Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું

    1 week ago

    આપણે ટાઇમટેબલ બનાવીએ છીએ, કેલેન્ડરો ઊથલાવીએ છીએ. બજેટ બનાવીએ છીએ, ઠરાવો પસાર કરીએ છીએ, સંબંધો બાંધીએ છીએ. તેમ છતાં અચાનક એમાંનું ઘણું નિરર્થક બની જાય છે. જીવન ક્યારેય આપણા પ્લાન મુજબ ચાલતું નથી. કોઈ સવાર પ્રસન્ન ઊગે છે અને દિવસ આગળ વધે તેમતેમ પરિસ્થિતિ દુ:ખ અને ચિંતામાં ફેરવાઈ જાય છે. આખું વિશ્વ શાંતિથી જીવતું હોય ત્યાં જ કોઈ હિટલર કે કોઈ ટ્રમ્પ લોકોનું જીવવું દુષ્કર બનાવી દે છે. એનાથી વિપરીત ગાંધીજી જેવા મહામાનવો માનવજાતને ઘોર અંધારામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવવા અવતાર લે છે. જીવન એટલે જ અનિશ્ચિતતા. એ માનવસ્વભાવમાં છે, કુદરતમાં છે, આપણા દૈનિક વ્યવહારોમાં છે, ઘરમાં છે, રસ્તા પર છે, સંબંધોમાં છે અને આપણા વિચારોમાં પણ છે. કોઈને ખબર નથી કે આવતી ક્ષણે શું બનશે. એટલે તો આપણા કવિએ કહ્યું છે – ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. આ સત્ય માણસને બેચેન કરે છે, પરંતુ એ જ સત્ય જીવનને અર્થપૂર્ણ પણ બનાવે છે. દરેક વ્યક્તિ નિશ્ચિત સ્થિતિ ઝંખે છે. રાત પડે છે ને આપણે ઇચ્છીએ છીએ કે આવતી કાલે બધું આજના દિવસ જેવું જ હોય. નિયત આવક ચાલુ રહે, પરિવારમાં કંકાસ ન થાય, મિત્રો મૈત્રી નિભાવે, બોસની કૃપા રહે, શરીર સાથ આપે, હવામાન બગડે નહીં અને આપણે પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ આપણને પ્રેમ કરતી રહે. પરંતુ એવું બનતું નથી. અચાનક કશુંક બને છે અને જીવન ડહોળાઈ જાય છે. જીવનના પોતાના આગવા પ્લાન હોય છે અને એ તે મુજબ સ્ક્રિપ્ટ બદલી નાખે છે. ક્યારેક કોઈનો ફોન આવે છે અને સંજોગો બદલાઈ જાય છે. સામાન્ય વાતચીતમાંથી કારકિર્દીનો નવો માર્ગ ઊઘડે છે. તંદુરસ્ત માણસ બીમાર પડી જાય છે. પ્રસન્ન દાંપત્યજીવનમાં તડ પડવા લાગે છે. રસ્તામાં કે પ્રવાસમાં મળેલી વ્યક્તિ જીવનભર સાચી દોસ્ત બની આપણી પડખે ઊભી રહે છે. કશાયની ગેરેન્ટી નથી. સફલતા, સંબંધોમાં ઉષ્મા, પ્રતિષ્ઠા, આપણો મૂડ – કશું નિશ્ચિત નથી. જીવનમાં પૂર્વધારણા કામ આવતી નથી. બધાં ઇચ્છે છે કે જીવન એમણે પોતે પસંદ કરેલા માર્ગે ચાલે. એમ બનતું નથી, એ કારણે આત્મવિશ્ર્વાસ ડગી જાય છે, જીવનનો લય ખોરવાઈ જાય છે. હવે શું બનશે એવા ડરથી લોકો ચિંતાગ્રસ્ત રહે છે. વિચારકો કહે છે તેમ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે તો શું થશે એની ચિંતામાં લોકો વર્તમાનમાં શાંતિ ગુમાવી બેસે છે. અનિશ્ચિતતા ગાઢ ધુમ્મસ જેવી છે. આપણે જાણતા નથી કે આપણું આગલું પગલું સમથળ રસ્તા પર પડશે, કાદવમાં પડશે કે હવામાં અધ્ધર રહી જશે. શેરબજામાં ચઢાવઉતાર આવે છે. માવઠું થાય છે. ધરતીકંપ કે પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે. અણધાર્યા મેડિકલ રિપોર્ટ્સથી ફફડી ઉઠાય છે. ભલો લાગતો માણસ ક્રૂરતા આચરવા લાગે ત્યારે જીવનની અનિશ્ચિતતા અસહ્ય થઈ પડે છે. સંબંધોમાં અનિશ્ચિતતા સૌથી પીડાદાયક છે. સામાન્ય રીતે સ્નેહાળ વ્યક્તિ અચાનક ઠંડું વર્તન કરવા લાગે છે. જીવનભર સાથ આપવાના વચનથી બંધાયેલાં પતિ-પત્ની એકમેક પ્રત્યે લાપરવાહ બની જાય છે. સંતાનો મનસ્વી બનવા લાગે છે. સંબંધોમાં સાતત્યનો ભંગ થાય ત્યારે અનિશ્ચિતતાનો અનુભવ થાય છે. અનિશ્ચિતતા હંમેશાં દુશ્મન હોતી નથી. આપણે ધાર્યું ન હોય એવી કેટલીક સારી બાબતો પણ બને છે. વિપત્તિમાં કોઈ વ્યક્તિનું આશ્વાસનઆંતરિક બળ આપે છે. અનિશ્ચિતતા નવેસરથી વિચારવાની તક આપે છે. એક બિઝનેસમેનનું બધું ધ્યાન એના બિઝનેસ પર જ રહેતું હતું. એ કોઈ પણ પ્રકારનો વિલંબ સહન કરી શકતો નહોતો. એક દિવસ બહુ મોટો સોદો કરવા એ બીજે ગામ જતો હતો. રસ્તામાં એની કાર બગડી. ગામડાના વિસ્તારમાં દૂરદૂર સુધી મિકેનિક મળે તેમ નહોતો. એ વિચિલિત મને ચાની કાચી હોટલના બાંકડા પર બેસી ગયો. વૃદ્ધ ચાવાળો ચા લાવ્યો અને બોલ્યો: ‘સાહેબ, ક્યારેક મોડું થાય એ સારી વાત છે. તમને તમારા જીવન વિશે નિરાંતે વિચારવો સમય મળે છે.’ મિકેનિકની રાહ જોતાંજોતાં બિઝનેસમેન પહેલી વાર પોતાની જિંદગી વિશે ધ્યાનથી વિચારવા લાગ્યો. એને સમજાયું કે પૈસા પાછળની આંધળી દોટમાં એણે એની પત્ની અને સંતાનોને અન્યાય કર્યો છે. અનિશ્ર્તિતા દુનિયાને ધબકતી રાખે છે. હરપળ કશુંક અલગ બનવાની શક્યતા ન હોય તો જીવન નવીનતા ખોઈ બેસે છે. નવાંનવાં સાહસ કરવાની ઇચ્છા મરી જાય છે. જીવનમાં અણધાર્યા વળાંક ન આવે, આંચકા આપે એવી ઘટના બને નહીં અને સેકન્ડ ચાન્સની સંભાવના લુપ્ત થઈ જાય તો જીવન નીરસ બની જાય. જીવંત રહેવાની શરત અનિશ્ચિતતા છે. એ અગાઉથી વિચારી રાખેલી યોજનાઓમાં અવરોધ ઊભો કરે છે, પરંતુ આપણા ભ્રમ તોડે છે. અનિશ્ચિતતાથી સુવિધા ડહોળાય છે, પરંતુ એ વિકાસ કરવાની તક પણ આપે છે. અનિશ્ચિતતા આપણને જડ બનતા અટકાવે છે. લોકો રૂટિનમાં ફસાઈ જતા નથી, નવુંનવું કરવાની ધગશ જીવંત રહે છે. અનિશ્ચિતતામાં જ જીવનની ચાવી છે. અચાનક કશું અણધાર્યું બને અને લોકો પરેશાન થઈ જાય છે, છતાં ક્યારેક એ વરદાન પણ બને છે. અનિશ્ચિતતાને કારણે માણસને સમજાય છે કે એ સર્વશક્તિમાન નથી. એને લીધે લોકો કશાય વિશે ચોક્કસ રહેતા નથી. અનિશ્ચિતતાથી ધીરજનો ગુણ વિકસે છે. જીવન ક્યારેય પૂર્વનિર્ધારિત માર્ગે આગળ વધતું નથી. એથી જ જીવન જીવવા યોગ્ય લાગે છે. અનિશ્ચિતતા ભય જન્માવે છે, એમાં આશ્ચર્ય છે, દુ:ખ છે તો સાથેસાથે અનેક શક્યતાઓ પણ છે. સમજુ લોકો અનિશ્ચિતતા પર કાબૂ મેળવવા પાછળ સમય ગુમાવતા નથી, એનો સ્વીકાર કરી વર્તમાન અને ભવિષ્ય વચ્ચે તાલમેલ સાધે છે અને જીવનના પ્રવાહ પ્રમાણે તરવાની કોશિશ કરે છે.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર
    Next Article
    માનસ દર્શન:ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment