Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂરદાસ મહામાનવો:ટેરવાંની સંવેદના અને શ્રવણ શક્તિથી સફળ થયેલાં પ્રજ્ઞાચક્ષુ

    1 week ago

    મોટેભાગે ચર્મચક્ષુઓ (આંખો) તો પ્રકૃતિદત્ત બધાંને હોય છે. જન્મજાત અંધાપો કે અકસ્માતે દૃષ્ટિ ગુમાવી હોય તેવા આપણાં કમભાગી બાંધવો/માતા-બહેનોને આપણે ‘દિવ્યાંગ’ સંબોધનથી સન્માન્યાં છે. અંધજનો સાથે સહાનુભૂતિપૂર્વક, વિનય-વિવેકપૂર્ણ સંવાદનો પ્રારંભ થઇ શકે, તે માટે આપણા ડાહ્યા, અનુભવી, માર્ગદર્શક વડીલ સરીખા કવિ મહાશયે પદ્યમાં સહજ બોધ આ પ્રમાણે આપેલો છે: ‘આંધળાને આંધળો કહીએ, તો કડવું લાગે વેણ, હળવેક રહીને પૂછીએ, શાથી ખોયા નેણ?’ ધૃતરાષ્ટ્રનો અંધાપો તો જન્મજાત હતો, પણ તેની પત્ની ગાંધારીએ તો સર્વાંગે અખંડ સુંદરી હોવા છતાં પતિપરાયણતા દાખવવા, અંધ પતિ પ્રત્યે સમસંવેદના અને સહાનુભૂતિ પ્રગટ કરવા માટે સ્વૈચ્છિક અંધાપો ધારણ કર્યો હતો. અસ્તિત્વે (પરમાત્માએ) જે માનવોને બે સ્થૂળ આંખો નથી આપી, તેવા લોકોને ચાર દિવ્યચક્ષુઓ આપીને જીવન જીવવા-માણવાની અન્ય બારીઓ ખુલ્લી મૂકી જ છે ને? આ ચાર બારીઓ તે બે હાથ અને બે કાન. ખરેખર આ તેમનાં ચાર દિવ્યચક્ષુઓ જ ગણાય ને? તેમની પાસે આવાં દિવ્યચક્ષુઓ હોવાને લીધે જ તેઓ ‘દિવ્યાંગ’ કહેવાયા હશે. સ્પર્શ-સંવેદના અને ધ્વનિ-સંવેદનાથી સભર આ લોકોને ‘સૂરદાસ’ પણ એટલા માટે કહેવાતા હશે કે તેમની પાસેની આ બે સમૃદ્ધિ- સ્પર્શ અને શ્રવણ દ્વારા તેઓ વાદ્યવાદન અને સૂર-સ્વર કે ગાનપ્રક્રિયા સાથે વધુ સહજતાથી અને તીવ્રતાથી સાયુજ્ય કે સમાયોજન સાધી શકે છે. ‘સૂરદાસ’ એવું સન્માનીય બિરુદ સાર્થક જ છે. આપણા જાણીતા ગુજરાતી કવિએ સૂરદાસ સમાજ વતી, પ્રભુને મીઠો ઠપકો કે નમ્રતાપૂર્ણ નિવેદન કરતી આ કાવ્ય-પંક્તિ મૂકી છે: ‘દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી.’ આંગળીઓના અગ્રભાગ એટલે કે ટેરવાં. દિવ્યાંગોનાં ટેરવાંઓમાં રહેલી કમાલની કરામત અને સજાગ કર્ણદેવતાનું શ્રવણ કૌશલ્ય– આ બંને મહાસંપત્તિ સર્જનહાર થકી તેમને સાંપડી છે. માનનીય કવિ દાદે ‘ટેરવાં’ને સંવેદનાના કેન્દ્રમાં સ્થાપીને ‘ટેરવાં’ શીર્ષક હેઠળ ત્રણ ભાગમાં કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્યને ચરણે ધર્યા છે. કેટલાક સૂરદાસ મહામાનવોમાં ભગવાન શિવજીની માફક ત્રીજું જ્ઞાનલોચન ખુલી ગયું હોય છે. તેવા પ્રતિભાવાન પ્રજ્ઞાચક્ષુઓનો લઘુ પરિચય અહીં પ્રસ્તુત છે: પંડિત સુખલાલજી: વિદ્વાન સમાજે જેમને પંડિત ઉપરાંત ‘પ્રજ્ઞાચક્ષુ’ વિશેષણ આપ્યું છે, તેવા તેઓ જૈન ધર્મ તથા તત્ત્વદર્શનના ઊંડા મર્મજ્ઞ અને સંસ્કૃતના પ્રકાંડ અભ્યાસી હતા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સમયે મહાત્મા ગાંધીજીના આમંત્રણથી તેઓ જોડાયા અને ત્યાં ઇન્ડોલોજી વિભાગ શરૂ કરાવ્યો. સ્વ. મનુભાઇ પંચોળી ‘દર્શક’એ પંડિતજી પ્રત્યેના આદરભાવ રૂપે માઇધારની લોકશિક્ષણ સંસ્થાનું નામ ‘પંડિત સુખલાલજી લોક વિદ્યાલય’ રાખ્યું છે. સંત સૂરદાસ મહારાજ: ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્તકવિ. ભક્તિ-સાહિત્યમાં તેમનું સ્થાન સૂર્ય સમાન ગણાય છે. ‘સૂરસાગર’ નામનો હજારો ભક્તિપદોનો સંગ્રહ તેમના નામે વિખ્યાત છે. સંગીતજ્ઞ દોલત: મુસ્લિમ બાદશાહ તૈમૂર લંગના દરબારના પ્રખર સંગીતજ્ઞ અને મિત્ર. એક વાર મજાકમાં બાદશાહે પૂછ્યું, ‘શું દોલત અંધી હોય છે?’ ત્યારે દોલતે જવાબ આપ્યો હતો, ‘એટલે જ તો તે તૈમૂર પાસે હોય છે.’ હેલન કેલર: મૂક-બધીર અને અંધ હોવા છતાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવનાર વિશ્વની પ્રથમ મહિલા. તેમનાં જીવનમાં પરિવર્તન લાવવાનો શ્રેય તેમના શિક્ષિકા કુ. સલિવાનને જાય છે. હેલન કેલરે પ્રચંડ પુરુષાર્થથી વિશ્વની આંખો ઉઘાડી નાખી. ગ્રીક મહાકવિ હોમર: બંને આંખોથી દિવ્યાંગ હોવા છતાં વિશ્વવિખ્યાત મહાકાવ્યો ‘ઇલીયડ’ અને ‘ઓડેસી’ની રચના કરી. ગ્રીસમાં આ કાવ્યોનું સ્થાન આપણા રામાયણ અને મહાભારત જેવું જ સન્માનીય છે. એક દિવ્યાંગ દીકરીની સંઘર્ષકથા દર્શાવતી ફિલ્મ ‘બ્લેક’ (જેમાં શિક્ષક તરીકે અમિતાભ બચ્ચન છે) પણ અત્યંત પ્રેરણાદાયી અને દર્શનીય છે. - અનિરુદ્ધ ઠાકર
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:ચોખટ પ્રભુની અને નજર ‘પડોશી’ના પાકીટ પર!
    Next Article
    આંતરમનના આટાપાટા:હરીન્દ્ર દવે: એવું વ્યક્તિત્વ જે જીવી લેવાનું મન થાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment