનાં થોથાપણાથી આંખને પજવીશ ના!
    Next Article
    આજ-કાલ:તાનાશાહી જરૂરી તો લોકશાહી માત્ર ભ્રમ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment