Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:અખાત્રીજ: ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું અનોખું પર્વ

    5 days ago

    જયેન્દ્ર સિંહ જાદવ વહેલી પરોઢમાં હળ જોડાય, ક્યાંક ગાડાં જોડાય, બળદોને શણગારવામાં આવે. બેય બળદોની માથે શિંગડાંનાં શિંગરોરિયાં ભરાવાય, માથામાં લેલાવટી અને મખિયાડા નખાય, ગળામાં ઘૂઘરમાળ નખાય, ગલપટ્ટો અને પિત્તળની સાંકળી ભરાવાય, શરીરે મોતી ભરેલ ઝૂલ, પગે તોડા પહેરાવાય અને અખાત્રીજના મુહૂર્તનું ગાડું કે સાંતી જોડાય. અસવાર પણ નહાઇ-ધોઈને તૈયાર થાય. માથે કંકુનો ચાંદલો કરે ને પછી ઘરના બધા સભ્યો પહોંચી જાય સૌ સૌના ખેતરમાં… અખાત્રીજની સવારના પહોરમાં બળદના કંઠે ઘમ-ઘમ થતા ઘૂઘરાનો રણકાર હજુય કાનમાં સંભળાય છે. માઝમ રાતના અંધકારને ચીરીને સૂરજનારાયણ દેખા દે ત્યારે તો ખેતરમાં એયને કુંવારિકા મુર્હૂત કરે. ખેડૂતના ઘરની સ્ત્રીઓ અને કુંવારિકાઓ નવાં કપડાં પહેરી ગીતો ગાય. પોતાના અખૂટ અમીરસથી સૌનું પોષણ કરનાર ધરતી માતાનું પૂજન થાય. મુહૂર્ત કરી ખેડ મેલાય, કંકુના છાંટણા થાય, શ્રીફળ વધેરાય, સૌને હળોતરાં બંધાય. હળોતરાં એટલે કે કંકુથી રંગેલી નાડાછડી સૌ પુરુષોના કાંડે બંધાય. ઘેર લાપસીના આંધણ મૂકાય અને આ રીતે અખાત્રીજ ખેતરે-ખેતરે ઊજવાય. અખાત્રીજે ખેડૂતનું નવું વર્ષ શરૂ થાય. આમ અખાત્રીજ એ કૃષિ સંસ્કૃતિનું નૂતન વર્ષ છે. ઉત્તર ગુજરાતમાં તો આ દિવસે બહેનો નવાં કપડાં પહેરી વીરને વાડીએ કંસાર જમાડવા જાય અને ગાતી જાય: ઊંચી બગલાની ડોક, ડોકડીયે કુણ હેંકશે હેંકશે અહાડો મેઘ, પાલર પાણી નાખશે.. આ રીતે ધરતીનો, અનાજનો અને ખેડૂતના પરસેવાનો મહિમા ગવાય. અખાત્રીજનો તહેવાર કેટલો બધો આશાસ્પદ હોય છે તે બાબતનું એક આદિવાસી કન્યાનું ગીત ઘણું પ્રચલિત છે. આનાવ યેળુ સેળુ પીરાવ ધાન ધાન પીરાવ તીહી ધાના મૂળ ફૂટ બાઈ સૂળ ફૂટ, તેહી ધાનાલા એક પાન.. અર્થાત્ અખાત્રીજને દિવસે બીજ રોપ્યાં, કૂંપળ ફૂટી, એક એક પાન વધતાં વધતાં ખેતી સોળે કળાએ પાંગરી ઊઠી, અનાજ ખૂબ પાક્યું. ગાયે તે અનાજ ખાધું અને ગાય ગાંભણી થઇ. ગાયનું પહેલું વાછરડું એટલું સુંદર હતું કે એનું વર્ણન થઇ શકે તેમ નથી. આ વાછરડું ડોલે છે, નાચે છે અને કૂદે છે. ખેડૂત અનાજ વેચીને સફેદ ઘોડો લાવે છે ઘોડલા ખેલવા જાય છે. આમ પણ સફેદ ઘોડો એ શુકનવંતી સમૃદ્ધિનું પ્રતીક છે. પ્રકૃતિથી સંસ્કૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધિ સુધીની આ પરંપરાઓ વેદના પૃથ્વીસૂક્તનો પારંપરિક અને વ્યવહારુ અનુવાદ નથી તો બીજું શું છે? અક્ષય એટલે અતૂટ કદી ભાંગે નહીં અને બીજો અર્થ કદી ખૂટે નહીં - ક્ષય ન થાય... એવું પણ કહેવાય. કૃષિજીવનના સંદર્ભમાં, પૃથ્વી સ્વયં એક અક્ષય પાત્ર છે. ખેડૂત પોતાના શ્રમથી બીજ રૂપી કણ જમીનમાં રોપે છે અને ધરતી માતા પોતાની ઉર્વરા શક્તિથી કણને મણ કરીને પરત આપે છે. અખાત્રીજના બરાબર આઠ દિવસ પહેલાં ડાંગમાં ‘ગવરાઈ (ગૌરાઈ) પૂજન’ કરવામાં આવે છે. આ વિધિ દેખીતી રીતે ધાર્મિક લાગે છે, પરંતુ વાસ્તવમાં તે બીજની અંકુરણ ક્ષમતા ચકાસવાનું એક વૈજ્ઞાનિક પગલું છે. આ પ્રક્રિયામાં વાંસની ટોપલી, જેને ડાંગી ભાષામાં ‘સેનુગલી’ કહેવામાં આવે છે, તે લેવામાં આવે છે. તેમાં ખેતરની માટી ભરીને પાંચ પ્રકારના મુખ્ય ધાન્ય - મકાઈ, નાગલી, અડદ, ડાંગર અને જુવારની પ્રાયોગિક વાવણી કરવામાં આવે છે. વાવણી કરતી વખતે સ્ત્રીઓ સમૂહમાં ગવરાઈ પૂજનનાં વિશિષ્ટ ગીતો ગાય છે. ગવરાઈને ઘરના ખૂણામાં ‘ઝીલા’ (વાંસમાંથી બનાવેલો મોટો ટોપલો) થી ઢાંકીને સુરક્ષિત રાખવામાં આવે છે. દરરોજ સવારે કૂવા કે નદીનું તાજું અને સ્વચ્છ પાણી લાવીને તેનું સિંચન કરવામાં આવે છે. જેને ‘નવા પાની’ કહેવાય છે. અખાત્રીજના દિવસે આ ધાન્યનો વિકાસ જોવામાં આવે છે. જો ‘ગવરાઈ’ સારી અને જાડાં પાંદડાંવાળી ઊગી હોય, તો તે વર્ષે ખેતીમાં પાક સારો આવશે તેવો અંદાજ લગાવવામાં આવે છે. પરંતુ જો અંકુરણ નબળું હોય, તો ખેતીનો પાક સારો આવશે નહીં તેવી ચેતવણી સમજી લેવામાં આવે છે. આ દેશી બીજ અને હવામાન વિજ્ઞાન વર્ષો સુધી પરંપરાગત ચાલતું આવ્યું છે. આ દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર રૂપે શ્રીપરશુરામ ભગવાને ધરતી પર જન્મ ધારણ કરેલો એટલે આ પર્વ કૃષિ સાથે ઋષિ સંસ્કૃતિનું પણ છે. કોંકણ અને ચિપ્લૂનનાં પરશુરામ મંદિરોમાં આ તિથિ પર પરશુરામ જયંતી ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. ત્રેતાયુગમાં અખાત્રીજના આ દિવસે જીવનદાયિની અને કલ્યાણપ્રદાયિની મા ગંગાનું ધરતી પર અવતરણ પણ થયેલું છે. ગંગા નદીનો પ્રાગટ્યદિન હોવાથી અક્ષય તૃતીયાને ‘નદી દિન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગાજળ પાન કરવાનો અને ગંગા નદીમાં સ્નાન કરવાનો અનોખો મહિમા છે. આ ઉપરાંત અખાત્રીજ એટલે અથ શ્રી મહાભારતની કથાનો પ્રારંભ... ભારતીય સંસ્કૃતિના પર્યાય સમાન મહાભારતનું લેખનકાર્ય અખાત્રીજના દિવસે શરૂ થયેલું. આજના દિવસે જ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોના વનવાસ દરમિયાન તેમને અક્ષય પાત્ર આપેલું. આ જ દિવસે બદરીનાથનાં દિવ્ય દ્વાર ખૂલે છે. પૂજા અર્ચન વિધિ બાદ ચારધામ યાત્રાનો આરંભ થાય છે. જૈન ધર્મમાં પણ આ દિવસનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ ભગવાને એક વર્ષના તપ બાદ શેરડીના રસનું પાન કર્યું હતું. જૈન ધર્મમાં શેરડીના રસને ઈક્ષુ રસ પણ કહેવામાં આવે છે. આ કારણે આ દિવસ ઈક્ષુ તૃતીયા કે અક્ષય તૃતીયાનાં નામે પણ ઓળખાય છે. ચૈતર-વૈશાખના આ વાયરાની વચ્ચે ‘રેઇન રેઇન ગો અવે’નાં આ વધતા જતા ઘોંઘાટમાં અક્ષયતૃતીયાનું ગીત બળદના ગળામાં રણકતી ઘંટડીઓ જેટલું જ મીઠું છે… ધીમું છે… મધુર છે. અંતે, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હૂં, અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં. - ખલીલ ધનતેજવી
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:પરીક્ષાની તૈયારી પરીક્ષા પહેલાં
    Next Article
    અમલપિયાલી:આનંદના અભાવમાં જે કંઈ હોય છે તે બધું બંધન જ લાગે છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment