Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનનું પર્યાય બન્યું જુનાગઢ !:​‘રોડમાં ઢાળ રહી ગયો છે’ કહી ખુદ બાંધકામ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી નવો રોડ તોડાવ્યો;વિપક્ષી નેતાનો ભાજપ પર પ્રહાર - ‘યાદશક્તિ વધારવા નેતાઓને કાજુ-બદામ ખવડાવો’

    4 days ago

    ​નરસિંહ મહેતાની નગરી જૂનાગઢમાં હાલમાં વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારના ગાણા ગવાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની મિલીભગત તેમજ અણઘડ આયોજનના કારણે જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 7 માં આવેલી ગિરીરાજ નગર સોસાયટી અને અમૃત પેલેસ વિસ્તારમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો સીસી રોડ ફરીથી તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ રોડ તોડવા પાછળ જે કારણ આપવામાં આવ્યું છે તે તંત્રની ઘોર બેદરકારી અને ટેકનિકલ નિષ્ફળતાની ચાડી ખાય છે. ​આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વકર્યો ત્યારે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરાએ પોતે જ આ ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, અમૃત પેલેસ અને વ્હાઈટ ગોલ્ડ સોસાયટીના રસ્તાઓ અંદાજે દોઢેક વર્ષ પહેલા નવા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ટેકનિકલ ખામીને કારણે રોડનું લેવલિંગ એટલે કે 'ઢાળ' યોગ્ય રીતે જળવાયો ન હતો. ઢાળ ઉંધો હોવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ત્યાં ભરાઈ રહેતું હતું. આ કબૂલાત બાદ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે આ રસ્તો બની રહ્યો હતો ત્યારે મહાનગરપાલિકાના એન્જિનિયરો અને સુપરવાઈઝરો શું કરી રહ્યા હતા? શું કોન્ટ્રાક્ટરને લેવલિંગની સમજ નહોતી કે પછી જાણીજોઈને બિલ બનાવવા માટે ઉતાવળમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું ? ​સ્થાનિક રહીશોની પીડા પણ આ મામલે પરાકાષ્ઠાએ પહોંચી છે. વ્હાઈટ ગોલ્ડ સોસાયટીમાં રહેતા મધુભેન પોપટ અને દિનેશભાઈ જેવા અનેક નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, રોડ ખોદી નાખવાને કારણે બાળકોને શાળાએ મૂકવા જવા માટે કે બીમારીના સમયે વાહન બહાર કાઢવા માટે પણ જગ્યા રહી નથી. ગેટની સામે જ ઉંડો ખાડો કરી નાખવામાં આવ્યો છે. વળી, તંત્ર દ્વારા ૧૦ દિવસમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ અત્યારે કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટરના માણસો ગાયબ થઈ ગયા છે. ચોમાસું નજીક હોવાથી સ્થાનિકોને ફાળ પડી રહી છે કે જો આ રસ્તો જલ્દી નહીં બને તો આખું ચોમાસું નરકાગાર જેવી સ્થિતિમાં વિતાવવું પડશે. ​રસ્તાની આ સમસ્યામાં માત્ર લેવલિંગ જ નહીં, પણ આયોજનનો પણ અભાવ જોવા મળે છે. માધવી પારેખ નામના રહીશે જણાવ્યું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ક્યારેક ગેસ લાઇન, ક્યારેક પાણીની લાઇન તો ક્યારેક ગટરના નામે સતત ખોદકામ ચાલતું રહે છે. એક વાર રસ્તો સરખો થાય એટલે થોડા દિવસમાં ફરી કોઈ ને કોઈ બહાને તેને ખોદી નાખવામાં આવે છે. તેમણે પોતાનો કડવો અનુભવ શેર કરતા કહ્યું કે, રસ્તો ખોદાયેલો હોવાથી વૈકલ્પિક માર્ગે જતા તેઓ પોતે ખાડામાં પડ્યા હતા. આ પ્રકારની બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકે છે. તંત્ર માત્ર કાગળ પર વિકાસના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. ​બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ શાસક પક્ષ ભાજપ અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓની યાદશક્તિ કદાચ નબળી પડી ગઈ છે, તેમને હવે 'કાજુ-બદામ' ખવડાવવાની જરૂર છે જેથી તેમને યાદ રહે કે કયા રસ્તાઓ હમણાં જ બન્યા છે અને કયા તોડવાના છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢમાં નવા રસ્તા બનાવીને તેને ટૂંકા ગાળામાં તોડી નાખવાની એક પરંપરા બની ગઈ છે, જે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટેની રમત છે. જે વોર્ડમાં ખુદ બાંધકામ સમિતિના ચેરમેન અને ધારાસભ્ય જેવા જવાબદાર નેતાઓ રહેતા હોય, ત્યાં જ જો આવા ભ્રષ્ટ કામો થતા હોય તો સામાન્ય જનતાએ કોની પાસે અપેક્ષા રાખવી ? વિપક્ષી નેતા લલિત પરસાણાએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ વારંવાર સૂચના આપી છે કે તમામ ભૂગર્ભ કામો જેવા કે ગટર અને પાણીની પાઈપલાઈન પૂર્ણ થયા પછી જ રસ્તાઓ બનાવવા જોઈએ, જેથી જનતાના પૈસાનો બગાડ ન થાય. છતાં જૂનાગઢમાં મુખ્યમંત્રીના આદેશોને નેવે મૂકીને આડેધડ કામો કરવામાં આવી રહ્યા છે. અગાઉ કરોડોના ખર્ચે બનેલી સ્ટોર્મ વોટર ગટરને તોડીને હવે ત્યાં ફરીથી ગટર નાખવામાં આવી રહી છે. આ માત્ર ભ્રષ્ટાચારની મિલીભગત છે.પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવી મોંઘીદાટ એજન્સીઓ રાખવા છતાં જો રસ્તાના લેવલ ન જળવાતા હોય, તો આવી એજન્સીઓનો પગાર જનતાના ખિસ્સામાંથી શા માટે ચૂકવવો જોઈએ ? ​હાલ તો ગિરીરાજ હોસ્પિટલ પાસેનો આ રોડ ખોદાયેલી હાલતમાં પડ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ ખાતરી આપી છે કે આગામી 10 થી 15 દિવસમાં યોગ્ય ઢાળ સાથે નવો રોડ તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ જનતા હવે આ ખાતરીઓથી કંટાળી ગઈ છે. લોકોનો પ્રશ્ન એ છે કે જે ભૂલ એન્જિનિયરોએ કરી, તેની સજા જનતા શા માટે ભોગવે? અને જે પૈસાનો બગાડ થયો તેની વસૂલાત જવાબદાર અધિકારીઓ પાસેથી કેમ કરવામાં આવતી નથી ? જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા પોતાનો રોષ ઠાલવી રહી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી ચોમાસામાં જૂનાગઢ મહાનગરપાલિકાએ જનતાના રોષનો ભોગ બનવું પડશે તે નક્કી છે. વિકાસના નામે થતા આ પ્રકારના વહીવટી લોચા અને આર્થિક ભ્રષ્ટાચારને કારણે જૂનાગઢ શહેરની છબી ખરડાઈ રહી છે, જેની ગંભીર નોંધ ઉચ્ચ કક્ષાએ લેવી અનિવાર્ય બની છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો:જનસંઘના કાર્યકરોના બલિદાનને યાદ કરાયું, વિકાસની રાજનીતિ પર ભાર
    Next Article
    વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment