Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરના જ ઘાતકી બનતાં પંજો લાચાર!:કોઇએ મેન્ડેટ લઇ ફોર્મ ન ભર્યું તો કોઇએ પાછું ખેંચી લીધું, નેતાજીના કેસરિયાથી કોંગ્રેસનું દુઃખ છલકાયું

    6 days ago

    ઘરના જ ઘાતકી. આ કહેવત અત્યારે કોંગ્રેસે બરાબર લાગુ પડે એમ છે કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે. ફોર્મ ભરવું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઇને ભાજપના ઉમેદવાર બની જવું. દાહોદ હોય કે વાવ-થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય? ઉમેદવારોના વિશ્વાસઘાતથી કોંગ્રેસ લાચાર દેખાઇ રહી છે. કારણ કે જે નેતાજી સવારે કોંગ્રેસમાં હોય છે બપોર પડતાં જ તે ભાજપમાં આવી જાય છે. ઉમેદવારોના દગા બાદ કોંગ્રેસે પક્ષાંતર ધારાને ફોર્મની પ્રક્રિયા સાથે જોડી દેવાની માંગ કરી છે. દિવ્ય ભાસ્કરે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા સાથે વાતચીત કરી હતી. ઉમેદવાર એક, મેન્ડેટ ત્રણ દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલી પીપેરો જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભરતસિંહ વાખળા મૂળ કોંગ્રેસમાં હતા. તેમણે 2017માં દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના બચુ ખાબડ સામે ચૂંટણી લડી હતી. જો કે હારી ગયા બાદ તેમણે આપનો ખેસ પહેર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેમણે પીપેરો બેઠક પરથી આપનો મેન્ડેટ મેળવ્યો હતો. આના પછી તેમણે કોંગ્રેસને વિશ્વાસમાં લઇ કોંગ્રેસનો મેન્ડેટ મેળવ્યો હતો. છેલ્લે તેમણે ભાજપનો મેન્ડેટ પણ મેળવી લીધો હતો. આમ ત્રણેય પક્ષમાંથી ઉમેદવારી કરી હતી. જેના કારણે રાજ્ય ચૂંટણી પંચની યાદીમાં તેમના 3 નામ હતા. તેમાંથી તેમણે કોંગ્રેસ અને આપના ફોર્મ પાછા ખેંચીને આખરે ભાજપમાંથી ચૂંટણીમાં ઝૂંકાવ્યું છે. ખુલ્લેઆમ વિશ્વાસઘાત છે: કોંગ્રેસ વાખળાના આ પગલાંને કોંગ્રેસે ખુલ્લેઆમ વિશ્વાસઘાત ગણાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, કોંગ્રેસે 2017માં ભરત વાખળાને ટિકિટ આપી હતી ત્યાર બાદ તે આપમાં જોડાયા હતા. તેના ભાઇ પણ કોંગ્રેસમાં હોદ્દેદાર હતા. કોંગ્રેસે ભરત વાખળા પર વિશ્વાસ કર્યો હતો. એ સામેથી આવ્યા હતા અને કહ્યું હતું કે મારે કોંગ્રેસમાં જોડાવું છે. 'પાર્ટીને તેમના પર વિશ્વાસ થયો કે આ વ્યક્તિ બચુ ખાબડે કરેલા ભ્રષ્ટાચાર સામે લડવા માંગે છે. ભાજપની કટકી, કમિશન અને કમલમની સરકાર સામે લડવા માંગે છે એટલે કોંગ્રેસે તેમને મેન્ડેટ આપ્યો હતો. તેમણે કોંગ્રેસ સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કર્યો છે.' 24 મિનિટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં વાવ-થરાદની ભોરોલ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જોગાજી રાજપૂતે પણ આવું જ કર્યું હતું. તેમણે પણ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લાં દિવસે બપોરે 2 વાગ્યાના અરસામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને બપોરે 2-21 વાગ્યે કોંગ્રેસનો મેન્ડેટ રજૂ કર્યો હતો. ત્યારબાદ આશરે 2-45 કલાકે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું અને મેન્ડેટ રજૂ કર્યો હતો. 13મી તારીખે શરૂ થયેલી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર વ્યક્તિએ પોતે સહી કરી નથી, મારા નામની ખોટી સહી છે તેવી એફિડેવિટ રજૂ કરતા કોંગ્રેસનું ફોર્મ રદ થયું હતું. જેથી હવે આ બેઠક પર અપક્ષ ઉમેદવારો અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. 'કોંગ્રેસ સાથે ગદ્દારી કરી' આ અંગે કોંગ્રેસે કહ્યું કે, જોગાજી રાજપૂત વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસે અને ત્યાંના સાંસદ, જિલ્લા પ્રમુખે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો પણ તે વ્યક્તિએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી. વાવ-થરાદ જિલ્લાના લોકો આ ગદ્દારી મુદ્દે થૂં થૂં કરી રહ્યાં છે. આ પ્રકારના લોકો માટે લોકશાહીમાં જગ્યા નથી. અમે વાવ-થરાદમાં કોઇ રસ્તો નીકળે તેનો પ્રયાસ કરીએ છીએ. મહાનગર અમદાવાદમાં કોંગ્રેસને કડવો અનુભવ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વાસણા વિસ્તારમાંથી કોંગ્રેસે ફાલ્ગુનીબેન રાવળને ટિકિટ આપી હતી. તેમને મેન્ડેટ પણ આપ્યો હતો પરંતુ તેઓ ફોર્મ ભરવા ગયા જ નહીં. સરખેજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત ભરવાડે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું એટલે આ બેઠક પર હવે બાકી રહેલાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાય તેવી સ્થિતિ હાલ સર્જાઇ છે. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત ભરવાડના આ પગલાંને આવકાર્યું હતું અને કહ્યું હતું કે તેમના આવવાથી ભાજપ વધુ મજબૂત થશે. બીજીતરફ કોંગ્રેસનું માનવું છે કે આવું કરનારા ઉમેદવારોની દાનતમાં જ ખોટ હોય છે. પાર્થિવરાજસિંહે કહ્યું કે, કોંગ્રેસે ફાલ્ગુનીબેનની પસંદગી કરીને તેમને ઉમેદવારી પત્ર ભરવાનું કહ્યું હતું. તેમણે પાર્ટીને અંધારામાં રાખી અને બપોરે છેલ્લી ઘડીએ પહોંચ્યા નહીં. કોંગ્રેસના આગેવાનો તેમને ફોન કરતા રહ્યાં અને તેમણે આવીને કહી દીધું કે મારે ચૂંટણી નથી લડવી. જો તેમણે ચૂંટણી નહોતી લડવી તો વહેલા જાણ કરવાની જરૂર હતી. છેલ્લી ઘડીએ કહે એનો અર્થ એવો કે તેમની દાનતમાં ખોટ છે, તે કંઇક ખોટું કરવા માંગે છે. જનતા ભાજપને હાંકી કાઢશેઃ કોંગ્રેસ કોંગ્રેસે પોલીસ પર ઉમેદવારોને ધમકાવવાનો આરોપ પણ લગાવ્યો. કઠવાડિયાએ જણાવ્યું કે, 2 પૂર્વ ધારાસભ્યો બળદેવજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે ફરિયાદ કરવી પડી કે મહેસાણા અને વાવ-થરાદમાં પોલીસ તંત્ર ઉમેદવારોને ધમકાવે છે, દબાવે છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીને શેનો ડર લાગે છે? મને લાગે છે કે ગુજરાતની જનતા ભ્રષ્ટાચારી શાસનથી ત્રસ્ત છે અને તેમને હાંકી કાઢવાની છે. 'આવી ઘટનાઓ ચિંતાજનક' કોંગ્રેસે આવી ઘટનાઓને ગંભીર ગણાવવાની સાથોસાથ મતદારોના અધિકાર પર તરાપ સમાન ગણાવી છે. તેમણે ઉમેર્યું કે, આ ઘટનાઓ લોકશાહી માટે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.ભાજપની નીતિ શામ, દામ, દંડ, ભેદની છે. ક્યાંક કોઇ પૈસાથી વેચાય છે, ક્યાંક કોઇ હોદ્દાથી વેચાય છે, ક્યાંક કોઇને ડરાવાય છે, ક્યાંક કોઇને ધમકાવાય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે લોકશાહીની ધોળા દિવસે હત્યા થઇ રહી છે. પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી (ભાજપા) માનતી પાર્ટીને ચૂંટણી લડવાથી શેનો ડર લાગે છે? કેમ ભાજપે ખરીદ વેચાણ કરવું પડે છે? કેમ ડરાવવા-ધમકાવવા પડે છે તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે. ગુજરાતની જનતાએ આવી પાર્ટીને જાકારો આપવો પડશે.' મતદાન સુધી પક્ષપલટો ન થાય તેવો કાયદો બનાવો પોતાના જ ઉમેદવારોએ દગો દેતા કોંગ્રેસે પક્ષાંતર ધારાને ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે જોડી દેવાની માંગ કરી છે. કઠવાડિયાએ કહ્યું કે, કોઇ ઉમેદવાર ચૂંટાઇને પછી પક્ષપલટો કરે તો પક્ષાંતર ધારો છે પણ આ તો ચૂંટણી પહેલાં જ વેચાઇ જાય છે, મતદાન તો દૂરની વાત છે. ફોર્મ ભરવાના દિવસે જ વેચાઇ જાય છે. ‘હું માનું છું કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થાય અને ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પછી મતદાનનો જે છેલ્લો દિવસ હોય ત્યાં સુધી કોઇપણ ઉમેદવાર પક્ષપલટો ન કરી શકે, કોઇને ટેકો જાહેર ન કરી શકે તેવો કાયદો બનાવવો જોઇએ. કારણ કે જ્યારે કોઇ ઉમેદવાર ફોર્મ ભરતો હોય છે ત્યારે તે સભાનાવસ્થામાં હોય છે અને સભાનાવસ્થામાં એટલી તો ખબર હોવી જોઇએ કે આવનારા સમયમાં પોતે શું કરવા માંગે છો.’ કોંગ્રેસ ભલે કડક કાયદાની માંગ કરી રહી હોય પણ આ ચૂંટણીના પરિણામો જ બતાવશે કે જનતા ગદ્દારી કરનારા નેતાઓને સ્વીકારે છે કે જાકારો આપે છે.
    Click here to Read More
    Previous Article
    નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી:ONGCમાં બંધાતી સાઈટના ત્રીજા માળે નવજાતને મૂકીને માતા ફરાર
    Next Article
    નાચતી છોકરીનો હાથ પકડ્યો અને છોકરો ભગાડી ગયો:મૈતેઈ લોકોમાં લગ્નની અનોખી પરંપરા, જન્મતાની સાથે જ બાળકને ખવડાવે છે મીઠું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment