Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:મેરિટલ રેપઃ સ્ત્રીના અધિકાર સામે પતિનો હક

    1 week ago

    મેરે ઘર કી અલમારી ખોલકર મૈં મેરે રખે હુએ સો રૂપયે નિકાલ લું, તો ક્યા મૈં ચોર હું?’ એક સ્ત્રી પૂછે છે બીજી સ્ત્રીને! એક યુવાન સ્ત્રી જ્યારે લગ્નની પહેલી રાત્રે પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ કરે છે ત્યારે એની જેઠાણી એને સમજાવે છે, ‘સ્ત્રીએ તો તન, મન અને ધન પોતાના પતિને અર્પણ કરી દેવાના હોય. એને આનંદ મળે એ જ આપણું સમર્પણ.’ આ સંવાદ છે ઓટીટી પર હમણાં જ રજૂ થયેલી એક સિરિઝ ‘ચિરૈયા’નો. ભારતમાં જે વિષય ઉપર વાત કરતાં પહેલાં જ સ્ત્રીને ચૂપ કરી દેવામાં આવે એવા સંવેદનશીલ છતાં ભયંકર ટેબૂ ધરાવતા વિષય પર એક સિરિઝ બનાવવાની હિંમત દિવ્ય નિધિ શર્માએ કરી છે. મૂળ બંગાળી સિરીઝનું હિન્દીમાં અડોપ્ટેશન કરીને એક એવા વિષયને છંછેડ્યો છે જેનો ભોગ ભારતની મોટા ભાગની સ્ત્રી બને છે, પણ વાત કરતાં ડરે છે. ભારતના કેટલાંય રાજ્યોમાં સ્ત્રીઓની આ જ માનસિકતાને કારણે લગ્નજીવનમાં થતી બળજબરી કે બળાત્કાર વિશે ફરિયાદ કરવાની કોઈની હિંમત થતી નથી. બેડરૂમના બંધ બારણાં પાછળ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બાંધવામાં આવતા સંબંધને ‘મેરિટલ રેપ’ કહેવામાં આવે છે, પરંતુ ભારતીય કાયદામાં આઈપીસી સેક્શન 375માં પતિ દ્વારા 18 વર્ષથી મોટી પત્ની સાથેના બળજબરીથી બાંધવામાં આવેલા સંબંધને બળાત્કાર ગણવામાં આવતો નથી એટલે એની કોઈ પોલીસ ફરિયાદ શક્ય નથી. ડોમેસ્ટિક વાયોલન્સ કે ક્રુઅલ્ટી (સેક્શન 498 એ)ના હેઠળ આની ફરિયાદ થઈ શકે છે, પરંતુ જો સાબિત ન થઈ શકે તો પતિ ગુનેગાર ગણાતો નથી. એનએફએચએસ (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે)ના 2020થી ‘25ના સર્વે મુજબ ભારતમાં પરિણિત મહિલાઓમાંથી 39 ટકા મહિલાઓએ ડોમેસ્ટિક વાયોલન્સનો અનુભવ કર્યો છે જેમાં મોટા ભાગની મહિલાઓએ સ્વીકાર્યું કે એમના પતિએ ક્યારેક તો એમને જબરદસ્તી સેક્સ માટે મજબૂર કરી છે. માસિકધર્મમાં કે ગર્ભાવસ્થામાં પણ પતિ સેક્સ માટે બળજબરી કરે એવા કિસ્સા સમાજમાં છે, પરંતુ એના વિશે વાત થતી નથી. ‘ચિરૈયા’માં ગભરાયેલી નવવધૂ બાથરૂમમાં બંધ થઈને પતિને કહે છે કે, એ માસિકધર્મમાં છે ત્યારે એનો બેશરમ પતિ એને કહે છે, ‘દિખાઓ.’ આ કયા પ્રકારનો અમાનુષી વ્યવહાર છે? પતિ પાસે માસિકધર્મમાં છે એવું સાબિત કરવા માટે નવવધૂ બ્લેડથી પોતાના પ્રાઈવેટ પાર્ટ પર ચીરા મૂકે છે... હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પતિ પહેલો સવાલ પૂછે છે, ‘શારીરિક સંબંધ ક્યારથી શરૂ કરી શકાય?’ આ પ્રશ્ન સાંભળીને આવા પતિ પર તિરસ્કાર તો આવે જ, પરંતુ એને ઉછેરનારી એની મા, કે જે પોતે પણ સ્ત્રી છે એના પર વધુ ગુસ્સો આવે. મા પોતાની જાતને ગમે તેટલી મોડર્ન સાબિત કરે, પરંતુ મોટાં ભાગની મમ્મી-કે મૉમ પણ પોતાના દીકરાને સ્ત્રીની સંવેદનાઓ, એના શરીરવિજ્ઞાન અને શારીરિક સંબંધ વિશેની ઝીણી પણ મહત્ત્વની બાબતો વિશે માહિતગાર કરતી નથી. દીકરો તો છોડો, દીકરીને પણ આવી વાતો કરતાં જે મમ્મી શરમાય છે એ મમ્મી પોતાની દીકરીને એક ભયાનક અત્યાચારના કૂવામાં ધકેલી દે છે. ભારતની મોટા ભાગની મહિલા માનસિક અને આર્થિક રીતે એના પતિ પર આધારિત હોય છે. આવા સંજોગોમાં પતિને નારાજ કરવાનું કે એનો ગુસ્સો વહોરવાનું સાહસ સ્ત્રીઓમાં હોતું નથી. આર્થિક રીતે સ્વતંત્ર હોય એવી સ્ત્રીઓને એમના પતિ ‘બહાર સંબંધ બાંધવાની’ ધમકી આપે છે, જે સ્ત્રી માટે અસલામતીનું સૌથી મોટું કારણ છે. આજે, 2026માં આપણે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી શિક્ષણની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ હજી સુધી ભારતીય પરિણિત સ્ત્રીને એની દબાયેલી માનસિકતામાંથી બહાર કાઢી શક્યા નથી! પતિ છોડી દેશે તો માતાપિતા નહીં રાખે...થી શરૂ કરીને બાળકોનું શું થશે, સમાજમાં લોકો વાતો કરશે અને સાસુસસરા સાથ નહીં આપે જેવા અનેક પ્રશ્નોનો સામનો આર્થિક રીતે પતિ પર આધારિત કે સ્વતંત્ર સ્ત્રીએ કરવો પડે છે. આપણા દેશમાં આજે પણ ‘સેક્સ’ વિશે વાત કરવી શરમજનક બાબત ગણાય છે. સેક્સ એજ્યુકેશનની વાતો ચોક્કસ કરીએ છીએ, પરંતુ જ્યારે કોઈ સ્ત્રી પોતાના પર બેડરૂમમાં થતા અત્યાચાર વિશે વાત કરે ત્યારે બાકીની સ્ત્રીઓ એનો સાથ આપવાને બદલે એને ચૂપ કરી દેવાનો કે એની મજાક ઉડાવવાનું વલણ ધરાવે છે. અમેરિકા, યુકે અને કેનેડામાં મેરિટલ રેપ પણ કોઈ પણ સામાન્ય રેપ જેટલો જ મોટો ગુનો છે. લગ્ન થયા હોવા છતાં સ્ત્રીની ‘કન્સેન્ટ’ (સંમતિ) અનિવાર્ય છે. ફ્રાન્સ અને જર્મનીમાં આને ક્રિમિનલ ગુનો ગણવામાં આવે છે. યુ. એ. ઈ. અને મધ્ય પૂર્વના દેશોમાં પુરુષ પોતાની પત્ની સાથે સંબંધ બાંધે એ એનો અધિકાર માનવામાં આવે છે જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં આ વિશે કોઈ સ્પષ્ટ કાયદા કે નોંધ મળતી નથી. વિદેશોમાં ફોર્સ્ડ સેક્સનું પ્રમાણ 6 થી 7 ટકા છે જ્યારે ભારતમાં 39થી 40 ટકા સ્ત્રીઓ આવા મેરિટલ રેપનો ભોગ બને છે. વિકસિત દેશોમાં આનું રિપોર્ટિંગ થાય છે એટલે એ વિશે આંકડાકીય માહિતી સરળ રીતે ઉપલબ્ધ છે, પરંતુ મધ્ય પૂર્વ, યુએઈ અને ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં જે કોઈ માહિતી ઉપલબ્ધ છે એ ખાનગી સંસ્થાઓ દ્વારા કરાયેલા સર્વેમાં પોતાનું નામ નહીં આપવાની શરતે સ્ત્રીઓએ આપેલી માહિતી પર આધારિત છે. પશ્ચિમમાં આ વિશે કાનૂની સહાય મળી રહે છે જ્યારે ભારતમાં આને રેપ તરીકે માન્ય ગણવામાં આવતો નથી માટે એની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં મેરિટલ રેપનું પ્રમાણ 70 ટકા કરતાં પણ વધારે છે જ્યારે નોર્થ ઈસ્ટના દેશોમાં 35થી 40 ટકા, દક્ષિણ ભારતમાં પણ 30થી 35 ટકા જેટલી સ્ત્રીઓ અંદાજિત રીતે મેરિટલ રેપનો ભોગ બને છે. મોટા ભાગે બંધ બારણે પતિ દ્વારા કન્સેન્ટ વગર બાંધવામાં આવતા શારીરિક સંબંધની ફરિયાદ કરવામાં સામાજિક શરમ નડે છે. પોતાના બેડરૂમની વાત બહાર ન જ કહી શકાય, એવું શિક્ષણ સ્ત્રીને સાવ નાનપણથી આપવામાં આવે છે. કદાચ, કોઈ સ્ત્રી આવી ફરિયાદ કરે તો પરિવારનું દબાણ-માતાપિતા તરફથી અને શ્વસુર પક્ષ તરફથી એટલું બધું હોય છે કે સ્ત્રી એકલી પડી જાય છે. આ વિશેની કાનૂની અસ્પષ્ટતા સ્ત્રીને રક્ષણ આપી શકતી નથી. ડિસેમ્બર, 2025માં શશી થરૂરે લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું. ભારતમાં મેરિટલ રેપને ક્રિમિનલ ગુના તરીકે માન્યતા આપવા માટે મુકાયેલું આ બિલ ચર્ચામાં રહ્યું, પણ પાસ થયું નહીં. 2013માં જસ્ટિસ વર્મા કમિટીએ કહ્યું હતું કે, મેરિટલ રેપને એક્સેપ્શન (અપવાદ) ગણવામાં ન આવે. બોધિસત્વ ગૌતમ વર્સીસ સુબ્રા ચક્રવર્તીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેપ એ જીવન અને સ્વાભિમાનનું ઉલ્લંઘન છે, પરંતુ આ મુદ્દો આજે પણ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. જસ્ટિસ સી. હરિશંકરે આ અપવાદ રહેવો જોઈએ એમ કહ્યું, જ્યારે જસ્ટિસ રાજીવ સાખડેકરે કહ્યું કે, લગ્નમાં પણ કન્સેન્ટ હોવું જ જોઈએ અને લગ્ન થઈ જાય એટલે સેક્સ ભોગવવાનું પરમેનન્ટ લાયસન્સ મળતું નથી. સ્ત્રીના શરીર પર પોતાનો હક હંમેશાં રહે છે, પરંતુ હજી સુધી આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ
    Next Article
    એન્કાઉન્ટર:કોઇ પૂછે, ‘કેમ છો’ ના જવાબમાં ‘મજામાં’ જ કેમ કહેવાય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment