Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:દિલની રાણીને બદલે નોકરાણી!

    1 week ago

    સુપ્રીમ કોર્ટે માર્ચ, 2026ના ત્રીજા સપ્તાહમાં છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતી વખતે પત્નીથી છૂટાછેડા માગનારા પતિને આકરા શબ્દોમાં કહ્યું કે ‘તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, પરંતુ તમે લાઈફ પાર્ટનર સાથે લગ્ન કરી રહ્યા છો. અને પતિએ પણ ઘરમાં એ બધાં જ કામ કરવા જોઈએ જે પત્ની કરતી હોય.’ સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી શા માટે કરી એ જાણવા માટે આ કેસ વિષે થોડી માહિતી જાણી લઈએ. એક સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક એવા પતિએ તેની લેક્ચરર પત્નીથી છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મારી પત્નીએ મારી સાથે ક્રૂરતા આચરી છે. તે ઘરનાં કામ નથી કરતી, રસોઈ પણ નથી કરતી એટલે મને છૂટાછેડા આપો.’ પત્નીએ પણ પતિ સામે ફરિયાદો કરી હતી. જોકે ફેમિલી કોર્ટે પત્નીએ ક્રૂરતા આચરી છે એવી પતિની વાત માન્ય કરીને છૂટાછેડા મંજૂર કરી દીધા હતા. એ પછી પત્ની હાઈકોર્ટમાં ગઈ અને હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો રદ કરી દીધો. એટલે પતિ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જજ સંદીપ મહેતાએ પતિને કહ્યું હતું કે ‘તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કર્યાં, પરંતુ એક જીવનસાથી સાથે લગ્ન કર્યાં છે એમ માનો.’ તો જસ્ટિસ વિક્રમનાથે કહ્યું હતું કે ‘રસોઈ બનાવવી, કપડાં ધોવાં, સાફસફાઈ કરવી વગેરે ઘરનાં તમામ કામોમાં પત્નીને મદદ કરવી તે પતિની પણ ફરજ છે. અત્યારનો સમય બદલાઈ ગયો છે. જો પત્ની ઘરના કામમાં સાથ-સહકાર ન આપતી હોય તો એ ક્રૂરતા ન કહેવાય.’ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી વખતે જે કમેન્ટ કરી છે એ બહુ યોગ્ય છે. ભારતીય પુરુષપ્રધાન સમાજમાં ઘણા પુરુષો પત્નીને નોકરાણી સમાન ગણે છે. તેમની માનસિકતા એવી જ છે કે પત્નીએ જ ઘરનું બધું કામ કરવાનું હોય. અને અમારે બેઠાં બેઠાં હુકમ કરવાનો હોય. આપણે ત્યાં ઘણાં ઘરોમાં પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય એવા કિસ્સાઓમાં પણ એવું જોવા મળતું હોય છે કે પતિ એકદમ આરામથી સોફા પર બેઠો હોય અને પત્નીને આદેશો આપતો હોય. તેણે પાણી પીવું હોય તો પણ તે જાતે રસોડામાં જઈને પાણી પી લેવાને બદલે પત્નીને કહેશે કે ‘મારા માટે પાણી લઈ આવ.’ પત્ની રસોઈ કરે, કપડાં ધોવે, ઝાડુંપોતાં કરે કે વાસણ માંજે એ બધું તો એની ફરજમાં આવે એવું મોટાભાગના પુરુષો માનતા હોય છે. પત્ની નોકરી કરતી હોય તો તેને પણ થાક લાગે એવું ઘણા ભારતીય પુરુષો માનવા માટે તૈયાર નથી. તેમને પત્નીનો પગાર બહુ વહાલો લાગતો હોય છે, પરંતુ પત્નીને મદદ કરવામાં તેમને તકલીફ થતી હોય છે. ઘણા નફ્ફટ પુરુષો જમીને પોતાની એંઠી થાળી મૂકીને હાથ ધોવા જતા રહેતા હોય છે. જાણે પત્નીએ રસોઈ કરીને તેને ખાવા આપ્યું અને પોતે એ ખાઈને પત્ની પર ઉપકાર કર્યો હોય એવો તેમનો વર્તાવ હોય છે. વાસણ માંજવાની વાત તો બાજુ પર મૂકી દો, પરંતુ પોતાની એંઠી થાળી ઊંચકીને રસોડામાં મૂકવા જવા માટે પણ તેમને જોર પડતું હોય છે. અને આ માત્ર ભારતમાં વસતા ભારતીય પુરુષોની જ વાત નથી, ભારતની બહાર વસતા ઘણા નફ્ફટ ભારતીય પુરુષોને પણ મેં જોયા છે કે જે જમીને નફ્ફ્ટાઈપૂર્વક પોતાની એંઠી થાળી મૂકીને જતા રહે અને તેની પત્ની એ એંઠી થાળી ઊંચકીને કિચનમાં લઈ જાય. આવી નફ્ફટાઈ ઘણા ભારતીય પુરુષોમાં જોવા મળે છે. ગામડાંની કે નાનાં શહેરોની વાત જવા દો, આપણાં મહાનગરોમાં પણ એવા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં પત્ની સારી નોકરી કરતી હોય, ઊંચો પગાર લાવતી હોય, પતિથી વધુ કમાતી હોય છતાં તેણે નોકરાણીની જેમ ઘરમાં કામ કરવું પડે છે. પત્ની ઊંચો પગાર મેળવતી હોય છતાં તે રસોઈ માટે અથવા તો ઘરમાં ઝાડુપોતાં અને વાસણો માંજવા માટે કોઈને નોકરી પર રાખવાનું કહે ત્યારે પતિ બેશરમીની હદ વટાવીને કહે કે ‘તારે ક્યાં મજૂરી કરવા જવું પડે છે કે તું થાકી જાય છે અને તને ઘરનાં કામ કરતા જોર પડે છે! તું તો એરકન્ડિશન્ડ ઓફિસમાં કામ કરે છે. તારાથી ઘરે આવીને રસોઈ પણ નથી થતી!’ આવું બોલતી વખતે પતિ એ વિચારતો નથી હોતો કે પત્નીને પણ થાક લાગી શકે. પત્ની બિચારી સવારે પાંચ-છ વાગ્યે ઊઠી જાય, વહેલી સવારે રસોઈ બનાવીને તૈયાર થઈને નોકરીએ જાય અને પછી મોડી સાંજે પાછી આવે અને પાછી રસોઈ બનાવે, પણ એ બધું તો તેણે કરવાનું જ હોય એવી માનસિકતા ઘણા પુરુષોમાં જોવા મળે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના નામદાર જજ સંદીપ મહેતા અને વિક્રમનાથે ભારતીય પુરુષો પત્નીઓને નોકરાણી ગણે છે એ મુદ્દે પેલા શિક્ષક પતિની ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી છે એ પત્નીને નોકરાણીની જેમ રાખતા હોય એવા તમામ ભારતીય પુરુષો માટે તમાચા સમાન છે. ઘણા પુરુષો પ્રેમમાં પડે ત્યારે રોમેન્ટિક બનીને પ્રેમિકાને કહેતા હોય છે કે હું તને મારા દિલની રાણી બનાવીને રાખીશ, પણ મોટાભાગના કિસ્સાઓમાં લગ્ન પછી પ્રેમનું બાષ્પીભવન થઈ જતું હોય છે. પતિ બન્યા પછી પુરુષ પત્નીને ભલે દિલની રાણી બનાવીને ન રાખે, પણ એટ લીસ્ટ તેને નોકરાણી તો ન સમજે!
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:હરીન્દ્ર દવે: એવું વ્યક્તિત્વ જે જીવી લેવાનું મન થાય
    Next Article
    આઠમી અજાયબી:વિશ્વની સૌથી મોટી કલાકૃતિઓની ચોરી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment