Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:ચોખટ પ્રભુની અને નજર ‘પડોશી’ના પાકીટ પર!

    1 week ago

    પ્રભુના મંદિરે મૂર્તિની સમક્ષ ઊભા રહીને મારી એક નહિ, બંને આંખો સાઈડમાં જ ફરતી હોય કે, બાજુમાં આવેલો શ્રદ્ધાળુ કેટલા પૈસા નાંખે છે! ઓહ. એ કેટલા નાંખે છે, એ ય જોવાનું નહિ.... ‘નાંખે છે કે નહિ’, એટલું જ ત્રાંસી આંખે જોઈ લેવાનું અને જેવો એનો હાથ મંદિરમાં સિક્કો નાંખવા ઊંચો થાય, એ તક ઝડપી લેવાની ને કાચી સેકંડ ગુમાવ્યા વિના એ જ અદાથી હું ય સિક્કો નાંખું. એ વાત જુદી છે કે, પૈસા એક્ટિંગના છે. હું નાંખતો કાંઈ ન હોઉં. મારી પાસે એવા વધારાના પૈસા ન હોય કે, મંદિરમાં નાંખું, પણ જોનારાઓને લાગવું જોઈએ કે, સિક્કાનો ખડિંગ અવાજ આ ભ’ઈના પૈસાથી આવ્યો છે! પાછું એવું ય નહિ કે, ત્યાં બચાવેલા પૈસા બહાર ગરીબગુરબાને દાન કરી દઉં. કમાઈએ આપણે ને મફતીયાઓ શેના લઇ જાય? આ તો એક વાત થાય છે! હા. પેલા દાનવીરની નકલ ઍક્ઝૅક્ટ કરવાની જેથી મને જોનારાઓને ય લાગે કે, કોક મોટો દાનવીર આવ્યો લાગે છે! કબૂલ કે, એવું તો અનેકવાર બન્યું છે કે, પેલાનો હાથ સહેજ અમથો મોડો પડ્યો હોય ને મારાથી હાથ ફેંકાઈ ગયો હોય, એમાં કોક જુએ તો સાલું આપણું કેવું ખરાબ લાગે? પૈસા ખડિંગ કરતો અવાજ આવે, એના છે! મંદિર અમે પૂરા ખાનદાન સાથે જઈએ છીએ. પ્રભુ સમક્ષ બે હાથ જોડીને, આંખો મીંચીને, મનમાં હરિસ્મરણ કરીને જે સંતોષ મળે છે, તે કોલેજ-લાઇફમાં સુંદરથી માંડીને ભંગાર છોકરીઓ જોઈને ય નહોતો થતો. એ તો સારું છે કે, અમારી આંખો ચાળણી જેવી સચોટ એટલે જેવી તેવીને તો જોઈએ જ નહિ. અરે, પ્રભુ દયાળુ થઈ જાય તો આપણે જોઈને ખુશ થયા હોઈએ, એવી લાવણ્યમયી પત્ની બનીને આવે! અમારા બે-ચાર દોસ્તોનો અનુભવ ઘણો ખરાબ હતો કે, પ્રભુને બદલે સૌંદર્યાજ્ઞીને જોવામાં અસલી પ્રસાદ બીજો લાલીયો લઇ જાય ને આ લોકોના હાથમાં પ્રસાદનો વધેલો ભૂકો જ આવે. એટલે કે, જેને ‘બા’ બનાવવી ય ન પોસાય, એવી ભાગ્યમાં આવે! મેં તો એવી મહાપ્રતાપી પત્નીઓ જોઈ છે, જે એના ગોરધન સાથે ફક્ત સાંજે અંધારામાં જ મંદિર જઈને પ્રદક્ષિણા કરે, એના ગોરધન સાથે નહિ, એકલી! અફ કોર્સ, એકલી તો આપણને લાગે, પણ પાછળ એનો બિનઅધિકારિક પ્રેમી ઊભો હોય. બંને વચ્ચે થોડું થોડું કુચિકુઈંગ થઇ જાય ને બેન ગોરધન પાસે પાછા આવીને ચપટી પ્રસાદ આપે! ડોબાને એ ય ખબર ન પડે કે, આ પ્રસાદ એને કેટલો મોંઘો પડી રહ્યો છે! ગોરધન તો ખુશ થતો હોય કે, આવા કલિયુગના જમાનામાં મારી વાઈફ કેટલી ધાર્મિક છે! ભક્તાણી કાંઈ એકાદ ચકરડું મારીને શ્રદ્ધા પૂરી ન કરે... ગોરધન ઊભો ઊભો ઊંઘવા માંડે, ત્યાં સુધી પેલીનાં ચકરડાં પૂરાં ન થાય! એ દૃષ્ટિએ અમારી નજર અનુભવી ખરી! કોને જોવી ને કોને ‘ચલ બે, હટ...!’ કહીને સાઈડમાં ધકેલવી, એનું સચોટ નોલેજ! જોકે, મંદિર પસંદ કરતાં ય આવડવું જોઈએ. શ્રી હનુમાનજીના અમે ય પરમ ભક્ત ખરા, પણ ત્યાં જઈને કન્યા ન મંગાય.... હાથમાં ધૂપેલ જ આવે! આ માટે અમારી સ્પેશિયલ પસંદગી નટખટ કન્હૈયાની, જેની પાસે 16,108નો સ્ટોક પડેલો હતો. એ બધી એમને મુબારક, પણ ભોળા મહાદેવ પાસે આવું કશુંક માંગવા જઈએ તો ઊંધા હાથની એક અડબોથ આવે! જ્યાં જે મંગાતું હોય એ જ મંગાય! જામનગરમાં ભીડભંજનના પ્રભુમંદિરની બહાર ભિક્ષુકો લાઇનમાં બેઠેલા હોય, એમાં અચાનક મારી માની નજર એક વૃદ્ધ ભિખારી કપલ ઉપર પડી ગઈ. પેલાં બંને તો આડું જોઈ ગયાં, પણ માએ એમને ઓળખી લીધાં. એ મારી માના ‘સગા’ મામા-મામી હતાં. મા રોઈ પડી ને ખભો પકડીને ઊભાં કર્યાં ને બન્નેને ઘેર લાવ્યાં. પેટ ભરીને ખવડાવ્યું/પીવડાવ્યું, નવાં કપડાં લાવી આપ્યાં અને મામાનાં દુઃખોની કહાણીઓ સાંભળી. આ મામાએ મુંબઈની ગોદીની પ્રચંડ આગ લાગી હતી, એમાં ફાયર-ઓફિસર તરીકે જીવના જોખમે આગમાં કૂદીને અનેકના જીવ બચાવ્યા હતા અને દિલ્હી જઈને રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવ્યો હતો. પણ જીવ ભીક્ષુકવેડામાં ઘુસી ગયેલો, એટલે જામનગર પાછા આવીને ફરી પાછા ભીડભંજનના મંદિર બહાર ફાટલાં કપડે બન્ને હાથ લંબાવીને બેસી ગયા. ‘ચોર ચોરી સે જાય, હેરાફેરી સે ન જાય!’ આમને તો હેરાફેરીમાં ય રસ ન હતો. એમાં ય બે હાડકાં તો હલાવવાં પડે ને? આમાં તો એક જ હાથ લંબાવવાનો. કહે છે કે, આખરી દિવસો આવ્યા ત્યાં સુધી એટ લીસ્ટ, એ રાષ્ટ્રપતિ ચંદ્રક વેચ્યો નહતો...એ તો લાઇફ-ટાઇમ કમાણીનું સાધન હતો! આપણામાંથી મંદિર કેટલાક રોજ જાય છે, કેટલાક ક્યારેક જાય છે તો કેટલાક ત્યાંથી પસાર થતી વખતે ગાડીમાં બેઠાં બેઠાં સહેજ અમથા વાંકા વળીને છાતીને હાથ અડાડી દે છે, પણ ત્રણમાંથી એકે ય ની આસ્થા ઓછી નથી. બસ. એટલી પ્રાર્થના પ્રભુને કરીએ કે, તું અમારા ઘર પાસેથી પસાર થતો હોય ત્યારે જમણી કોણી વાળીને આશીર્વાદનો પંજો ઊંચો કરજે..... બદલામાં તારે એટલું તો કરવું જોઇએ ને? ક્યારેક ભૂલમાં તું ભૂલી જાય ત્યારે અમારે બે-ત્રણ મહિનાનો ખાટલો આવે છે.... ને એ ય અમને સ્વીકાર્ય છે. સિક્સર -‘ભગવાન કરે, આ IPL બારે માસ ચાલે...!’ હકી એની સખીને કહેતી હતી. - કેમ? - અરે, એ ચાલે ત્યાં સુધી એમનું જમવામાં ધ્યાન હોતું નથી ને મારી ગમે તેવી રસોઈ બોલ્યા ચાલ્યા વિના જમી લે છે!
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:એ અંધેરે દેખ લે મુઁહ તેરા કાલા હો ગયા, માઁ ને આંખે ખોલ દી ઘર મેં ઉજાલા હો ગયા
    Next Article
    સૂરદાસ મહામાનવો:ટેરવાંની સંવેદના અને શ્રવણ શક્તિથી સફળ થયેલાં પ્રજ્ઞાચક્ષુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment