Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:આજની ઘડી તે રળિયામણી ‘આઈ લવ યૂ...’

    1 week ago

    ગોપાલ મૂળ શિક્ષકનો જીવ. શહેરની ખ્યાતિપ્રાપ્ત હાઈસ્કૂલમાં લાંબા સમય સુધી એણે શિક્ષણકાર્ય ચલાવ્યું. એમાં પણ છેલ્લાં 12 વર્ષ એ આ હાઈસ્કૂલના આચાર્ય તરીકે રહ્યો. ગોપાલની ભણાવવાની પદ્ધતિ જ એવી કે, એની વાત વિદ્યાર્થીના મગજ સોંસરવી ઉતરી જાય. ગમે તેવી ગંભીર વાત પણ એ એટલી સરળતાથી મૂકે કે, એની વિદ્વત્તાનો ભાર વિદ્યાર્થીને ન લાગે. એના દૃષ્ટાંતો પણ એવાં જીવંત કે યાદ રહી જાય. કોઈ અનિવાર્ય કારણ સિવાય ગોપાલના લેક્ચરમાં હાજર રહેવાનું ભાગ્યે જ કોઈ ચૂકે. આ શાળાના વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા મોટા સરકારી અમલદારો, ડૉક્ટરો, ઇજનેરો, વકીલો અને વેપાર-ધંધાના ક્ષેત્રે મોટું નામ કાઢતા. પોતાના વિદ્યાર્થીઓને સમાજમાં વિવિધ ક્ષેત્રે ઊંચી જવાબદારી વહન કરતા જોઈને ગોપાલ રાજીપો અનુભવે. આવા વિદ્યાર્થીઓ કોઈ સમારંભમાં કે અન્ય સ્થળે ભેટો થાય ત્યારે ગોપાલના ચરણસ્પર્શ કરતા ત્યારે એને ‘પુત્રાત્ શિષ્યાત્ ઇચ્છેત્ પરાજયમ્’ સાહજિક રીતે માનસપટલ પર ઝળકી ઊઠતું હતું. સમયને વહી જતા ક્યાં વાર લાગે છે? છેવટે વયમર્યાદાને કારણે ચાલુ શૈક્ષણિક વર્ષના અંતે ગોપાલ સેવાનિવૃત્ત થયો. એનાં બાળકો પણ સારી રીતે સેટલ થઈ ગયા હતા. નિર્વાહ માટે આવકની કોઈ ચિંતા નહોતી એટલે ગોપાલે બાકીનું જીવન વૃદ્ધો માટેના અભ્યાસવર્ગ ચલાવવાનું નક્કી કર્યું. કેળવણી મંડળે શાળા સમય બાદ ચાલનારા આ અભ્યાસવર્ગ માટે શાળાનો વર્ગખંડ વાપરવાની મંજૂરી આપી. આવા એક ક્લાસમાં ગોપાલે એને પોતાને પણ ખૂબ અઘરું અને અશક્ય લાગતું ગૃહકાર્ય પોતાના આ વડીલ વિદ્યાર્થીઓને આપ્યું. તેણે કહ્યું, ‘આ અઠવાડિયે તમે કોઈ એવી વ્યક્તિ પાસે જાઓ જેને તમે સાચા દિલથી ચાહતા હો અને એની પાસે આ વાતનો એકરાર કરો. આ વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેના માટેની લાગણીઓ તમે મનમાં જ દબાવી રાખી છે અને ઘણો લાંબો સમય વીતવા છતાં તમે ક્યારેય તમારી લાગણીઓ વ્યક્ત ન કરી હોય.’ અનુભવે એવું બહાર આવ્યું કે, લગભગ 40ની ઉંમર વટાવી ગયેલા ઘણા લોકો આ પ્રકારની અભિવ્યક્તિને એક નબળાઈ માનતા હતા અને આમ કરવાથી પોતાની ‘મૂછાળા મરદ’ તરીકેની કડક છાપને ધક્કો પડશે તેવું એમનું માનવું હતું. અઠવાડિયા પછી ગોપાલે આ બધાને પૂછ્યું કે ‘તમને જે લેસન આપવામાં આવ્યું છે તે મુદ્દે કોઈએ કંઈ પ્રગતિ કરી છે? જો આવું કંઈ થયું હોય તો પોતાનો અનુભવ ક્લાસના સહપાઠીઓ વચ્ચે વહેંચે.’ એનું તેમજ મોટાભાગના વિદ્યાર્થીઓનું માનવું હતું કે, કદાચ કોઈ બહેન આ અનુભૂતિમાં આગળ હોય પણ સૌના આશ્ચર્ય વચ્ચે રાજેશ નામનો વ્યક્તિ, જે ઊંચી દેહયષ્ટિ ધરાવતો હતો અને પ્રમાણમાં બધા સાથે બહુ હળતો-મળતો નહોતો, તેણે પોતાની આંગળી ઊંચી કરી. એણે કહ્યું કે, ખૂબ મનોમંથન વચ્ચે એણે પોતાના પિતાને, ‘આઈ લવ યૂ’ અર્થાત્ ‘હું તમને ચાહું છું’ કહેવાનો નિર્ણય કર્યો હતો. એણે જ્યારે આ વાત એની પત્નીને કહી ત્યારે એ અત્યંત ખુશીથી એને ભેટી પડી. એમના દીર્ઘ લગ્નજીવનમાં આ એક ખૂબ જ ઉમળકાભર્યું આલિંગન હતું, જેણે રાજેશને રડાવી દીધો. બીજા દિવસે એણે એના પિતાને પોતે પાંચ મિનિટ માટે એકાંતમાં મળવા માગે છે એમ કહ્યું, એમણે ના તો ન કહી, પણ જવાબમાં વધુ ઉમળકો નહોતો. આમ છતાંય રાજેશ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો. આ નિર્ણય માત્રથી એની છાતી પરનો એક મોટો બોજ હટી ગયો હતો. એ સાંજે રાજેશ એના પિતાના રૂમના બારણે જઈને ઊભો રહ્યો. બારણું હળવેકથી ખોલતાં જ ખૂલી ગયું અને રાજેશે ઓરડામાં પગ મૂક્યો. એક એક ક્ષણ એક એક યુગની જેમ વીતી રહી હતી. એકાએક એણે પિતાને કહ્યું, ‘પપ્પા, હું તમને કહેવા આવ્યો છું, ‘આઈ લવ યૂ – હું તમને ખૂબ ચાહું છું.’ એણે જોયું, એના પિતાની આંખો ભરાઈ આવી હતી અને એમાંથી નીકળેલાં અશ્રુબિંદુઓ એમના ગાલ પરથી વહી રહ્યાં હતાં. રાજેશને એના પિતાનો અવાજ સંભળાયો. તેઓ કહી રહ્યા હતા, ‘હું પણ તને ખૂબ જ ચાહું છું, દીકરા! મને અત્યાર સુધી એ સમજ નહોતી પડતી કે મારે આ વાત તને કઈ રીતે કહેવી?’ આ ક્ષણ રાજેશ જીવનભર યાદ રાખશે. બે દિવસ બાદ રાજેશના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ઢળી પડ્યા. એની સાથે જ બેભાન થઈ ગયા. તેઓ બચશે કે કેમ એ બાબતમાં રાજેશને બહુ વિશ્વાસ નહોતો પણ એક વસ્તુ એ સ્પષ્ટ રીતે જાણતો હતો કે, પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માટે એણે રાહ નહોતી જોઈ. આ આખીય વાત સાંભળીને ક્લાસમાં હાજર બધાંની આંખોના ખૂણા ભીંજાયા હતા. આ પ્રસંગનું બહુ યોગ્ય રીતે સમાપન કરતા ગોપાલ બધાંને કહી રહ્યો હતો, “આ પ્રકારની સંવેદનશીલ બાબત, જેની ઘણી અગત્યતા છે, તેને વ્યક્ત કરવામાં ક્યારેય આળસ કરશો નહીં. તમે જેના માટે લાગણી ધરાવો છો, તેને કહી જ દો, ક્યારેય રાહ ન જુઓ. તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની હોય તો આ ક્ષણ જ ઉત્તમ ક્ષણ છે. કોઈ પણ કારણસર રાહ જોવા જતા જીવનમાં આ ક્ષણ કાયમી ચૂકાઈ જાય તેવું ન કરશો.’ જીવનનો ઉત્તમમાં ઉત્તમ પદાર્થપાઠ એ છે કે, કોઈના પણ માટેની સાચી લાગણી વ્યક્ત કરવાની આળસમાં રહેશો તો શક્યતા એ બનશે કે કદાચ તમે તે તક કાયમી ગુમાવી દેશો.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:ગાંધીજીની આ વાતો કેમ કોઈને ગમતી નથી?
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:ઝેરી ખેતી: પ્લેટમાં પીરસાઈ રહ્યું છે ધીમું ઝેર?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment