Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:પરીક્ષાની તૈયારી પરીક્ષા પહેલાં

    5 days ago

    ઉત્સવ પરમાર મોરબી હળવદના ઈશ્વરનગર ગામનો છોકરો સાવન સરાવાડીયા. પિતા ખેડૂત ને માતા ગૃહિણી. દસમા ધોરણ સુધી ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કર્યો. મોરબીની લખધીરસિંહજી કોલેજથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ગામડેથી જ કોલેજ આવ-જા થતી. કોલેજમાં અભ્યાસ ચાલતો હતો ત્યાં જ વિસ્તારના રોહિત અઘારા જી. પી. એસ. સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે છે. તેમની પ્રેરણાથી સિવિલ સેવામાં જોડાવાનું મન થયું. મોરબીની બહાર તો હજી નીકળ્યા નહોતા. જો આગળ પ્રવાસ કરવો હોય તો નાનકડા કુંડાળામાં ગોઠવાયેલી સુવ્યવસ્થિત જિંદગીને ક્યારેક તો ધક્કો મારવો પડે. ઘરનું ફળિયું ને શેરીઓ છોડીને સાવનભાઈ અમદાવાદ આવી ગયા. ‘અમદાવાદ મારા માટે નવું શહેર હતું. નવા પડકારો સામે હતા. સ્કૂલમાંથી એક જ વાર પિકનિક માટે આવેલો. કલ્ચરલ શૉક પણ હતો જ પણ ધીરે ધીરે નવા શહેર સાથે તાલમેલ બેસાડી દીધો. મારા શરૂઆતના પ્રયાસોમાં રણનીતિ અને આયોજનનો અભાવ હતો. માર્ગદર્શન મર્યાદિત હતું. આટલા વ્યાપક સ્તરે લેવાતી પરીક્ષામાં પરીક્ષકો શું ઈચ્છે છે એ સમજતા જ સમય પસાર થઇ ગયો અને મારી યાત્રા લાંબી ચાલી. શરૂઆતના તબક્કાઓમાં નિષ્ફ્ળતાઓ પણ મળી.’ પણ સાવનભાઇ ભૂલોમાંથી એ શીખ્યા કે રણનીતિ જરૂરી છે. જેમ કે મેન્સની તૈયારી પ્રીલિમિનરીની પહેલાં જ કરી દેવી જોઈએ. અથવા સાથે સાથે કરવી જોઈએ. સામાન્ય રીતે મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં જ પ્રીલિમિનરી હોય છે, એટલે ફેબ્રુઆરી મહિના સુધી મેન્સની તૈયારી કરી શકાય.’ યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાની તૈયારીમાં પરિણામ તાત્કાલિક નથી મળતું, એટલે તૈયારી દરમિયાન થતી ભૂલો પણ તરત ખબર નથી પડતી. એમ સમજો કે આખું ઘર તૈયાર થાય પછી જ તિરાડનાં સરનામાં મળે, ત્યાં સુધી તો ઘર બનાવ્યે જ રાખવાનું. આવું ઘર મજબૂત બને એ માટે એક ચુસ્ત નકશો જોઈએ જ. સિવિલ સેવા પરીક્ષાની તૈયારી પણ આવા જ આગોતરાં આયોજનો પર ટકેલી છે. ‘યુ. પી. એસ. સી.ની તૈયારી કરાવતી સંસ્થાઓમાં મને તૈયારી કરતા વિજય ઇટાલિયા જેવા વરિષ્ઠ ઉમેદવારોનો સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું એટલે હું ભૂલો સુધારતો ગયો.’ સફળતા-અસફળતાની સાપસીડીની રમત ચાલતી રહી. સાથે રાજ્યકક્ષાની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રહી. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટર , આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટીની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. અંતે રાજ્ય જીએસટી વિભાગમાં ફરજ બજાવી. ‘મેન્સમાં મારો મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ હતો. મેં તેના માટે કોઈ વ્યાવસાયિક કોચિંગ નહોતું લીધું. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) ના આ વિષય સંબંધિત પુસ્તક વાંચ્યાં હતાં. ઇન્ટરનેટની મદદ લીધી હતી.’ ‘તૈયારી લાંબી ચાલી. નિષ્ફ્ળતાઓ મનોબળ તોડી શકે છે. પણ એવું પણ નહોતું કે સિવિલ સેવા પરીક્ષા નહીં થાય તો જીવનમાં આપણે બીજું કઈ જ નહીં કરી શકીએ. બીજું તૈયારી દરમિયાન એટલા બધા વિષયોનું ભાથું તૈયાર થાય છે કે જાહેરજીવનનાં અન્ય ક્ષેત્રો માટે પણ આપણે તૈયાર થઇ જઈએ છીએ. મેં તૈયારી કરતાં કરતાં જ એક તબક્કા પછી કોચિંગ આપવાનું પણ શરૂ કર્યું. મારો ખર્ચ નીકળી જતો. બસ! મેં હાર માન્યા વિના સતત આગળ વધવાનું ચાલુ રાખ્યું.’ તે પર્સનાલિટી ટેસ્ટનો તબક્કો આવ્યો. સૌરાષ્ટ્રના નાનકડા ગામડાથી યુ. પી. એસ. સી. ભવનના દરવાજા સુધી પહોંચવાની યાત્રા ઘણી લાંબી હતી. મોરબીની પૃષ્ઠભૂમિ હોવાથી મોરબી વિશે સવાલો પૂછવામાં આવ્યાં. જી. એસ. ટી. વિભાગ સાથે સંબંધ હોવાથી ટેક્સ વ્યવસ્થા અંગેના પ્રશ્નો પુછાયા. ભારતની વિદેશ નીતિ તેમજ ટ્રેડ વૉરની ગુજરાતના ઉદ્યોગો પર અસર તેવા સવાલો પૂછવામાં આવ્યા. અંતિમ પ્રયાસની તીવ્રતા સાવન સરાવાડીયાને લક્ષ્યવેધ સુધી લઇ ગઈ. 2025ની સિવિલ સેવા પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 292. સાવનભાઈ કહે છે, ‘પોતાની જાત પર વિશ્વાસ રાખવો એ જ આ યાત્રામાંથી હું શીખ્યો છું. પોતાની ક્ષમતા પર ભરોસો હશે તો ગમે તેવી મુસીબત કે પડકારનો સામનો કરી શકાશે.’ ગામડાની માટી લોહીમાં ભરીને રાષ્ટ્રીય ફલક પર આગળ વધતા સાવનભાઈનો ભારત માટે એક જ વિચાર છે - અંત્યોદય એ જ સર્વોદય
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:પરંપરાનો પથ : ચાર ધામથી ચાર દિશા સુધી
    Next Article
    અક્ષરનો અજવાસ:અખાત્રીજ: ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું અનોખું પર્વ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment