Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...

    2 days ago

    પહેલી મેએ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઊજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાતનું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વ રાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે. સુરતનું સ્મરણ તો એક મહાગાથા છે, પણ આપણે તેમાંની કેટલીક એવી ઘટનાઓનું સ્મરણ કરીએ જેની નોંધ ઓછી લેવામાં આવી છે. 1857નું સુરત. એ વિપ્લવ વર્ષનું ઝાંસી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અદભુત શૌર્ય વિષે તો સુભદ્રા કુમારી ચૌહાણે લખ્યું હતું, ‘બુંદેલે હર બોલો કે મુખ હમને સૂની કહાની થી, ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાની થી…’, પણ, મગદલ્લાની બહાદુર માછીમાર મહિલાએ બ્રિટિશ સોલ્જરને આરપાર વીંધી નાખ્યો, તેની કવિતા લખીને સુરતના હરિલાલ રાણાએ જેલ ભોગવી હતી, તેમાં લલકાર્યું હતું: અમર શહાદત યાદ કરું, આંખોમાં આવે પાણી, શિયળ કાજે, શહીદ થઈ, મગદલ્લાની મરદાની! આ કવિએ 2 દીર્ઘ કવિતાઓ 1857ના સુરત વિશે લખી હતી. જમના, ખલાસીણી યુવાન પુત્રી, બ્રિટિશ સોલ્જરો તેના પર તૂટી પડ્યા. ભીમપોર ડુમ્મસથી આવેલી આ ટુકડીને સૂચના હતી કે એવો કાળો કેર વરતાવો કે પ્રજા ફિતૂર (વિપ્લવને બ્રિટિશરોએ ફિતૂર નામ આપ્યું હતું.) કરતી બંધ થઈ જાય. જમના ભેખડ પરથી તાપી નદીમાં ભૂસકો મારવા જાય તે પહેલાં એક હવસખોર સિપાહીએ તેને પકડી લીધી. જમનાને ઢસડીને તે બીજા વરુ સિપાહીઓ પાસે લઈ જવા માગતો હતો, પણ આ માછીમાર સ્ત્રીએ એ સોલ્જરની સાથે જ તાપીમાં ભૂસકો માર્યો. માંડ તેણે કિનારા તરફ પહોંચવા પ્રયાસ કર્યો, જમના લંડનમાં બેઠેલા બાપદાદાઓ પણ યાદ કરે તેવો બોધપાઠ આપવા માંગતી હતી. સોલ્જરના ગળે જમનાએ પોતાના નખથી હુમલો કર્યો. જાણે શિવાજી મહારાજના વાઘ-નખ! પેલાની જીભ બહાર નીકળી ગઈ, સોલ્જરના શ્વાસ અટકી ગયા. લોહીલુહાણ મૃતદેહ તાપીના જળ પર વહેવા લાગ્યો. કિનારે ઊભેલા બ્રિટિશ સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો, જમનાએ બંદૂકની ગોળીઓ ઝીલી. પણ ક્યાં સુધી તે લડી શકે? તે પણ કિનારે પહોંચે તે પહેલાં તેણે તાપીના જળમાં મોતની સમાધિ લીધી. ‘અંગ્રેજોના અત્યાચારની લાવણી’ અને ‘1857ના સામેનું સુરત’ આ બે કાવ્યો કવિ હરિલાલનાં. સુરતનિવાસી મિત્રો, વીર નર્મદની જેમ હરિલાલને અને મગદલ્લાની મરદાની જમનાને યાદ રાખવા જોઈએ કે નહિ? તેમનું કોઈ સ્મારક ખરું? સુરતમાં રાજ્ય સ્થાપના દિવસે યાદ કરવા જેવું ઘણું છે. ‘સ્વરાજ’ શબ્દ સૌથી પહેલાં સુરતે આપ્યો. 1844માં- ગાંધીજીની લડતની પૂર્વે- મીઠાના કાનૂનની સામે હડતાળ પડી, 80,000 નાગરિકો અને વેપારીઓ મેદાને પડ્યા. 1848માં નવાં તોલમાપ સામે ગુસ્સો સામૂહિક બન્યો. 1860માં આવકવેરાનો વિરોધ થયો. 1878માં લાઇસન્સ ટેક્સમાં હુલ્લડ થયું. કેટલાકને કાળા પાણીની સજા થઈ. બે પત્રકાર તંત્રી સહિતના 6 આગેવાનોને સુરત હુલ્લડ કેસમાં જેલવાસી કરાયા. છેવટે નિર્દોષ છૂટ્યા. 1857માં સૈયદ સાદત અલીને નાનાસાહેબ પેશ્વાના સાગરીત તરીકે અને શાયર તરીકે 1871ની 8મી એપ્રિલે ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યો. સુરતના આર્યસમાજી શિક્ષક હરિશંકર ત્રવાડી અને સદાશિવ ત્રવાડી તો ઝાંસી રાણીની સેનામાં સામેલ થયા હતા. તાત્યા ટોપે છેક સોનગઢ સુધી ભીલ સેના બનાવીને 1857નું અંતિમ યુદ્ધ લડવા આવ્યો હતો. સોનગઢથી બાગલાણ સુધી ભીલોએ બ્રિટિશ સેના સામે યુદ્ધ કર્યાં હતાં. તાત્યા સરભણ સુધી પહોંચ્યા પણ અનાવિલ સમાજે મદદ ના કરી. કવિ નર્મદનો સંબંધ બાવા કિસનદાસ સાથે હતો, કિસનદાસ પંજાબી હતા. સુરતમાં 1857માં ભાગ લીધો. નર્મદે ઓખા-દ્વારિકાના વીર વાઘેરો વિષે કાવ્ય લખ્યું. સુરતનો સંબંધ ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ બંને પ્રાણવાન સૂત્રોની સાથે છે. 1907માં સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું તેમાં પહેલીવાર ભાગલા પડ્યા. એક વર્ગ 1885થી, કોંગ્રેસના જન્મવર્ષથી જ અંગ્રેજો અને સરકારની સાથે સંબંધ રાખીને, આવેદન પત્રો આપીને વિનીત વલણ રાખવા માંગતા હતા. પણ લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ, ભગતસિંહના કાકા સરદાર અજીતસિંહ વગેરે ખુલ્લી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામના હિમાયતી હતા. 1907માં અરવિંદ અને તિલક સુરત આવ્યા હતા, ફ્રેંચ ગાર્ડન, ઘી કાંટા વાડી, દશા લાડ વણિક વાડી, શેઠ તૈયાબજીનો બંગલો, બાલાજીનો ટેકરો, હરિપુરા, એન્ડ્રુઝ લાઇબ્રેરી આ બધાં સ્થાનોએ સ્વાધીનતાનો નાદ ગાજ્યો હતો. સુરતથી સાવ નજીક હરિપુરા છે, બારડોલી છે. હરિપુરામાં સુભાષચંદ્ર બોઝ અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. તે વર્ષ હતું 1938નું. જયંતીભાઈ પટેલે અહીં સુભાષ-સ્મૃતિ માટે ઘણી સક્રિયતા દાખવી હતી. કેટલાંક મકાનો હજુ ત્યાં ગાંધીજી, સરદાર, સુભાષના નિવાસ હતા તેનાં સાક્ષી છે, વાંસદાના મહારાજા ઇંદ્રવિજય સિંહજીએ સુભાષબાબુ માટેનો રથ તૈયાર કરાવીને આપ્યો હતો. આવું જ પ્રેરણાસ્થાન બારડોલીનો સ્વરાજ આશ્રમ છે. નિરંજનાબહેન કલાર્થી તેના સૂત્રધાર છે. ઇતિહાસ માત્ર પાઠ્યપુસ્તકનાં પાનાં પૂરતો સીમિત રહેવો જોઈએ નહિ. વિસ્મૃતિના અભિશાપમાંથી મુક્ત થવું એ જ ઇતિહાસબોધ છે.
    Click here to Read More
    Previous Article
    ઓક્સિજન:જેવા સાથે તેવા
    Next Article
    ક્રાઇમ સિક્રેટ:8 મૌન સાક્ષી, 1 ભયાનક ફરિયાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment