Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ નક્કી કરે છે પીએમ મોદીનું જમવાનું, કપડાં, ભાષણ:સવારથી રાત સુધી, મોદીની દિનચર્યા કેવી હોય છે; આજે 76મો જન્મદિવસ

    10 hours ago

    નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થઈ ગયા. ઉંમરના આ પડાવ પર પણ તેમની ઊર્જાની ઝલક 4 દિવસ પહેલાં જ બ્રિક્સ સમિટમાં જોવા મળી ચૂકી છે. 48 કલાકની અંદર પુતિન, જિનપિંગ જેવા વૈશ્વિક નેતાઓ સાથે 15 દ્વિપક્ષીય બેઠકો, 3 મોટી શિખર પરિષદોની અધ્યક્ષતા, ગાલા ડિનરનું યજમાનપદ અને વચ્ચે-વચ્ચે વૃક્ષારોપણ તેમજ પ્રદર્શન જેવા કાર્યક્રમોમાં પણ ઉપસ્થિતિ. પીએમ મોદી દરેક મંચ પર એટલા જ ચુસ્ત અને સક્રિય નજરે પડ્યા. 76 વર્ષની વયે પણ આ ફિટનેસ અને શિસ્ત ક્યાંથી આવે છે, સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી મોદીની દિનચર્યા કેવી હોય છે, તેમનું ભોજન કોણ નક્કી કરે છે, કપડાંની પસંદગી કોણ કરે છે, ભાષણની તૈયારી કેવી રીતે થાય છે; જન્મદિવસના અવસરે વાંચો પીએમ મોદીની દિનચર્યા અને પર્સનલ કિસ્સાઓ… નરેન્દ્ર મોદી બાળપણથી જ 'અર્લી રાઇઝર' (વહેલા ઊઠનારા) રહ્યા છે. વડાપ્રધાન બન્યા પછી પણ આ શિસ્ત મોટાભાગે જળવાઈ રહી છે. તેમણે પત્રકાર નીલાંજન મુખોપાધ્યાયને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે- ‘હું ખૂબ ઓછું ઊંઘું છું, માત્ર સાડા ત્રણથી ચાર કલાક. સવારે 4:30થી 4:45 વાગ્યા સુધીમાં ઊઠી જાઉં છું. મોડું થાય તો વધુમાં વધુ 5 વાગ્યા સુધી.’ ઊઠ્યા પછી પીએમ મોદી એક ખાસ વૉકિંગ ટ્રેક પર ચાલવા નીકળે છે. 2018માં વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જ આપતી વખતે મોદીએ વડાપ્રધાન આવાસના બગીચામાં બનેલા વૉકિંગ ટ્રેકનો વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેક પંચતત્વ એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી પ્રેરિત છે. મોદીના સવારના રૂટિનમાં યોગ અને ધ્યાન પણ સામેલ છે, ખાસ કરીને સૂર્ય નમસ્કાર. પીએમ આવાસમાં રહેલી ગાયો અને મોરને ચણ નાખવું પણ તેમની દિનચર્યાનો હિસ્સો છે. 15 ઓગસ્ટ 2026ના રોજ સ્વાતંત્ર્ય પર્વની સવારે લાલ કિલ્લા જવા નીકળતાં પહેલાં, સમયના અભાવ છતાં મોદીએ ગાય અને મોરને ખોરાક આપતો વીડિયો શેર કર્યો હતો. પીએમ મોદીનું ભોજન લગભગ અઢી દાયકાથી એક જ વ્યક્તિ બનાવે છે - બદ્રી મીણા. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી બદ્રી 1990ના દાયકામાં કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપના મહામંત્રી હતા. બદ્રીનું કામ મોદીને એટલું પસંદ આવ્યું કે તેમણે તેમને પોતાના કાયમી રસોઈયા બનાવી લીધા. કિશોર મકવાણા તેમના પુસ્તક 'કોમનમેન નરેન્દ્ર મોદી'માં લખે છે કે નાસ્તામાં મોદીને પૌંઆ ખાસ ભાવે છે. આ સિવાય તેમની થાળીમાં ખીચડી, કઢી, ઉપમા અને ખાખરા જેવી વાનગીઓ હોય છે, સાથે આદુવાળી ચા. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ, તેમના નાસ્તામાં સિઝનલ ફળો, મખાના, બાફેલી શાકભાજીનો પણ સમાવેશ થયો છે. થાળીમાં સરગવાના પરોઠાને પણ સ્થાન મળ્યું છે. 'નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી' પુસ્તકના લેખક એન્ડી મેરિનોને મોદીએ જણાવ્યું હતું કે RSSના દિવસોમાં અલગ-અલગ ઘરોમાં જમવું પડતું હતું. આ જ કારણે તેમનામાં ખાવાપીવાને લઈને કોઈ ખાસ પસંદ કે નાપસંદ નથી. જ્યાં સુધી ભોજન શાકાહારી છે, ત્યાં સુધી તેમના માટે બધું એકસરખું, ઉત્તમ અને સ્વાદિષ્ટ હોય છે. દર વર્ષે જૂનથી શરૂ કરીને નવેમ્બરમાં દિવાળી સુધી એટલે કે લગભગ ચાર મહિના મોદી દિવસમાં ફક્ત એક જ વાર ભોજન લે છે. આ વ્રત ચોમાસાની ચાતુર્માસ પરંપરા સાથે જોડાયેલું છે. પીએમ મોદીએ આ વાત ગયા વર્ષે લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં કહી હતી. 'કોમનમેન નરેન્દ્ર મોદી'માં મોદી જણાવે છે, ‘હું રોજેરોજ વધુમાં વધુ 2 કલાક પૂજા કરું છું. નવરાત્રિમાં જાપ કરું છું. શક્તિની આરાધના કરું છું. ઉપવાસ પણ રાખું છું. ચૈત્ર નવરાત્રિમાં દિવસમાં એક વાર ફળ લઉં છું, પરંતુ આસો નવરાત્રિમાં માત્ર ગરમ પાણી પર જ રહું છું.’ ફેબ્રુઆરી 2026માં મોદીએ ભાજપના સાંસદો સાથે 45 મિનિટ વાતચીત કરી હતી. ત્યાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગને પાછળથી જણાવ્યું હતું કે પીએમ મોદી સાંજે 6 વાગ્યા પછી કંઈ ખાતા નથી. વડાપ્રધાન મોદીની તંદુરસ્તી અંગે રાજકીય વિશ્લેષક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પહેલાં પણ તેઓ ફિટ તો હતા બાદમાં જ્યારે તેઓ સંઘની શાખામાં જવા લાગ્યા, RSSના ડૉ. હેડગેવાર ભવનમાં રહેવા લાગ્યા ત્યારે તેમને ખબર પડી કે માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ તંદુરસ્ત રાખવા માટે અને આગળ વધવા માટે નિયમિતતા, શિસ્ત અને વ્યાયામ આ ત્રણેયની જરૂરિયાત છે. તેઓ પોતાની રીતે આખી દિનચર્યા વ્યવસ્થિત રીતે ગોઠવે છે. ખાવા-પીવામાં પણ તેમનો પોતાનો સંયમ અને પોતાની પસંદગી હોય છે પણ તેની સાથે સાથે એક વાત એ પણ છે કે તેઓ ઉપવાસ રાખે છે. જેમ કે નવરાત્રિનો ઉપવાસ, ચૈત્રી નવરાત્રિનો ઉપવાસ... તેઓ વડાપ્રધાન તો પછી બન્યા તે પહેલાં પણ અહીં ઉપવાસ રાખતા હતા. મોદીના જનસંપર્ક વિભાગમાં 11 વર્ષ કામ કરી ચૂકેલા ધીરેન અવાશિયાના જણાવ્યા અનુસાર, 'તેમના કામના આયોજનમાં પૂર્વ-નિર્ધારિત ન હોય તેવી કોઈપણ બાબત અચાનક સામેલ થતી નથી. તેમનો સ્ટાફ મિનિટે-મિનિટના હિસાબે તેમનું સમગ્ર શેડ્યૂલ ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરે છે.' અહેવાલો મુજબ, સવારે 9 વાગ્યા સુધીમાં પીએમઓ (PMO)ના ઉચ્ચ અધિકારીઓ સાથે મોદીની એક મહત્ત્વની બેઠક પૂર્ણ થઈ ચૂકી હોય છે. પીએમ મોદીનું શેડ્યૂલ, પ્રવાસો અને બેઠકોનું સંચાલન વડાપ્રધાન કાર્યાલયની વિશેષ ટીમો સંભાળે છે, જેમાં… 3 અંગત સચિવો સામેલ છે - વિવેક કુમાર, હાર્દિક શાહ અને નિધિ તિવારી. તેઓ સંપૂર્ણ શેડ્યૂલ તૈયાર કરે છે અને તેનું યોગ્ય રીતે પાલન કરાવે છે. ઓએસડી (એપોઇન્ટમેન્ટ એન્ડ ટૂર) સંજય ભાવસાર સીધી રીતે પીએમ મોદીના સત્તાવાર પ્રવાસો, બેઠકોના સમય અને મુલાકાતોના સંકલનની જવાબદારી સંભાળે છે. પ્રધાન સચિવ પી. કે. મિશ્રા વહીવટી પ્રાથમિકતાઓ અને કેબિનેટ બેઠકોના એજન્ડાને પીએમના શેડ્યૂલમાં સામેલ કરવાનો અંતિમ નિર્ણય અને દેખરેખ રાખે છે. ‘મોદીજીએ મને એક વાર કહ્યું હતું કે તેઓ ત્રણ બાબતો સાથે ક્યારેય સમાધાન કરી શકતા નથી - આંખો, અવાજ અને કપડાં.’ આ વાત બિપિન ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. મોદી દાયકાઓથી બિપિનના સીવેલા કપડાં જ પહેરે છે. આ કહાણી અમદાવાદની એક નાનકડી દરજીકામની દુકાનથી શરૂ થાય છે. બિપિન ચૌહાણ અને જિતેન્દ્ર ચૌહાણ નામના બે ભાઈઓ 'સુપ્રીમો ક્લોધિંગ' નામની એક નાની દુકાન ચલાવતા હતા. તે સમયે મોદી RSSના પ્રચારક હતા અને અહીંથી કુર્તા સિવડાવતા હતા. આજે આ ચૌહાણ બંધુઓ 'જેડબ્લ્યુ' (JadeBlue) બ્રાન્ડના માલિક છે. બિપિનને 'મોદી કુર્તા'ના જનક માનવામાં આવે છે. 2012માં ખુદ મોદીએ તેમને આ માટે શ્રેય આપ્યો હતો. ઘણી વખત પોતાના કપડાંનું ફેબ્રિક અને રંગોની પસંદગી મોદી જાતે જ કરે છે. પીએમ મોદી કહે છે, ‘ભગવાને મને આ સ્વાભાવિક સૂઝબૂઝ આપી છે. હું જાતે જ કલર કોમ્બિનેશન પસંદ કરું છું. જ્યારે હું RSSનો પ્રચારક હતો, ત્યારે કપડાં જાતે જ ધોતો હતો. લાંબી બાંયના કુર્તા ધોવામાં અને સૂકવવામાં વધુ સમય લેતા હતા, તેથી મેં તેને કાપીને અડધી બાંયના કરી દીધા. આનાથી કપડાં ધોવામાં સરળતા રહેતી અને જોળામાં જગ્યા પણ ઓછી રોકાતી. આ કોઈ ડિઝાઇનરનો વિચાર નહોતો, પરંતુ મારી પોતાની જરૂરિયાત અને અનુકૂળતામાંથી નીકળેલો ઉપાય હતો.’ પીએમ મોદીએ પરિવાર છોડી દીધો, પરંતુ માતા હીરાબા પ્રત્યે તેમને અતૂટ લગાવ હતો. 17 વર્ષની ઉંમરે જ્યારે મોદીએ 2 વર્ષ માટે ઘર છોડ્યું, ત્યારે પણ તેમના જોળામાં માતાની એક તસવીર હંમેશાં રહેતી હતી. હીરાબાના અવસાન સુધી દર વર્ષે જન્મદિવસ પર મોદી તેમના આશીર્વાદ લેવા ચોક્કસ પહોંચતા. 'નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી'ના લેખક એન્ડી મેરિનો લખે છે, ‘લોકો અને ખુદ મોદી એવું માને છે કે તેઓ લોનર, એટલે કે એકલા રહેવાનું પસંદ કરતા માણસ છે. પરંતુ મને લાગે છે કે ભલે તેઓ વ્યવહારુ કે ક્લિનિકલ હોય, પણ લાગણીહીન બિલકુલ નથી. તેમનામાં એક સ્થિરતા અને ઠરેલપણું છે, જે રેલીઓમાં દેખાતા તેમના આક્રમક અંદાજ કરતાં તદ્દન અલગ છે.’ મેરિનોએ મોદીને પૂછ્યું હતું કે જ્યારે ક્યારેય તમે વધુ પડતા તણાવમાં હોવ કે કોઈ અંગત સમસ્યા હોય, ત્યારે કોને ફોન કરો છો કે કોની સલાહ લો છો? મોદીએ શાંત ભાવે જવાબ આપ્યો - મારા જીવનમાં આવી સ્થિતિ ક્યારેય આવી જ નથી. જ્યારે હું સંઘમાં પ્રચારક હતો, ત્યારે મારા માર્ગદર્શક લક્ષ્મણરાવ ઇનામદાર હતા. તે સમયે જ્યારે પણ મને કોઈ મુશ્કેલી પડતી, ત્યારે હું તેમની સાથે ખૂલીને વાત કરી લેતો હતો. પરંતુ હવે મારી વિચાર પ્રક્રિયા ઓટો-પાયલટ સિસ્ટમ પર ચાલી રહી છે. વિષ્ણુ પંડ્યાના મતે, રાજકારણમાં કોઇને કોઇની સલાહ લેવી અનિવાર્ય બની જાય છે. પહેલેથી ગુજરાતમાં અને બાદમાં દિલ્હીમાં નરેન્દ્ર મોદીના કેટલાક એવા મિત્રો છે જેમની પાસેથી તેઓ સલાહ લે છે. નરેન્દ્ર મોદીને સમજવા ખૂબ રહસ્યમય છે. કોઇની પાસે રડવું કે કોઇની પાસે મન હળવું કરવું કે કંઇ વ્યક્ત કરવું એવું કશું જ તેમણે નથી કર્યું. બસ માત્ર પોતાની માતા પ્રત્યે તેઓ વધુ ભાવુક રહ્યા છે. પીએમ મોદી વિશે વારંવાર પૂછાતી અન્ય રસપ્રદ વાતો… ભાષણ કોણ લખે છે: 2021માં વડાપ્રધાન કાર્યાલયમાં એક આરટીઆઈ (RTI) દ્વારા પૂછવામાં આવ્યું હતું કે પીએમ મોદીના ભાષણો તૈયાર કરવામાં કોણ-કોણ સામેલ હોય છે? જવાબમાં જણાવાયું હતું કે કાર્યક્રમના સ્વરૂપને આધારે સંબંધિત વ્યક્તિઓ, અધિકારીઓ, મંત્રાલયો અને સંસ્થાઓ પાસેથી માહિતી (ઇનપુટ્સ) લેવામાં આવે છે અને ત્યાર બાદ મોદી પોતે જ પોતાના ભાષણને આખરી ઓપ આપે છે. આ અંગે વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું, વડાપ્રધાન જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે કેટલીક જગ્યાએ તેઓ ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે. ભારતમાં જ્યારે તેમણે સભાને સંબોધન કરવાનું હોય ત્યારે તેઓ કોઈ લખેલા કાગળ પર નિર્ભર નથી રહેતા. કોઇપણ વિષય હોય તેમની આસપાસ કેટલાક મિત્રો છે, નિષ્ણાતો હોય છે જેને તેઓ કહે છે કે મારે આ બાબતે બોલવું છે તો તમે કેટલાક પોઈન્ટ્સ તૈયાર કરો. પોઇન્ટ્સ આવે એટલે સૌથી પહેલા તો તેમનો ડિપાર્ટમેન્ટ તેને ચકાસે છે. તેના આધારે એક સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને વડાપ્રધાન પોતે તેને જોઈ લે છે. તેમાંથી કશુંક કાઢી નાખે છે અથવા તો કશુંક ઉમેરી દે છે. આ રીતે એક સંપૂર્ણ ભાષણ તૈયાર થાય છે. કોઇપણ આંતરરાષ્ટ્રીય પરિષદ હોય કે પછી તેઓ વિદેશ પ્રવાસ હોય તેમાં વડાપ્રધાન મોદી ત્યાંની સ્થાનિક અને ભારતીય સાંસ્કૃતિક બાબતોને પોતાના ભાષણ સાથે જોડી દે છે. કયો ફોન વાપરે છે: સુરક્ષાના કારણોસર મોદી સામાન્ય સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી. મીડિયા અહેવાલો અનુસાર, વાતચીત માટે તેઓ સેટેલાઇટ અથવા RAX (રેસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે. આ ફોનને ટ્રેસ કે હેક કરી શકાતો નથી, કારણ કે તે મિલિટરી ફ્રિકવન્સી બેન્ડ પર કામ કરે છે. એવું કહેવાય છે કે આ ફોન હંમેશાં તેમના પ્રધાન સચિવ પાસે રહે છે, જે જરૂર પડ્યે જ તેમને આપે છે. જાહેર કાર્યક્રમોમાં મોદી ઘણીવાર આઇફોન (iPhone) વાપરતા જોવા મળ્યા છે, પરંતુ અહેવાલો મુજબ તે તેમનો અંગત ફોન નથી, માત્ર તસવીરો લેવા માટે ઉપયોગમાં લેવાય છે. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ જણાવે છે કે તેમની પાસે જ્યારે પણ પીએમ મોદીનો ફોન આવે છે, ત્યારે સ્ક્રીન પર કોઈ નંબર નહીં, પરંતુ ‘પ્રાઇવેટ નંબર’ લખેલું આવે છે. વિદેશ પ્રવાસ દરમિયાન કેવું રૂટિન હોય છે: વિદેશ યાત્રા માટે મોદી પોતાની ‘બાયોલોજિકલ ક્લોક’ યજમાન દેશના સમય અનુસાર ગોઠવી લે છે. દાખલા તરીકે - જો તેઓ રાત્રે ભારતથી રવાના થઈ રહ્યા હોય અને યજમાન દેશમાં તે સમયે દિવસ હોય, તો મુસાફરી દરમિયાન તેઓ ઊંઘતા નથી, પરંતુ ફ્લાઇટમાં જ કામ અને બેઠકો પૂર્ણ કરે છે. તબીબોની સલાહ મુજબ પ્રવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવે છે. વિદેશ પહોંચ્યા પછી તેમનું રૂટિન મોટેભાગે ભારત જેવું જ સામાન્ય રહે છે - વહેલી સવારે જાગવું, યોગ-ધ્યાન કરવું, હળવો ખોરાક લેવો અને મુલાકાતો કરવી. શું તેઓ ખરેખર રજા નથી લેતા: મોદી ઘણી મુલાકાતો અને જાહેર સભાઓમાં કહી ચૂક્યા છે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ક્યારેય અંગત રજા લીધી નથી. 'કોમનમેન નરેન્દ્ર મોદી'માં ઉલ્લેખ છે કે આશરે 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ એક પણ રજા લીધી નહોતી; જ્યારે 2016માં દાખલ કરાયેલી એક આરટીઆઈના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે હોદ્દો સંભાળ્યા પછીથી તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. સંદર્ભ અને વધુ વાંચન: નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી - એન્ડી મેરિનો ધ પેરાડોક્સિકલ પ્રાઇમ મિનિસ્ટર: નરેન્દ્ર મોદી એન્ડ હિસ ઇન્ડિયા - શશિ થરૂર કોમનમેન નરેન્દ્ર મોદી - કિશોર મકવાણા નરેન્દ્ર મોદી: ધ મેન, ધ ટાઇમ્સ - નીલાંજન મુખોપાધ્યાય મોદી ડીમિસ્ટીફાઇડ: ધ મેકિંગ ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર - રમેશ મેનન ધ મોદી ઇફેક્ટ: ઇનસાઇડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટુ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા - લાન્સ પ્રાઇસ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે વાતચીત અભિનેતા અક્ષય કુમાર સાથેનો ઇન્ટરવ્યુ શો - યોર ઇન્ટરવ્યુ વિથ નરેન્દ્ર મોદી
    Click here to Read More
    Previous Article
    બોલેરો નીચે છુંદાયેલા મોઢાં સાથે તરફડ્યો, કંપારી છોડાવતો VIDEO:અમદાવાદમાં રોડ ક્રોસ કરતા સગીરને અડફેટે લીધો, રિક્ષા સહિતના વાહનને પણ ટક્કર મારી
    Next Article
    રિપોર્ટ- ટ્રમ્પ સરકારે હુતી વિદ્રોહીઓ સાથે સિક્રેટ ડીલ કરી:અમેરિકી જહાજો પર હુતી ઉગ્રવાદીઓ હુમલો નહીં કરે, બદલામાં સાઉદીને મદદ નહીં કરે અમેરિકા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment