Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:રંગભૂમિ-સાહિત્યના અદ્વૈતનું અજવાળું: ચં. ચી. મહેતા

    4 days ago

    જયેન્દ્રસિંહ જાદવ નાટક એ માત્ર છાપેલાં પાનાંઓ પર કેદ રહેવા માટે કે પુસ્તકાલયની છાજલીઓ પર ધૂળ ખાવા માટે સર્જાયેલું સાહિત્ય સ્વરૂપ નથી; તે જીવંત મનુષ્યો દ્વારા, જીવંત પ્રેક્ષકોની સામે, મંચ પર ભજવાતી એક સજીવ અને શ્વાસ લેતી કળા છે.’ આ એક અત્યંત સાદું પરંતુ વૈશ્વિક સત્ય છે, જેને ગુજરાતમાં સૌપ્રથમ વાર બૌદ્ધિક સ્પષ્ટતા અને સર્જનાત્મકતા સાથે પ્રસ્થાપિત કરવાનું ઐતિહાસિક શ્રેય ચં. ચી. મહેતાને ફાળે જાય છે. ગુજરાતી નાટ્યજગતમાં ‘ચં. ચી.’ અને ‘સી. સી. મહેતા’ના હુલામણા નામે અત્યંત આદરપૂર્વક ઓળખાતા આ સર્જકની સવા શતાબ્દી (125મી જયંતી) નિમિત્તે જ્યારે તેમના ઐતિહાસિક પ્રદાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ત્યારે સ્પષ્ટપણે સમજાય છે કે કઈ રીતે તેમણે ગુજરાતી રંગભૂમિને નૂતન આકાર આપ્યો. 6 એપ્રિલ, 1901ના રોજ સુરતની ઐતિહાસિક ભૂમિ પર જન્મેલા ચંદ્રવદન મહેતા એક એવા અલ્લડ, આખાબોલા અને સમર્પિત નાટ્યપુરુષ હતા જેમણે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ નાટક અને તખ્તાને ચરણે ધરી દીધું હતું. કવિતા, પ્રવાસવર્ણન, આત્મકથા અને વિવેચન જેવા સાહિત્યના અનેકવિધ સ્વરૂપોમાં અપ્રતિમ ખેડાણ કરવા છતાં, તેમના સાહિત્યિક સર્જનનો અસલ રણકાર તો રંગમંચના તખ્તા પર જ સંભળાતો હતો. તે કાળે ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગ અને ગાંધીયુગના અનેક દિગ્ગજ સર્જકો, જેમાં રણછોડભાઈ ઉદયરામ, કવિ નર્મદ અને કનૈયાલાલ મુનશી જેવા મહારથીઓનો સમાવેશ થતો હતો, તેઓ નાટકો લખતા હતા ખરા, પરંતુ તેમાંથી મોટા ભાગનાં નાટકો ‘ક્લોઝેટ ડ્રામા’ એટલે કે માત્ર વાંચવા પૂરતા સીમિત રહેતાં હતાં અથવા તો સાહિત્યિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બનતાં હતાં. બીજી બાજુ, જે નાટકો મંચ પર ભજવાતાં હતાં તે સાહિત્યિક દૃષ્ટિએ તદ્દન કંગાળ હતાં. સાહિત્ય અને રંગભૂમિ વચ્ચે એક બહુ મોટી ખાઈ ઊભી થઇ ગઈ હતી. ચં. ચી. મહેતાએ પ્રસ્થાપિત પરંપરાને તોડીને સ્પષ્ટપણે અને દૃઢતાપૂર્વક ઘોષણા કરી કે નાટક એ લાઇબ્રેરીના કબાટની શોભા વધારવા માટે નહીં, પરંતુ તખ્તા પર ભજવવા માટે છે. ચંદ્રવદન મહેતાએ જ્યારે યુવાનીમાં પ્રવેશ કર્યો અને સાહિત્ય તથા કળાના ક્ષેત્રમાં આંખ ખોલી, ત્યારે ગુજરાતી અને મરાઠી રંગભૂમિ પર વ્યાવસાયિક નાટ્ય મંડળીઓ અને પારસી થિયેટરનો ભારે દબદબો હતો. આ રંગભૂમિ પર મનોરંજનના નામે અત્યંત સસ્તી, અવાસ્તવિક અને કેટલીકવાર અશ્લીલતાની હદે પહોંચી જતી સામગ્રી પીરસવામાં આવતી હતી. નાટકો માત્ર પૈસા કમાવવાનું સાધન બની ગયાં હતાં. આ મંડળીઓના માલિકો પ્રેક્ષકોની તાળીઓ અને સીટીઓ ઉઘરાવવા માટે સસ્તા નુસખાઓ અપનાવતા હતા. પાત્રોનો અભિનય અત્યંત યાંત્રિક અને કૃત્રિમ રહેતો, સંવાદો અતિશય મેલોડ્રામેટિક રહેતા, અને મંચ પરનાં દૃશ્યો વાસ્તવિકતાથી જોજનો દૂર રહેતા. વળી, તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓ અને રૂઢિચુસ્તતાને કારણે એક બહુ મોટી ત્રુટિ એ હતી કે રંગમંચ પર સ્ત્રીઓની ભૂમિકા પણ પુરુષો જ ભજવતા હતા, જે ઘણીવાર હાસ્યાસ્પદ, અસ્વાભાવિક અને સ્ત્રીઓની ગરિમાને હાનિ પહોંચાડનારું લાગતું. 1920ના દાયકાની શરૂઆતમાં જ, કોલેજના દિવસોમાં ચં. ચી. મહેતાએ મુંબઈ ગુજરાતી નાટક મંડળી દ્વારા ભજવાયેલા ‘કોલેજ કન્યા’ (1925) નાટકમાં સ્ત્રીઓના અપમાનજનક અને વિકૃત ચિત્રણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને મુંબઈના બૌદ્ધિક વર્ગને સાથે રાખીને એક વ્યાપક જાહેર આંદોલન ચલાવ્યું. આ માત્ર એક નાટકનો વિરોધ નહોતો, પરંતુ તે કળાના નામે ચાલતા વેપાર અને જડ વ્યવસ્થા સામેનો પ્રચંડ શંખનાદ હતો. આ બળવામાંથી જ ગુજરાતી સાહિત્યમાં ‘અવેતન રંગભૂમિ’નો ઐતિહાસિક જન્મ થયો. અવેતન રંગભૂમિનો અર્થ એવો જરાય નહોતો કે તેમાં કળાનું મૂલ્ય નહોતું કે તે શીખાઉ લોકોની પ્રવૃત્તિ હતી; પરંતુ તેનો વાસ્તવિક અને ગહન અર્થ એ હતો કે કળાને વ્યાપારીકરણ અને નફાખોરીના દુષિત બંધનોમાંથી મુક્ત કરવી, અને સાચા, સમર્પિત કલાકારો દ્વારા, સમાજની વાસ્તવિકતાઓને અત્યંત પ્રામાણિકતાથી મંચ પર રજૂ કરવી. ચં. ચી. મહેતાએ સાબિત કર્યું કે નાટક એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ સમાજદર્શનનું એક અત્યંત પ્રભાવશાળી માધ્યમ છે. ચં. ચી. મહેતાએ અત્યંત કડક આગ્રહ રાખ્યો કે નાટકોમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ દ્વારા જ ભજવાવાં જોઈએ, કારણ કે પુરુષો દ્વારા ભજવાતાં સ્ત્રી પાત્રો ક્યારેય સ્ત્રીની સાચી સંવેદના, તેની પીડા કે તેના વ્યક્તિત્વને ન્યાય આપી શકે નહીં. 27 માર્ચને ‘વિશ્વ નાટ્ય દિન’ તરીકે ઊજવવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં પણ યુનેસ્કોમાં તેમની સક્રિય ભૂમિકા રહી. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવ અપાવવાની સાથે સાથે તેમણે પોતાના વતનમાં નાટ્યકળાના શૈક્ષણિક અને વ્યવસ્થિત વિકાસ માટે પણ ભગીરથ પ્રયાસો કર્યા. કળા માત્ર જન્મજાત પ્રતિભાથી જ નહીં, પરંતુ યોગ્ય વૈજ્ઞાનિક તાલીમથી પણ ખીલે છે તે વાસ્તવિકતા તેઓ બરાબર સમજતા હતા. તેથી જ તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં પર્ફોર્મિંગ આર્ટ્સ વિભાગના મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી અને સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત થિયેટરના વિધિસરના ડિપ્લોમા અને ડિગ્રી કોર્સની શરૂઆત કરાવી. તેમણે રંગભૂમિને માત્ર પરફોર્મન્સનાં માધ્યમ સાથે એક એકેડમિક ડિસિપ્લિનનો દરજ્જો અપાવ્યો. આ ઉપરાંત, એમ. એસ. યુનિવર્સિટીનું જે ‘યુનિવર્સિટી ગીત’ આજે પણ લાખો વિદ્યાર્થીઓ દ્વારા અત્યંત ગર્વથી ગવાય છે, તે પણ આ જ કવિ-નાટ્યકારની કલમે લખાયેલું છે. બ્રોડકાસ્ટિંગના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન અમૂલ્ય રહ્યું. 1938માં ઓલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી) મુંબઈ સાથે જોડાયા બાદ, 1954માં તેઓ અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર બન્યા અને અદી મર્ઝબાન જેવા દિગ્દર્શકો સાથે મળીને ગુજરાતમાં રેડિયો નાટકો અને ડોક્યુમેન્ટરી સંસ્કૃતિનો વ્યાપક વિકાસ કર્યો. ચં. ચી. મહેતાને માત્ર એક નાટ્યકારના ચોકઠામાં બાંધી દેવા તે તેમની બહુમુખી પ્રતિભાને અન્યાય કરવા સમાન છે. તેઓ એક ઉત્કૃષ્ટ કવિ, અદભુત પ્રવાસલેખક અને સાહિત્યિક આત્મકથાકાર પણ હતા. વિશેષ વાત એ છે કે, તેમના સમગ્ર સાહિત્ય સર્જનમાં, ભલે તે ગદ્ય હોય કે પદ્ય, એક અદૃશ્ય નાટ્યાત્મકતા સતત વણાયેલી રહેતી. તેમના ગદ્યમાં, ખાસ કરીને તેમની આત્મકથા અને પ્રવાસવર્ણનોમાં એક એવું અનોખું લાલિત્ય, વાર્તાલાપ શૈલી અને નિખાલસતા જોવા મળે છે જે વાચકને સીધા જ તેમની સાથે આત્મીયતાથી જોડી દે છે. તેમણે જીવનના અને પ્રવાસોના અનુભવોને ‘બાંધ ગઠરિયાં’, ‘છોડ ગઠરિયાં’, ‘સફર ગઠરિયાં’ અને ‘નાટ્ય ગઠરિયાં’ જેવા બહુચર્ચિત ગ્રંથોમાં અક્ષરબદ્ધ કર્યા છે. ‘નાટ્ય ગઠરિયાં’માં તો તેમણે દેશ-વિદેશના થિયેટરના પોતાના સ્વાનુભવો, વૈશ્વિક નાટ્ય શૈલીઓ અને રંગભૂમિના કસબીઓ સાથેના સંવાદોનો એવો દસ્તાવેજ રજૂ કર્યો છે કે જેના માટે તેમને 1971માં પ્રતિષ્ઠિત ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ એનાયત થયો હતો. 4 મે, 1991ના રોજ, 90 વર્ષનું અત્યંત સભર, સક્રિય અને કલામય આયુષ્ય ભોગવીને જ્યારે ચંદ્રવદન મહેતાએ આ દુનિયાના મંચ પરથી કાયમી વિદાય લીધી, ત્યારે તેમણે પોતાની પાછળ 26થી વધુ મૌલિક નાટકો, અસંખ્ય એકાંકીઓ, રેડિયો નાટકો અને વિપુલ વિવેચન સાહિત્યનો એક એવો સમૃદ્ધ વારસો છોડ્યો છે જે આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની રહેશે. તેમના આ પ્રચંડ સાહિત્યિક અને નાટ્ય પ્રદાનની નોંધ ખુદ રાષ્ટ્રે પણ લીધી. 1936માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1942માં નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા આ સર્જકને ભારત સરકારે 1962માં ‘પદ્મશ્રી’ના અત્યંત પ્રતિષ્ઠિત ઈલ્કાબથી નવાજ્યા હતા. કળા જગતનું વિશેષ સન્માન ગણાતી ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’ (Fellowship) પણ તેમને 1984માં એનાયત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં તેમની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે કાલાઘોડાથી ફતેહગંજ જતા માર્ગને ‘સી. સી. મહેતા માર્ગ’ નામ આપીને એક સાર્થક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કળા, સમાજ અને વિચારોના મુક્ત સંઘર્ષને આવકારતો તેમનો જ એક શાશ્વત સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે: ‘વિચારોને ટકરાવા દો, પણ હૃદયોને નહીં’ તેમની આ જ ઉદાર અને વૈશ્વિક દ્રષ્ટિ તેમને માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ વિશ્વ નાટ્યજગતના એક કાલાતીત નાટ્યપુરુષ તરીકે કાયમ માટે પ્રસ્થાપિત કરે છે. અંતે छ: ધ્યાન એટલે આપણે જ આપણામાં ખોવાવું. - આચાર્ય રજનીશ
    Click here to Read More
    Previous Article
    કોલાજ:સળિયા પાછળની સંવેદના: જેલથી મહેલ
    Next Article
    અમલપિયાલી:મળવું એ છુટ્ટા પડવાનો પ્રારંભ છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment