Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ

    1 week ago

    ભગવાન વિષ્ણુ અંગેના ઘણા નામોલ્લેખ ‘રામચરિતમાનસ’માંથી મળે છે. એક નામ વિષ્ણુ. એને તુલસીએ ‘રમાપતિ’ પણ કહ્યા છે; એને ‘રમારમનં’ પણ કહ્યા છે. એ જ વિષ્ણુને ગોસ્વામીજીની લેખિનીએ ‘શ્રીપતિ’ પણ કહ્યા છે. એ વિષ્ણુને તુલસીએ ‘હરિ’ પણ કહ્યા અને આપણે પણ ‘હરિ’ કહીએ છીએ. ભગવાન વિષ્ણુને ‘નારાયણ’ પણ કહ્યા છે અને ‘લક્ષ્મીપતિ’ પણ કહ્યા છે. આમ વિષ્ણુનાં ઘણાં નામ છે. આ તો ‘માનસ’ને આધારે થોડી વાત. ‘માનસ’માં ગોસ્વામીજી તુલસીદાસજી લખે છે- બિસ્નુ ચારિ ભુજ બિધિ મુખ ચારી. બિકટ બેષ મુખ પંચ પુરારી. ગોસ્વામીજી કહે છે કે વિષ્ણુને ચાર હાથ છે, બ્રહ્માને ચાર મુખ છે. વિષ્ણુ ચતુર્ભુજ છે, બ્રહ્મા ચતુર્મુખ છે. બ્રહ્માના મુખેથી વેદ નીકળ્યા છે. ચાર મુખ એ ચાર વેદોનાં પ્રતીક માનવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુની ચાર ભુજા છે. અને આપણી આસ્થાએ વિષ્ણુના ચાર હાથમાં ચાર વસ્તુ પકડાવી છે - શંખ, ચક્ર, ગદા, પદ્મ. તો વિષ્ણુ ભગવાનની ચાર ભુજાઓ છે, જેમાં એક એક વસ્તુ આપણે પકડાવી છે, એમાં આપણો પોતપોતાનો કંઈક ભાવ પણ છે. શંખનો મતલબ છે વાણી. તુલસીએ કહ્યું છે, ‘કુંદ ઈંદુ દર ગૌર શરીરા.’ કંઠને, ગ્રીવાને શંખની ઉપમા આપવામાં આવે છે અને અવાજ એટલે કે વાણી-શબ્દ નીકળે છે કંઠમાંથી. ભગવાન વિષ્ણુના હાથમાં જે શંખ છે એ વાણીનું પ્રતીક છે. કોણ છે એ નર જેને આપણે નારાયણના રૂપમાં જોઈએ છીએ? આપણી વાણી એક તો શંખની જેમ ધવલ હોય, ઉજ્જવળ હોય. ઉજ્જવળ અને ધવલનું પ્રતીક છે નિર્દોષ વાણી, પવિત્ર વાણી, સૌમ્ય વાણી. તો મીઠી વાણી, મધુર વાણી હોય. ક્યા નરને આપણે નારાયણ સમજવા? એનું એક લક્ષણ છે, એનો એક સંકેત છે કે જેમની વાણી સૂલટી હોય, વામ ન હોય; જેમની વાણી ઉજ્જવળ હોય, પવિત્ર હોય અથવા તો નિષ્કપટ હોય એને નારાયણ સમજવા. વાણી ગંગાની ધારા જેવી હોવી જોઈએ. તો એ નરને નારાયણ સમજવા, એ માનવને વિષ્ણુ સમજવા કે જેમની વાણી નિષ્કપટ હોય. મારી સમજ મુજબ એક અર્થમાં શંખ એ વાણીનું પ્રતીક છે. આપણી વાણી એવી દીક્ષિત થાય અથવા આપણે મૌન રહીએ અને મૌન બહુ જ સભર હોય છે; મૌન ખાલી હોતું જ નથી. બધા જ જવાબોથી પૂર્ણ હોય છે મૌન. એટલા માટે દક્ષિણામૂર્તિના ગુરુ તો મૌન બેઠા છે અને શિષ્યોના સંશયો છિન્નભિન્ન થઈ જાય છે. મૌનનો ઘણો મહિમા છે. ઘણી તાકાત છે મૌનની. નિષ્કપટ થવાના બે ઉપાય છે. માણસ થોડું મૌન રાખવાનું શીખે તો ધીરેધીરે કપટ ઓછું થશે. અને ભીતરથી પવિત્ર થવાનું ભક્તિમાર્ગનું, પ્રેમમાર્ગનું બીજું સાધન છે સાધકનાં આંસુ. એમને યાદ કરતાં કરતાં માણસની આંખમાં જેટલાં આંસુ આવી જાય એટલો માણસ વધારે પવિત્ર થઈ જશે. દિલની પવિત્રતા માટે આંસુ જ તો છે. એટલે તુલસી કહે છે- મમ ગુન ગાવત પુલક સરીરા. ગદગદ ગિરા નયન બહ નીરા. ભગવાન વિષ્ણુના હાથમાં બીજું છે ચક્ર. ચક્ર ગતિનું પ્રતીક છે. ચક્ર પરિવર્તિત જીવનનું પ્રતીક છે અને ગતિ કે પ્રગતિ પોતાના હાથમાં હોવી જોઈએ, ઉધાર નહીં. ચક્ર આંગળીમાં છે. એ મારી ગતિ કરી દે, એ મારી પ્રગતિ કરી દે, એ મને સપોર્ટ કરે, એ બધું ઠીક છે; એનો સહયોગ લો પરંતુ માણસ સ્વયં ચાલવો જોઈએ. બુદ્ધ જેને કહે છે, ‘અપ્પ દીપો ભવ.’ ભગવાન વિષ્ણુના હાથમાં ત્રીજું છે ગદા અને ચોથું પદ્મ. ગદા કઠોરતાનું પ્રતીક છે, પદ્મ કોમળતાનું પ્રતીક છે. ગદા એક પકડનું પ્રતીક છે, કમળ અસંગતાનું પ્રતીક છે. ગદાને પકડવી પડશે કમળ સાવ સુકોમળ છે. કુસુમથી પણ કોમળ અને વજ્રથી પણ કઠોર એવા પરમતત્ત્વની આપણે પરિકલ્પના કરી છે. અલબત્ત, પુરાણોમાં વિષ્ણુનાં યુદ્ધ પણ દર્શાવવામાં આવ્યાં છે. તેઓ લડે પણ છે; ગદાનો ઉપયોગ પણ કરે છે. તો ગદા અને પદ્મ કઠોરતા અને કોમળતાનાં પ્રતીક છે. વિષ્ણુના બે હાથમાં એ છે. પદ્મવાળો હાથ વરદ છે, આશીર્વાદ છે. ગદાવાળો હાથ અભયદ છે. તો ભગવાન વિષ્ણુના હાથમાં આપણી મનીષાએ ચાર ચીજો પકડાવી છે એ ઘણી સાંકેતિક છે. (સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું
    Next Article
    માય સ્પેસ:મેરિટલ રેપઃ સ્ત્રીના અધિકાર સામે પતિનો હક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment