Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયતમાં ટાઈ પડતા ‘આપ’ના સભ્યોના પરબધામમાં શપથ:​જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-આપ વચ્ચે જંગ, પક્ષ પલટો ન થાય તે હેતુથી વિજેતા સભ્યોને લઈને યાત્રાધામ પહોંચ્યા

    2 days ago

    ​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો બાદ હવે સત્તા મેળવવા માટેની ખેંચતાણ તેજ બની છે. ખાસ કરીને જૂનાગઢ તાલુકા પંચાયતમાં રસપ્રદ પરિણામો સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેના ફાળે એકસમાન બેઠકો આવતા સત્તાનું સમીકરણ ગૂંચવાયું છે. આ સ્થિતિમાં પોતાના સભ્યો સુરક્ષિત રહે અને પક્ષ પલટો ન થાય તે હેતુથી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલીયા તમામ વિજેતા સભ્યોને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ પહોંચ્યા હતા. બંને પક્ષના એકસમાન ઉમેદવારો વિજેતા થતા ટાઈ પડી ​જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ બેઠકોમાંથી 23 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મજબૂત હાજરી નોંધાવતા 7 બેઠકો પર વિજય મેળવ્યો છે પરંતુ, સૌથી વધુ રસાકસી જૂનાગઢ તાલુકા પંચાયતમાં જોવા મળી છે. અહીં ભાજપના 9 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 9 ઉમેદવારો વિજેતા જાહેર થતા ચૂંટણીમાં ટાઈ પડી છે. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોવાથી આગામી સમયમાં શાસન કોણ સંભાળશે તે અંગે અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. ​જનતાએ ભરોસો મૂક્યો તેમાં કાચા ન પડીએ તે માટે દર્શન કરવા આવ્યા આ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે આમ આદમી પાર્ટીને પોતાના સભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે. આ ભયને દૂર કરવા અને સભ્યોની વફાદારી અકબંધ રાખવા માટે ગોપાલ ઈટાલીયા આજે તમામ વિજેતા ઉમેદવારોને લઈને ભેંસાણ તાલુકાના પરબધામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં પરબના પીરના દર્શન કર્યા બાદ ઈશ્વરની સાક્ષીએ તમામ સભ્યોને પક્ષ પ્રત્યે વફાદાર રહેવા માટેના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જનતાએ જે ભરોસો મૂકીને 5 વર્ષની જવાબદારી સોંપી છે, તેમાં ક્યાંય પણ કાચા ન પડાય તે માટે અમે આ પવિત્ર જગ્યાએ આશીર્વાદ લેવા આવ્યા છીએ. ​પીરને માથુ ટેકવી સોગંદ લીધા બાદ કોઈ પક્ષમાં દ્રોહ નહીં કરે એવી ખાતરી પરબધામના પ્રાંગણમાં આયોજિત આ શપથવિધિમાં ગોપાલ ઈટાલીયાએ સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણીમાં ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની સ્પષ્ટ બહુમતી નથી. આવા સંજોગોમાં વિરોધ પક્ષો દ્વારા લોભ કે લાલચ આપવાના પ્રયાસો થઈ શકે છે. પરંતુ પરબના પીરને માથું ટેકવ્યા પછી અને અહીં સોગંદ લીધા પછી કોઈ સભ્ય પક્ષ સાથે દ્રોહ નહીં કરે એવી અમને ખાતરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઈશ્વરના ગુનેગાર થવું એ કોઈ પણ વ્યક્તિ માટે સારી બાબત નથી અને અમારા તમામ સભ્યો જનતાના મતનું સન્માન જાળવી રાખશે. ​આ તકે માંખીયાળા ગામના વિજેતા સભ્ય હિતેશ ગજેરા સહિતના તમામ 9 સભ્યોએ એકસૂરે શપથ લીધા હતા કે, તેઓ કોઈપણ પ્રકારના નાણાકીય પ્રલોભન કે પદની લાલચમાં આવ્યા વિના આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને પાંચ વર્ષ સુધી માત્ર પ્રજાના કામોને જ પ્રાથમિકતા આપશે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જૂનાગઢના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય જનતા સિસ્ટમથી હતાશ, તોડજોડની નીતિ હવે કામ નહીં કરે ​ગોપાલ ઈટાલીયાએ તમામ સભ્યોનો આભાર માનતા ઉમેર્યું હતું કે અત્યારનો સમય ખૂબ જ મુશ્કેલ છે અને સામાન્ય જનતા સિસ્ટમથી હતાશ છે, ત્યારે આ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની આશાનું કિરણ બનશે. આમ આદમી પાર્ટીએ આ શપથવિધિ દ્વારા ભાજપને સીધો સંદેશ આપ્યો છે કે તેમના સભ્યો અકબંધ છે અને કોઈપણ તોડજોડની નીતિ અહીં કામ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન કોના હાથમાં જાય છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 1લી મે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ટાવર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સને કારણે નિર્ણય
    Next Article
    રાજકોટમાં હીટવેવ સામે સ્માર્ટ પ્લાન:મનપાએ 1.5 લાખ લોકોને મેસેજ કરી ગરમીથી બચવાનાં ઉપાયો જણાવ્યા, LED ડિસ્પ્લેથી જાગૃતિ અભિયાન; ટૂંક સમયમાં ORS વાન કાર્યરત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment