Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:પરંપરાનો પથ : ચાર ધામથી ચાર દિશા સુધી

    5 days ago

    હરદ્વાર ગોસ્વામી રામે લક્ષ્મણને કહ્યું : ‘રાજનીતિનું રજવાડું અને શક્તિનું સરનામું રાવણ આ દુનિયા છોડી જઈ રહ્યો છે. તેની પાસે જઈને જ્ઞાન મેળવ.’ રામની આ વાત લક્ષ્મણને ન ગમી પણ મોટાભાઈની આજ્ઞા માથે ચડાવી મરણાસન્ન રાવણના માથા પાસે જઈને જ્ઞાન માટે વિનંતી કરે છે. રાવણ મૌન રહ્યો. લક્ષ્મણ નિરાશ વદને રામ પાસે આવ્યા અને કહ્યું, ‘રાવણને કહ્યું પણ તે કશું બોલ્યો નહીં.’ ત્યારે ભગવાન રામે કહ્યું : ‘આ વખતે તેના પગ પાસે ઊભો રહેજે.’લક્ષ્મણે એ પ્રમાણે કર્યું તો રાવણે જ્ઞાનની અદભુત વાતો કરી. દુશ્મનની પણ પ્રશંસા કરી શકીએ તો સમજવું કે આપણે ઘરે બેઠા ચારધામની યાત્રા કરી લીધી. આજથી ચાર ધામ યાત્રા શરૂ થઇ. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થયાત્રા. જીવનમાં એકવાર કરવાનું દરેક હિંદુનું સપનું. ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામમાં ચાર મંદિરનો સમાવેશ થાય છે - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી. ચાર ધામનાં આ ચાર મંદિરોના કપાટ વર્ષમાં માત્ર છ મહિના દર્શન માટે ખુલ્લાં રહે છે. ચાર ધામની યાત્રા દ્વારા ચાર દિશામાંથી શુભમંગલ પ્રાપ્ત થાય છે. આ યાત્રા પૂર્ણ કર્યે પાપ ધોવાયાંની ખબર નહીં પણ માણસ પાપ કરતો અટકી જાય છે. ઈશ્વરને ધરેલું ભોજન પ્રસાદ બની જાય છે. આ યાત્રા નિમિત્તે આપણી પુણ્ય પવિત્ર પરંપરા સાથે અનુસંધાન સાધીએ છીએ. આપણે પરંપરાને ભૂલતા ગયા છીએ અને પરિવર્તનને સ્વીકારી શકતા નથી! ન આગળ જવાય છે કે ન વિશ્રામ લેવાય છે. હાઈ-વે પર મૃત્યુ પામતા કૂતરાંની મન:સ્થિતિ મોટા ભાગે અવઢવમાં ઝોલાં ખાતી હોય છે. સામેથી કાર આવતી હોય એટલે એ ઘડીક આગળ જાય, ઘડીક પાછળ જાય છે. જો એ આગળ નીકળી ગયો હોત તો બચી જાત કે પાછળ ગયો હોત તો પણ બચી જાત, પણ વચ્ચે રહ્યો એમાં મૃત્યુ પામ્યો. આ દહીં-દૂધમાં રમતા લોકો ખતરનાક હોય છે. આર યા પાર જવાવાળો જ જીતે છે અને જીવે છે. ડબલ સ્ટાન્ડર્ડવાળા લોકોથી ચેતવું. દરેક સિક્કાની બે નહીં પણ ત્રણ બાજુ હોય છે. ત્રીજી જે પહેલી નજરે દેખાતી નથી, છેલ્લી નજરે જ દેખાય છે. આજના સમયમાં લોકોનું એટલું ધૈર્ય ક્યાં રહ્યું છે! એક મિનિટમાં સ્ટેટસ મૂકી શકો, બનાવી ન શકો. પરંપરામાંથી આવેલ શબ્દ ‘તપ’નો તાપ-પ્રતાપ ક્યાંક ખોવાઈ ગયો છે. પરિવર્તનની ઈમારત ચણવી હશે તો પરંપરાનો પાયો જરૂરી છે. હા, પાયામાં ક્યાંક ફેરફારને અવકાશ હોય તો એ ચોક્કસ કરવા જોઈએ. ભલે નકશો બદલવો પડે. ગાંધીજી કહે છે કે ‘આપણા પ્રાચીન શાસ્ત્રોની વાત જો મારી સમાજમાં ન ઊતરે તો હું ઈશ્વરપ્રણિત ગણાતી વાણીનો પણ ઇનકાર કરવાની હદ સુધી જાઉં છું.’ ઘણીવાર સ્થાપિતો પોતાના અંગત સ્વાર્થ માટે પણ રિવાજનું રગશિયું ગાડું ચલાવે રાખે છે. કોરોનામાં આયુર્વેદની અજમાઇશ કારગત નીવડી એ આપણે જોયું જાણ્યું. આ મહામારીએ સાબિત કર્યું કે પ્રકૃતિને ભૂલ્યા એટલે કેવી મોટી કિંમત ચૂકવવી પડી! જિંદગીથી વિશેષ કશું અનિવાર્ય નથી એ શીખવ્યું. ધુરંધરો કહી ગયા છે કે બદલો લેવા કે બદલાવ લાવવાની પૂર્વશરત છે: ‘જીવતા રહેવું’ અને પછી જીવંત રહેવું. રવીન્દ્રનાથ ટાગોરે ભલે કહ્યું છે કે ‘જીવન અલ્પકાળનો ઉત્સવ અને મૃત્યુ મહાકાલ સાથેનું મિલન છે.’ એ અલ્પકાળને પ્રલંભકાળ કેમ બનાવવો એ માણસના હાથની વાત છે. આખાબોલો અખો પરંપરાનો વિરોધી ન હતો પણ પરંપરાને નામે ભળતુંસળતું ચાલે એનો વિરોધી હતો. કબીરસાહેબે પણ અંધશ્રદ્ધા સામે આંખ લાલ કરી હતી. કબીર જેવા વિચારપ્રધાન સંતની આજે તાતી જરૂર છે. સમાજને ગમે એવું નહીં પણ એના માટે યોગ્ય હોય એ કરવું. જેમ બાળક તો ગમે તે ખાવાની જીદ કરે પણ એના માટે આરોગ્યવર્ધક હોય એ જ માતાપિતા અપાવે છે. ‘દુઃખ મેં સુમરિન સબ કરે, સુખ મે કરે ન કોય, જો સુખ મેં સુમરિન કરે, દુઃખ કાહે કો હોય’ જિંદગીની કેવી મોટી ફિલસૂફી આપી દીધી. સુખમાં સોની સાંભરે અને દુઃખમાં દરિદ્રનારાયણ... આવી વિચારસરણી હોય ત્યાં પ્રભુ કેમ નિવાસ કરે? કબીર પાસે બહુ માણસોનાં ટોળા થવા લાગ્યા. એટલે ભક્તિમાં ખલેલ પહોંચવા લાગી. પછી કબીરે એવું છમકલું કર્યું કે લોકો એની ટીકા કરવા લાગે અને એ પછી એમને સાધના કરવા માટે એકાંત મળ્યું. રામધારી સિંહ દિનકર કહે છે: ‘परंपरा को अंधी लाठी से मत पीटो, उसमें बहुत कुछ है, जो जीवित है, जीवन दायक है, जैसे भी हो, ध्वंस से बचा रखने लायक है, परम्परा जब लुप्त होती है, सभ्यता अकेलेपन के दर्द मे मरती है, कलमें लगना जानते हो, तो जरुर लगाओ, मगर ऐसी कि फलो में, अपनी मिट्टी का स्वाद रहे’ નીચી મૂંડી કરીને ભાગીએ છીએ, મંજિલની ખબર જ નથી. દેખાદેખીના દરવાજે ડણકારા અને ડેકો દેતા બેઠા છીએ. રાતે સંજવારી કાઢવાથી ઘરમાં લક્ષ્મી ન આવે, એવું કહેવાય છે. મધ્ય કાળ યુગથી શરૂ થયેલી પરંપરા છે કે ધર્મ સાથે કોઈ પણ બાબત જોડી દો એટલે લોકો એનું પાલન તરત કરતા. એ સમયે વીજળી ન હતી અને અંધારામાં સંજવારી કાઢે તો ઘરની કોઈ કિંમતી વસ્તુ જતી રહે. એટલે કહેવાયું કે રાતે સંજવારી કાઢવાથી ઘરમાં લક્ષ્મી ન આવે. આજે આ પરંપરા પ્રસ્તુત નથી એટલે એનું પાલન ન કરવું જોઈએ. ફ્રેંચ ફિલસૂફ હેનરી બર્ગશા કહે છે: ‘અસ્તિત્વ ધરાવવું એટલે પરિવર્તિત થતા રહેવું, પરિવર્તિત થતા રહેવું એટલે પરિપક્વ થતા રહેવું, પરિપક્વ થતા રહેવું એટલે સ્વયંનું અવિરત નિર્માણ કરતા રહેવું’ જ્યોર્જ બર્નાર્ડએ શો એની વુડ બેસન્ટને એ સમયનાં પ્રતિભાશાળી વક્તા કહ્યા હતા. બેસન્ટ કહે છે કે ‘દુનિયાના તમામ ધર્મોનું ચાલીસ વર્ષ સુધી મેં અધ્યયન અને મનોમંથન કર્યું, પછી એ નિષ્કર્ષ પર આવી કે હિંદુ ધર્મની સમકક્ષ એક પણ ધર્મ આવી શકે એમ નથી. આ ધર્મમાં વિજ્ઞાન, તત્ત્વદર્શન અને પ્રકૃતિપ્રેમ છે. સદા સહિષ્ણુ, માનવ મૂલ્યોથી સભર અને વૈભવી વિરાસતથી ભરીભરી આ સનાતની સંસ્કૃતિ શ્રેષ્ઠ છે.’ ઘરમાં મની પ્લાન્ટ વાવો એની સામે વાંધો ન હોય પણ તુલસીક્યારો હોવો જોઈએ. તુલસી ઔષધિ તરીકે અકસીર છે એ વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશી લોકો કહે ત્યારે આપણને આપણી પરંપરાનું મૂલ્ય સમજાય છે. આપણા જ દેશનું યુવાધન વિદેશમાં જાય તો અચાનક પ્રતિભાવાન નથી થઇ જતું. એમનામાં પ્રતિભા તો જન્મથી જ હોય છે ત્યાં પૂરક વાતવરણ મળે છે. વીતેલી ક્ષણોના અજવાળે જ નવી પેઢી પ્રેરણાનું ભાથું બાંધતી હોય છે. પરંપરાના પોષણમાં વર્ષો નીકળી જતાં હોય છે. એમ એનો એકડો કાઢી ન નાખો...! જે દેશ એના મૂળ સાથે જોડાયેલો રહ્યો છે એની ગતિ-પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ. બુદ્ધિની એરણ પર ખરી ઊતરે એ જ પરંપરા સાચી એવું ન પણ હોય, એને હૃદયથી સમજવી પડે. ચાલો, પરંપરાની આંખે અને પરિવર્તનની પાંખે આભઅટારીએ ટહેલીએ. આવજો... રિવાજ અલિખિત કાયદો છે, જે ભલભલા શાસકોને ભય પમાડે છે. - વિલિયમ દ’એવેના (અંગ્રેજ નાટ્યકાર)
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:નેરેટિવનો કોલાહલ અને સત્યની જ્યોત…
    Next Article
    લક્ષ્યવેધ:પરીક્ષાની તૈયારી પરીક્ષા પહેલાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment