Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલાજ:સળિયા પાછળની સંવેદના: જેલથી મહેલ

    2 days ago

    હરદ્વાર ગોસ્વામી પોલીસ: તે લાલ લાઈટ કેમ તોડી? ભગત: મારે રામજન્મભૂમિ જવાનું છે એ બસ ચૂકી ન જાઉં એટલે. પોલીસ: સારું હવે પ્રસાદી આપીને જા છો કે કૃષ્ણજન્મભૂમિમાં મોકલું. ભગત: મને ગોકુલ પણ ગમે છે. પોલીસ : અહીં કૃષ્ણજન્મભૂમિ એટલે ગોકુલ નહીં પણ જેલ. પોલીસ સ્ટેશન શબ્દ કાને પડતા કેટલાકને પરસેવો છૂટી જાય છે અને જેલ શબ્દ તો લખલખું લાવી દે છે. કેદ અરબી શબ્દ છે, પણ કેદખાનામાં આવે ત્યારે બધા ગુનેગાર જ કહેવાય છે. અરબીમાં ગુનાખોરો માટે છટકબારી નથી. આપણે ત્યાં તો છટકબારીની વચ્ચે વચ્ચે ક્યાંય ક્યાંક કાયદાઓ છે. અનેક પીડિતાના ગુનેગારોની ખુદ જેલ પ્રતીક્ષા કરતી હતી, પણ અધમણ અફસોસ અને તેરમણનો ‘તો’ સામે આવે છે. સંજય દત્ત કેદખાનામાં હતો ત્યારે ભોગવેલી યાતના ‘સંજુ’ ફિલ્મમાં રજૂ થઈ છે. અલબત્ત એમાં સર્જનાત્મકતાને નામે છલોછલ છૂટછાટ હતી. સ્પાય-ઍક્શન સિક્વલ ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ને પ્રોપેગન્ડા ફિલ્મ કહેનારે ટિકિટબારીની ટંકશાળા તરફ પણ નજર ફેરવવી રહી. આ નવા હિન્દુસ્તાનની ફિલ્મ છે, પહેલાં દાઉદના પૈસે ફિલ્મ બનતી હતી હવે દાઉદ ઉપર ફિલ્મ બને છે. આજીવન કેદ ભોગવતી વ્યક્તિને જીવનનો મકસદ મળે છે, ગુમનામીની ગર્તામાં ખોવાઈ જાય છે અને સરેઆમ સંઘર્ષનો સામનો કરી ધુરંધરનો નવો અવતાર શરૂ થાય છે. એમાંય જો પકડાયા તો જાલિમ જેલની દર્દનાક દાસ્તાનનું અંત વગરનું એકાંકી શરૂ થાય. સંસારીમાંથી સાધુ બનો એટલે ભૂતકાળનો ભુક્કો બોલાવી બધુ ભૂલવું પડે, એવું જાસૂસની જિંદગીમાં પણ હોય છે. ‘હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ’ કહેનાર અસરાનીએ સાબરમતી જેલના કેદીઓએ બનાવેલાં ભજિયાં ખાધા હોત તો આંગળા ચાટતાં ચાટતાં કહેત કે ‘હમ સાબરમતી કે જેલર હૈ’. જેલની આ સ્વાદિષ્ટ પ્રવૃત્તિને જીભ અને જીવથી વખાણવી રહી. જેલમાં ગયેલી વ્યક્તિ બહાર આવીને ફરી પાછો અંધારી આલમમાં ગરક થઇ જાય છે, એ માટે સમાજે વિચારણા કરવાની જરૂર છે. બહાર નીકળેલા ગુનેગારને મજબૂર નહીં મજબૂત કરવા પડે. જેલનો સિક્કો લાગ્યો હોય એટલે બધા એની સામે શંકાની સોઈ તાકે અને નોકરી ન આપે તો એ બીજું શું કરે ? કેદખાનામાં પણ કેદીઓની વિચારધારા હકારાત્મક થાય એ માટે જેલરે જોવું રહ્યું. દીવમાં આવેલી સબજેલની રમ્યતા જોવાલાયક છે. સબજેલનું બાંધકામ આશરે 472 વર્ષ જૂનું છે. અસ્તિત્વવાદી ફ્રેંચ લેખક આલ્બેર કામુની ‘આઉટ સાઈડર’ નવલકથાનો નાયક મ્યુરસોલ્ટ જેલને પણ મહેલ ગણે છે. મહોરા વગરનો આ માણસ દુઃખમાં પણ સુખ શોધી લે છે, આપણે તો સુખમાં પણ પૂરેપૂરા સુખી થઇ શકતા નથી. પૂર્વ IPS ડી. જી. વણઝારા જેલમાં હતા ત્યારે ઉત્તમ કાવ્યો લખ્યાં હતાં. ચાર દીવાલો વચ્ચે રહીને સરસંધાન કરું છું, જેલ મહીં બેઠો-બેઠો એક હવે હુંકાર કરું છું. જેલમાં યોજાયેલા એક કવિસંમેલનમાં કેદીઓ એ જ કવિતા વાંચી હતી. જેમાં એ કેદીકવિઓનો સમાજ પ્રત્યેનો છૂપો રોષ પ્રગટ થયો હતો. મુક્ત મહેલની મહેચ્છા હતી. કેટલાક પોલીસ અધિકારીને સજા થાય અને જેલમાં જવાનું થાય ત્યારે એમની સ્થિતિ મૂંઝવણ ભરેલી હોય છે. જે જગાના અધિપતિ હોઈએ એ જ જગા પર ઇલ્જામ સાથે આશ્રિત થવાનું આવે એ જગતની સૌથી દુ:ખદ પળ છે. આવા અઘરા સમયમાં આપણા શુભેચ્છકોની સાચી ઓળખ પરેડ થાય છે. નેતાએ નવી જેલનું ઉદ્ઘાટન કર્યું હોય, વર્ષો પછી એ જ જેલમાં કેદી થયાના અનેક દાખલાઓ છે. સારો કવિ ન હોય તો એને સંચાલક બનાવી દેવાય એમ સારો માણસ ન હોય તો એને નેતા બનાવી દેવાય છે. કેદીઓની મનોદશાનો વિગતે અભ્યાસ થાય તો એમાંથી કેટલાય કૌતુકનો કેટલોય કાટમાળ નીકળશે. કરોડોના કૌભાંડ કરી જેલમાં ગયા હોય કે જીવનજરૂરી ચીજ માટે ચોરી કરીને જેલમાં ગયા હોય એ બધાની સંવેદનાનો સમ તો એક જ છે... આઝાદી અમે મુક્તિમહેલ. 1970માં નોબેલપ્રાઇઝ મેળવનાર રશિયન લેખક એલેકઝાન્ડર સોલ્ઝેનિત્સીને તાનાશાહી સામે શાહીથી જંગ છેડયો હતો. તેઓ કેદનું વર્ણન કરતા લખે છે કે ‘બે કેદી રહી શકે ત્યાં બાર જેટલાને રાખવામાં આવતા હતા. સંડાસ બાથરૂમ પણ કોટડીમાં જ કરવાના. મચ્છર અને ગંધને કારણે એક ક્ષણ પસાર કરવી પણ અસહ્ય હતી.‘ પ્રિઝન લિટરેચરનું સન્માનનીય નામ રિચાર્ડ લવલેસ ‘જેલ બર્ડ જિનિયસ‘ હતા. એમણે કહેલું કે ‘પથ્થરની દીવાલ જેલ બનાવી શકતી નથી અને લોખંડના સળિયા પીંજરું બનાવી શકતાં નથી.‘ બિહાઇન્ડ ધ બાર્સના સર્જકોનો છડીપોકાર છે કે ‘બુદ્ધિને કોઈ કદી કેદ કરી શક્યું નથી.’ આઝાદીના સમયે તો જેલભરો આંદોલન ચાલતું હતું. જેલમાં જવું એ ગૌરવની વાત હતી. મેઘાણીએ અઢળક સાહિત્ય જેલમાં સર્જ્યું હતું. ‘યુગવંદના‘ કાવ્યસંગ્રહમાં ‘કેદીનું કલ્પાંત‘ કાવ્યમાં કહે છે: ‘ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ ! ઊંચી ઊંચી ડાળના, હો લીંબડા!, મારે તું વિના ન કોઈની સગાઈ રે. — જેલનાં જીવન એવાં.’ કોન્વેન્ટ કલ્ચરે ‘મન મોર બની થનગાટ કરે‘ સિવાયનું મેઘાણીનું સાહિત્ય પણ સાંભળવું-વાંચવું જોઈએ. જેલની બારીમાંથી થતી સગાઓ સાથેની મુલાકાત સંજીવની સમાન હોય છે. આ ક્ષણો લંબાયા કરે એવી ઈચ્છા થાય છે. ‘મુલાકાત કા વક્ત ખતમ‘ કેદીઓ માટે સૌથી કર્કશ અવાજ છે. સવાઈ ગુજરાતી કાકા કાલેલકરને જેલમાં જ્યારે જુઓ ત્યારે લખતા અથવા તો વાંચતા હોય. રાજગોપાલાચાર્યએ કલમનો પંચમ સૂર ‘જેલ ડાયરી‘માં વ્યક્ત કર્યો છે. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથા ‘સત્યના પ્રયોગો’, લોક માન્ય તિલકનું ‘ગીતા રહસ્ય’, જવાહરલાલ નેહરુનું માસ્ટરપીસ ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ ઇત્યાદિ ઉત્તમ સાહિત્ય જેલમાં સર્જાયું છે. સર્જનાત્મક વ્યક્તિ લાગણીનું ઉર્ધ્વીકરણ કરી નિરાશાને દૂર ધકેલે છે. મૂઢમાર અને લોહીના ટશિયા એમનું સૌંદર્ય છે. જેમ પીડાનો આભાર માનવો રહ્યો કે એને કારણે જગતમાં ઉત્તમ કાવ્યો સર્જાયાં એમ જેલનો પણ આભાર માનવો રહ્યો કે ઉત્તમ સાહિત્ય પ્રાપ્ત થયું. કાળીધબ્બ કોઠડીને ઉલેચીશું તો એમાંથી આભ ભરીને પમરતો પ્રકાશ પ્રગટશે... આવજો : માણસે પક્ષીઓની જેમ હવામાં ઊડતાં અને માછલીની જેમ પાણીમાં તરવાનું શીખી લીધા પછી હવે પૃથ્વી ઉપર ચાલતાં શીખવાની જરૂર છે. - સર્વપલ્લી રાધાકૃષ્ણન
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સરળ પુનરાવર્તન માટે નોટ્સ હંમેશાં ટૂંકી બનાવવી
    Next Article
    અક્ષરનો અજવાસ:રંગભૂમિ-સાહિત્યના અદ્વૈતનું અજવાળું: ચં. ચી. મહેતા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment