Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:હું જગતમાં, જગત મારામાં

    11 hours ago

    કુસુમબહેન અંતાણીના પુત્ર વીનેશ અંતાણી એક સમયે દુનિયા ખૂબ વિશાળ લાગતી હતી. દરેક દેશ ખૂબ દૂર. પોતાના દેશનાં સ્થળો પણ દૂર લાગતાં. તે સમયે દૂરના પ્રદેશમાં બનેલી ઘટનાના સમાચાર તરત મળતા નહોતા. કોઈ જગ્યાએ દરિયાકાંઠે આવેલું વિનાશક વાવાઝોડું તે દેશ અને તે પ્રદેશ પૂરતું સીમિત રહેતું હતું. અન્ય દેશોની રાજકીય પરિસ્થિતિ મોટે ભાગે ત્યાં પૂરતી જ મર્યાદિત રહેતી હતી. હવે એવું રહ્યું નથી. દુનિયા સંકોચાઈને નાના ગામ જેવી બની ગઈ છે. ફોન, ટેલિવિઝન, અખબારો, ઇન્ટરનેટ જેવાં માધ્યમો દ્વારા દરેક જગ્યાની જાણકારી વિનાવિલંબે મળતી રહે છે. વિશ્વમાં ક્યાંકને ક્યાંક કશુંક નિરંતર બનતું રહે છે. નવી ટેક્નોલોજી વિકસે છે, સંઘર્ષ થાય છે અને સમાધાનના માર્ગ શોધાય છે, આર્થિક પરિસ્થિતિ બદલાતી રહે છે. આપણે પોતાના ઘરમાં બેઠા હોઈએ, રોજિંદી પ્રવૃત્તિમાં રોકાયેલા હોઈએ, ઊંઘી ગયા હોઈએ ત્યારે પણ બહારની દુનિયામાં ઘણું બનતું રહે છે. કોઈ દેશમાં ભૂખમરા જેવી સ્થિતિ, નિર્વાસિત બની ગયેલા લોકોની વીતકકથાઓ, ક્યાંક આવેલી કુદરતી કે માનવસર્જિત આપત્તિના ભોગ બનતા લોકોની તકલીફો – એવું કેટલુંય આપણને ખબર ન પડે એમ આપણા પર અસર કરે છે. આપણા વિચારો અને દૃષ્ટિકોણમાં બદલાવ આવવા લાગે છે. દરેક વ્યક્તિ જગતમાં પ્રવેશતી રહે છે અને જગત એનામાં પ્રવેશતું રહે છે. આંતકવાદને પોષતા પાકિસ્તાન અને બીજા આંતકવાદી દેશોએ કેટલાય નિર્દોષ લોકોના જીવનની શાંતિ ખળભળાવી મૂકી છે. હજારો માઇલ દૂર નવી ટેક્નોલોજીનો વિકાસ થાય એની સારી કે ખરાબ અસર દુનિયાભરમાં પડે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આક્રમણથી હજારો લોકો નોકરી ગુમાવવા લાગ્યા છે. કોઈ વ્યક્તિ અલગ ટાપુ નથી એ વાત આજે વધારે સાચી પડવા લાગી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણના પડઘા આખી દુનિયામાં સંભળાય છે. અમેરિકાના તુંડમિજાજી પ્રમુખ ટ્રમ્પે સમગ્ર વિશ્વના રાજકારણ અને રાજનીતિના પાયાના સિદ્ધાંતોને અવળસવળ કરી નાખ્યા છે. એના તુઘલખી નિર્ણયોથી દુનિયા બેબકળી બની ગઈ છે. એક સમયે યુદ્ધ દુશ્મન દેશોની સરહદો પર લડાતું, આજે દરેક દેશના લોકોના ઘરમાં પ્રવેશી ચૂક્યું છે. ઇરાન સાથેના અવિચારી યુદ્ધથી દુનિયામાં પેટ્રોલ અને ગેસની ભયાનક તંગી ઊભી થઈ છે. એની અસર બીજા દેશોના અર્થતંત્ર પર અને લોકોના જીવન પર પડી છે. વૈશ્વિક ઘટનાઓ માત્ર લોકોની આર્થિક સ્થિતિ કે કારકિર્દી પર જ અસર કરતી નથી, અભ્યાસીઓ કહે છે તેમ લોકોના માનસ પર પણ એની ગાઢ અસર પડે છે. તત્કાળ માહિતીઓના ધોધની વચ્ચે લોકોને જે બન્યું તે શા માટે બન્યું એ સમજવાનો સમય મળતો નથી. એક જ દિવસમાં ભીતરથી વિચલિત કરી મૂકે એવી અનેક ઘટનાઓના સમાચારોનો મારો સતત ચાલતો રહે છે, યુદ્ધો, દુર્ઘટનાઓ, હિંસાના બનાવો, અત્યાચારો જેવી ઘટનાઓ લોકોને માનસિક થાક તરફ ધકેલે છે. એ ઘટનાઓ દૂરના સ્થળમાં બની હોય છતાં આપણી આસપાસ જ બનતી હોય એવી ભીતિ લોકોના માનસ પર અંકાતી જાય છે. ટેલિવિઝન પર નકારાત્મક ઘટનાઓ જોઈ-સાંભળી રાતે સૂવા જતી વ્યક્તિને ખબર નથી હોતી કે અજાણતાં જ એના મન-મગજ પર કેટલી બધી ચિંતા અને હતાશાનો બોજ એકઠો થતો રહે છે. એની આજુબાજુનું બધું સલામત હોય છતાં એ પોતાના અને પરિવારના ભવિષ્ય માટે સાશંકિત થઈ ઊઠે છે. આર્થિક અસ્થિરતા, સામાજિક અને રાજકીય તણાવ, પર્યાવરણની સમસ્યા જેવા વૈશ્વિક મુદ્દાઓ લોકોના અંગત જીવનમાં પગપેસારો કરી માનસિક રીતે અશાંત કરી મૂકે છે. તેમ છતાં દુનિયામાં અનેક હકારાત્મક ઘટનાઓ પણ બને છે. વૈજ્ઞાનિક શોધખોળો, અન્યાય સામે હિંમતભેર ઊભા રહેવાના બનાવો, ભલમનસાઈનાં કેટલાંય ઉદાહરણો આપણને યાદ અપાવે છે કે વિધ્વંસની વચ્ચે જ આશાનો દીવડો ઝગમગી શકે છે. એક જ ઉદહારણ પૂરતું થઈ પડશે. વર્ષ 2001માં કચ્છમાં મહાવિનાશક ધરતીકંપ થયો ત્યારે આપણો દેશ અને સમગ્ર વિશ્વ સહાયતા કરવા માટે ખડેપગે ઊભાં રહ્યાં હતાં. વિશ્વભરમાંથી અનેક સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો રાતદિવસ કામ કરીને પીડિત લોકોને બેઠા કરવાના કામમાં ઝઝૂમતા રહ્યા હતા. હજારો અનામી લોકોએ દાનનો પ્રવાહ વહેતો મૂક્યો હતો. આ એવી ઘટના છે, જ્યારે લોકોને થાય છે કે તેઓ એકલા નથી, આખી દુનિયા એમની સાથે છે. આ પ્રકારની લાગણી માનવજાતને સાથે મળીને પડકારોનો સામનો કરવા તૈયાર કરે છે. સમગ્ર દુનિયાએ યુદ્ધ, મહામારી, કુદરતી સંકટ જેવી અનિશ્ચિત પરિસ્થિતિઓનો અનેકવાર સામનો કર્યો છે અને દરવખતે એમાંથી બેઠા થવાના માર્ગ શોધી લીધા છે. દુનિયાની સાથે લોકો પણ ઘડાતા રહ્યા છે અને આગળ વધતા રહ્યા છે. આજનું જગત સંકુચિત સીમાડા પાર કરી વિશાળ ફલક પર આવી ઊભું છે. એમાં બનતી ઘટનાઓને આપણે વ્યક્તિગત રીતે અટકાવી શકીએ નહીં, પરંતુ એની સામે કેવી રીતે ઊભા રહેવું એ તો વિચારી જ શકીએ. સાચી-જૂઠી માહિતીની છટણી કરી જગતના પ્રવાહોથી માહિતગાર રહીએ, વૈચારિક સમતુલા જાળવી નિરાશાજનક વાતાવરણમાં પણ માણસાઈના દીવા પ્રગટાવી રાખીએ. એવું કરી શકીએ તો વિશ્વમાં બનતી સંકુલ અને નકારાત્મક ઘટનાઓની વચ્ચે આત્મતેજ વિકસાવી શકીએ. જગત જ આપણને ઘડતું નથી, આપણે પણ તંદુરસ્ત જગતને ઘડવામાં નાનોસરખો ફાળો આપી શકીએ. જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે – ‘The world is me and I am the world.’ એમના વિચાર પ્રમાણે જગત અને વ્યક્તિ અલગ નથી. દુનિયાના બધા લોકો આપણા જેવા જ ડર, આશાઓ, સંઘર્ષો, ઇચ્છાઓ અને લાગણીઓ અનુભવે છે. આપણી અંદર પડેલું હોય એનું પ્રતિબિંબ સમાજમાં પડે છે. આપણે પોતાને સમજી શકીએ તો જગતને સમજી શકીએ, જાતને બદલી શકીએ તો દુનિયાને પણ બદલી શકીએ.
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:‘રામચરિતમાનસ’માં માતૃશક્તિનો મહિમા
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે ફાયદો થાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment