Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેત પેદાશોને જંતુનાશક અવશેષોથી મુક્ત રાખવા ખેડૂતોને અપીલ:છંટકાવ-કાપણી વચ્ચે 'વેઈટીંગ પીરીયડ' જાળવવા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કૃષિ પેદાશોને જંતુનાશક અવશેષોથી મુક્ત રાખવા અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ અંગે વિવિધ સાવચેતી અને પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, સરકારે ધીમી વિઘટન પ્રક્રિયા ધરાવતા, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા, ચરબીમાં દ્રાવ્ય અને શરીરમાં જૈવિક વિસ્તૃતીકરણ દ્વારા જમા થતા જંતુનાશકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તેને નિયંત્રિત વપરાશ હેઠળ રાખ્યા છે. ખેડૂતોએ આવા જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ. પાક સંરક્ષણ રસાયણોની ભલામણ કરેલ માત્રાનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. કૃષિ યુનિવર્સિટીઓ અને નોંધણી સંસ્થાઓ દ્વારા નક્કી કરાયેલી માત્રા મુજબ જ દવા વાપરવી જોઈએ. દવાનો વધુ પડતો છંટકાવ જીવાતોમાં પ્રતિકારક શક્તિ વિકસાવે છે, જે આર્થિક નુકસાન પહોંચાડે છે અને ખેત પેદાશોમાં જંતુનાશક અવશેષોનું પ્રમાણ પણ વધારે છે. ખેતી, શાકભાજી, ફળ અને મસાલા પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે યુનિવર્સિટીની ભલામણ મુજબ દવાઓનો ઉપયોગ કરવો અને 'સંકલિત જીવાત વ્યવસ્થાપન' (IPM) અપનાવવું જોઈએ. શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશક અવશેષો ઘટાડી શકાય છે. સુંવાળી સપાટીવાળા શાકભાજીમાંથી અવશેષો ખરબચડી સપાટીવાળા શાકભાજી કરતાં ઝડપથી દૂર થાય છે. સ્પર્શક (કોન્ટેક્ટ) દવાઓના અવશેષો શોષક (સિસ્ટમિક) દવાઓ કરતાં ધોવાથી વધુ સરળતાથી નીકળી જાય છે. શાકભાજી ધોવા માટે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાના સોડા)નો પણ ઉપયોગ કરી શકાય છે. FAO અને WHO દ્વારા ખેત પેદાશોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ માત્રા (MRL) નક્કી કરવામાં આવે છે. જો અવશેષો MRL કરતાં વધુ હોય, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આથી, જંતુનાશકના છંટકાવ અને પાકની કાપણી વચ્ચેના 'વેઈટીંગ પીરીયડ'નું પાલન કરવું અત્યંત જરૂરી છે. આ નિર્ધારિત સમયગાળો પૂરો થાય તે પહેલાં પાકની વીણી કે કાપણી કરવી નહીં. ખેડૂતોએ શક્ય હોય ત્યાં ઝડપથી વિઘટન પામતા રસાયણો જેવા કે એમામેક્ટિન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોનનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીન તપે છે, જેના કારણે કોશેટા, જીવાણુ અને ફૂગનો નાશ થાય છે અને દવાનો વપરાશ ઘટાડી શકાય છે. આ ઉપરાંત રોગ-પ્રતિકારક જાતો, વનસ્પતિજન્ય જંતુનાશકો, પરજીવી કીટકો, પ્રકાશ પિંજર, ફેરોમોન ટ્રેપ અને પીળા ચીકણા પિંજરનો ઉપયોગ કરી અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઘરમાં મચ્છર, માખી કે ઊધઈના નિયંત્રણ માટે દવા વાપરતી વખતે અનાજ અને પાણીના વાસણો ઢાંકી દેવા જોઈએ. ઊધઈના નિયંત્રણ માટે 'ક્લોરપાયરીફોસ'ને બદલે 'ઈમીડાક્લોપ્રીડ' વધુ અસરકારક અને ઓછી દુર્ગંધવાળી છે. અનાજ સંગ્રહ કરતા પહેલાં તેને સૂર્યપ્રકાશમાં બરાબર સુકવીને હવાચૂસ્ત પીપમાં ભરવું. ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપવો અથવા લીમડાના પાનનો ઉપયોગ કરવો. શાકભાજીમાં વીણી કર્યા પછી જ છંટકાવ કરવો અને ફળ પાકવાની અવસ્થાએ દવાનો ઉપયોગ ટાળવો. એક જ જૂથના જંતુનાશકોનો વારંવાર ઉપયોગ ન કરતા બદલી-બદલીને ઉપયોગ કરવો જોઈએ. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રેલવે સુરક્ષા દળની પ્રસંશનીય કામગીરી:RPF વડોદરાની ટીમે ઓપરેશન અમાનત હેઠળ રશિયન મહિલાનો 3.60 લાખનો સામાન પરત અપાયો
    Next Article
    PM મોદીના ગુજરાત પ્રવાસ બાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ:સૌરાષ્ટ્રથી વડોદરા સુધીના નામો પર ચર્ચા, ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા મંથન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment