Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપાના ભૂગર્ભ ગટરના કામમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ:એજન્સીએ ખોટા બિલ રજૂ કર્યાના સજ્જડ઼ પુરાવા છતા કોર્પોરેશનના આંખ આડા કાન, જેની સામે તપાસ તેને જ તપાસ સોંપી!

    6 days ago

    જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. ભાજપના આગેવાન દ્વારા જ RTI કરી વિગત માંગવામાં આવતા કરોડોના પ્રોજેક્ટમાં ચાલી રહેલી લાલિયાવાડી ખુલ્લી પડી છે. ભાજપ આગેવાને આક્ષેપ કર્યો છે કે, ભૂગર્ભ ગટરનું કામ કરી રહેલી એજન્સી દ્વારા જે પેઢીના બિલ રજૂ કરવામાં આવ્યા છે તેમાંના કેટલાક બિલ ખોટા છે. જે પેઢીના બિલ રજૂ કરાયા છે તે પેઢીએ પોતાના બિલ હોવાનો ઈન્કાર કર્યો છે. આ મામલે પોલીસે અને અરજદાર દ્વારા કોર્પોરેશનને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી હોવા છતા કોઈ કાર્યવાહી ન થતા આશ્ચર્ય સર્જાયું છે. ભૂગર્ભ ગટરની કામગીરીના અનેક ખોટા બિલો રજૂ કરાયા- નરેશ ડવ ​આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને જાગૃત નાગરિક નરેશભાઈ ડવે જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી હતી જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મનપા દ્વારા આપવામાં આવેલા અંદાજે 12 હજાર જેટલા કાગળોની ચકાસણી કરતા સામે આવ્યું છે કે, ભૂગર્ભ ગટરના કામમાં મોરબી, ટંકારા, મહેસાણા અને વિજાપુર જેવી દૂરની પેઢીઓના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પૈકીના મોટાભાગના બિલો નકલી છે અને તેમાં જીએસટી નંબરનો પણ ઉલ્લેખ નથી. જ્યારે આ પેઢીઓના માલિકોનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બિલો તેમના નથી અને તેમણે જૂનાગઢ મહાનગરપાલિકાને ક્યારેય કોઈ માલસામાન સપ્લાય કર્યો નથી. આ બાબત સાબિત કરે છે કે સરકારી નાણાંનો વ્યય કરવા માટે બોગસ બિલોનું આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. જૂનાગઢ પોલીસની લેખિત રજૂઆત બાદ પણ પોલીસ ફરિયાદ નહીં ​ભ્રષ્ટાચારના આ આક્ષેપોમાં વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડાની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જાગૃત નાગરિકનો એવો દાવો છે કે અધિકારીઓની મિલીભગત વગર આવડું મોટું કૌભાંડ શક્ય નથી. નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવા છતાં અને અન્ય જિલ્લાની પોલીસે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસને લેખિતમાં જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. પોલીસ વિભાગ દ્વારા એવું બહાનું કાઢવામાં આવી રહ્યું છે કે આ મનપાનો આંતરિક વિષય છે અને કમિશનરની સૂચના બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર આ બાબતે અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. કમિશનરે જણાવ્યું કે તેમની પાસે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ આવી નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે અરજદારે ઈ-મેઈલ દ્વારા અને અન્ય માધ્યમોથી અનેકવાર રજૂઆતો કરી છે. જે એજન્સી સામે આક્ષેપો થયા તેને જ તપાસ સોંપવામાં આવી! ​તંત્રની કામગીરી પર બીજો મોટો સવાલ એ ઉભો થાય છે કે કમિશનર દ્વારા આ મામલાની તપાસ 'સવજાણી કંપની' ને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની પોતે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે કે પીએમસી તરીકે કામ કરી રહી છે જેની જવાબદારી કામ પર દેખરેખ રાખવાની હતી. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે જે કંપનીના નાકની નીચે આ ભ્રષ્ટાચાર થયો છે તેને જ તપાસ સોંપવી એ ગુનેગારને જ ન્યાયાધીશ બનાવવા સમાન છે. આ ઉપરાંત ગટરમાં હાઈડ્રોલિક ડિઝાઇનનો અભાવ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો ડિઝાઇન યોગ્ય રીતે કરવામાં આવી હોત તો માંગનાથ રોડ અને કડિયાવાડ જેવા વિસ્તારોમાં ગટરના પાણી રોડ પર ફરી ન વળ્યા હોત. આવનારા ચોમાસામાં પણ જૂનાગઢના નાગરિકોએ હાલાકી ભોગવવી પડશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ફેઝ-2ના 450 કરોડના કામમાં 150 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ ​રેતી, કપચી અને લોખંડ જેવા મટીરીયલના બિલોમાં પણ મોટી ગેરરીતિ થઈ હોવાનું અનુમાન છે કારણ કે વારંવાર માંગણી કરવા છતાં આ બિલો પૂરા પાડવામાં આવ્યા નથી. માટી ખોદાણની રોયલ્ટી ચોરી કરીને પણ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. એક અંદાજ મુજબ 450 કરોડના ફેઝ-2 ના કામમાં આશરે 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા મેઝરમેન્ટ બુક એટલે કે એમબીના આધારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતે વધુ માહિતી માંગવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા 'રેકોર્ડ ઉપલબ્ધ નથી' તેવા ગોળ-ગોળ જવાબો આપીને માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના જ કાર્યકર દ્વારા પોતાની જ સરકારના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે જૂનાગઢના કમિશનર આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં ભરે છે કે પછી આ મામલો પણ દબાવી દેવામાં આવે છે. જે પેઢીના બિલ મૂકાયા તે પેઢીએ પોતાના બિલ હોવાનો ઈન્કાર કર્યો! ​જૂનાગઢના રહેવાસી અરજદાર નરેશભાઈ ગોવિંદભાઈ ડવે માહિતીના અધિકાર હેઠળ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ભૂગર્ભ ગટરના કામોના બિલોની વિગતો મેળવી હતી. આ બિલોની તપાસ દરમિયાન તેમને જણાયું હતું કે ટંકારા વિસ્તારમાં આવેલી પેઢીઓ જેવા કે બજરંગ સિમેન્ટ પ્રોડક્ટ, ગાયત્રી સિમેન્ટ પાઈપ પ્રોડક્ટ અને ભાવેશ સિમેન્ટ પ્રોડક્ટ્સના નામે જે ડિલિવરી ચલણો રજૂ કરવામાં આવ્યા છે, તેમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયેલ છે. આ શંકાસ્પદ બિલોની ખરાઈ કરવા માટે તેમણે પોલીસ તપાસની માંગણી કરી હતી, જેના અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ​તપાસ દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજાએ અરજદાર નરેશભાઈનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે કોર્પોરેશન દ્વારા અપાયેલા બિલોમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા ત્રણેય કારખાનાના માલિકોના નિવેદનો પણ લીધા હતા. હડમતીયા ગામના સિદ્ધાર્થભાઈ દેવકરણભાઈ મેરજા અને જયદીપભાઈ દેવકરણભાઈ મેરજા તેમજ લલિતભાઈ અમરશીભાઈ ભાલોડિયાએ પોતાના નિવેદનોમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા બિલ કે ચલણ તેમના કારખાનાના નથી. તેમણે જે-તે સમયના પોતાના અસલી ડિલિવરી ચલણોની નકલો રજૂ કરી સાબિત કર્યું હતું કે કોર્પોરેશનમાં રજૂ થયેલા દસ્તાવેજો બનાવટી છે. ​આ ગંભીર કૌભાંડની વિગતો સામે આવતા ટંકારા પોલીસે બહુસ્તરીય કાર્યવાહી કરી હતી. પોલીસે સહાયક રાજ્ય વેરા કમિશનર (GST) મોરબીને પત્ર લખી આ બિલોની ચકાસણી કરવા અને તેનો GST વેરો ભરાયો છે કે કેમ તે બાબતે તપાસ કરવા વિનંતી કરી હતી. આ સાથે જ સમગ્ર કૌભાંડ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલું હોવાથી અને આક્ષેપો બનાવટી દસ્તાવેજો ઊભા કરવા બાબતે હોવાથી, ટંકારા પોલીસે તમામ નિવેદનો અને પુરાવાઓ સાથેનો અહેવાલ જૂનાગઢ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને ઘટતી કાર્યવાહી માટે મોકલી આપ્યો હતો. ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રાથમિક તપાસમાં તમામ ડિલિવરી ચલણો બોગસ સાબિત થયા હતા. ​જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને મોકલેલા અહેવાલમાં જણાવ્યું છે કે, શહેરના જાગૃત નાગરિક નરેશભાઈ ગોવિંદભાઈ ડવ દ્વારા કરવામાં આવેલી અરજીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ 2023થી ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાના ફેસ-૨ના કામમાં અમદાવાદની પી.સી. સ્નેહલ કન્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીએ કામ દરમિયાન કોર્પોરેશનમાં રજૂ કરેલા ડિલિવરી ચલણો બનાવટી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. કમિશનરને કહ્યું- 'હજી સુધી મને લેખિત ફરિયાદ મળી નથી' જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે કહ્યું હતું કે, હાલમાં જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગેની કોઈ લેખિત ફરિયાદ હજુ સુધી તેમની પાસે આવી નથી. જોકે, તેમણે ખાતરી આપી હતી કે જેવી તેમની પાસે આ આક્ષેપો અંગેની વિગતો અથવા ફરિયાદ આવશે, તે તરત જ તેની તપાસ કરાવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે કઈ જગ્યાએ અને કઈ બાબતમાં આક્ષેપો છે તે જાણવું જરૂરી છે જેથી ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. ​કામમાં પારદર્શિતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પ્રકારના દરેક કામમાં પીએમસી હોય છે. પીએમસી દ્વારા દરેક કામની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ બિલ રજૂ કરવામાં આવતા હોય છે. તેમણે કહ્યું કે હાલ જે પણ આક્ષેપો થયા છે તેની ચકાસણી કરવામાં આવશે અને જો કંઈ પણ ગેરરીતિ જણાશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વરસાદી આફતનો પ્રકોપ:પોશીનામાં 17 મીમી‎, વિજયનગર, મેઘરજ પંથકમાં વાવાઝોડાથી દેશી કેરીઓનો પાક ખરી પડતાં ખેડૂતોને આર્થિક નુક્સાન
    Next Article
    લોકો જ નહીં પશુ-પક્ષીઓ પણ બને છે હિટસ્ટ્રોકનો શિકાર:રાજકોટમાં આકરી ગરમીના કારણે રોજના 100 કેસ, અબોલ જીવના મૃત્યુદરમાં પણ 20 ટકાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment