Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજારો શીખ સૈનિકો બળવાખોર બન્યા, હથિયારો અને ગાડીઓ લૂંટી લીધી:એન્કાઉન્ટરમાં 47 માર્યા ગયા, 4 મહિના પછી ઇન્દિરા ગાંધીની હત્યા કરીને ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લીધો

    13 hours ago

    5 જૂન 1984, ખાલિસ્તાની ચરમપંથી જરનૈલ સિંહ ભિંડરાંવાલેએ સેંકડો હથિયારબંધ સાથીઓ સાથે સ્વર્ણ મંદિર પર કબજો કરી રાખ્યો હતો. તે શીખોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા અકાલ તખ્ત પર બેસીને અલગ સરકાર ચલાવી રહ્યો હતો. તેણે જાહેરાત કરી- ‘10 જૂન સુધીમાં સમગ્ર પંજાબ પર કબજો કરી લઈશું અને એક અલગ દેશ 'ખાલિસ્તાન' બનશે.’ સેનાએ ગુરુદ્વારાને ચારેય તરફથી ઘેરી લીધું હતું, પરંતુ ભિંડરાંવાલેને વિશ્વાસ હતો કે સેના ક્યારેય પવિત્ર ગુરુદ્વારાની અંદર પગ નહીં મૂકે. સાંજે આશરે સાડા 4 વાગ્યે લાઉડસ્પીકર પર સેનાના ઑફિસરોનો અવાજ ગુંજ્યો- ‘હથિયાર હેઠા મૂકીને સરેન્ડર કરી દો.’ પરંતુ કોઈ બહાર ન આવ્યું. છેવટે રાત્રે સાડા 10 વાગ્યે સેના ગુરુદ્વારામાં ઘૂસી, ત્યારે જ અંદરથી ગોળીઓ ચાલવા લાગી. સેનાએ બખ્તરબંધ ગાડીઓ મોકલી, પરંતુ ચરમપંથીઓએ રોકેટ લોંચરથી ગાડીઓને ઉડાવી દીધી. કેટલાય જવાનો શહીદ થઈ ગયા. હવે સેનાએ ટેન્ક બોલાવવાનો નિર્ણય કર્યો. સવારે 5 વાગ્યે અકાલ તખ્તના સૌથી ઉપરના ભાગને નિશાનો બનાવીને ટેન્કોમાંથી ગોળા છોડવામાં આવ્યા. એક પછી એક, આશરે 80 ગોળા છોડાયા. એક કલાકના ભારે ગોળીબાર પછી અંદરથી ગોળીઓ ચાલવાની બંધ થઈ ગઈ. સવારે 10 વાગ્યે સેના અંદર દાખલ થઈ. અકાલ તખ્તના આંગણામાં ભિંડરાંવાલેની લાશ પડી હતી. તેના 300થી વધુ સાથીઓ અને આશરે 100 સૈનિકો માર્યા ગયા. અકાલ તખ્તની મુખ્ય ઇમારત તબાહ થઈ ગઈ. સ્વર્ણ મંદિરને ભારે નુકસાન પહોંચ્યું. આનાથી દેશભરના શીખોની ધાર્મિક ભાવનાઓ ભડકી ઊઠી. આ ભારતીય સેનાનું 'ઓપરેશન બ્લૂ સ્ટાર' હતું. અસલી મુશ્કેલી હવે શરૂ થવાની હતી… 8 જૂન 1984, અમૃતસરથી 1663 કિમી દૂર રાંચીનું રામગઢ શીખ રેજિમેન્ટલ સેન્ટર, ત્યારે આ બિહારમાં હતું. છાવણીમાં બધું સામાન્ય દિવસો જેવું હતું. જવાનો ડ્યુટી પર હતા, ઑફિસરો પોતાની ઓફિસોમાં. આ દરમિયાન, સિપાઈ ગુરનામ સિંહ ડિપ્યુટી કમાન્ડન્ટ કર્નલ જગદેવ સિંહ પાસે પહોંચ્યો. ચેહરા પર ગુસ્સો, પણ અવાજ શાંત. કર્નલને કહ્યું- ‘સર, અમૃતસરમાં જે થયું, તે ખોટું થયું. હું અમૃતસર જવા માંગુ છું.’ કર્નલ જગદેવ સિંહે કહ્યું- ‘ત્યાં જવાની મંજૂરી નથી.’ ગુરનામ સિંહ ક્ષણભર ઊભો રહ્યો. ચૂપચાપ ફર્યો અને ચાલ્યો ગયો. તે રાત્રે તે જમ્યો નહીં. જાણે તેના અંદર કંઈક ઊકળી રહ્યું હોય. આ ઊકાળો એકલા ગુરનામ સિંહના અંદર નહોતો, છાવણીના તમામ શીખ સૈનિકો આ જ રીતે બેચેન હતા. બે દિવસ પછી, 10 જૂન 1984, સવારે 10 વાગ્યે… છાવણીના ગુરુદ્વારામાં સેંકડો શીખ સૈનિકો ભેગા થયા. શબદ-કીર્તન થયું. સંગત ઊભી થઈ. પછી અરદાસ (પ્રાર્થના) થઈ. સૈનિકોએ માથું ટેકવ્યું. પ્રસાદ લીધો અને આગળ વધવા લાગ્યા, પણ બહાર આવતાં જ બધું બદલાઈ ગયું. જવાનો બેરેકોમાં પાછા ફરવાને બદલે શસ્ત્ર ભંડાર તરફ વધવા લાગ્યા. તેમના કદમ ઝડપી થઈ ગયા અને તેમની વાતો યુદ્ધ ઘોષમાં ફેરવાઈ ગઈ- ‘જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ!’ જવાનોએ શસ્ત્રાગારનો દરવાજો તોડી નાખ્યો. હથિયારો કાઢી લીધા. દારૂગોળો લઈને બહાર આવી ગયા. આ પછી ત્યાં ઊભેલી ગાડીઓ પર કબજો કરી લીધો. આ સમાચાર છાવણીમાં આગની જેમ ફેલાઈ ગયા. જનરલ ઓફિસર ઇન કમાન્ડ (GOC) બ્રિગેડિયર એસ.સી. પુરી તરત જ કાર લઈને શસ્ત્રાગાર પહોંચી ગયા. તેમણે સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ હાથમાંથી નીકળી ચૂકી હતી. જવાનોએ ગોળીઓ ચલાવી દીધી. ભાગદોડ મચી ગઈ. એક ગોળી એસ.સી. પુરીને વાગી. બીજી તેમના શીખ ડ્રાઇવરને. તેમને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ બંનેને બચાવી શકાયા નહીં. બ્રિગેડિયર પુરીના સાથી ડિપ્યુટી કમાન્ડન્ટ કર્નલ જગદેવ સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા. હવે છાવણીમાં હથિયારબંધ સૈનિકો ફરી રહ્યા હતા. શીખ સૈનિકોને લાગતું હતું કે તેમના સૌથી મોટા ધાર્મિક સ્થાનનું અપમાન થયું હતું. તેમણે ટ્રકો અને બીજી ગાડીઓ પર કબજો કર્યો અને છાવણીથી બહાર નીકળી ગયા. રામગઢ શહેર પહોંચ્યા તો કેટલાક સામાન્ય લોકોની ગાડીઓ પણ ઝૂંટવી લીધી. આશરે 1400 સૈનિકોનો કાફલો અમૃતસર તરફ આગળ વધી રહ્યો હતો. રામગઢથી આશરે 450 કિમી દૂર સક્તેશગઢ, મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પાસે તેમને રોકવાનો પ્રયાસ થયો, પરંતુ મોટાભાગના સૈનિકો ત્યાંથી બચીને નીકળી ગયા. વારાણસી પહોંચતાં જ સૈનિકોએ પોતાને અલગ-અલગ ટુકડીઓમાં વહેંચી લીધા, જેથી બધા એકસાથે પકડાઈ ન જાય. કાફલો વારણસીથી બહાર નીકળ્યો તો 21મી મેકનાઇઝ્ડ રેજિમેન્ટે રસ્તો રોકી લીધો. બળવાખોર સૈનિકોને ઘેરીને ધરપકડ કરી લેવામાં આવી. એક ટુકડી બચીને નીકળી ગઈ, જેને અલ્લાહાબાદ નજીક સેનાની માઉન્ટેન ડિવિઝન અને પગપાળા સેનાની યુનિટોએ ચારેય તરફથી ઘેરી લીધી. થોડીવાર સુધી બંને તરફથી જોરદાર ગોળીબાર થતો રહ્યો. મોટાભાગના જવાનોએ આત્મસમર્પણ કરી દીધું. પછીથી તપાસ થઈ તો સામે આવ્યું કે આ બળવાનો લીડર સિપાહી ગુરનામ સિંહ હતો. પંજાબના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર રમેશ ઇન્દર સિંહ પોતાના પુસ્તક ‘Turmoil in Punjab Before and After Blue Star’ માં લખે છે- 'અધિકારીઓએ દરબાર ભરીને સૈનિકોને સમજાવવા જોઈતા હતા, પરંતુ એવું કરવામાં ન આવ્યું.' હવે જરા વાર્તામાં પાછળ જઈએ… ઓપરેશન બ્લૂ સ્ટારથી આશરે એક મહિના પહેલા એટલે કે 1 મે 1984ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી રામગઢ પહોંચ્યાં હતાં. તેમણે જવાનોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે ત્યાં હાજર જનરલને પૂછ્યું- ‘રાંચીથી અમૃતસરનું અંતર કેટલું છે?’ થોડી ક્ષણ રોકાઈને જનરલે કહ્યું- સીધી ટ્રેન જાય છે. જનરલ આ પ્રશ્ન પાછળ છુપાયેલી ઇન્દિરા ગાંધીની મનશાને સમજી ન શક્યા. ઓપરેશન બ્લૂ સ્ટાર પછી જનરલે બિહારના એ સમયના ગૃહ સચિવ એસ.એચ. ધનોઆને કહ્યું- ‘જો ઇન્દિરા ગાંધીએ આવનારી ઘટનાનો જરાય ઈશારો કર્યો હોત, તો અમે અમારા સૈનિકોને માનસિક રીતે તૈયાર કરી લેત.’ આનો ઉલ્લેખ રમેશ ઇન્દર સિંહે પોતાના પુસ્તકમાં કર્યો છે. રામગઢ પછી બળવાના સમાચાર રાજસ્થાનના શ્રીગંગાનગરથી આવ્યા. અહીં શીખ રેજિમેન્ટની 9મી બટાલીયનમાં વિદ્રોહ થઈ ગયો. આ એ જ બટાલીયન હતી, જેણે 1971ના યુદ્ધમાં નૌગામ સેક્ટરમાં પાકિસ્તાની સેનાને ખદેડી મૂકી હતી. બટાલીયનના સૈનિકો BBC પર પત્રકાર માર્ક ટલીનો અવાજ સાંભળી રહ્યા હતા- ‘અકાલ તખ્તને ભારે નુકસાન પહોંચ્યું છે. ભિંડરાંવાલે અને તેના કેટલાય સાથીઓ માર્યા ગયા છે.’ આ જ બટાલીયનમાં યુવાન સૈનિક તરલોચન સિંહ મનોચાહલ પણ હતો. તે ભિંડરાંવાલેના સહયોગી ગુરબચન સિંહ મનોચાહલનો ભાઈ હતો. તેનો સાથી હવલદાર જ્ઞાન સિંહ ‘રનર’ હતો. તે 400 અને 800 મીટરમાં એશિયાઈ ચેમ્પિયન રહી ચૂક્યો હતો. જ્ઞાન સિંહે કહ્યું- ‘સારા કડાહ પ્રશાદ ખા જાનેઓ, હુન કુછ કરો.’ એટલે કે ‘બધો કડાહ પ્રસાદ ખાધો, હવે કંઈક કરવાનો સમય છે.’ આ વાત તરલોચન અને તેના સાથીઓને ખૂંપી ગઈ. આગલી રાત્રે સૈનિકોએ શસ્ત્રાગાર પર દરોડો પાડ્યો. હથિયાર અને દારૂગોળો કાઢીને સેનાના પાંચ ટ્રકો પર કબજો કરી લીધો. 8 જૂનની રાત. આશરે 387 સૈનિકો છાવણીમાંથી નીકળી પડ્યા. રસ્તામાં લેફ્ટનન્ટ કર્નલ ઇકબાલ સિંહ સભરવાલના ઘર પર પણ ગોળીઓ ચલાવી. સિપાહી સતનામ સિંહ અને હવલદાર મેજર કરમ સિંહે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બળવાખોર સૈનિકોએ તેમની મારપીટ કરી. કાફલો અમૃતસર તરફ આગળ વધી રહ્યો હતો. ગંગાનગર પાસે પોલીસે નાકાબંધી કરી રાખી હતી. સૈનિકોએ જયકારો બોલાવ્યો- ‘જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ!’ ગોળીઓ ચાલી. નાકાબંધી તૂટી ગઈ. કાફલો હવે પંજાબના અબોહર-માલોટ રોડ પર હતો. અહીં 94 ફીલ્ડ રેજિમેન્ટના જવાનો પહેલાથી મોરચો સંભાળીને બેઠા હતા. ફરી ફાયરિંગ થયું. આગળની ગાડીઓ નીકળી ગઈ, પરંતુ પાછળની ત્રણ ગાડીઓ ફસાઈ ગઈ. એન્કાઉન્ટરમાં 13 સૈનિકો માર્યા ગયા. હવે સૈનિકો સમજી ચૂક્યા હતા- અમૃતસરનો રસ્તો સરળ નથી હોવાનો. તેઓ મુક્તસર પહોંચ્યા. કોઈ અડચણથી બચવા માટે પંજાબના આશાબુત્તર ગામ તરફ વળી ગયા અને નહેર કિનારે રસ્તા પર ચાલવા લાગ્યા. પરંતુ મોગા પાસે કોટ સુખિયા પહોંચતાં જ રસ્તો બંધ મળ્યો. સામે સેનાની ટેન્કો હતી. ચારેય તરફ ઘેરાબંધી. ટેન્કોની કમાન એક શીખ જનરલના હાથમાં હતી. તેમણે સૈનિકોને કહ્યું- ‘સ્વર્ણ મંદિરમાં લડાઈ પૂરી થઈ ચૂકી છે. અમૃતસર જઈને કંઈ હાસિલ નહીં થાય. આત્મસમર્પણ કરી દો.’ આગળ વધવાનો કોઈ રસ્તો નહોતો. છેવટે 387 સૈનિકોએ હથિયાર હેઠા મૂકી દીધા. તેમને સુરતગઢ લઈ જવામાં આવ્યા અને હથિયારો જપ્ત કરી લેવાયા. પછીથી કેસ ચાલ્યો. તરલોચન સિંહ અને ત્રણ સાથીઓને 14 વર્ષની સજા થઈ. જોકે, છ વર્ષ પછી વી.પી. સિંહ સરકારે તેમને માફી આપી દીધી. પરંતુ પછીથી 9મી શીખ બટાલીયનને ભંગ કરી દેવામાં આવી. આ પછી બળવાના સમાચાર જમ્મુ-કાશ્મીરના ઉરીથી આવ્યા. સમાચાર મળતાં જ કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી.એન. હૂન હેલિકોપ્ટરથી સીધા એ ફૂટબોલ મેદાનમાં પહોંચ્યા, જ્યાં સૈનિકો ભેગા થયા હતા. હૂને સૈનિકોને કહ્યું- ‘તમે લોકોએ રેડિયો પાકિસ્તાન પર જે સાંભળ્યું છે, તે જૂઠું છે. તમે પોતે અમૃતસર જઈને જોઈ લો.’ આ પછી તેમણે એક સવાલ કર્યો- ‘અહીંથી પાકિસ્તાન માત્ર બે માઇલ દૂર છે, જે પાકિસ્તાન જવા માંગતું હોય, તે હાથ ઊંચો કરે.’ મેદાનમાં સનાટો છવાઈ ગયો. એક પણ હાથ ન ઊંચકાયો. એક પણ ગોળી ચલાવ્યા વગર વિદ્રોહ પૂરો થઈ ગયો. લેખક રાજેશ ભટ્ટના પુસ્તક Radio Kashmir in Times of Peace and War મુજબ, ‘રેડિયો પાકિસ્તાન અને રેડિયો ત્રારખલ 1947થી 1989 સુધી કાશ્મીરીઓની ભાવનાઓ સાથે રમીને ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવતા હતા.’ ઉરી પછી જમ્મુના મીરાન સાહિબમાં પણ હલચલ વધી ગઈ. અહીં 18મી શીખ બટાલીયનના 80 સૈનિકો બેરેક છોડીને અમૃતસર માટે નીકળી પડ્યા, પરંતુ ગુરદાસપુર પહોંચતાં જ સેનાએ તેમને રોકી લીધા. સામે તેમના પોતાના જ સાથી સૈનિકો હતા. ન નારા લાગ્યા, ન ગોળીઓ ચાલી. હથિયાર જપ્ત કર્યા અને બધાને પાછા યુનિટમાં મોકલી દેવાયા. આ પછી સમાચાર આવ્યા 14મી શીખ બટાલીયનમાંથી. તેના 127 જવાનો અમૃતસર જઈ રહ્યા હતા. તેમને મહારાષ્ટ્રમાં પકડી લેવામાં આવ્યા. આ બાજુ, 11 જૂને આસામમાં ત્રીજી શીખ રેજિમેન્ટની છાવણીના 200થી વધુ સૈનિકો હથિયાર લઈને બહાર નીકળી આવ્યા. તેઓ અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઈ ગયા. જગ્યા હતી- અમૃતસર. કર્નલ જે.એસ. કહલો તેમને રોકવા પહોંચ્યા. હાથ જોડીને બોલ્યા- ‘રોકાઈ જાઓ. તમે ખોટું કરી રહ્યા છો.’ સૈનિકો ન રોકાયા. જોકે, થોડે દૂર વધતાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી. આ પછી ઠાણે, પુણે, અલવરથી પણ શીખ સૈનિકોના વિદ્રોહના સમાચાર આવ્યા. તમામ નાકાબંધી છતાં કેટલાક સૈનિકો અમૃતસર પહોંચી ગયા, પણ હથિયારો વગર. આમાં ચોથી હોર્સ રેજિમેન્ટના દફાદાર ગુરજંત સિંહ પણ હતા- સેનાની જીપ લઈને નીકળ્યા હતા, પરંતુ 4 સપ્ટેમ્બર 1984ના રોજ સ્વર્ણ મંદિર પરિસરમાંથી જ પકડી પાડવામાં આવ્યા. પછીથી થયેલી કાર્યવાહીમાં આશરે 365 બળવાખોર સૈનિકોને સેનામાંથી બરતરફ કરી દેવાયા. 277ને જેલમાં મોકલાયા. કે.એસ. બરાર લખે છે- ઓપરેશન બ્લૂ સ્ટાર પહેલાં જ ભિંડરાંવાલેની કેસેટો છાવણીઓ અને ગુરુદ્વારાઓ સુધી પહોંચી રહી હતી. આમાં અલગ શીખ હોમલેન્ડની માગ માટે સમર્થન માંગવામાં આવતું હતું. જ્યારે ઓપરેશન બ્લૂ સ્ટાર કરવામાં આવ્યું ત્યારે મીડિયા પર પ્રતિબંધ હોવાના કારણે સૈનિકો સુધી સાચી માહિતી પહોંચી શકી નહીં. રમેશ ઇન્દર સિંહના જણાવ્યા મુજબ- ઓપરેશન બ્લૂ સ્ટાર પછી દેશભરમાં આશરે 2,900 શીખ સૈનિકોએ બળવો કર્યો હતો. એક રિપોર્ટ મુજબ- આ બળવામાં કુલ 47 સૈનિકો માર્યા ગયા હતા. બાકીના ધરપકડ કરી લેવાયા. પરંતુ આ વાર્તા અહીં પૂરી ન થઈ. ઓપરેશન બ્લૂ સ્ટાર પછી પેદા થયેલો ગુસ્સો વધુ ઊંડો થઈ ગયો. ચાર મહિના પછી, 31 ઓક્ટોબર 1984ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ બે શીખ અંગરક્ષકોએ હત્યા કરી દીધી. આ પછી દિલ્હી સહિત દેશના કેટલાય ભાગોમાં શીખ વિરોધી હિંસા ભડકી ઊઠી. પંજાબ લાંબા સમય સુધી આતંકવાદ અને હિંસામાં ફસાયેલું રહ્યું. 24 જુલાઈ 1985ના રોજ રાજીવ ગાંધી અને સંત હરચંદ સિંહ લોંગોવાલ વચ્ચે કરાર થયો- ચંદીગઢ, નદી જળ વિવાદ, બરતરફ કરાયેલા લોકોના પુનર્વસન અને હિંસાના પીડિતોને વળતર જેવા મુદ્દાઓ પર સંમતિ બની. પરંતુ પંજાબનો ઘા આટલી જલ્દી રુઝાયો નહીં. 21 વર્ષ પછી, 11 ઑગસ્ટ 2005ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે રાજ્યસભામાં માફી માંગી- 'જે કંઈ પણ થયું તે રાષ્ટ્રીય ભાવનાની વિરુદ્ધ હતું અને તેથી મારું સર શરમથી નમી જાય છે.' આ બળવાનું બીજું એક મોટું કારણ હતું- શીખ સૈનિકોનો તેમના ધર્મ સાથેનો ગાઢ સંબંધ. અંગ્રેજોના સમયથી જ તેઓ ગુરુ ગ્રંથ સાહિબના સોગંદ લેતા આવ્યા છે, ધાર્મિક પરંપરાઓ યુદ્ધના મેદાનમાં પણ નિભાવતા રહ્યા છે. શીખો સાથે જોડાયેલી ત્રણેય રેજિમેન્ટનો યુદ્ધઘોષ છે- 'જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.' શીખ રેજિમેન્ટનો ઇતિહાસ પણ વીરતાથી ભરેલો છે- બે પરમવીર ચક્ર (1948માં કરમ સિંહ, 1962માં જોગિન્દર સિંહ), 24 મહાવીર ચક્ર અને 67 વીર ચક્ર તેના નામે છે. *************** રેફરન્સ: 1- Turmoil in Punjab Before and After Blue Star: By Ramesh Inder Singh 2- ऑपरेशन ब्लू स्टार का सच: केएस बराड़ की किताब 3- Radio Kashmir in Times of Peace and War : By Rajesh Bhat --------------------------------
    Click here to Read More
    Previous Article
    ફૂટપાથ પર સાડી વેચનારો બોલિવૂડમાં 'નંબર 1' પ્રોડ્યુસર:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વેવાઈ થાય, દીકરાનું અંગત જીવન રંગીન, ફ્લોપ કરિયર છતાં કરોડોની કમાણી
    Next Article
    50થી વધુ કરદાતાઓએ લાભ લીધો‎:ઇ-નગર પોર્ટલ ચાલુ, રૂ.2.82 લાખનો વેરો પાલિકામાં જમા

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment