Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું

    6 days ago

    સાંજના 5 વાગ્યા છે. એક નિર્જન જગ્યાએ કેટલાક લોકો જમીનને ચોરસ ખોદી રહ્યા છે. આસપાસ ભીડ છે. અડધા કલાક પછી ખોદકામ કરનારાઓને ખાડામાં કંઈક દેખાયું. થોડી ક્ષણો પછી બે-ત્રણ લોકો તે ખાડામાં ઉતર્યા અને એક લાશ બહાર કાઢીને મૂકી દીધી. લાશના ઘણા ભાગો હાડપિંજરમાં ફેરવાઈ ગયા છે. ત્યારબાદ કુશળતાપૂર્વક લાશની ખોપડીને ધડથી અલગ કરી દેવામાં આવી. ભીડમાંથી એક યુવાન દારૂની બોટલ લઈને આગળ આવે છે. તે ખોપડીને ઉઠાવે છે અને દારૂથી ધોવા લાગે છે. પાસે જ ઉભેલો બીજો વ્યક્તિ મંત્ર જેવું કંઈક ગણગણવા લાગે છે. ત્યારે જ ભીડમાંથી વધુ એક વ્યક્તિ સફેદ કપડું લઈને આગળ આવે છે. પરિવારના સભ્યો તે દારૂથી ધોયેલી ખોપડી પર પાઘડીની જેમ તેને બાંધી દે છે. આ પછી ખોપડીને એક મટકામાં રાખીને, પાસે પડેલા પથ્થર પર ટેકવી દેવામાં આવી. આ પથ્થરને લોકો ‘લુફઉનુંગ’ કહી રહ્યા છે. થોડીવાર પછી ખોપડી અને ધડને ફરીથી ત્યાં જ દાટીને જમીન સપાટ કરી દેવામાં આવી. દૈનિક ભાસ્કરની શ્રેણી ‘હમ લોગ’માં હું મનીષા ભલ્લા આ વખતે લાવી છું મણિપુરના મૈતેઈ સમુદાયની વાર્તા. તેમની વસ્તી આશરે 15 લાખ છે… જે પ્રક્રિયાનો મેં ઉપર ઉલ્લેખ કર્યો તે મૈતેઈ સમુદાયની અંતિમ સંસ્કારની વિધિ છે. જે મૃત્યુના એક વર્ષ પછી એટલે કે વરસી પર કરવામાં આવે છે. તેને 'ફૂરા' કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી મૃત વ્યક્તિના આશીર્વાદ જળવાઈ રહે છે. મૈતેઈ સમુદાયને જાણવા માટે હું મણિપુરની રાજધાની ઈમ્ફાલના એક મહોલ્લા- લેટોનઝામખોરીમાં પહોંચી છું. સાંજના 4 વાગ્યા છે. રસ્તા પર સન્નાટો છે. અહીં એક ઘરના આંગણામાં કેટલાક લોકો ગોળ કુંડાળામાં બેઠા છે. તેમની વચ્ચે સફેદ ધોતી-કુર્તા પહેરેલા એક પુરોહિત ઉભડક બેઠા છે. તેમણે એક મરઘાનું મોઢું મજબૂતીથી પકડી રાખ્યું છે. મરઘો તરફડિયાં મારી રહ્યો છે. આસપાસના લોકો એકીટશે જોઈ રહ્યા છે. સૌનું ધ્યાન મરઘાના પગ પર છે. થોડી જ વારમાં મરઘો મરી જાય છે. પુરોહિત મરઘાને ઉઠાવીને એક યુવાનને બતાવતા મૈતેઈ ભાષામાં કહે છે- 'જો, બંને પગ સરખા છે... મતલબ તારા લગ્નમાં આવતી અડચણ દૂર થઈ જશે.' આટલું સાંભળતા જ તે યુવાન અને તેની પાસે બેઠેલા લોકો રાહતનો શ્વાસ લે છે. પુરોહિત ફરી સમજાવે છે- 'જો મરઘાનો જમણો પગ ઉપર હોત તો તે ખૂબ જ શુભ ગણાત... અને ડાબો પગ ઉપર હોત તો અશુભ. પરંતુ બંને સરખા છે... એટલે કે મુશ્કેલી છે, પણ ઉકેલ પણ છે.' મારી સાથે મણિપુરના સાંસ્કૃતિક કાર્યકર્તા લૈરેલ્લા કપમ ઈબોમચા મૈતેઈ છે. તેઓ જણાવે છે- ‘આ યેનખૌંગતંબા છે. અહીં ‘યેન’ એટલે મરઘો, ‘ખૌંગ’ એટલે પંજા અને ‘તંબા’ એટલે જોવું... એટલે કે મરઘાના પંજા દ્વારા નસીબ જોવું.’ આશરે 20 મિનિટ પછી અમે ઈમ્ફાલના બીજા મહોલ્લામાં પહોંચી જઈએ છીએ. મહોલ્લામાં રંગબેરંગી રોશની છે. લોકો ધીમે ધીમે એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. અહીં કેટલીક ખુરશીઓ રાખેલી છે. સામે એક સ્ટેજ છે... જેના પર સફેદ કપડામાં બે પુરોહિત બેઠા છે. પુરોહિત પોટસછંગ મૌરોલૈર મૈતેઈ અને નિંથઉઝમ કોકિલ મૈતેઈ માઈક સંભાળે છે અને એક વાર્તા સંભળાવે છે. સ્ટેજ પર કલાકારો આ વાર્તાઓ પર અભિનય કરે છે. તેઓ ક્યારેક ઉત્સાહથી ભરાઈ જાય છે તો ક્યારેક ભાવુક થઈને અટકી જાય છે. પુરોહિત જણાવી રહ્યા છે- ‘મણિપુરમાં 1562ની આસપાસ મૈતેઈ રાજા મોંગઝામ્બા શાસન કરતા હતા. ઘોડેસવારીમાં નિષ્ણાત અને અત્યંત બહાદુર. તે સમયગાળામાં ચીનનો એક રાક્ષસી રાજા હતો, જે દરરોજ અહીંના 10 માણસો અને 10 પ્રાણીઓ મારીને ખાઈ જતો હતો. આખો વિસ્તાર તેના ડરમાં જીવતો હતો.’ પુરોહિત ઈશારાથી સમજાવે છે- પરેશાન લોકો પોતાના રાજા પાસે જઈને કહે છે- હવે આનો અંત જરૂરી છે. આ પછી રાજાએ એક મોટા છરાથી ચીની રાજાને મારી નાખ્યો. આ વાર્તા અહીં દર અઠવાડિયે આ કથાશૈલીના નૃત્યમાં પુનરાવર્તિત કરવામાં આવે છે. જેમાં કલાકારો મૈતેઈ રાજાઓની બહાદુરીના કિસ્સાઓ પર અભિનય કરે છે. ઘરના ખૂણે માત્ર એક દીવાલ જ તેમનું મંદિર હોય છે આ પછી હું સાંસ્કૃતિક કાર્યકર્તા ઈબોમચાના ઘરે પહોંચી. ઘરના ખૂણામાં એક અલગ પ્રકારની દીવાલ છે. તેના પર કેટલાક ફળો રાખેલા છે. તેઓ જણાવે છે- ‘આ જ અમારું મંદિર છે. મૈતેઈ ભાષામાં તેને ‘સનામહિઝમ’ કહેવામાં આવે છે. આનાથી ખરાબ આત્માઓ આવતી નથી.’ હું વાત કરી જ રહી હતી, ત્યાં જ ઈબોમચાના પરિવારે જમવાનું પીરસી દીધું. જમવામાં મરઘાનું માંસ, બતકનું માંસ અને ચોખા હતા. સાથે કબોક, ક્વા, થોઈથિંગ અને હમઈબોન નામની વાનગીઓ પણ પીરસવામાં આવી. મેં ભોજન લીધું. રાત ધીમે ધીમે વધી રહી હતી, તેથી હું હોટલ પર પાછી ફરી. સવારે હું ઈબોમચા સાથે કારમાં પૂર્વ ઈમ્ફાલના ખુર્રઈ પુથીબા લૈઈકઈ ગામ જવા માટે નીકળી. આ ગામ આશરે 35 કિલોમીટર દૂર હતું. ગામમાં સૌથી પહેલા બે નાના કુદરતી ઝરણાં દેખાયા. મૈતેઈ ભાષામાં તેને ‘થુમખૌંગ’ કહેવામાં આવે છે. હું કારમાંથી ઉતરીને ઝરણાં પાસે પહોંચી. અહીં પાણી પીધું તો તે ખારું લાગ્યું. ઈબોમચાએ જણાવ્યું કે આ મૈતેઈ સમુદાયની પરંપરાઓની જીવનરેખા છે. અમે ફરી કારમાં સવાર થયા. અડધા કલાક પછી પુથીબા લૈઈકઈ ગામ પહોંચ્યા. અહીં મારી મુલાકાત જોશિતા ચાનૂ સાથે થઈ. મેં તેમને ઝરણાંના પાણીનો ઉલ્લેખ કર્યો. તેઓ જણાવે છે- ‘અમે આ ઝરણાંના ખારા પાણીને મટકાઓમાં એકઠું કરીએ છીએ. પછી તેને લૈરંગ, એટલે કે ભઠ્ઠી પર રાખેલા ટીનના ડબ્બામાં નાખીને ઉકાળીએ છીએ. ધીમે ધીમે મીઠું ઉપર આવે છે. તેની પ્લેટ્સ (થપા) બનાવીને સુકવવામાં આવે છે. પછી આ જ પ્લેટ્સને બારીક કરીને ‘થુમ’ એટલે કે મીઠું બનાવવામાં આવે છે. તૈયાર મીઠું બજારમાં પણ વેચાય છે. આ કામ અહીં ઘણા પરિવારો કરે છે.' જન્મતાની સાથે જ બાળકને ચટાડવામાં આવે છે મીઠું જોશિતા જણાવે છે- ‘જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને આ મીઠું ચટાડવામાં આવે છે. મૃત્યુ સમયે પણ તેને શવની જીભ પર રાખવામાં આવે છે. લગ્ન-પ્રસંગ સહિત દરેક તહેવારમાં આ અનિવાર્ય છે.’ તેઓ અમને બીજા મૈતેઈ ઈન્ગસીંબીરાક્સી ગામમાં લઈ જાય છે. આ ગામ આશરે 30 કિલોમીટર દૂર છે. ગામમાં પ્રવેશતા જ નજર પડે છે સફેદ રંગના પાપડ જેવા આકારની વસ્તુઓ પર, જે સુકવવામાં આવી રહી છે. જોશિતા જણાવે છે- ‘અહીં ચોખાને આથો આપવામાં આવી રહ્યો છે. આમાંથી એક સ્થાનિક દારૂ બનાવવામાં આવશે, જેને ‘હમઈ’ કહેવામાં આવે છે. પાંચ દિવસમાં આ તૈયાર થઈ જાય છે.’ તેઓ જણાવે છે કે- ‘અમારે ત્યાં મહિલાઓ દારૂ પીતી નથી.’ આ પછી અમે અહીંથી પાસેના જ એક અન્ય ગામ એન્ગ્સીનબીરાક્સી પહોંચીએ છીએ. અહીં કુસ્તી (મલ્લયુદ્ધ) થવાની છે, જે જોવા માટે ભીડ જમા થઈ છે. મૈતેઈ ભાષામાં તેને લોકો ‘યૂબી લકપી’ કહી રહ્યા છે. આમાં ભાગ લેનારા યુવાનો પોતાના શરીર પર તેલ લગાવીને તૈયાર છે. સાત-સાત ખેલાડીઓની બે ટીમો છે. આમાં ખેલાડીઓએ એકબીજા પાસેથી નાળિયેર છીનવવાનું હોય છે. નાળિયેર પર પણ એટલું બધું તેલ લગાવી દેવામાં આવે છે કે ખેલાડીઓના હાથમાં ન આવે. જીતનારને સફેદ કપડું અને થોડા પૈસા આપવામાં આવે છે. જોકે, સાંજ પડી રહી હતી, તેથી મલ્લયુદ્ધ જોયા વગર જ અમે ઈમ્ફાલ જવા રવાના થઈ ગયા. મૈતેઈ યુવક-યુવતીઓ ભાગીને કરે છે લગ્ન બીજા દિવસે ઈમ્ફાલમાં હું માનવશાસ્ત્રી (એન્થ્રોપોલોજિસ્ટ) શાકમાચા સિંહ પાસે પહોંચી. તેઓ જણાવે છે કે મૈતેઈ સમાજમાં લગ્નની વિધિ અલગ છે. સામાન્ય રીતે અહીં છોકરો-છોકરી ઘરથી ભાગીને લગ્ન કરે છે. આ પરંપરા માટે હોળીની રાત્રે ગામની બહાર ‘થાબલચોંગ્બા’ ઉત્સવ ઉજવવામાં આવે છે. આમાં છોકરીઓ ગોળ કુંડાળામાં નૃત્ય કરે છે. આ દરમિયાન કોઈ યુવાન તેમાંથી એક છોકરીને પસંદ કરે છે. પછી તે છોકરીનો હાથ પકડી લે છે. પાસે જ બેઠેલા છોકરીના માતા-પિતા આ ધ્યાનથી જોતા હોય છે કે તેમની દીકરીનો હાથ કયા યુવાને પકડ્યો છે. હાથ પકડવાનો અર્થ એ માનવામાં આવે છે કે તે યુવાન આ યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. આ પછી તે યુવાન છોકરીને મળવા માટે ગામમાં આવે છે. બંનેને મળવા માટે પૂરો સમય અને ખાનગી જગ્યા આપવામાં આવે છે, જેથી તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે. છોકરીના પરિવારજનો પણ નજર રાખે છે કે તે છોકરો કોણ છે? કેવો છે? જો પરિવારને છોકરો યોગ્ય ન લાગે તો તેઓ પોતાની દીકરીને તેને મળતા અટકાવે છે. જો છોકરી અને પરિવાર બંને છોકરાને પસંદ કરી લે, તો છોકરો છોકરીને ભગાડીને પોતાના ઘરે લઈ જાય છે. ભાગવા માટે જરૂરી છે છોકરીની મંજૂરી શાકમાચા જણાવે છે- ‘જ્યારે છોકરાના પરિવારને ખબર પડે છે કે તેમનો દીકરો છોકરીને ભગાડી લાવ્યો છે, ત્યારે તેઓ પોતાના વડીલો સાથે છોકરીના ઘરે પહોંચે છે. તેમના હાથમાં મીઠાની થાળી, ફળ અને પાન હોય છે. ત્યાં પહોંચીને તેઓ છોકરીના પરિવારની માફી માંગે છે.’ આ દરમિયાન છોકરી પણ સાથે હોય છે. છોકરીને પૂછવામાં આવે છે- ‘શું આ છોકરાએ તને જબરદસ્તી ભગાડી છે, કે આ તારી મરજીથી થયું છે?’ આવા સમયે છોકરીનો જવાબ ખૂબ મહત્વનો હોય છે. જો છોકરી એમ કહી દે કે છોકરો તેને લલચાવી-ફોસલાવીને લઈ ગયો છે, તો છોકરાને તરત જ સમુદાય અને ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. જો છોકરી પોતાની સંમતિ આપે છે, તો બંનેના લગ્ન નક્કી થઈ જાય છે. જલસો લાવવા અપાય છે આમંત્રણ શાકમાચા જણાવે છે- 'લગ્નના બે દિવસ પહેલા ‘બોર જાતરા’ એટલે કે એક યાત્રા હોય છે. આમાં છોકરીના ઘરનો સૌથી નાનો છોકરો કેટલાક લોકો સાથે વરરાજાના ઘરે જઈને આમંત્રણ આપે છે કે- તમે અમારા ઘરે ‘હાઈચિંગ પોટ’ એટલે કે જલસો લઈને આવો. આ પછી છોકરાના ગામની મહિલાઓ જલસો લઈને છોકરીના ઘરે જાય છે. તેઓ માથા પર વાંસની એક ટોપલીમાં ઘરેણાં, ફળ અને મીઠાની 5 પ્લેટ્સ લઈને ચાલે છે. આ ટોપલીને ‘ફિંગારુખ’ કહેવામાં આવે છે. આ જાતરાની આગેવાની એક સૌભાગ્યવતી મહિલા કરે છે, જેના સંતાનો અને માતા-પિતા જીવિત હોય. આના બે દિવસ પછી લગ્ન થાય છે. મંડપમાં પહેલા છોકરો પ્રવેશે છે, પછી છોકરી. ત્યારબાદ ફેરા થાય છે. છોકરી છોકરાને ફૂલ આપે છે. છોકરો છોકરીના ગળે મફલર જેવું કપડું પહેરાવે છે. આ કપડું ‘તનખુલ નગા’ સમુદાયના હાથનું વણેલું જ હોવું જોઈએ. મૈતેઈ લોકો તનખુલ નગા સમુદાયને પોતાના ભાઈ માને છે. આ પછી વરરાજા, દુલ્હનના ભાઈઓ સાથે પાનની અદલાબદલી કરે છે. પછી બંને વડીલોના આશીર્વાદ લે છે. અહીં લગ્નની વિધિ પૂરી થાય છે.' શાકમાચા જણાવે છે- 'લગ્ન થયા પછી છોકરો છોકરીને સાથે લઈ જતો નથી. પહેલા છોકરો એકલો જ પોતાના ઘરે પાછો ફરે છે. આના થોડા કલાકો પછી છોકરી વિદાય થાય છે. સાસરિયાના ઉંબરે વાંસ સળગાવીને ધુમાડો કરવામાં આવે છે. આ ધુમાડામાંથી પસાર થઈને વર-કન્યા ઘરની અંદર પ્રવેશ કરે છે. આના પાંચ દિવસ પછી ‘મંગાની ચકોદા’ નામની વિધિ થાય છે, જેમાં આખા ખાનદાન અને ગોત્રને જમણવાર આપવામાં આવે છે.' આ શ્રેણીમાં આવતા અઠવાડિયે વાંચો આવા જ અનોખા કોયા લોકોની વાર્તા….
    Click here to Read More
    Previous Article
    ઘરના જ ઘાતકી બનતાં પંજો લાચાર!:કોઇએ મેન્ડેટ લઇ ફોર્મ ન ભર્યું તો કોઇએ પાછું ખેંચી લીધું, નેતાજીના કેસરિયાથી કોંગ્રેસનું દુઃખ છલકાયું
    Next Article
    હિંદુ પિતા-પુત્રને કાપી નાખ્યા, બંગાળમાં ચૂંટણીનો મુદ્દો નથી:હિંસાવાળી 76 બેઠકો, લોકો બોલ્યા- પોલીસ છુપાઈ જાય છે, મમતા બચાવતી નથી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment