Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઇન શોપિંગનું ખાલી ખોખું પણ તમને કંગાળ કરી શકે:ડસ્ટબિનમાં ફેંકતા પહેલા આ વાંચો, શું તમારો સ્માર્ટ ફોન જ કરી રહ્યો છે તમારી જાસૂસી?

    13 hours ago

    શું તમે પણ ઓનલાઇન શોપિંગના ખોખામાંથી વસ્તુ કાઢીને ખોખું સીધું ડસ્ટબિનમાં ફેંકી દો છો? જો આવું કરતાં હો તો ચેતી જજો. કેમ કે તમારી એક નાનકડી ભૂલ ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે. તમે પાર્સલ પરનું એડ્રેસવાળું સ્ટીકર એમ ને એમ રાખતા હો તો તે એક સ્ટીકર તમારું આખું બેંક ખાતું સાફ કરી શકે છે. સાયબર ઠગ હવે તમારા કચરામાંથી તમારી પસંદગી જાણીને તમને ડિજિટલ અરેસ્ટ અને ઓર્ડર ફ્રોડનો શિકાર બનાવી રહ્યાં છે. આવા ફ્રોડથી કેવી રીતે બચવું? તમે તમારા ફોનમાં કયા સેટિંગ બાય ડિફોલ્ટ ઓન રાખો છો જેને ખરેખર ઓફ રાખવા જોઇએ? શું તમે UPIની એપમાં પાસવર્ડ ઓટો સેવ રાખો છો? શું તમે પબ્લિક વાઇફાઇથી ઓનલાઇન પે કરો છો? મેડિકલ અને પર્સનલ બાબતોમાં AIનો ઉપયોગ કરો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો જાણો કેવી રીતે તમારો સ્માર્ટફોન જ તમારી જાસૂસી કરી રહ્યો છે અને કેવી રીતે AI હવે માણસને પૂછ્યા વગર જ નિર્ણયો લઇને તમને લૂંટી રહ્યું છે. દિવ્ય ભાસ્કરે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે જોડાયેલી અને જેતલપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ગુજરાતની પહેલી પ્રાઇવેટ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી કોલેજના પ્રિન્સિપાલ પ્રો.ડૉ.શૈલેષ ઐયર, સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. નિકુંજ તાહિલરામાણી અને આસિસ્ટન્ટ પ્રોફેસર વિનય આસેરી પાસેથી માહિતી મેળવી હતી. થોડા દિવસ પહેલા અમદાવાદમાંથી AI અને ડીપફેકનો દુરૂપયોગ કરીને ખાતું ખોલીને 25 હજાર રૂપિયાની લોન લેવાનો કેસ સામે આવ્યો હતો. આરોપીઓએ મોબાઇલ નંબર બદલીને OTP મેળવી લીધો હતો અને ડીજીલોકરમાંથી દસ્તાવેજો ચોરી લીધા હતા. માત્ર આ જ નહીં આવા તો અનેક કિસ્સા છાશવારે આપણી સામે આવતા રહે છે જેમાં ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને છેતરપિંડી થાય છે. હવેના સમયમાં આ કોઇ નવી વાત નથી રહી. આવી છેતરપિંડીથી બચવાનો એક જ ઉપાય છે સાવધાની. તમારા મનમાં થતાં કેટલાક પ્રશ્નોના અહીં જવાબ આપ્યા છે. સવાલઃ UPI એપ ફોનમાં હોય તો શું ધ્યાન રાખવું? જવાબઃ ઓથેન્ટિક પ્લેટફોર્મ પરથી જ એપ ડાઉનલોડ કરો. જરૂરિયાતની માહિતી અને ફિચરની પરમિશન આપો. ટુ વે ઓથેન્ટિકેશન ઓપ્શનને ઓન રાખો. સવાલઃ શું પબ્લિક વાઇફાઇથી ઓનલાઇન પેમેન્ટ કરવું જોઇએ? જવાબઃ ના. પબ્લિક વાઇફાઇના ઉપયોગથી ટ્રાન્ઝેક્શન ટાળવા જોઇએ કેમ કે તેનાથી ડેટા ચોરી થવાની સંભાવનાઓ રહે છે. પબ્લિક વાઇફાઇના ઉપયોગથી કોલ લોગ હિસ્ટ્રી સામેવાળા પાસે જાય છે, ટ્રાન્ઝેક્શનની ડિટેલ જતી રહે છે અને પાસવર્ડ પણ જતો રહે છે. સવાલઃ શું એપ્લિકેશનના પાસવર્ડને ઓટો સેવ રાખવો જોઇએ? જવાબઃ કેટલાક કિસ્સાઓમાં આનાથી નુકસાન થઇ શકે છે. તમારો ફોન કોઇ પાસે જાય તો તે ઓટો લોગઇન થઇ શકે છે. પાસવર્ડ ઓટો સેવ રાખવાની જગ્યાએ સરળતાથી યાદ રહે તેવો રાખો.કોઇપણ એપ્લિકેશનમાં 15 દિવસે પાસવર્ડ ચેન્જ કરવાનું રાખો. સવાલઃ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતાં સમયે શું ધ્યાન રાખવું? જવાબઃ પહેલાં ચેક કરવું કે એ એપ રજિસ્ટર્ડ કંપનીએ બનાવી છે કે નહીં. જેટલી જરૂરિયાત હોય એટલું જ એક્સેસ આપવું. પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખો. સવાલઃ જ્યારે ફોન હેક થઇ જાય ત્યારે શું કરવું જોઇએ? જવાબઃ સૌથી પહેલાં ફોન બંધ કરી દેવો. ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે રિપોર્ટ કરાવવો જોઇએ જેથી કઇ લિંકથી ફોન હેક થયો છે તે જાણી શકાય. 1930 નંબર પર ફરિયાદ પણ નોંધાવવી જોઇએ. ઓનલાઇન શોપિંગનું બોક્સ કચરામાં ફેંકવાની ભૂલ ન કરતાં સાયબર ગઠિયાઓની નજર હવે તમારા ઘરના કચરા પર છે કેમ કે ત્યાંથી તેમને 'શિકાર' મળી જાય છે. પ્રિન્સિપાલ પ્રો.ડૉ.શૈલેષ ઐયરે આ મોડસ ઓપરેન્ડી વિશે વિગતે વાત કરી. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આજના સમયમાં હવે ડિજિટલ અરેસ્ટ કોમન થઇ ગયું છે પણ નવી એક મોડસ ઓપરન્ડી એ પણ આવી છે કે તમે જ્યારે ઓનલાઇન કોઇપણ વસ્તુ ઓર્ડર કરો છો ત્યારે તેમાં તમારું એડ્રેસ લખેલું હોય છે. 'તમે એ રેપરને એમનું એમ રહેવા દઇને ડસ્ટબિનમાં ફેંકી દો છો. એ પછી ત્યાંથી કોઇ વ્યક્તિ તે રેપરને કલેક્ટ કરે છે. જેમાં તમારા ઘરથી માંડીને તમારા ઓર્ડરની બધી જ ડિટેલ હોય છે. જે મેળવી લઇને સાયબર ગઠિયાઓ તમને ઓર્ડરને લગતો એક ફ્રોડ મેસેજ મોકલે છે. જેવી તમે એ મેસેજની લીંક ઓપન કરો એટલે તમારા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે. એટલા માટે તમે જ્યારે પણ કોઇ વસ્તુ ઓનલાઇન મગાવો ત્યારે તેના બોક્સ કે સ્ટીકરનો નાશ કરવો જોઇએ.' જાતે નિર્ણય લેતું AI જોખમી આજના AIના યુગમાં તે જેટલું કામનું છે એટલું જ જોખમી પણ છે. સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. નિકુંજ તાહિલરામાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, એજન્ટીક AI તો ખૂબ જ જોખમી છે કેમ કે તે પોતાની જાતે જ બધા નિર્ણય લેતું હોય છે. તે કોઇ માણસને પૂછતું પણ નથી. એવું થાય છે કે કોઇ સ્કેમર કે હેકર AIને ખોટો ડેટા આપીને ટ્રેઇન કરે છે. 'આવા સંજોગોમાં નોર્મલ યુઝર તે AIનો ઉપયોગ કરે છે જેથી હેકરને બંધ બારણે યુઝરનો તમામ ડેટા સરળતાથી મળી જાય છે. હવે તમામ બાબતોનું પોતાની જાતે જ ચેકિંગ કર્યા પછી પણ તમારે સ્માર્ટ રીતે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.' સબ્સ્ક્રિપ્શનથી બચવા ક્રેક વર્ઝન ડાઉનલોડ કરનારા ચેતજો હાલમાં ઘણી એપ્લિકેશન્સ સબ્સ્ક્રિપ્શન મોડલ પર જતી રહી છે. જો એ સબ્સ્ક્રિપ્શન ન લીધું હોય તો લિમિટેડ એક્સેસ મળે છે. આનાથી કંટાળીને લોકો ગૂગલ પરથી તેનું ક્રેક વર્ઝન ડાઉનલોડ કરે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર વિનય આસેરી આવા લોકોને ચેતવણી આપતા કહે છે કે, લોકો આવા ક્રેક વર્ઝનમાં જે પણ રાઇટ્સની પરમિશન માગે તે વાંચ્યા વગર ઓકે કરી દે છે. બસ અહીંથી જ ફ્રોડની કે સાયબર એટેક થવાની શરૂઆત થઇ જાય છે. કારણ કે જ્યારે ફોનનો તમામ એક્સેસ આપીએ છીએ ત્યારે ડેટા ચોરી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. તમારો મોબાઇલ તમારી વાત સાંભળે છે તમે કોઇ સાથે અમૂક વસ્તુ વિશે વાત કરતા હો કે પછી કંઇ સર્ચ કર્યું હોય તો તેના આધારે મોબાઇલ તમને એ જ વસ્તુઓ બતાવ્યા કરે છે. આ પાછળ કયું અલ્ગોરિધમ કામ કરે છે તે અંગે ડૉ. તાહિલરામાણીએ કહ્યું કે આમાં 2 મુદ્દા છે. પહેલો મુદ્દો એ કે જ્યારે તમારો ફોન તમારી નજીક હોય અને તમે કોઇ વ્યક્તિ સાથે વાત કરતા હો ત્યારે તે તમારી દરેક વસ્તુ કેચઅપ કરી લે છે. આને અટકાવવા માટે તમારે સૌથી પહેલાં ફોનના સેટિંગમાં જઇને માઇક્રોફોન સેટિંગને ઓફ કરી દેવું જોઇએ. આનાથી તમે જે પણ વાતચીત કરો છો તેના આધારે એ પ્રકારની વસ્તુઓ ફ્લિક થતી બંધ થઇ જશે. AIનો સિસ્ટમ પર ઉપયોગ કરવો તેમણે વધુમાં કહ્યું કે, AI એપમાં ઇન્ટિગ્રેટેડ છે. આવા સંજોગોમાં એપનો ખૂબ જ ચીવટપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. જ્યારે પણ AIનો ઉપયોગ કરવો હોય ત્યારે સિસ્ટમ ઉપર જ તેનો ઉપયોગ કરવો કેમ કે AI બધો જ ડેટા સીધો સર્વર પર મોકલે છે. આ ડેટાને જતો અટકાવવા માટે તમે ઓલામા પરથી પણ સિસ્ટમ ડાઉનલોડ કરી શકો છો. જેના કારણે તમે ઓફલાઇન આવી AIની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને સુરક્ષિત પણ રહી શકો છો. નવો ફોન ખરીદો ત્યારે આ ધ્યાનમાં રાખો જ્યારે બજારમાંથી કોઇ નવો ફોન ખરીદો ત્યારે તે ડિફોલ્ટ સેટિંગ સાથે આવે છે. જેમાં એક્સેસ કન્ટ્રોલ હોય છે. જેથી કોઇકવાર ઓપરેટર પણ તમારા ફોનમાં કોઇપણ રીતે ડેટા પર એટેક કરી શકે છે. આનાથી બચવાના ઉપાય વિશે વાત કરતા વિનય આસેરી કહે છે કે,જ્યારે પણ તમે નવો ફોન પણ લો ત્યારે સેટિંગમાં જઇને જેટલા પણ એક્સેસ આપવાની જરૂર લાગે તેટલા જ એક્સેસ ઓન રાખવા અને બાકીના એક્સેસ ઓફ કરી દેવા જોઇએ. સામાન્ય રીતે દરેક ફોનમાં ડેવલપરનો ઓપ્શન આવે છે. આ ઓપ્શનને ઓન રાખવો જોઇએ કે ઓફ તે અંગે સમજાવતા તેમણે એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે કોઇ ઘરની બહાર એક સિક્યોરિટી ગાર્ડને બેસાડી તો રાખ્યો છે પણ તેણે આંખો પર કાળા ચશ્મા પહેરી રાખ્યા છે અને આંખો બંધ કરી દીધી છે. આ જોઇને સામેવાળી વ્યક્તિને તો એમ જ લાગશે કે અહીં ગાર્ડ બેઠો છે એટલે સિક્યોરિટી તો છે જ પણ હકીકતમાં સિક્યોરિટી નથી. 'આ જ રીતે ડેવલપર મોડમાં પણ ઘણા એટેકર્સ પ્રયત્નો કરતાં હોય છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જેટલી જરૂર છે તેના કરતાં વધારે એક્સેસ ડેવલપરને પણ ન આપવા જોઇએ. આ મોડ ત્યારે જ ઓન કરવો જોઇએ જ્યારે સિસ્ટમને અપગ્રેડ કરવાની હોય અથવા તો સિસ્ટમને ચેક કરવાની હોય.' રાત્રે સૂતી વખતે મોબાઇલ બાજુમાં ન રાખતા શું રાત્રે સૂતી વખતે પોતાની પાસે ફોન રાખવો જોઇએ કે નહીં તે અંગે ડૉ.તાહિલરામાણીએ કહ્યું કે, ના, આવા સમયે ફોન સાથે રાખવો હિતાવહ નથી. આજના સમયમાં ઘણા પરિવારોમાં વોઇસ આસિસ્ટન્ટ રાખવાનો ક્રેઝ વધી ગયો છે. આવા વોઇસ આસિસ્ટન્ટ બધું સાંભળતા હોય છે અને તેને ડિટેક્ટ પણ કરતા હોય છે. આવા સંજોગોમાં સૌથી સરળ રસ્તો એ જ છે કે તમારે તેનો ઉપયોગ કરીને બંધ કરી દેવું જોઇએ. એટલું જ નહીં ઇન્ટરનેટ સાથે પણ તેને ડિસ્કનેકટ કરી દેવું જોઇએ. બાળકોના મોબાઇલમાં પેરેન્ટલ કન્ટ્રોલ ઓન રાખો આજના સમયમાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના હાથમાં પણ સ્માર્ટ ફોન આવી ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓના માતા પિતાએ શું તકેદારી રાખવી જોઇએ તેની વાત કરતાં વિનય આસેરીએ જણાવ્યું કે, બાળક પાસે જે પણ ફોન છે તેનો કન્ટ્રોલ તેમની પોતાની પાસે હોવો જોઇએ. આ માટે બાળકના ફોનમાં સેટિંગમાં જઇને પેરેન્ટલ કન્ટ્રોલ ઓપ્શન ઓન કરીને તેના પર કન્ટ્રોલ રાખી શકાય છે. જેથી તે ફોનમાં કેટલો સમય ફાળવે છે, કેવી-કેવી વસ્તુઓ જોવે છે અને શું-શું ઉપયોગ કરે છે તેની સંપૂર્ણ માહિતી મળતી રહે. જો વાલીઓ આટલું કરે તો તેમના બાળકોને ખોટી દિશામાં વળતા અટકાવી શકાય છે. તેમણે એક કિસ્સો પણ શેર કર્યો. 'એક વિદ્યાર્થિનીએ ઇન્ટર્નશિપ માટે ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કર્યું હતું. જેના પછી તેને ઇન્સ્ટાગ્રામ પર એક કંપની મળી હતી. એ કંપનીમાંથી રિસ્પોન્સ આવ્યો હતો અને એક લિંક મોકલીને તેના પર 5 હજાર રૂપિયા ભરવાનું કહેવાયું હતું. કંપનીએ તેને કહ્યું હતું કે તમે પૈસા ફભરો પછી તમને 6 મહિના માટે ઇન્ટર્નશિપ કરાવીશું અને સર્ટિફિકેટ પણ આપીશું. ચોંકાવનારી બાબત તો એ હતી કે એ કંપનીમાં ઘણા સરકારી લોગો પણ હતા.' 'આ બધું જોઇને વિદ્યાર્થિનીએ 5 હજાર રૂપિયા ભરી દીધા. જેના પછી તેને ફરી મેસેજ આવ્યો કે રનિંગ પ્રોસેસ માટે તમારે બીજા 2 હજાર રૂપિયા ભરવાના છે. એટલે વિદ્યાર્થિનીએ 2 હજાર રૂપિયા પણ ભરી દીધા. આમ ધીરે ધીરે તેની પાસે જેટલા રૂપિયાની માગણી કરાતી હતી એટલા રૂપિયા તે ભરતી જતી હતી. તેણે છેલ્લે તો 11 હજાર રુપિયા ભર્યા હતા.' 'આ પછી તેની પાસેના પૈસા ખાલી થઇ જતાં તેણે પૂછ્યું કે મેં આટલા રૂપિયા ભર્યા છે તો હવે હું ક્યારથી ઇન્ટર્નશિપ કરી શકીશ તો કંપનીએ તેને કહ્યું કે જો તમે આગળના પૈસા નહીં ભરો તો તમારૂં એડમિશન કેન્સલ થઇ જશે. વિદ્યાર્થિનીએ કહ્યું કે હવે મારે એડમિશન નથી લેવું તો તેને કંપનીના મેસેજ આવવાના બંધ થઇ ગયા હતા.' 'આ બાબત અમારા ધ્યાનમાં આવી એટલે અમે તેના પર ઇન્વેસ્ટિગેશન કરવાનું શરૂ કર્યું. એ પછી અમે ફરિયાદ કરાવડાવી જેના કારણે તે વિદ્યાર્થીનીએ જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેને ફ્રીઝ થઇ ગયું અને તેના રૂપિયા 60થી 90 દિવસમાં પાછા આવી ગયા હતા.' UPIથી પેમેન્ટ કરતી વખતે શું તકેદારી રાખશો? હાલના સમયમાં નાના ધંધાદારીઓથી લઇને મોટા મોટા મોલમાં પણ UPIથી પેમેન્ટ સામાન્ય થઇ ગયું છે. UPIના ઉપયોગ સમયે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઇએ તે અંગે તેમણે કહ્યું કે, આવી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં ડેટા સબમિટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. જ્યારે તેમાં પાસવર્ડ ક્રિએટ કરો ત્યારે ટુ વે ઓથેન્ટિકેશનવાળો ઓપ્શન ઓન રાખવો જરૂરી છે. જેથી કોઇપણ વ્યક્તિ એટેક કરવાનો પ્રયત્ન કરશે તો તેમાં તેને સફળતા નહીં મળે. વોટ્સએપ પર ચાલી રહેલું સ્કેમ વિનય આસેરીએ હાલમાં વોટ્સઅપમાં ચાલી રહેલા ટ્રેન્ડનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે, એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કોઇ એક કંપનીના 50 વર્ષ પૂર્ણ થયાં છે. તમે તમારી વિગતો ભરી 50 લોકોને શેર કરો તો તમને ફ્રીમાં ફોન કે કંઇક ગિફ્ટ મળશે. તમને જાણીને નવાઇ લાગશે કે આવા મેસેજમાં ઓછા શિક્ષિત લોકો ફસાવાની જગ્યાએ સૌથી વધારે ફસાનારા લોકો શિક્ષિત છે. આ મોટું સ્કેમ છે. સાયબર ફ્રોડ કરનારી ગેંગ એક ડમી વેબસાઇટ કે પછી એપ્લિકેશન બનાવી લે છે. એક વાર તેના પર ક્લિક કરવાથી તેમાં મોનેટાઇજેશન શરૂ થઇ જાય છે એટલે આવી કોઇ લિંક કે વેબસાઇટનો ઉપયોગ કરવાથી બચવું જોઇએ. તેમણે ઉમેર્યું કે, સાયબર સિક્યોરિટીની દુનિયામાં કોઇપણ સિસ્ટમ કે નેટવર્ક કેટલું સુરક્ષિત છે તે તપાસવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવે છે. આ ટીમોને રંગોના આધારે ઓળખવામાં આવે છે. સિક્યોરિટી ઓપરેશન સેન્ટરની સ્થાપના પ્રિન્સિપાલ પ્રો.ડૉ.શૈલેષ ઐયરે ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત અને તેમાં અપાતી તાલીમ, સિક્યોરિટી ટૂલ્સની વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, 2023માં આ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી હતી. જેની માન્યતા(Affiliation) નેશનલ ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટે આપી છે. વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરિટી અને ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન મળે તે હેતુથી જ અમે અહીં આ જ્ઞાન આપવાની શરૂઆત કરી. સંસ્થા પાસે આધુનિક ટેકનોલોજી આ ઇન્સ્ટિટ્યૂટ પાસે એવી પણ ટેકનોલોજી છે જેનાથી જાણી શકાય છે કે વિશ્વમાં કઇ જગ્યાએથી સાયબર એટેક થઇ રહ્યો છે. વિનય આસેરીએ કહ્યું, સાયબર સિક્યોરિટીમાં અમારી પાસે લેબ ઉપરાંત લાયસન્સ ટૂલ્સ અને ઓપન સોર્સ ટૂલ્સવાળું એક સેટઅપ પણ છે. અહીં અમે શોક લેબોરેટરી પણ તૈયાર કરી છે જેમાં હાઇટેક સિસ્ટમ મૂકી છે. જેના કારણે વિશ્વમાં કઇ જગ્યાએથી કઇ જગ્યાએ સાયબર એટેક થઇ રહ્યો છે તે પણ જોઇ શકાય છે. એટલું જ નહીં તેના આધારે કોઇ જગ્યાએ એટેકને રોકવો હોય તો તે પણ કરી શકાય છે.આ તમામ વસ્તુઓ SOC લેબમાં કરવામાં આવે છે. 'SOC લેબમાં અમે વિવિધ પ્રકારના સાયબર એટેકનું એડવાન્સ લેવલ પર એનાલિસિસ કરીએ છીએ. જેના પછી એ એટેકને રોકવા માટેની પણ વિવિધ ટેકનિક્સ અપનાવીએ છીએ. અમારી ડિજિટલ ફોરેન્સિક લેબમાં એ પણ એનાલિસિસ કરીએ છીએ કે જો કોઇ ફોન મળે તો તેમાં કેવા કેવા પ્રકારના ડેટા રહેલાં છે. આ ડેટા પરથી એનાલિસિસિ કરીએ છીએ જેનાથી એ વ્યક્તિનું કેવા પ્રકારનું ક્રિમિનલ માઇન્ડસેટ છે તેની પણ ખબર પડે છે.' 80થી વધુ સાયબર સિક્યોરિટી ટૂલ્સ હાલમાં સ્કૂલ, કોલેજ અને જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળે છે સાથે જ સાયબર એટેક પણ થાય છે. જેને અટકાવવા કેવા પ્રકારની તાલીમ અપાય છે તે અંગે પ્રો.ડો.ઐયરે કહ્યું કે, કોવિડ પહેલાં ઓનલાઇનનો ઉપયોગ ઓછો થતો હતો. હવે બાળકોના શિક્ષણથી માંડીને ઓફિસનું કામ પણ ઓનલાઇન મોડ પર આવી ગયું છે. અમે હવે સ્કૂલોમાં કેમ્પ કરીને એ લોકોને સમજાવીએ છીએ કે તમે કેવી રીતે તમારા ફોનને, સોશિયલ મીડિયાને સેફ રાખી શકો છો. આ માટે અમારી પાસે લેબ છે, ટેક્નોલોજી છે. 80 થી વધારે સાયબર સિક્યોરિટી ટૂલ્સ પણ છે. અમે સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટને પણ તાલીમ આપી છે. 'અમે કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ એકદમ નિઃશુલ્ક કર્યા છે. જે લોકો આ અંગે જ્ઞાન લેવા માંગે છે તેમને અમે આપીએ છીએ. જે લોકો હાઇ સિક્યોરિટી સાથે જોડાયેલા છે તેમના માટે અલગ અલગ પ્રકારના સેશન્સ ગોઠવીને તાલીમ આપીએ છીએ. આ માટે અમે આંતરરાષ્ટ્રીય લેવલના પ્રોફેસર પણ હાયર કર્યાં છે.' આજના સમયમાં ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ જોખમી પણ સાબિત થઇ શકે છે. સાયબર ઠગ હવે હાઇટેક બની ગયા છે ત્યારે આપણે પણ સ્માર્ટ બનવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ઉતાવળે આંબા ન પાકે:જલ્દી શ્રીમંત થવા માટે ગરીબ વ્યક્તિને શોર્ટકટ લેવો ભારે પડ્યો, જાણો ચમત્કારી ઘડાની પ્રેરકકથા
    Next Article
    સુવેન્દુ અધિકારીને જીતાડવામાં આ ગુજરાતીનો હાથ:અશોક ચૌધરીએ કહ્યું- 'અમે બંગાળમાં જીવના જોખમે પ્રચાર કર્યો, દરરોજ સાંજે અમને ગુજરાતી પરિવારોએ પ્રેમથી જમાડ્યા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment