Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીના સુખપુરમાં જંગલી ભૂંડનો આતંક:ખેતરમાં ભેંસો ચરાવતા આધેડ પર હુમલો કર્યો, સાથળ અને માથાના ભાગે ભર્યા બચકાં

    2 days ago

    ​જુનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં અત્યાર સુધી માત્ર સિંહ અને દીપડા જેવા હિંસક વન્ય જીવોનો ત્રાસ હોવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે વંથલી નજીકના સુખપુર વિસ્તારમાં જંગલી ભૂંડોનો આતંક પણ ચરમસીમાએ પહોંચ્યો છે. સુખપુર ગામના નદી કિનારે પશુ ચરાવી રહેલા એક આધેડ પર જંગલી ભૂંડે અચાનક જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આધેડે ​સ્વબચાવ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા સુખપુર ગામના કાનભાઈ બચ્ચુભાઈ બારૈયા સવારના આશરે દસ વાગ્યાના સુમારે નદી કિનારે આવેલા ખેતર વિસ્તારમાં પોતાની ભેંસો ચરાવી રહ્યા હતા. આ સમયે કોઈ કંઈ સમજે તે પહેલા અચાનક એક કદાવર જંગલી ભૂંડે કાનભાઈ પર ધસી આવી હુમલો કરી દીધો હતો. જંગલી ભૂંડ એટલું હિંસક બન્યું હતું કે તે સીધું જ કાનભાઈના શરીર પર ચડી ગયું હતું. આ હુમલા દરમિયાન હિંસક પશુએ તેમના સાથળના ભાગે ગંભીર રીતે બચકાં ભરી લીધા હતા અને માથાના ભાગે પણ જોરદાર ઈજાઓ પહોંચાડી હતી. કાનભાઈએ સ્વબચાવ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને પગલે ભૂંડ નાસી છૂટ્યું હતું. લોહીલુહાણ હાલતમાં કાનભાઈને તાત્કાલિક હોસ્પિટલે સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસક ભૂંડને પકડીને પાંજરે પૂરવાની માગ ​ઇજાગ્રસ્ત કાનભાઈ બચ્ચુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, હું સુખપુર ગામનો વતની છું. હું સવારે ખેતરમાં ભેંસો ચરાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક એક જંગલી ભૂંડ મારી પાછળથી આવ્યું અને મારા પર હુમલો કરીને માથે બેસી ગયું હતું. તેણે મને પછાડી દીધો અને માથાના ભાગે જોરદાર ઘા મારીને માથું ચીરી નાખ્યું છે. આ હુમલામાં મને સાથળના ભાગે પણ ભૂંડે દાંત બેસાડી દીધા છે અને ગંભીર ઈજા કરી છે. આ ઘટના સવારે દસેક વાગ્યાની આસપાસ બની હતી જ્યારે હું ભેંસો ચરાવતો હતો. અહીં આ વિસ્તારમાં જંગલી ભૂંડોનો દુનિયાભરનો ત્રાસ છે અને તે ઘણા સમયથી છે. અત્યારે હું દવાખાને સારવાર લઈ રહ્યો છું અને મારી એક જ માંગ છે કે આ હિંસક ભૂંડને ગમે તેમ કરીને પકડવામાં આવે અથવા પાંજરે પૂરવામાં આવે. ​ખેડૂતો અને પશુપાલકો ખેતરે જતા પણ ફફડાટ અનુભવી રહ્યા છે સુખપુર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં જંગલી ભૂંડોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે ખેડૂતો અને પશુપાલકો ખેતરે જતા પણ ફફડાટ અનુભવી રહ્યા છે. અગાઉ માત્ર સિંહ-દીપડાથી ડરતા લોકો હવે જંગલી સુવરના હુમલાથી પણ ચિંતિત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જંગલી ભૂંડો ખેતીના પાકને નુકસાન પહોંચાડવાની સાથે હવે માનવો પર પણ હુમલા કરવા લાગ્યા છે. વહીવટી તંત્ર અને વન વિભાગ આ બાબતે ગંભીરતા દાખવે અને માનવ જિંદગી જોખમાય તે પહેલા આવા હિંસક પ્રાણીઓને પકડીને અન્યત્ર ખસેડે એવી ઉગ્ર માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રાજકીય ઘમાસાણ:કોંગ્રેસની સચિવાલય કૂચ, રોટેશન નિયમમાં હસ્તક્ષેપનો આક્ષેપ
    Next Article
    સોમનાથમાં 11 મેના રોજ સ્વાભિમાન પર્વ ઉજવાશે:PM મોદી રોડ શો, કુંભાભિષેક અને જનસભાને સંબોધિત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment