Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:હરીન્દ્ર દવે: એવું વ્યક્તિત્વ જે જીવી લેવાનું મન થાય

    1 week ago

    હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના નભોકાશે ધ્રુવતારકની માફક તેજ રેલાવતું નામ છે, જેની સાથે મારી કારકિર્દીની શરૂઆતમાં પરિચયમાં આવવાનું થયું. હરીન્દ્ર જયંતિલાલ દવે. તારીખની રીતે 19 સપ્ટેમ્બર એટલે કે, નરેન્દ્ર મોદીથી ખૂબ નજદીક અને વર્ષમાં 1930 એટલે કે, ખાસ્સા 2 દાયકા દૂર આ પૃથ્વી પર પ્રગટ થયેલા. હરીન્દ્રભાઈ એટલે જ સ્તો કદાચ કવિ બન્યા, વડાપ્રધાન નહીં! 29 માર્ચ, 1995, એમની પુણ્યતિથિ હમણાં જ ગઈ. ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને પત્રકાર એવા હરીન્દ્રભાઈ ઘણું બધું હતા, પણ એનીય આગળ એક ઋજુહૃદયી માણસ હતા. મળવા જેવો માણસ, સ્મરવા જેવો માણસ અને દિલમાં સંઘરવા જેવો માણસ. 50થી પણ વધુ પુસ્તકોનાં લેખક હરીન્દ્રને સાહિત્ય અકાદમી પારિતોષિક (1971), રણજિતરામ સુવર્ણચંદ્રક (1982) જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા, પણ પુરસ્કારો મેળવવા માટેની આજના જેવી વ્યાવસાયિક વૃત્તિ હરીન્દ્રમાં નહોતી; એ અલગારી તો પ્રેમ, વિરહ, પ્રકૃતિ, માનવીય વેદના અને મૃત્યુની સંવેદનાથી ભરપૂર, ધબક-ધબક ધબકતું સંવેદનશીલ હૃદય ધરાવનાર એક જીવતા જાગતા માણસ હતા. સંબંધો એમણે ગણતરી રાખીને બાંધ્યા નહોતા અને બાંધ્યા પછી સંબંધોમાં ગણતરીઓ રાખી નહોતી. કૃષ્ણ અને રાધાનો આ કવિ જેના પર ઓળઘોળ થઈ જાય તેનામાં જાણે કે આત્મસાત્ થઈ જતો. આવડા મોટા પ્રસિદ્ધિમાં આળોટતા તે જમાનાના માતબર અખબારના તંત્રી હરીન્દ્રભાઈની કેબિનમાં તેમની સામે જ્યારે પણ બેસવાનું થતું, મને ખુરશી મોટી લાગતી. મારું એમની સાથે બેસવાનું કોઈ ગજું નહોતું અને છતાંય પ્રેમ કંઈ સરનામું પૂછીને થતો નથી એટલે મુંબઈના સાહિત્યજગતમાં મારા કેટલાક મુરબ્બીઓ અને મિત્રો જેવા કે ચન્દ્રકાંત બક્ષી, સુરેશ દલાલ, રમેશ પુરોહિત, કાંતિ ભટ્ટ, હરકિસન મહેતા, નગીનદાસ સંઘવી, વાડીલાલ ડગલી, નરોત્તમ શાહ, રામુ પંડિત, હરિ દેસાઈના સંપર્કમાં આવવાનું થયું તે જ મારે મન મહાસુખ હતું. કચ્છ જિલ્લાના ખંભડા ગામે પ્રગટ થયેલ હરીન્દ્રભાઈના પિતાનું નામ જયંતિલાલ અને માતા સવિતાબહેન. 16 વર્ષની વયે 1946માં ‘માનસી’ સામયિકમાં તેમનું પ્રથમ કાવ્ય પ્રકાશિત થયું. મેટ્રિક ભાવનગરથી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે 1951માં બી.એ. અને ખાસ્સાં 10 વર્ષ બાદ 1961માં એમ.એ.ની પદવી મેળવી. એક નીવડી ચૂકેલ સાહિત્યકાર પોતાની પરીક્ષાની ઉત્તરવહી લખી ગયા હશે તેને ચકાસનાર કેવા હશે? હરીન્દ્ર મુંબઈમાં જ રહ્યા, છેક 29 માર્ચ, 1995 સુધી જ્યારે એ બધાને હાથતાળી આપીને છટકી ગયા. હરીન્દ્ર દવેની સાહિત્ય શૈલી અને વિષયની વાત કરીએ તો એમની કવિતામાં પ્રેમ અને વિરહ મુખ્ય વિષય છે. રાધાકૃષ્ણનાં પાત્રો દ્વારા તેઓ આધુનિક માનવીની એકલતા અને કોઈકનું વહાલ પામવાની મૃગતૃષ્ણા વ્યક્ત કરે છે. ભાવનાઓને માનવીય સંબંધોના માધ્યમ થકી જીવંત રાખતા મૃત્યુને પણ જીવનના અંગ તરીકે જુએ છે. હરીન્દ્ર દવે વિશે ઘણું બધું લખી શકાય પણ એ સાહસ કરવાનું મારું ગજું કેટલું? હું તો એમનો એક નાનકડો મિત્ર, ભાવક અને ઘણો બધો સમય તો વિદ્યાર્થી પણ રહ્યો એટલે હમણાં જ એમના બધા ગ્રંથો સંકલિત કરીને પ્રકાશિત કરવાનું સરાહનીય કાર્ય રાજકોટના પ્રવીણ પ્રકાશને કર્યું ત્યારે મેં એક આખોય સેટ કંજૂસના ધનની માફક વસાવીને લાઇબ્રેરીમાં જોડી દીધો છે. હવે મનની મોજ આવે ત્યારે હરીન્દ્ર હાજર.. આજે મારા મત પ્રમાણે હરીન્દ્ર દવેની મને ગમતી 4 પંક્તિઓ (મારી ટૂંકી બુદ્ધિ પ્રમાણે મને જે સમજ પડી તે મુજબ) રજૂ કરું છું. આશા રાખું, તમને પણ ગમશે. 1. ‘ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ…’ આ પંક્તિ જીવનને વરસાદની મોસમ સાથે સરખાવે છે. તે જીવનમાં આવતી તકો અને પ્રેમને નિર્ભયતાથી સ્વીકારવાનું આહ્વાન છે. વરસાદ જેમ વિના ભયે વરસે છે તેમ જીવનની મુસાફરીમાં વરસતા જવું જોઈએ – આ પંક્તિ આશા અને સાહસનું પ્રતીક છે. 2. ‘મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો…’ આ પંક્તિઓ મૃત્યુની વ્યાખ્યા બદલે છે. જ્યારે સુગંધ સુગંધમાં વિલીન થાય અથવા પ્રકાશ પ્રકાશમાં ભળી જાય ત્યારે તેને મૃત્યુ ન કહેવું. આ તેમની ફિલસૂફી છે કે મૃત્યુ અંત નથી પરંતુ અમરત્વની વિલીનતા છે. તે જીવન અને મૃત્યુ વચ્ચેની સીમા ઝાંખી કરે છે. 3. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…’ પ્રકૃતિના સાદા દૃશ્ય – લીલું પાન – પ્રિયની યાદ તાજી કરી દે છે. આ પંક્તિ પ્રેમની સૂક્ષ્મતા અને પ્રકૃતિ સાથેના જોડાણને દર્શાવે છે. તે દર્શાવે છે કે પ્રેમ કેવી રીતે નાની-નાની વસ્તુઓમાં છુપાયેલો હોય છે. 4. ‘ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં…’ રાધા-કૃષ્ણની લીલાને આધુનિક સ્વરૂપ આપતી આ પંક્તિ વિરહ અને અન્વેષણનું પ્રતીક છે. કૃષ્ણની અનુપસ્થિતિમાં મધુવન ખાલી લાગે છે. આ તેમની સૌથી લોકપ્રિય ગીત પંક્તિ છે જે પ્રેમની વેદના અને અપૂર્ણતાને વ્યક્ત કરે છે. મારા આદરણીય, જેમણે એમનાથી 2 દાયકા નાના એક સરકારી નોકરને અમાપ લાગણી અને પ્રેમ આપ્યો એવા હરીન્દ્ર દવેનું સદાય જીવંત સ્મૃતિમાંથી એક નાનકડું આચમન.
    Click here to Read More
    Previous Article
    સૂરદાસ મહામાનવો:ટેરવાંની સંવેદના અને શ્રવણ શક્તિથી સફળ થયેલાં પ્રજ્ઞાચક્ષુ
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:દિલની રાણીને બદલે નોકરાણી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment