Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:‘રામચરિતમાનસ’માં માતૃશક્તિનો મહિમા

    10 hours ago

    સાવિત્રીબહેન હરિયાણીના પુત્ર મોરારિબાપુ ગોસ્વામીજીએ ‘રામચરિતમાનસ’ની રચના કરી સંવત્‌‍ 1631માં અને એમાં ‘બાલ’, ‘અયોધ્યા’, ‘અરણ્ય’, ‘કિષ્ક્નિધા’, ‘સુન્દર’, ‘લંકા’ અને ‘ઉત્તર.’ એ સાત સોપાન ગોસ્વામીજીએ રચ્યાં. ‘રામચરિતમાનસ’નું પહેલું સોપાન ‘બાલકાંડ’; ગોસ્વામીજી સાત મંત્રોમાં એનું મંગલાચરણ કરે છે. આરંભમાં સાત છે મંગલાચરણના શ્લોકોના રૂપમાં. ‘બાલકાંડ’થી લઈને ‘ઉત્તરકાંડ’ સુધી સોપાન પણ સાત છે. અને ‘ઉત્તરકાંડ’માં જ્યારે ‘માનસ’નું સમાપન થાય છે ત્યારે ગરુડજીએ સાત પ્રશ્ન પૂછયા છે. ત્યારબાદ ‘રામચરિતમાનસ’નું સમાપન થાય છે. તો આદિમાં સપ્ત છે, મધ્યમાં સપ્ત છે અને અંતમાં પણ સપ્ત છે. પ્રથમ સોપાનમાં ગોસ્વામીજીએ સાત મંત્રોમાં મંગલાચરણ કર્યું છે. આપણે એક-બે શ્લોકોનું સ્મરણ કરી લઈએ. વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ. મંગલાનાં ચ કર્ત્તારૌ વન્દે વાણીવિનાયકૌ. વન્દે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ્. યમાશ્રિતો હિ વક્રોઽપિ ચન્દ્રઃ સર્વત્ર વન્દ્યતે. દ્વેષવૃત્તિને કારણે લોકોનો એવો આક્ષેપ રહ્યો છે કે તુલસીદાસજીએ નારીની થોડી ઉપેક્ષા કરી છે. ગોસ્વામીજી જો નારીને ઉપેક્ષિત માનતા હોત તો મંગલાચરણના પ્રથમ મંત્રમાં તેમણે એક માતૃશરીરની વંદનાથી રામકથાનો આરંભ ન કર્યો હોત. આપણી પરંપરા કહે છે કે આપણે સૌથી પહેલાં ગણેશથી પ્રારંભ કરીએ છીએ. સરસ્વતીની વંદના આપણે પછી કરીએ છીએ. શું જમાનાને હજી સુધી એ વાત નજરમાં નથી આવી કે તુલસીએ આટલાં વર્ષો પહેલાં એક અદભુત ક્રાંતિ કરી, શાંત ક્રાંતિ કરી અને ગણેશજીને પાછળ રાખીને સરસ્વતીને, માતૃશરીરને પ્રથમ સ્થાન આપ્યું છે. આનાથી વધારે એના પુરાવા શું જોઈએ? આપણા દેશમાં જેમને પાશ્ચાત્ય બુદ્ધિનો રોગ લાગ્યો છે એમાં પંડિતો અને બુદ્ધિજીવીઓ પણ બાકી નથી રહ્યા! વચ્ચેના સમયમાં એમ કહેવામાં આવ્યું કે તુલસી નારીનિંદક છે, તુલસી સનાતન ધર્મના ભંજક છે; એવા આરોપ લગાવી શકાય પણ સાધાર લગાવી શકાય. પરંતુ તુલસી પર કશા આધાર વિના આરોપ લગાવવામાં આવ્યા! તુલસીએ વાણીની વંદના પ્રથમ કરી છે એ કોઈ નથી જોતું! અને ખાસ કરીને પાશ્ચાત્ય લોકો અને જે સંસ્કૃતિઓમાં નારીનું ખૂબ જ તાડન થયું છે કે નારીની બહુ જ નિંદા કરવામાં આવી છે એ લોકો આપણને શિખામણ આપવા લાગ્યાં! એમાં અમેરિકાના તથાકથિત વિદ્વાનોનો હિસ્સો છે; યુરોપના વિદ્વાનોનો પણ હિસ્સો છે. હું અભ્યાસ કરીને આ બોલી રહ્યો છું. આપણે દેવીઓનાં નવરાત્ર મનાવીએ છીએ. તુલસી તો કહે છે, ‘ઉદ્ભવસ્થિતિસંહારકારિણીં’ કોઈ તત્ત્વ છે તો એ જગદંબા, માતૃશક્તિ છે. કોઈ ધર્મમાં પયગંબર પણ પુરુષના રૂપમાં આવ્યા છે, મહિલાના રૂપમાં નથી આવ્યા. બૌદ્ધ ધર્મમાં પણ મહિલાઓને એટલો બધો આદર નથી મળ્યો. રાત્રિના સમયે એક પરમ સુંદર સ્ત્રીને છોડીને બુદ્ધ ચાલ્યા ગયા છે. બુદ્ધ અને તુલસીની તુલનાત્મક વાત થાય તો બિલકુલ ઊલટી ગંગા લાગે છે. બુદ્ધ પોતાની અતિસુંદર ધર્મપત્નીને છોડીને ભાગી ગયા હતા અને મારા તુલસી અતિસુંદર સ્ત્રીને કારણે જાગી ગયા હતા. એક ભાગ્યા અને બીજા જાગ્યા. બંનેના કેન્દ્રમાં એક સુંદર સ્ત્રી છે. તો આપણે માતૃશરીરનો ખૂબ જ મહિમા કર્યો છે. હું આલોચનાના રૂપમાં નથી કહેતો. હું સૌ પ્રત્યે હૃદયની શુદ્ધ ભાવનાથી બોલી રહ્યો છું. આજ સુધી ઈસાઈ ધર્મમાં કોઈ નામદાર પોપ નારી નથી થઈ શકી, પુરુષ જ થયા છે. અને આપણા દેશમાં સનાતન પરંપરામાં ભલે નારી જગદ્ ગુરુ ન બની હોય પરંતુ જ્યારે જગદ્ ગુરુઓનો શાસ્ત્રાર્થ થતો હતો ત્યારે નારી સાથે બેઠી હતી; મંડન મિશ્ર સાથે સ્ત્રી બેઠી હતી. તો નારી સૌથી ઊંચો દરજ્જો લઈને બેઠી હતી અને માતૃશરીર મહામંડલેશ્વર તો થતાં જ જાય છે. આપણે ત્યાં બધા દરવાજાઓ ખુલ્લા છે. તુલસીએ ગજબ કર્યો! ગણેશને પાછળ રાખ્યા અને સરસ્વતીને આગળ રાખ્યાં. અને વિદેશવાળાઓ ‘લેડિઝ ફર્સ્ટ’ બોલે છે, પરંતુ થવા નથી દેતા! બ્રિટનમાં એક માતાજી પી. એમ. બન્યા હતાં એ સારી વાત છે. પરંતુ એ તો જનતાએ બનાવ્યાં છે, ધર્મ એ નથી બનાવી શક્યો. મારા દેશનો ધર્મ નારીને આટલો મોટો દરજ્જો આપી રહ્યો છે એ ન ભૂલવું જોઈએ. તો તુલસીએ વાણીની વંદના કરી અને વિનાયકની વંદના કરી. બીજા મંત્રમાં ભવાનીની અને મહાદેવની વંદના કરી. ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ. યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાન્તઃસ્થમીશ્વરમ્. સીતા-રામના ગુણગાનમાં નિરંતર વિહાર કરનારા આદિ કવિ વાલ્મીકિએ જ્યારે એની ચર્ચા કરી ત્યારે પણ સીતા-રામમાં પહેલાં ‘સીતા’ શબ્દનો જ ઉપયોગ કર્યો. તો ‘માનસ’માં માતૃપક્ષની પૂજા પ્રથમ કરવામાં આવી છે. અને કોઈને બીમારી હોય તો વૈદને એમ કહેવાનો અધિકાર છે કે આપને આ રોગ છે; એ આલોચના નથી; એ નિંદા નથી પરંતુ નિદાન તો થવું જોઈએ. કોઈ ગમે તેટલો મોટો માણસ હોય એને કોઈ રોગ થયો હોય તો ડોકટર કહેશે કે આપને આ રોગ છે; આપ ખરાબ ન લગાડશો. એવું જો ક્યાંય હોય તો એ નિદાન છે. અહીં નારીનિંદા નથી, માતૃશરીરની શ્રેષ્ઠતાનું એક નિદાન છે. હું વારંવાર આ વાત સ્પષ્ટ કરવા માગું છું. મહામંડલેશ્વર આપણી લક્ષ્મી પણ થઈ શકે છે. લક્ષ્મી નારાયણ કિન્નર મહામંડલેશ્વર બન્યાં છે. તો તુલસીએ માતૃશરીરની, દેવીની પ્રથમ વંદના કરી. પછી સીતા-રામની વંદના; જાનકીજીની વંદના; પછી ભગવાન રામની વંદના કરવામાં આવી. (સંકલનઃ મુક્તાબહેન વડગામાના પુત્ર નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:અમદાવાદને કોર્પોરેશન આપનારા એ મેયર
    Next Article
    ડૂબકી:હું જગતમાં, જગત મારામાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment