Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:નેરેટિવનો કોલાહલ અને સત્યની જ્યોત…

    4 days ago

    ભાગ્યેશ જહા આ સપ્તાહ જગતના ઇતિહાસકારો બહુ ઝીણવટભરી દૃષ્ટિથી નિહારી રહ્યા છે. એપ્રિલના અંગારા વેરતા આકાશમાં એલિયટની એક પંક્તિ સ્પષ્ટપણે વંચાય છે; April is the cruelest month.. ‘વેસ્ટ લેન્ડ’ જેવા એના જગવિખ્યાત કાવ્યની પંક્તિઓ mixing memory and desireના લાલચોળ ગુંબજ નીચે બેઠા હોઇએ એવું અનુભવવું એ જેવી તેવી વાત નથી. દરિયા પર ભભૂકી ઊઠેલી આગનાં દૃશ્યો જેવી જ દશા ભાષાની છે. ભાષાનાં અંગ ભીતરને ફંફોસી રહ્યાં છે. ‌અસ્તિત્વની આ પરીક્ષામાં સત્યના ઘવાયેલા પક્ષીની વાત કરવાનું મન થાય છે. સત્ય ક્યાં છે? એ આજનો મહાપ્રશ્ન છે, દરેક યુદ્ધ પહેલાં અને પછી આ પ્રશ્ન પુછાયો જ છે. આજે યુદ્ધની રણભેરીઓનો અવાજ છે, એટલો જ ઘોંઘાટ નેરેટિવનો છે. યુદ્ધના નભતોડ અવાજો તો બહુ ઓછાને સંભળાતા હશે. શેરીની સાયરનની નગરવિદારક ચેતવણી કે ઍમ્બ્યુલન્સની ચીસ સામસામે અથડાતી હશે ત્યારે મનુષ્યના હૃદયને શું થતું હશે! ચૈતન્યનો દીવો બહુ ઝડપથી ટમટમતો હશે કે ઓલવાઇ જતા પહેલાંનો અંધાપો પહેરી રહેતો હશે? મને ખબર નથી, પણ શોધ જરૂર છે. આજની સ્થિતિ કંઈક આવી છે. દરેકને એમ છે પોતે સત્યને જાણે છે. સત્ય કરતાં સત્યાભાસ( સત્યના આભાસનું)નું આવું અને આટલું ઘવાયેલું રૂપ પહેલીવાર દેખાઇ રહ્યું છે. જેને સોશિયલ મીડિયા કહેવામાં આવે છે એ ગ્લોબલ મીડિયા બની ગયું છે. મંત્રણાઓના મોટા મોટા ખંડની દીવાલો હોય એમ માહિતી-મિશ્રિત અભિપ્રાયોથી અભડાયેલાં ભાષાનાં ગચ્ચાં જાણે વહેતાં મુકાયાં હોય એવી સ્થિતિ છે! ત્યારે એક વિશ્વનાગરિકની વિમાસણ કોણ સાંભળશે ? એને સત્ય સાંભળવું છે, જાણવું છે અને પામવું છે. સત્યને સાંભળવું એ કદાચ સૌથી સહેલું અને તળ પરનું તરલ (અથવા નેગેટિવ અર્થ વગરનું ‘છીછરું’ છે.) ‘સામે ત્રણ બકરીઓ છે’ એમ કહેનાર કહેતો હોય અને ખરેખર સામે ત્રણ બકરીઓ હોય તો શ્રોતાએ સત્ય સાંભળ્યું છે એવું કહી શકાય. પણ આજનો પ્રશ્ન સત્ય સાંભળવાનો નથી, સત્ય જાણવાનો છે. આ બહુ મુશ્કેલ છે, કારણ માણસજાતે સત્ય શબ્દનો ઉપયોગ અથવા વધુ પડતો ઉપયોગ કરીને એને ‘સત્વહીન’ બનાવી દીધું છે. સોશિયલ મીડિયાના ઉદય પછી દરેકને એવું લાગે છે કે એણે સત્ય જાણી લીધું છે, આ ઉતાવળે કેળવેલો આત્મવિશ્વાસને કારણે ‘અહંકાર’નું એક પડળ ઊભું થયું છે. પાનના ગલ્લે કે ‘ચા’ની લારીથી માંડીને પાટનગરના પ્રવક્તાઓ સુધીના સૌ કોઈ સત્યના ‘બ્રૉડકાસ્ટર’ બની ગયા છે. સોશિયલ મીડિયાના નવયુગમાં બધાને બ્રોડકાસ્ટર થવું છે, કશું પણ અને બધું જ બધાને કહેવું હોય છે. કોઇને સામાન્ય સાંભળનાર કે એનાથી ઉપર જઇએ તો શ્રોતા નથી થવું. જ્યારે એકચિત્તે વ્યક્તિ સાંભળે છે કે સાંભળી શકે છે ત્યારે એ ધ્યાનની અવસ્થા બની શકે છે. જ્યારે કાનફાડ કોલાહલ જનસામાન્યમાં ઉદાસીનતા અને અશ્રદ્ધા ઊભી કરે છે. રામાયણમાં મહાકવિ વાલ્મીકિ રામ માટે એક શબ્દ પ્રયોજે છે, सत्यवाक्य। જેનું પ્રત્યેક વાક્ય સત્ય હોય એવો રાજા.. જો કે વાલ્મીકિ રામાયણમાં રામ સાથે સત્ય શબ્દ અનેક વાર આવે છે, તે ‘સત્યપરાક્રમ’ છે. ગાંધીજી પણ પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ કહે છે. અને આજે અમેરિકાના પ્રમુખ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટને પણ ‘સોશિયલ ટ્રુથ’ કહે છે. શબ્દ જ્યારે અભિપ્રાયની અભિવ્યક્તિ બને છે ત્યારે એમાં રહેલું સત્ય ઝાંખું પડે છે. યુદ્ધમાં સૌથી વધું ગોળીઓ સત્યને વાગે છે. આજે સત્ય જાણવું સૌથી અઘરું છે. કારણ માહિતી અને અભિપ્રાયોના ટ્રાફિકજામમાં ‘માણસ’ ભીંસાયેલો છે, એણે એટલે વાંચવાનું કે જોવાનું પણ બંધ કરી દીધું છે. પહેલાં ભાષા ઘસાઈ ગઈ, એવું કહેવાય છે કે માણસને વાણીનું વરદાન ઈશ્વર એટલા માટે આપ્યું છે કે એ પોતાના વિચારો સંતાડી શકે. પછી ફોટા અને વિડીયો આવ્યા. પોતાની અભિવ્યક્તિની વિશ્વસનીયતા વધશે એવી આશા હતી, પણ માર્કેટિંગે જે દિવસે એની ‘પવિત્રતા’ ગુમાવી, તે દિવસે સ્પર્ધાએ શ્રદ્ધાને ધક્કો માર્યો. માણસે શબ્દને પણ ‘માલ’ની જેમ વેચવા મૂક્યો, ત્યારે મનુષ્યતા એક અંધારી ખીણમાં પછડાઈ. પરંતુ, એ અંગેની અ-જાગૃતિ આજે તો બેહોશીમાં ફેરવાઇ ગઇ છે. હવે તો વિડીયો પણ ‘ફેક’ બનવા લાગ્યા અને જોતજોતામાં જગત એક છદ્મ-છલના જેવા ધૂમ્રપટલમાં ફસાઇ ગયું. એમાં હવે એઆઇનો એક લાંબો પડછાયો ફરી વળ્યો છે. હવે, ફરી એકવાર મનુષ્ય ‘સત્ય’ શું છે ? પોતે સાંભળે છે કે જુએ છે એ સાચું છે કે અર્ધસત્ય કે અસત્ય છે એની ભ્રમજાળ ઊભી થઇ ગઇ છે. આવી ક્ષણે તત્વજ્ઞાનનો સહારો લઇ અને શંકરાચાર્યને સાંભળવા ગમે, ब्रह्म सत्यं जगत् मिथ्या । પણ સાંભળવા અને જાણવાના પ્રયત્નોમાં સફળ થઈ શકાય, જ્યારે માહિતીને અને અભિપ્રાયોને વિવેક અને સત્યતાની કો’ક ગળણીથી ગ્રહણ કરવામાં આવે. સત્યનું મૂળ તો સત્ ધાતુ જે અસ્તિત્વનો અર્થ અને ઉઘાડ સમજાવે છે. ‘હોવું’ જ એક ઉત્સવ બની રહે, મનને સાક્ષીપણાની કેળવણી મળે તો જ सत्यं परं धीमहि સુધી પહોંચી શકાય. આવા ભવાટવીના મધદરિયે ભાષાને ‘ગાળવા’નું કામ સહેલું નથી. તમે સાંભળો છો ત્યારે ગ્રાહક છો, પણ એની સત્યતા જાણવા મહેનત કરો ત્યારે જિજ્ઞાસુ છો અને સત્યને પામો છો ત્યારે સાધક છો. ઇશ્વર તમારા કાન-મન-ચૈતન્યનું વાયરિંગ સલામત રાખે!
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:યુદ્ધમાં છિનવાઇ જતા બાળકોના અધિકાર
    Next Article
    કૉલાજ:પરંપરાનો પથ : ચાર ધામથી ચાર દિશા સુધી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment