Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કચ્છમાં ‘ઈંધણ ઈમરજન્સી’: સામાન્ય નાગરિકો માટે ‘નો સ્ટોક’, ‘સેટિંગ’ વાળા ગ્રાહકોને રાતોરાત જથ્થો

    9 hours ago

    પશ્ચિમના દેશોમાં યુદ્ધના પગલે છેલ્લા 15 દિવસથી કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ માટે હાહાકાર મચ્યો છે. એક તરફ જનતા કલાકો સુધી લાઈનમાં ઊભી છે, અને બીજી તરફ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ ‘મગનું નામ મરી’ પાડવા તૈયાર નથી. સૌથી આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે, જ્યારે જનતા મુશ્કેલીમાં છે ત્યારે પુરવઠા વિભાગ કહી રહ્યું છે કે “આ જવાબદારી ઓઈલ કંપનીઓની છે.” શું સરકારની જવાબદારી માત્ર ટેક્સ ઉઘરાવવા પૂરતી જ મર્યાદિત છે? કચ્છમાં હાલ પેટ્રોલ પંપ સંચાલકો પોતાના ‘ખાસ’ ગ્રાહકોને સાચવવા મોડી રાત્રે જથ્થો આપે છે, જ્યારે સામાન્ય નાગરિક એક ટીપા ઇંધણ માટે ભટકે છે. ખાનગી પંપો પર ભાવવધારો અને સરકારી પંપો પર જથ્થાનો અભાવનો ભોગ જનતા બની રહી છે. લુકાના આર્થિક વ્યવહારો પર તેની માઠી અસર જોવા મળશે. ભાસ્કર ઇનસાઇડ: કન્ઝ્યુમર પંપો પર રિટેઈલ વેચાણની મનાઈ હોવા છતાં ‘સેટિંગ’થી મળે છે રાજ્યના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ હબ ગણાતા ગાંધીધામ વિસ્તારમાં પંપ સંચાલકોની મનમાની પરાકાષ્ઠાએ પહોંચી છે. યુદ્ધની અસરોને પગલે સર્જાયેલી આ સ્થિતિમાં કન્ઝ્યુમર પંપ ધારકો (મંડળીઓ) દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી રિટેઈલ વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કન્ઝ્યુમર પંપોએ માત્ર પોતાના સભ્યોને જ ઈંધણ આપવાનું હોય છે, પરંતુ અહીં સેટિંગ ધરાવતા ટ્રાન્સપોર્ટરોના વાહનોની લાંબી લાઈનો લગાવી અન્ય વાહનચાલકોના હક પર તરાપ મારવામાં આવી રહી છે. પંજાબથી આવેલા એક ટ્રકચાલકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ત્રણ દિવસથી પંપો પર રઝળપાટ કર્યા બાદ પણ ઈંધણ મળતું નથી. પંપ સંચાલકો સીધી ના પાડી દે છે, જ્યારે તેમની નજર સામે જ ઓળખાણ ધરાવતા વાહનોમાં ઈંધણ ભરી આપવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારી હાશ્મીએ આ અંગે જણાવ્યું કે, ખેડૂતોને 200 લિટર અને ટેલિકોમ કંપનીઓને 1000 લિટર સિવાય વિતરણમાં કોઈ કાપ નથી. નખત્રાણા : હાજીપીરથી કંડલા માટે પણ પૂરતું ડીઝલ નહીં તાલુકામાં મોટાભાગના પંપો પર ‘ડીઝલ નથી’ ના પાટિયા ઝૂલી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેતી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય ઠપ્પ થવાના આરે છે. નખત્રાણા કિસાન સંઘના પ્રમુખ શિવદાસ કેસરાણીએ જણાવ્યું કે, ખેડૂતો 7/12 ના ઉતારા રજૂ કરવા છતાં પૂરતો જથ્થો મળતો નથી. 20-30 લિટર ડીઝલ ભેગું કરવા માટે 4-5 પંપોના ધક્કા ખાવા પડે છે. ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ નરસિંહ વાઘેલાએ કહ્યું કે, હાજીપીરથી કંડલા સુધીના ફેરા માટે પણ પૂરતું ડીઝલ મળતું નથી. 80 જેટલી ગાડીઓમાંથી માંડ 20-25 ગાડીઓ જ અત્યારે માર્ગ પર દોડી રહી છે, જેનાથી ધંધાને મોટી અસર પહોંચી છે. પંપ માલિક હિતેશ કેસરાણીના જણાવ્યા મુજબ, હાજર સ્ટોક હોય ત્યારે ખેડૂતોને 40 લિટર અને ટ્રક ચાલકોને 120 લિટર સુધી ડીઝલ અપાય છે. અંજાર : ડીઝલ માટે 7/12ની નકલના લીધે ઘર્ષણ અંજારમાં પેટ્રોલ-ડીઝલની અછતને કારણે સ્થિતિ વિકટ બની છે. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, ઓઈલ ડેપોમાંથી પૂરતો જથ્થો ન મળતા મુશ્કેલી સર્જાઈ છે. વહીવટી તંત્રના આદેશ મુજબ, ખેડૂતોએ કેરબામાં ડીઝલ લેવા માટે 7/12ની નકલ અને ઓળખપત્ર જેવા પુરાવા રજૂ કરવા પડતા હોવાથી ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. બીજી તરફ, નાયરાના પંપો પર ભાવવધારાને કારણે સ્ટોક ન આવતા ઇન્ડિયન ઓઈલના પંપો પર ભારણ વધ્યું છે. ટ્રાન્સપોર્ટરોએ પણ ફુલ ટેન્ક કરાવવા માટે અનેક પંપોના ધક્કા ખાવા પડે છે. સામખિયાળી : ‘નો સ્ટોક’ પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ડીઝલની ભારે અછત સર્જાતા અર્થતંત્રની ‘સફેદ નસ’ ગણાતા પરિવહન, ખેતી અને મીઠાં ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે બલ્ક ગ્રાહકો હવે હાઈવે પરના રિટેલ પંપો તરફ વળ્યા છે, પરિણામે... અનુસંધાન પાનાનં. 7 ભચાઉ : ખેડૂતોને ડીઝલ માટે 25-30 કિમીના ધક્કા ચોમાસાની સીઝન પૂર્વે ખેતર ખેડવાની તૈયારીમાં વ્યસ્ત ખેડૂતો હાલ ઈંધણની અછતને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભચાઉ અને આસપાસના હાઈવે પરના પેટ્રોલ પંપો પર પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને 25 થી 30 કિમી દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ગુણાતીતપુરના ખેડૂત ધીરજભાઈ પટેલે વ્યથા ઠાલવતા જણાવ્યું કે, એક તરફ નર્મદાના પાણી બંધ થતા મુશ્કેલી વધી છે, ત્યારે બીજી તરફ ડીઝલ લેવા માટે દૂર સુદૂર ભટકવું પડે છે અને ત્યાં પણ પૂરતો જથ્થો મળતો નથી. પંપ સંચાલકો ઉપરથી જ સ્ટોક ઓછો આવતો હોવાનું જણાવી ગ્રાહકોને પરત મોકલી રહ્યા છે. વાવણીના ટાણે જ ઈંધણની આ ખેંચને કારણે ખેતીકામ ખોરંભે પડતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. મુન્દ્રા : ટ્રેલરોને માત્ર 50 લિટર જ મળે છે ડીઝલ ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં ઈંધણની તીવ્ર અછતે જગતના તાત અને ટ્રાન્સપોર્ટરોની કમર તોડી નાખી છે. મંગરા-ભોરારા વિસ્તારના ખેડૂત રામ નારાણ રામાણીએ વ્યથા ઠાલવી કે, વાવણીના ટાણે મુન્દ્રા-વોવાર વચ્ચેના પંપો પર માત્ર 10 લિટર ડીઝલ અપાય છે, જે ખેતી માટે અપૂરતું છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટર ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે કંડલાથી પૂરતો સ્ટોક ન આવતા મોટા ટ્રેલરોને માત્ર 50 લિટર ડીઝલ મળે છે, પરિણામે ચાલકોએ 4-5 પંપે ભટકવું પડે છે. સરકાર સ્ટોક હોવાનો દાવો કરે છે પણ વાસ્તવિકતા અલગ છે. ટુ-વ્હીલરોને પણ માત્ર 2 લિટર પેટ્રોલ મળતું હોવાથી જનતા ભારે યાતના ભોગવી રહી છે. માંડવી : ખેડૂતો માટે બેરલની સુવિધા બંધ માંડવી તાલુકામાં કાર્યરત અંદાજે 18 થી 20 પેટ્રોલ પંપો પર હાલ ડીઝલના સપ્લાયને લઈને આંશિક અસર જોવા મળી રહી છે. ઓઈલ કંપનીઓ તરફથી પૂરતો જથ્થો ન મળતા પંપ સંચાલકોએ ખેડૂતોને અગાઉની જેમ 200 લિટરના બેરલ ભરી આપવાનું હાલ બંધ રાખ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ખેતીકામમાં વપરાતા ટ્રેક્ટરો અને અન્ય વાહનોમાં જરૂરિયાત મુજબ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. મોટાભાગના ખેતરોમાં સિંચાઈ માટે વીજ મોટરોનો ઉપયોગ થતો હોવાથી પાકને તાત્કાલિક મોટા નુકસાનની ભીતિ નથી. બીજી તરફ, તાલુકામાં પેટ્રોલનો પુરવઠો સામાન્ય છે. લખપત : ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં તાલુકાના સાત પંપો પર ડીઝલનો મર્યાદિત જથ્થો આવતા ગંભીર કટોકટી સર્જાઈ છે. ખેડૂત નવીન પટેલે જણાવ્યું કે, ખેતીકામ માટે 200 લિટર કે તેથી વધુ ડીઝલ મેળવવા માટે હવે 7/12ના ઉતારા જેવા પુરાવા રજૂ કરવા પડે છે, જેનાથી પરેશાની વધી છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટ વ્યવસાયી જગદીશસિંહ જાડેજાએ કહ્યું કે, પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા પરિવહન ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે. ઈંધણની આ અછતને કારણે ખેતી અને ટ્રાન્સપોર્ટ બંને ઉદ્યોગોના પૈડાં થંભી જવાની ભીતિ સેવાઈ રહી છે. રાપર : ખેડૂતોના નામે ડીઝલ લઈ કાળા બજારી તાલુકામાં ડીઝલની કૃત્રિમ અછત સર્જાતા સામાન્ય વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કન્ઝ્યુમર અને મંડળીઓ મારફતે મળતું ડીઝલ મોંઘું થતા, હિટાચી અને JCB ધરાવતા વેપારીઓ હવે સીધા રિટેલ પંપો પર નિર્ભર બન્યા છે, જેના કારણે માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુરવઠો યથાવત હોવા છતાં અછત સર્જાવા પાછળ કાળા બજાર જવાબદાર હોવાની આશંકા છે. કેટલાક તત્વો ખેડૂતોના નામે એકસાથે 10 થી 15 બેરલ ડીઝલ ભરાવીને બાદમાં મશીનરી ધરાવતા લોકોને ઊંચા ભાવે વેચતા હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા બિનનિયમિત વેચાણ અને બેરલ સિસ્ટમ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને પંપો પર વધારાનો જથ્થો ફાળવવામાં આવે. ખાવડા : ઇમરજન્સીમાં વાહનોમાંથી પેટ્રોલ કાઢવા મજબૂર સરહદી ખાવડા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછતને કારણે જનજીવન ખોરવાયું છે. ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે સરકારની ટ્રાવેલિંગ ઓછું કરવાની સલાહને પંપ સંચાલકોએ જાણે વધુ પડતી ગંભીરતાથી લીધી હોય તેમ, ખાવડાના 4 થી 5 પંપો બિલકુલ ‘ડ્રાય’ થઈ ગયા છે. સોલાર પાર્ક અને મીઠાં ઉદ્યોગના હબ ગણાતા આ વિસ્તારમાં ડીઝલ માંડ એકાંતરે મળે છે, જ્યારે પેટ્રોલની ભારે તંગી છે. સ્થિતિ એટલી વિકટ છે કે ઇમરજન્સીમાં લોકોએ મિત્રો કે અન્ય વાહનોમાંથી પેટ્રોલ કાઢીને કામ ચલાવવું પડે છે. સામખિયાળી : ‘નો સ્ટોક’... ડીઝલની માંગ રાતોરાત બમણી થઈ ગઈ છે. પૂર્વ કચ્છ એ ટ્રાન્સપોર્ટ અને મીઠાં ઉદ્યોગનું હબ છે. સામખિયાળીના ટ્રાન્સપોર્ટરોએ વ્યથા ઠાલવી હતી કે, એક ટ્રકને લોડ કરતા પહેલા 4 થી 5 પંપો પર ભટકીને ડીઝલ ભેગું કરવું પડે છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો સપ્લાય ચેઈન તૂટી જશે. બીજી તરફ, મીઠાં ઉદ્યોગની સીઝનનો હવે છેલ્લો મહિનો બાકી છે ત્યારે મશીનરી અને વાહનો માટે પૂરતું ઈંધણ ન મળતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    SOGનો દરોડો:મુન્દ્રામાં હોટલના રૂમમાંથી 3 શખ્સો 3.60 લાખના હેરોઈન સાથે ઝડપાયા
    Next Article
    આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ:કૌટુંબિક વિવાદમાં 5 વર્ષમાં 1145 કેસ નોંધાયા; અહમનો ટકરાવ, આર્થિક ખેંચતાણ, સો. મીડિયાનો પ્રભાવ કારણભૂત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment