Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:ગાંધીજીની આ વાતો કેમ કોઈને ગમતી નથી?

    1 week ago

    ગુજરાત સરકારે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં લિકર શોપ (પરમિટધારકો માટે અને વિદેશી તથા અન્ય રાજયોમાંથી આવતા પ્રવાસીઓ માટે શરાબની દુકાન) શરૂ કરવા માટે ચોક્કસ શરતો સાથે માર્ગ મોકળો કરી આપ્યો એ મુદ્દે ભારે વિવાદ થયો છે. ‘ગાંધીજીના પોરબંદર’માં લિકર શોપ શરૂ થવાને કારણે જાણે સૂરજ પશ્ચિમમાં ઊગવા માંડશે, આભ ફાટી પડશે, મેરામણ માઝા મૂકી દેશે, ધરતી રસાતાળ જશે એવો ગોકીરો ચાલુ થઈ ગયો છે ત્યારે ગાંધીજીનાં મહાવ્રતોને કોરાણે મૂકી દેનારા આપણા દંભી સમાજ વિષે કેટલીક ટુ ધ પોઈન્ટ વાત કરવી છે. ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા વિષે વાત થાય ત્યારે ગાંધીજીના નામની દુહાઈ દઈને કહેવાય છે કે ‘ગાંધીજી ગુજરાતના હતા અને તોય ગુજરાતમાં દારૂ મળે!’ કોઈ આવું બોલે ત્યારે સૌ પ્રથમ તો ગાંધીજીનું સૌથી મોટું અપમાન થાય છે. ગાંધીજી માત્ર ગુજરાતના નહોતા, આખા દેશના હતા. ગાંધીજી ગુજરાતના હતા એટલે ગુજરાતમાં કોઈ પણ હિસાબે દારૂબંધી રાખવી જ જોઈએ એવું કહેનારાઓનું માનીએ તો આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ કારણ કે ગાંધીજી આખા દેશના હતા. આપણે શરાબને મુદ્દે ગાંધીજીના નામનો હવાલો આપતા રહીએ છીએ, પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ખરેખર સાચા હૃદયથી સન્માન આપતા હોઈએ તો ગાંધીજીના અગિયાર મહાવ્રતોને આપણે કેમ અનુસરતા નથી? સત્ય : ગાંધીજી હંમેશાં આગ્રહ રાખતા કે સત્ય જ બોલવું, પણ આપણા દેશના મોટાભાગના લોકો ડગલે ને પગલે અસત્ય ઉચ્ચારતા હોય છે. કોર્ટમાં ખોટી સાક્ષી અપાય છે. સગાંવહાલાં આપસમાં બેફામ ખોટું બોલતા હોય છે. હળાહળ ખોટું બોલતી અને ખોટું કરતી વખતે કોઈને ગાંધીજી કેમ યાદ નથી આવતા? અહિંસા : ગાંધીજી કહેતા કે હિંસા ન કરવી. સૂક્ષ્મ હિંસા પણ નહીં. કોઈને દુ:ખ ન આપવું, પરંતુ ગુંડાઓ ઠંડે કલેજે જાહેરમાં નિર્દોષ માણસોને મારી નાખે, કોમી રમખાણોમાં લોકો એકબીજાને કાપી નાખે કે જીવતા સળગાવી દે, રાજકારણીઓ વિરોધીઓનાં ખૂન કરાવી નાખે એવું ઘણું બધું આપણા દેશમાં બનતું રહે છે. આવી હિંસાથી કોઈને ગ્લાનિ નથી થતી. અસ્તેય : અસ્તેય એટલે કે ચોરી ન કરવી. કોઈ ખોટું કામ ન કરવું, પણ આપણા દેશના અસંખ્ય લોકો ડગલે ને પગલે એ કરી રહ્યા છે. સંખ્યાબંધ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ટેક્સ ચોરી કરે છે, કેટલાય દુષ્ટ અબજોપતિઓ ભ્રષ્ટ બેન્ક અધિકારીઓ સાથે મળીને બેન્કોના પૈસાની લોનના બહાને ખુલ્લી ચોરી કરે તો વળી ઘણા વાહનચાલકો ટોલનાકા પર ઓળખીતા પોલીસ અધિકારીઓના આઈકાર્ડની ફોટો કોપી બતાવીને બહાર નીકળવાની કોશિશ કરે! અને આવું કરનારા કોઈને સહેજ પણ શરમ આવતી નથી! અપરિગ્રહ : ગાંધીજી કહી ગયા કે વણજોઈતું ન સંઘરવું. પણ મોટાભાગનાં ભારતીય ઘરોમાં પરિગ્રહ જ જોવા મળે છે. કશું ન કમાય તોય સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું કમાયા પછીય ઘણા શ્રીમંતો, રાજકારણીઓ, સરકારી અધિકારીઓને ગાંધીજી યાદ આવતા નથી! બ્રહ્મચર્ય : મર્યાદાઓ અને સિદ્ધાંતો જાળવીને માત્ર શારીરિક જ નહીં, માનસિક બ્રહ્મચર્ય પણ પાળવું એવું ગાંધીજી કહી ગયા છે, પરંતુ બ્રહ્મચર્ય તો છોડો પણ આપણા દેશમાં સ્ત્રીપુરુષો વચ્ચે આડા સંબંધોના સંખ્યાબંધ કિસ્સાઓ બનતા રહે છે. રાજકારણીઓ સ્ત્રીઓનું જાતીય શોષણ કરે કે તેમના સેક્સ કૌભાંડ બહાર આવે ત્યારે કોઈ ફાટી પડતું નથી. ધર્મગુરુઓ પર રેપના આરોપ મુકાય છે. ત્યારે ગાંધીજી કોઈને યાદ આવતા નથી! સ્વાવલંબન : ગાંધીજી કહી ગયા કે પોતાનાં બધાં કામ જાતે કરવા અને શ્રમનિષ્ઠ બનવું, પણ ઘણા ભારતીય પુરુષો સોફા પર બેઠાં-બેઠાં પત્નીને આદેશ આપે છે કે ‘પાણીનો ગ્લાસ લાવજે.’ રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરવાનું સ્વાવલંબન પણ મોટાભાગના ભારતીયોને રાખવું નથી! અસ્પૃશ્યતા નિવારણ : ગાંધીજીએ સલાહ આપી હતી કે નાતિ-જાતિના કે માણસ-માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં. આજની તારીખે ય એવો ભેદભાવ જોવા મળે છે. કોઈ યુવતી અન્ય જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરે તો તેને અને તેના કુટુંબને સામાજિક બહિષ્કારની ધમકી અપાય છે. એ વખતે કોઈને ગાંધીજી યાદ નથી આવતા! અભય : અભય એટલે કે સર્વત્ર ભય ભૂલીને નીડર બનવું, પણ અત્યારે મોટાભાગના લોકો ભીરુ બનીને જીવે છે. કશું આપણા સુધી ન આવે તો આપણે મૂંગા મરી રહેવું એવું મોટાભાગના લોકો માને છે. સ્વદેશી : ગાંધીજીનો આગ્રહ હતો કે આપણા દેશમાં બનતી વસ્તુઓ વાપરવી, પણ આપણે સ્વદેશીની વાત કોરાણે મૂકી દીધી છે. આપણા કટ્ટર દુશ્મન દેશ ચીનમાં બનેલી વસ્તુઓ નફ્ફટાઈપૂર્વક ખરીદીએ છીએ, વાપરીએ છીએ અને એ વસ્તુઓ ચીનમાંથી આયાત કરીને આપણે ચીનના અર્થતંત્રને મજબૂત કરીએ છીએ જેના કારણે ચીન પોતાની રાક્ષસી લશ્કરી તાકાત વધારતું જાય છે અને આપણને દબડાવતું જાય છે, પણ કોઈ સ્વદેશી ઉત્પાદનો વિષે આગ્રહ રાખે તો બૌદ્ધિકો તેની મજાક ઉડાવે છે. એ વખતે તે બધા ગાંધીજીને ભૂલી જાય છે! સ્વાદત્યાગ : ગાંધીજી કહી ગયા કે સ્વાદનો ત્યાગ કરવો. ગાંધીજીની એ વાત યાદ રાખવાને બદલે આપણે સ્વાદપ્રેમી બની ગયા છીએ. મોટાભાગના ભારતીયોને ચટાકેદાર ખાવાનું ગમે છે એને કારણે લોકો રોગોનો ભોગ બની રહ્યા છે. આ મુદ્દે આપણને ગાંધીજી યાદ આવતા નથી. સર્વધર્મ સમાનતા : ગાંધીજી કહી ગયા કે સર્વધર્મને સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું. એને બદલે અત્યારે ધર્મના નામે ઝઘડાઓ થાય છે. કોમી રમખાણો થાય છે. રાજકારણીઓ દ્વારા ધાર્મિક વિવાદો ઊભા થતા રહે છે અને સામાન્ય માણસો પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક ઝેર ઓકતા રહે છે. એ વખતે કોઈને ગાંધીજી યાદ આવતા નથી! માત્ર દારૂબંધીના સંદર્ભમાં ગાંધીજીને યાદ કરવા એ ગાંધીજીનું હળાહળ અપમાન છે. અને આપણે મોટાભાગના ભારતીયો ગાંધીજીનું ડગલે ને પગલે આ અપમાન કરતા રહીએ છીએ. આ શરમજનક અને આઘાતજનક પણ કડવી વાસ્તવિક્તા છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:અમદાવાદનાં થિએટરો-3
    Next Article
    આંતરમનના આટાપાટા:આજની ઘડી તે રળિયામણી ‘આઈ લવ યૂ...’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment