Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે કરુણ અકસ્માત:નારીયેરી પરથી પટકાતાં નગરપાલિકાના કર્મચારીનું મોત; ડાભોર ગામમાં શોકની લાગણી વ્યાપી

    3 days ago

    સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વ’ની ધામધૂમભેર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ તૈયારીઓ વચ્ચે ગતરાત્રી એક એવી કરુણ ઘટના બની કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વેરાવળ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે છેલ્લા દસેક વર્ષથી ફરજ બજાવતા ડાભોર ગામના 32 વર્ષીય મહેશ બારીયાનું નારીયેરી પરથી પટકાતા દુઃખદ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, સોમનાથ ત્રિવેણી સંગમ નજીક સુરક્ષાના ભાગરૂપે રોડ કિનારે આવેલી એક નારીયેરીમાંથી નારીયેર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક મહેશ બારીયા દિવસ દરમિયાન પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા, પરંતુ સોમનાથ અમૃત પર્વની તડામાર તૈયારીઓ વચ્ચે નગરપાલિકામાંથી ફરી ફોન કરીને તેમને રાત્રે કામ પર બોલાવવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, મહેશ રાત્રે નવ વાગ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેમને નારીયેરી પર ચડી નારીયેર ઉતારવાની કામગીરી સોંપવામાં આવી હતી. કામગીરી દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક વેરાવળની વિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. મૃતક મહેશ બારીયા પોતાની પત્ની, દોઢ માસની માસૂમ દીકરી અને 6 વર્ષના દીકરાને નોંધારા મૂકી અનંતની વાટે નીકળી જતા હોસ્પિટલ ખાતે હાજર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ડાભોર ગામના લોકો અને કોળી સમાજના આગેવાનોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત સ્થાનિક આગેવાનો, ડે. કલેકટર જૈમીન કાકડીયા, ચીફ ઓફીસર પારસ મકવાણા સહિત અધિકારીઓ અને સમાજના પ્રતિનિધિઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. પરિવારજનોએ નગરપાલિકા તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સલામતીના સાધનો વિના જોખમી કામગીરી કરાવવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે બનેલી આ કરુણ ઘટના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા પહેલ:60 મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવા સ્વરોજગાર મેળાનું આયોજન
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:ચાણસ્મામાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment